વિશ્વાસઘાતનું ઝેર


ફૂલછબ દૈનિક પેપર > નવરાશની પળ કોલમ > 29-08-2012  નો લેખ

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

સમજદારીએ આગલા બારણે ગૃહ – પ્રવેશ કર્યો

અને

માસૂમિયત પાછલા બારણેથી સરકી ગઈ…

સુવાસ એકદમ ચૂપ ચાપ બેઠેલો હતો.સામે ટીવીમાં કોઇ અંગ્રેજી ચેનલ ચાલી રહેલી પણ સુવાસનું ધ્યાન એમાં સહેજ પણ નહોતું.અવકાશમાં શૂન્ય નજરે સતત કંઇક શોધ્યા કરતો હતો. હાથમાં પકડેલા કોફીના મગમાંથી વરાળ નીકળી-નીકળીને એના રીમલેસ ચશ્માના કાચ પર ઝાકળબિંદુઓ રચતી જતી હતી.ઝાકળનું સામ્રાજ્ય ચશ્મા પર ધુમ્મસ વધાર્યે જતું હતું. પણ સુવાસના મગજ પર કોઇ બીજાનો જ કાબૂ હતો જે આ બધા કરતા વધુ બળવત્તર હતો.એનો ભૂતકાળ વારંવાર એની તરલ નજર સમક્ષ છ્તો થતો જતો હતો, દિલમાં  નાસૂર બનીને વધુ ને વધુ ઊંડે ખૂંપતો જતો હતો. માસૂમ – નિર્દોષ સુવાસ તકલીફોની દુનિયામાં ક્યાંક ખોવાઇ ગયો.

આહ..!

સામે પ્રીતિ-એની ખાસ મિત્ર ‌‌- સોફા પર બેઠી-બેઠી સુવાસના ચહેરા પર સતત અવર જવર કરતા ભાવ જોયા કરતી હતી.

સુવાસ-.જેની સાથે પોતે એક એક વાત ‘શેયર’ કરતી હતી.કોઇ પણ પ્રોબ્લેમ હોય બેઝિઝ્ક સુવાસ સામે મૂકી શકતી હતી.સુલઝેલા દિમાગનો, સરળ મગજનો અને વિશ્વાસુ એવો સુવાસ એને હંમેશા બરાબર માર્ગદર્શન આપતો હતો.પણ પોતાની તકલીફો પ્રીતિને કદી કહેતો નહતો.

‘સુહાસ, ધીસ ઇઝ ટુ મચ.શું વાત છે?ઘણીવાર હું તને આમ પીડાના મહાસાગરમાં ગોતા લગાવતા, ડૂબી જતાં જોવું છું.પણ તને કંઈ પણ પૂછુ તો ‘કંઈ નથી’ કરીને વાતને ઉડાવી દે છે. શું તને મારી પર વિશ્વાસ નથી? હું તને મારી નાનામાં નાની વાતો કહુ જ છું ને.મને તો તારી પર કેટલો બધો વિશ્વાસ છે.તો તું કેમ આમ ?’

‘પ્રીતિ ,મને તારી પર પૂરો -કદાચ મારી જાત કરતા પણ વધુ વિશ્વાસ છે.આવું ના વિચાર પ્લીઝ.’

‘તો કેમ તારું દુ:ખ મારી જોડે વહેંચતો નથી. દુ:ખો વહેંચવાથી ઓછા થઈ જાય છે. ભલે હું તને કંઇ મદદરુપ ના થઇ શકું પણ મને કહીને તારા હૈયાનો  ભાર તો હળ્વો થઈ જ જશે ને.’

‘પ્રીતિ, તું અત્યારની જે ભોળીભાળી અને કોઇના પણ પર વિશ્વાસ મૂકી દેનારી નિર્દોષ છોકરી છું ને એવો જ એક સમયે હું પણ હતો. હું પણ મારી વાતો મિત્રો જોડે શેયર કરતો હતો. પણ એ બધામાં બહુ વિશ્વાસઘાતનો સામનો કરવાનો વારો આવેલો. બહુ માર ખાધો છે તારા આ મિત્રએ ત્યારે સમજદારીની દેવી એના પર રીઝી છે. આ બધી પ્રક્રિયામાંથી પસાર થતા થતા હવે હું એવા લેવલે પહોંચી ગયો છું કે મારે મારા દુ:ખ કોઇને કહેવાની કદી જરુર નથી પડતી.થોડા સમયમાં આપોઆપ એની જાતે જ ઠીક થઈ જાય છે.કોઇને તકલીફો કહેતા મારે વારંવાર એ તકલીફોના દોરમાંથી પસાર થવું પડે છે.બધું નજર સામે ફરીથી ભજવાઇ જાય છે.દિલ પર આરી ફરતી હોય એવું ‘ફીલ’ થાય છે જે વધારે પીડાદાયક બની રહે છે.એના કરતા જ્યારે પણ ભૂતકાળની ભૂતાવળ આંખો સામે નાચે ત્યારે શાંતિથી એને જોયા કરું છું.મારા કોઇ જ પ્રકારના પ્રતિભાવ ના મળતા એ એની મેળે જ થાકી હારીને પાછી જતી રહે છે.પહેલાં કરતાં એ ભૂતાવળોની તીવ્રતા ઘટી ગઈ છે.થોડા સમયમાં  એ મૂળમાંથી જ નાબૂદ થઈ જશે મને વિશ્વાસ છે. જોકે મનોબળ મજબૂત બનાવવામાં મારામાંથી મારા સ્વભાવના ઘણા બધા અંશો પાછ્ળ છૂટી ગયા છે જે મને તારામાં આબેહૂબ દેખાય છે.મારો વિશ્વાસ ભલે તૂટતો- આખડતો – કચડાતો આવ્યો પણ તું મારામાં વિશ્વાસ મૂકી શકે એવો છું એનો મને ગર્વ થાય છે.મેં બહુ વિશ્વાસઘાત સહન કર્યા છે એની પીડા મને બરાબર ખ્યાલ છે.એટલે જ હું વિશ્વાસનું મહત્વ પૂરેપૂરું સમજુ છું. વિશ્વાસ્ઘાતના ડંખ મારીને એનું ઝેર કોઇને પણ ના આપુ એના માટે સતત સાવધ રહુ છું. જે મને નથી મળ્યું એ લોકોને મારામાંથી સતત મળી રહેનો આ આયામ છે!’

‘અરે પાગલ, મને તારી પર મારી જાત કરતા પણ વધુ વિશ્વાસ છે. પણ તારી આવી હાલતમાં હું તને કશું મદદ નથી કરી શકતી એનો અફસોસ થાય છે.પણ આમ મારી સમક્ષ તારી વાતો બોલતા ..ભૂતકાળના પોપડા ખોલતા તકલીફોના ઘા વધુ કોતરાતા હોય તો વાંધો નહી,રહેવા દે-ચાલશે.પણ તને કયારેય પણ મારી જરુર પડે તો હું કાયમ તારી સાથે છું.તેં તારા સ્વભાવના મૂલ્યવાન એવા  લાગણીશીલ પાસા ગુમાવીને મેળવેલી વિશ્વાસુ સમજદારી તારી કિંમતી જણસ છે.’

અને પ્રીતિ એનો હાથ પોતાના હાથમાં લઈને આશ્વાસન આપતી આપતી પંપાળી રહી.

અનબીટેબલ :- All communication problems are because we do not listen to understand, we listen to reply