અબળા નારી.


fulchhab paper > Navrash ni pal column > 22-08-2012 artical

 

નિષ્ફળતાનો પ્રશ્ન જ ક્યાં છે,
શ્રધ્ધા જાત ઉપર રાખી છે.

-મકરંદ મૂસળે

સુનિધિ એક બેંકમાં મેનેજરની પોસ્ટ પર નોકરી કરતી હતી. હંમેશા પોતાના કામમાં રત..ઢગલો કામના ખડકલા વચ્ચે પણ એ હંમેશા હસતી ને હસતી જ દેખાય. લોકો એના હસમુખા ચહેરાના શુકન કરીને દિવસની શરુઆત કરે જેથી એમનો દિવસ પણ સરસ અને સુનિધિ જેવો હસતા રમતા વીતે.

ઓફિસમાં નવા જ અપોઈંટ થયેલા જીગરને સુનિધિની અસાધારણ કાર્યક્ષમતા જોઇને બેહદ આશ્રચર્ય થતું. નવો નવો હતો અને નોકરીમાં જલ્દીથી આગળ વધવાની મહેચ્છાઓનો સાગર દિલમા ઉછ્ળતો હતો.. એક દિવસ મસ્કા મારવાના પ્રયત્નરુપે એણે સુનિધિને કહી  જ દીધુ,’મેમ તમે સાચે અનોખી સ્ત્રી છો..આટલું બધું કામ…સાથે ઘરની સામાજીક જવાબદારીઓ …સંતાનોના ઉછેરની – ભણતરની જવાબદારી વધારાની…બહુ ‘હેક્ટીક’ શિડ્યુલ હશે કેમ તમારા…?અમારે પુરુષોને તો કમાવા સિવાયની વધારાની જવાબદારી ના હોય..પણ તમારે સ્ત્રીઓને એક સાથે કેટલા કામ..એમ છ્તાં તમે હસતા હસતા એ જવાબદારીઓ નિભાવો છો..સાચે ધન્ય છે તમને..!

સુનિધિ બે પળ એની પાણીદાર આંખોની ધારદાર નજરથી જીગરને તાકી રહી..બે જ પળમાં મન પર કાબૂ રાખીને વળતો જવાબ વાળ્યો,’ જીગર..આમ તો કોઇને મારી પર્સનલ વાતમાં દખલ દેવાનો અધિકાર મેં ક્યારેય નથી આપ્યો..પણ તમે વાત કાઢી જ છે તો કહી દઉં કે તમે માનો છો એવું કંઈ જ નથી..જવાબદારી મારા અને મારા વર – બેય ના માથે છે..એને પણ ધંધાના ટેંશનો હોય,,હરીફાઇમાઁ ટકી રહેવાની મથામણો હોય..મારી અને સંતાનોની આશાઓ પૂરા કરવાના કોડ હોય… પોતાની તબિયતની ચિંતા કર્યા વિના દિવસ રાત એની દોડાદોડ…આ બધું પણ મારા કામ જેટલું જ અઘરું છે…વળી આજના જમાનાના પુરુષો ઘરમાં કોઇ પણ કામ કરતા નાનમ નથી અનુભવતા..એ મને ઘરના- બહારના બધા કામમાં સમય ફાળવીને પૂરતી મદદ કરે છે..પ્રેમથી નિભાવાતી સહિયારી જવાબદારીમાં ક્યારેય થાક ના લાગે..તો મને નથી લાગતું કે હું કંઇ ધાડ મારવા જેવા કામ કરતી હોઉં…તમે પણ મારા વિશે એવા ખોટા ખ્યાલોમાં ના રહેશો.કે કોઇ અફવાઓ ના ફેલાવશો..એકવારમાં વાત સમજી જાઓ તો બેટર છે..પહેલીવાર છે એટલે માફ કર્યા જેને તમે છેલ્લી વાર ગણી લેજો..બાકી જે થાય એની જવાબદારી તમારી પોતાની રહેશે..હવે તમે જઈ શકો છો..’

જીગરના ચહેરા પર પારાવાર નિરાશા ઝળકી ગઈ…સુનિધિની કેબિનમાં બેઠેલી એની સખી રશ્મિ એને વિચિત્ર રીતે નિહાળી રહી..

’સુનિધિ..આમાં ખરેખર આટલા રુડ થવાની જરુર હતી કે..?’

અને હળવા સ્મિત સાથે સુનિધી બોલી: ‘ રશ્મિ..એ મને એ વાતનું આશ્વાસન આપવા માંગતો હતો જેની મારે જરુર જ નહોતી….દરેક સ્ત્રીને પોતાના વખાણ – હમદર્દી બહુ ગમે તો એમ કરીને પોતાનો ઉલ્લુ સીધો કરી શકાશે એવી માંદલી માનસિકતાથી એનું મગજ સડતું હતું અને મને એની ગઁધ આવી ગયેલી..મારા ખ્યાલથી પોતાનું સ્વમાન સાચવવા માટે દરેક સ્ત્રીએ વર્ષો જૂની માનસિકતા બદલવાની જરુરી છે.. પોતાની જાતની દયા ખાવાની કે પુરુષો જેવા કામ કરી એની બરોબરી કરવાના નક્કામા પ્રયાસો છોડીને પોતાની પૂરતી કાર્યક્ષમતા પોતાની જવાબદારીઓને સુપેરે નિભાવવામાં વાપરવી જોઇએ.. દરેક સ્ત્રીએ આ એટીટ્યુડ રાખવો જ જોઇએ તો એ નક્કામી હમદર્દીઓથી બચી જશે..બાકી આવો લાલચુ ‘પુરુષ-પ્રધાન ‘ સમાજ તો તૈયાર જ ઉભો છે સ્ત્રીઓને  અબળા, બિચારી, અસુરક્ષિત ગણીને એને ઓર નબળી બનાવવા.પોતાની અલગ ઓળખ ઉભી કરવા માટે સ્ત્રીઓએ પોતે જ પહેલ કરવાની રહે તો ભવિષ્યમાં પુરુષ-સમોવડી જેવા ‘અન્યાયી’ શબ્દો જ નામશેષ થઈ જશે..

અનબીટેબલ : જવાબદારી જવાબદારી હોય છે..એને નિભાવવામાં સ્ત્રી – પુરુષ જેવા ભેદભાવ ના હોય.

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

સ્નેહા પટેલ