Daily Archives: 17/08/2012
સત્યઘટનાનો હથોડો
જે અનુભવ્યું શબ્દ્શ: આપની સામે –
આજે મારી કામવાળી (થોડા વધારે જ) મૂડમાં હતી. કામની વચ્ચે એની બકબક સાંભળવાની મારી મજબૂરીનો કોઇ પર્યાય નથી.
એણે ફેંકવા માંડી,
‘ મારો દીકરો બહુ પ્રામાણિક. કાલે એની રીક્ષામાં એક બુનનો અછોડો બટકાઈને પડી ગયેલો. એણે તો હાથ પણ ના લગાડ્યો. બોલો’
(શું બોલું ?)
‘હમ્મ્મ..પછી ?’
‘પછી શું, એ બુનનો ફોન આવ્યો મારા ભુરિયા પર :
‘ભુરીયાભાઈ, એ અછોડો મારો છે, હું આવીને લઈ જઊં છું. ત્યાં લગી એને સાચવજો. બીજુ કોઇ આવે તો આપી ના દેતા ‘
‘હે..એ..એ…!! એ બુન આઈમીન બેન જોડે ભુરિયાભાઈનો નંબર ક્યાંથી આવ્યો ?’
બે મીનીટની ગહન ચુપ્પી.
‘અરે, એ તો વાતવાતમાં એણે સાંભળ્યો હશે તે યાદ રહી ગયો હશે. રસ્તામાં પેસેંજરો જોડે વાત કરવાની મારા ભુરિયાને ટેવ ખરી ને !’
‘ઓહ..એમ ..સાચ્ચે તમારો દીકરો બહુ ઇમાનદાર ! ‘
‘થોડા સમય પહેલાં એક ચાંદીના ગણપતિ હીંચકાસાથે ના એક લાલ બોકસમાં રહી ગયેલા..તે એ કોણ એના માલિકને શોધવા જાય હેં.. ? રાખી લીધા અમે ઘરમાં જ. હેયને રોજ મારો જયેશીયો એને ઝુલાવે છે..હવે કોને ખબર કોનું બોકસ હશે..આપણે કોઇને ડાહ્યા થઈને આપી દઈએ અને બીજુ એની ઉઘરાણી કરતું આવે તો આપણે ક્યાં જવાનું હેં બુન..?’
“અહ્હ…હ…હા..હા..બરાબર :-(‘
‘પ્રામાણિકતાનો જમાનો જ ક્યાં રહ્યો છે કેમ બેન. કૉઈનુ સારુ કરવા જતા આપણે જ ક્યાંક ભરાઈ જઇએ..એના કરતા બહુ ડાહ્યુય નહી થવાનું અને વળી આપણે ક્યાં કંઈ ચોરી કરવા ગયેલા હે…આપણા મનમાં ક્યાં કંઈ મેલ છે…? સારું ત્યારે..ચાલો..કામ પતી ગયુ. જઊં..બીજે ઠેકાણે આખું કામ બાકી પડ્યું છે હજુ ‘
તમારી જોડે આવા ખતરનાક અનુભવો થાય છે..થયા હોય તો પ્લીઝ શેર કરો..મારું મગજ ગોળ ગોળ ફરે છે.. આવી ‘ધડમાથા વિનાની વાતો સાંભળવાની શિકાર હું એકલી જ નથી થતી’ વિચારીને થોડી સાંત્વના મળશે.બીજું તો શું ..’
-સ્નેહા પટેલ