લગ્નપ્રસંગની રામાયણ


Gujarat Guardian > Take it easy  column > artical no -4 > 19-8-2012

આજ – કાલ લગ્નની સિઝન પૂરજોશમાં ચાલે છે.છેલ્લાં બે અઠ્વાડીઆમાં એક પોસ્ટમાં – બે ફોન પર અને બે જાતે પગે ચાલીને –એમ કુલ પાંચ કંકોત્રીઓ ઘરમાં આવી.

બધું એટલું ઉપરા-ઉપરી થઈ ગયું કે મારા જેવી ‘નબળી યાદશકિત’ની સ્વામીનીને ડચકા ખાતા મારા મગજના કોમ્પ્યુટરમાં એકસામટો આટલો ‘ડેટા’ સ્ટોર કરવો અઘરો થઈ પડ્યો. છેલ્લે દર વખતે મારો સાથ આપતી મારી પેન અને કાગળ લઈને બધું લખવા બેઠી..

આ રુપેરી મોર અને કેરીની ડિઝાઈનવાળી કંકોત્રી રમેશભાઈની દીકરીના લગ્નની છે.એમાં ‘ગ્રહ-શાંતિ’ અને ‘લગ્ન’ એ બે પ્રસંગોમાં હાજરી આપવાની છે.બીજી મરુન રંગની કંકોત્રી છે એ સુહાસિની – મારી ખાસ બહેનપણીના દીકરાના લગ્ન છે એની.એનામાં વીંટી પહેરાવવાની,કેક કાપવાની,સંગીત સંધ્યા,રીસેપ્શન વગેરેમાં હાજરી આપવાની છે.ફોન પર વરજીના ‘બિઝનેસ રીલેશન’ની અને દીકરાના ફ્રેંડની મોટી બહેનના લગ્નના નિમંત્રણ હતા. બેય તારીખો અને જગ્યા નોંધી.છેલ્લે પોસ્ટવાળી કંકોત્રી જોઇ તો એની અને મારી સખીના દીકરાના લગ્નની તારીખ એક જ હતી.એટલે એનામાં જવાનું તો પોસીબલ જ નહોતું.

આટલું લખતા લખતા તો મગજ ગોળ ગોળ ફરી ગયું. એસી થોડું ફાસ્ટ કરીને મગજને હળ્વું કરવાનો ‘ફૂલ ટુ’ પ્રયત્ન કર્યો. આ લોકો પરણે એમાં આપણને પરસેવો નીકળી જાય ! દીકરાની સ્કુલ,વરજીના  અને મારા ‘ટાઈટ મ ટાઈટ શિડ્યુલ’ એમાં આ  બધી તારીખો અને સમય એડજ્સ્ટ્ કરતાં કરતાં નાકેથી વધીને કપાળ સુધી દમ આવી જવાનો હતો.એમાંય એક લગ્ન તો રાજકોટ.એટલે ના છૂટકે એક આખો દિવસ એના નામે કરવો પડે.દલા તરવાડીની માફ્ક બે ચાર રીંગણાની જેમ બે ચાર કલાક એને ફાળવ્યે નહી ચાલે!

આટલા બધા સામાજીક વ્યવહારો કેમના નિભાવાશે ? ’કોને રાષ્ટ્રપતિ બનાવવા કે પાંચસોની નોટ પર કોનો ફોટો છાપવો’ આ બધી મહત્વની પંચાતો કરતી મારી જીંદગીમાં અચાનક ‘સ્પીડબ્રેકર’ આવી ગયું, બીપી હાઈ થવા લાગ્યું..

આપણા સમાજમાં આ વ્યવહારો સાચવાવાની એક સંસ્થા ખોલવી જોઇએ.  મારા વતી જઈને આટલો વ્યવહાર સાચવી આવજો,મારા વતી હાજરી પૂરાવી આવજો.લાઈફ કેટલી સરળ અને સુંદર ! વ્યવહાર પણ સચવાઈ જાય અને આપણી આળસ પણ ! પણ મારા કમનસીબે હ્જુ સુધી એવો ‘ધાંસુ’  આઈડીઆ કોઇને આવ્યો નથી એટલે નાછૂટકે મારા વ્યવહારો મારે જાતે જ પતાવવા પડશે..!

ફક્ત સાત દિવસ અને આઠ પ્રસંગ નીપટાવવાના !કઈ સ્પીડે વ્યવહાર પતાવવાના એનું બરાબર પ્લાનીંગ થઈ ગયું. શરુઆતના બે-ત્રણ પ્રસંગો સુધી તો વાંધો ના આવ્યો.પણ ધીમે ધીમે મારામાંનો ‘આળસુ – અસામાજીક જીવડો’ એના રંગ દેખાડવા લાગ્યો..

વરજીના ધંધાને લગતું લગ્ન હતું એટલે એક ચાંસ લઈ લીધો.

‘રાજકોટ તો નહી જવાય,આખો દિવસ મારાથી ના નીકળે.’

મારી બધીય ચાલ એ સમજતા હતા પણ નાદાન – ભલા ભોળા પતિદેવની જેમ મારી ‘હા માં હા’ મિલાવી.

‘હા,બરાબર.તું કેમની પહોંચી વળીશ.ચાલશે એ તો હું એકલો જઈ આવીશ.’

હાશ,તીર બરાબર નિશાના પર લાગેલું. બાકી એકની એક સાડી-દાગીના તરત તો કેમના પહેરાય ?  આપણી જોડે નવી નવી ડિઝાઈનની કેટલી સાડીઓ હોય ? વરજીએ મને ‘સાડી-ઘરેણા રીપીટેશન સંકટ’માંથી આબાદ ઉગારી લીધી.મનોમન હળવાશ અનુભવાઈ. રુમમાં એસીનું ટેમ્પરેચર 18 થી  21 સુધી લઈ જવાયું. 3 ડીગ્રી જેટલું સામાજીક ટેંશન ઓછું થઈ ગયું.

બાકીના ચાર પ્રસંગો હજુ ‘ગોવર્ધનપર્વત’ ની જેમ અડીખમ ઉભા હતા.જેને મારા નાજુક શિડ્યુલની છેલ્લી આંગળી પર ઉપાડવા જેવું અતિ મહાન કામ  કરવાનું હતું.

એવામાં દૂરના એક સગા મારા ઘરે બે દિવસનું રોકાણ કરવાનું વિચારીને અચાનક ટપકી પડ્યાં.દરવાજો ખોલતાં જ એમના હાથમાં બેગ-બિસ્તરા જોઇને મારા મોતિયા  જ મરી ગયા..હ્રદય એક ધડકન ચૂકી ગયું. પ્રેમમાં પડેલાંઓ નક્કામા વહેમ મારે છે કે અમારું દિલ ધડકન ચૂકી જાય છે.બહ્ અદભુત અને નવાઈની ફીલિંગ્સ.એમને મારી જગ્યાએ મૂકો તંઈ ખબર પડે કે અદભુત લાગણીઓ કેવી બિહામણી ભાસે છે.નવરા થઈને એક ધડકન ચૂકાઈ ગયાની કવિતાઓ લખી નાંખે અને અમારે અહીં આંખે અંધારા આવી જાય.કવિતા લખવાનું તો બાજુમાં વાંચવા – સાંભળવાના હોશ કોશ પણ ના રહે.

સંબંધીને ઘરે મૂકીને જઈએ તો પણ તકલીફ અને વગર નિમંત્રણે તો સાથે કેમનું લઈ જવાય ? એક પ્રસંગે પતિદેવે હાજરી પૂરાવી એકલા હાથે સાચવી લીધો.બીજામાં ઉભા ઉભા જઈને હાજરી પૂરાવી દીધી.ત્રીજો પ્રસંગ ઓવરડોઝમાંથી રાહતા મેળવવાના ઇરાદા સાથે મક્કમ મન કરીને છોડી દીધો.છેલ્લા પ્રસંગમાં સંબંધીએ સમજીને વિદાય લેતા અમે સહકુટુંબ જઈ શક્યા.આટલા પ્રસંગો ખાલી હાજરી પૂરાવવામાં જ વીત્યા.ખાસ કંઇ જમી જ નહોતા શક્યા.બધી કસ આજે પૂરી કરીશ એમ વિચારીને થોડા ઉમંગ સાથે  તૈયાર થયા.ચાંલ્લાના પૈસા  એટલીસ્ટ ક્યાંક તો વસૂલ થવા જોઇએ ને?

નસીબ આડે પાંદડું..અહીં તો મને આખે આખું ઝાડ લાગ્યું.કારણ,મેરેજના હોલ પર જઈને ધ્યાન ગયું કે આ તો જૈન સંબંધી.બધું જ જમવાનું જૈન. ઓહ્હ, પીળું પીળું પાણી જેવી ગ્રેવીવાળું પનીરનું શાક,પાપડ,સલાડ,પૂરી,ફ્લાવર વટાણા બધી સબ્જી ભેગી કરીને કોઇક વિચિત્ર ટેસ્ટ અને કલરનું ‘યુનિક’શાક..(આની રેસીપી કોણે શોધી હશે..હાથમાં આવે તો બે ધોલ ચોડી દેવાનું મન થઈ ગયુ) મહેનત તો બહુ કરાયેલી જમણવારમાં પણ લસણ ડુંગળીના ચટાકા લાગેલ આ જીભ પર હવે બીજો કોઇ સાદો સીધો ટેસ્ટ કેમનો અડે ! વળી પાણી જેવી ગ્રેવીવાળું શાક જેની પણ ડીશમાં હતું એમાંથી ઘણા  બધાંના કપડાં પર એના ટપકાં પડેલા દેખાતા હતા.એટલે એ શાકને અડવાનો તો કોઇ સવાલ જ ઊભો નહતો થતો.

એટ્લામાં આમંત્રક સંબંધી સામે આવીને ઊભા.

’બરાબર જમજો હોંકે. તમે આ પનીરનું શાક તો લીધું જ નથી.આખી ડીશ ખાલી છે.કેમ ના ફાવ્યું જમવાનું?”

‘જમવાનું તો એકદમ સરસ છે.પણ મારું પેટ છેલ્લા બે દિવસથી ખરાબ છે.એટલે પનીર ને બધું હેવી પડે રાઈસ અને કઢી જ લઈશ.

‘’ઓહ,ઓકે. જમજો પેટભરીને હોં કે’ અને એ ત્યાંથી ચાલ્યા ગયા.નસીબે પુલાવ પણ સાવ ફીક્કો.કઢીમાં ખબર નહી કયો જાતનો લોટ વપરાયો હતો તે મોઢામાં ચીકણુ ચીકણું લાગતું હતું.જેમ તેમ એ પતાવી છેલ્લે ત્રણ ગ્લાસ છાશના ગટગટાવી ગઈ.છેલ્લ્લો જપ્રસંગ.ધીરજ ધર મનવા..મનને મનાવી-પટાવી,યાદગીરીના ફોટા પડાવી, ચાંદલાનું કવર,શુભેચ્છાઓ પાઠવીને ‘છુટયાં’ના શ્વાસ ફેફસામાં ભરતા હવે છ મહિના કોઇ જ સામાજીક પ્રસંગો અટેંડ કરવાના ના આવેની પ્રાર્થના કરતા કરતા ઘર તરફ રવાના થયા.

http://www.gujaratguardian.in/19.08.12/magazine/index.html

સ્નેહા પટેલ.