સની લિયોન – નામ હી કાફી હૈ !


ગુજરાત ગાર્ડીઅન > ટેક ઇટ ઇઝી કોલમ > લેખ નં – 6 > 26-08-2012

http://www.gujaratguardian.in/26.08.12/magazine/index.html

‘બીગ બોસ’ એની ‘સિઝન 6’ માટે ધામધૂમથી તૈયારી કરી રહ્યું છે..અશ્લીલ ભાષા, ગાળાગાળી, માનસિક વિકૃતિની સરહદો પાર કરી શકવાની  અદભુત ક્ષમતા હોય એવા વાઘ – એનાકોંડાની સામે નવા નવા- ફિલ્મોમાં પગ જમાવવા તનતોડ મહેનત કરી રહેલા હોય,પરાણે નિવૃત્તિ  અપાઈ ગઈ હોય, સાવ નવરાધૂપ હોય અને રોયલ રીતે ‘બદનામીનું ભાથું’ વેચી ‘બેલેન્સ’ બનાવવા માંગતા હોય એવા દુષ્કાળ પીડિત -માયકાંગલા પશુધન જેવા કલાકારો(?)ને ખીલે બાંધી દેવાના ! ‘બીગ બોસ’ એટ્લે એક એવો ‘રીઆલીટી(!) શો ‘-જેની આખે આખી સ્ક્રીપ્ટ પહેલેથી જ લખાઇ ગઈ હોય, વિજેતા કોણ એ પણ પહેલેથી જ નકકી થઈ ગયું હોય છતાં આપણા મૂલ્યવાન વોટ થકી જ વિજેતા નક્કી થશેના ભ્રમ સાથે આપણે મનોરંજન(!) માણવાનું.

કોઇપણ સામાન્ય માનવી ના વિચારી શકે એ અમુક સર્જકો (!)વિચારી શકે.એમાં સારા- નરસા જેવા કોઇ ધારાધોરણ ના હોય, હોય તો ફકત છેવાડાના પરિણામોથી પણ ઉપરનું વિચારી શકવાની, યેન-કેન પ્રકારે સતત ચર્ચાસ્પદ રહેવાની તાકાત.આમ હોય તો તમે ચોકક્સ એક સફળ સર્જક થઈ શકો.આ વાતને મહેશભટ્ટે અનેક વાર સાબિત કરી છે. સાથે એ કહેવતને પણ સાબિત કરી કે ‘ગુરુ કરતા ચેલો સવાયો હોય’! ઓશોએ ‘સંભોગ સે સમાધી તક’ લખ્યું ને શિષ્ય ‘સમાધી સે સંભોગ તક’ની અનંત યાત્રા કચકડાની પટ્ટી પર કંડારે છે.

આ વખતે પણ એમણે પોતાના નવા મૂવી ‘જિસ્મ- ટુ’ વખતે આવો જ ધડાકો કર્યો. એ હિરોઈન તરીકે ‘બિગબોસ’ના ઘરમાંથી ભારતીય મૂળની કેનેડીઅન નાગરિક ‘એડલ્ટ મૂવી સ્ટાર’  સની લિયોન નામની ગોરી બલાને લઈ આવ્યા જેનામાં હજુ ‘દર્શનતત્વ ’ બાકી  છે અને એ પીરસવા અંદરનો સર્જક(!) તરફડી રહયો છે.

‘દેશી બોટલમાં વિલાયતી શરાબ’ એકવીસમી સદીની બોલિવુડ ફિલ્મ ઇંડસ્ટ્રીને મહાન ભેટ !

શું કહ્યું .. ‘કર્મા ફિલ્મના ડોં. ડેન જેવી થપ્પ્ડની ગૂંજ સંભળાઈ !

ફિલ્મ રિલીઝ થવાના સમયે મહેશ ભટ્ટ ચર્ચાનો પતંગ બને એટલી ભારે દોરીએ ચગાવવા માટે જાતજાતના વિધાનો બહાર પાડીને વાવાઝોડા સર્જે જ રાખે છે. જેમ કે, સની લિયોનને ‘લવ મેકિંગ સીન’ કરતી વખતે શરમ આવે છે. જેમ બધી ‘પીળી ધાતુ’ સોનુ નથી હોતી એમ બધી ‘ગોરીચિટ્ટી ‘ એડલ્ટ ફિલ્મની હીરોઇન બેશરમ નથી હોતી

– પોઝિટીવ થીન્કીંગની જય હો.

ઝીરો સાઈઝની બોલિવુડી હીરોઇન બનવાના મરણતોલ પ્રયત્ન સાથે પૂજા ભટ્ટ પાસેથી હિંદી શીખવાની તાલીમ લઈ રહેલા આ સનીબેન આપણા વિદ્યાબેન (ડર્ટી પિકચરના લાલ સાડીવાળા બેન યાદ આવ્યું ? ‘ઉહલાલા..મૈં એન્ટરટેઈમેન્ટ હું’ ની માળા ઝપી ઝપીને મણકા ઘસી કાઢેલા એ જ) ની એક્ટીંગથી બહુ જ પ્રભાવિત છે.

‘હુસ્ન કે લાખો રંગ, કોન સા રંગ .. દેખ..ઓ..ઓ…ઓ…ગે..?’

સની લિયોન પોતાની જેમ જ અતિચર્ચીત ફિલ્મ નિર્માત્રી એકતાકપૂરને મળવા ગયેલી ત્યારે પોતાના ચાહકોની ભીડથી બચવા એ બેનને આખે આખું શરીર ઢંકાય એવો બુરખો પહેરવાની ફરજ પડેલી.

આટલો બધો સમય કપડાંનો ભાર આ બેને કેમનો સહન કર્યો હશે? ઇશ્વર પણ કેવા કેવા સ્વરૂપે પીડા આપે છે !

આ સનીબેન પરણેલા છે( પુરુષવાંચકો માફ કરે, જાણીજોઇને દિલ દુભાવવાનો કોઇ ઇરાદો નહોતો) અને નોર્મલ સ્ત્રીઓની જેમ જ એને પણ એક ડેનિયલ નામનો વફાદાર પતિ  છે. ‘જિસ્મ- 2’ની કહેવાતી સફળતાથી હરખપદુડા થઈને એ લોકો કાયમ માટે ભારતમાં- મુંબઈમાં જ રહેવાનું વિચારે છે.

ભટ્ટ જેવા અન્ય કેમ્પસ માટે આઠેય પ્હોર આનંદના.

મૂવીના શૂટિંગ વખતે પોતાના ચાહકોથી બચવા સની પોતાના પતિની આંગળી પક્ડીને ચાલતી હતી અને ડેનિયલ એ ભારે ભરખમ ભીડમાંથી એનો ‘બોડીગાર્ડ’ બનીને બચાવ કરતો હતો.

ત્રણ કલાકનું *આખુ પિકચર જોઇને બહાર નીકળતી વેળા  દર્શકને પાછું વળીને પોસ્ટરની  ઝલક જોવા પર પાબંદી  !

એક જ પિકચરમાં બાપ -બેટી ભટ્ટે જેને હિંદી અને એક્ટીંગ બરાબર શીખવી દીધી છે એવા સની બેને નક્કી કરી લીધું કે એ હવે ‘પોર્ન ફિલ્મ્સ’ નહી પણ  હીરોઈન તરીકેનું સન્માનજનક  કામ જ કરશે.

એમ.બી.એ થયેલો વિધ્યાર્થી સાવ દસમા ધોરણની પરીક્ષા આપવાની ઇચ્છા વ્યક્ત કરે તો કેવું લાગે ?

હજુ તો સનીબેન ‘બોલીને એક્ટીંગ કરવી પડે’  એ દિશામાં પાપા પગલી માંડી રહ્યા છે ત્યાં તો એક સ્ટ્રોંગ હરીફ એની સામે કમર કસીને ઉભી થઈ ગઈ છે.  ઈન્ટરનેટ પર પોતાના હોટ વીડીઓ અને ફોટોગ્રાફ અપલોડ કરીને ચર્ચા-વિવાદોમાં ‘સમરકંદ-બુખારા’ની સમ્રુધ્ધિનેય માત કરી દે એવી પૂનમ પાંડેની એક કરોડની રકમ સાથે’ આઇ એમ 18’ (પ્રેક્ષકોના હવે પુરા ૧૨ વાગવાના નક્કી ) નામની સાઈન કરેલ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે.

એક તો ગ્લોબલ વોર્મિંગની તકલીફ છે એમાં આવી તીવ્ર હરિફાઈની ગરમીનો ઉમેરો. ઉફ્ફ..કોઇ પંખો ચાલુ કરો પ્લીઝ…

સનીબેનના એક ઇન્ટરવ્યુ પર નજર નાંખતા ખ્યાલ આવ્યો કે આ તો જીવનની જન્મધુટ્ટી પી- પચાવીને બેઠી છે..
– અભિનેતા અને પોર્ન અભિનેતા વચ્ચે મુખ્ય તફાવત શું હોય છે?

આ તો લોકોની મનની મૂંઝવણો હોય છે બાકી આ બે વચ્ચે કંઈ ખાસ તફાવત નથી હોતો.

સાપેક્ષ સમજ ! તમે સ્થિતીને જે પ્રમાણે જુઓ તે એવી હોય છે બરાબર અડધા ભરેલા ગ્લાસની જેમ.
– પોર્ન સ્ટારની ઈમેજમાંથી બહાર આવી શકીશ?
ના, લોકો મને આ જ ઈમેજમાં જોવાનું પસંદ કરે છે. આ ઈમેજમાંથી બહાર આવવું ઘણું મુશ્કેલ છે.-
હકીકતનો સ્વીકાર કરવાની જબરી જીગર !  સલામ એની ‘ડીમાંડ-સપ્લાયની થીયરી વાળી પાક્કી અર્થશાસ્ત્રી સમજને.
-તને ક્યારેય કાસ્ટિંગ કાઉચ (!)નો અનુભવ થયો છે?
ના, ક્યારેય થયો નથી થયો. હકીકતમાં પોર્ન ઇંડસ્ટ્રીમાં સ્ત્રીઓને પ્રેમ અને આદર આપવામાં આવે છે. બોલિવુડમાં આવું કંઈ થશે તો હું ફિલ્મોની ઓફર નહી સ્વીકારું.
હાયલ્લા, કોણ હસ્યું ! તમને ખ્યાલ નથી કે ‘કમળ હંમેશા કાદવમાં જ ઉગે છે.’
-એડલ્ટ ફિલ્મ્સમાં સીન્સ ભજવતા કોઇ મુશ્કેલી નથી અનુભવાતી ?
ના,ફિલ્મ્સમાં હું મારા પતિ સાથે હોવું એવી સાચી લાગણીથી જ સીન ભજવું છું.

લગ્નજીવનમાં દંપતિમાં અન્યોન્ય સાથે પણ બનાવટી લાગણીઓ આચરણમાં હોય ત્યાં કામને પૂરો ન્યાય આપવાના ચક્કરમાં આવી સો ટચના સોના જેવી વફાદારી ! (પાક્કી અભિનેત્રી )

-બોલિવુડની મસાલા ફિલ્મ કરવા માટે તૈયાર છે?
હા, બોલિવુડની એકદમ મસાલા ફિલ્મમાં કામ કરવા આતુર છું.

વિચારો અને વર્તનમાં કેટલું સામ્ય ! શું જોઇએ છે, જીવન કેમ જીવવું – એની દિશા-વિચારસરણી કેટલી કલીઅર કટ !

તો મિત્રો, ગ્લોબલ ભારતમાં આવા મહાન ‘સની દેવી’ પધારી રહ્યા છે. એના બધાય ભગતોનો વારો આવતો જશે એમ ઉધ્ધાર કરી- કરીને મોક્ષ અપાવતા જશે ! આ દેવીની જીવનસરણી – વિચારો પુસ્તક સ્વરૂપે બહાર પડાય તો પ્રકાશકોના ‘ઇકોતેર કુળ’ તરી જાય એ તો નક્કી.

-સ્નેહા પટેલ