લવ મેરેજ – અરેંજ મેરેજ.


પટેલ સુવાસ મેગેઝીન > થોડામાં ઘણું સમજજો કોલમ  > ઓગસ્ટ માસનો લેખ -2,

‘આ તમારી પેઢી બહુ જ અણસમજુ.  લગ્ન જેવી જીવનભરના સંબંધોની વાતોને પણ તમે રમતમાં લો છો. થોડા તો ગંભીર બનો. જાતે જાતે છોકરાઓ પસંદ કરી લેવાના, ઘરના માટે ‘ઇન્ફોર્મની ફોર્માલીટી’ જ બાકી રાખવાની ! ‘લવ મેરેજ’ના ભૂત કેટલાંને ભરખી જશે શી ખબર !’

‘પણ મમ્મી,અમે જાતે પસંદગી કરીએ એમાં ખોટું શું છે ?’ કૃપાએ મમતાબેનને પૂછ્યું.

‘બેટા, વર્ષોથી જોતી આવી છું.આ ધોળા વાળનો અનુભવ બોલે છે કે,’મોટા ભાગના લવ મેરેજ લગ્ન પછી પ્રેમના બદ્લે છૂટાછેડાનું સર્જન વધારે કરે છે. પણ તમે નવજુવાનીયાઓ અમારું  કશું માનો છો જ કયાં ! પોતાની મનમાનીમાં અમૂલ્ય જીંદગીની પત્તર ફાડી કાઢો છો ‘

‘મમ્મી,અમને અમારી પસંદગીની વધુ ખબર પડે. વળી નવેનવ ગ્રહોની દશા જોઇ, કુંડળી મેળવી મેળવીને 28 જેવા ગુણાંકો મેળવવાના, છોકરો-એના ઘરબારની બહારથી પૂરેપૂરી માહિતી ભેગી કરવાની.આ બધા ભગીરથ કર્યો પછી કરાતા કેટલાંય ‘અરેંજ મેરેજ’ની નાવ પણ ડિવોર્સના કિનારે  પહોંચી જ જાય છે ને.એના કરતા જ્યારે મન મળ્યા એ જ શુભ ચોઘડિયું અને દિલને સ્પર્શયુ એ જ  સાચા ગુણાંકવાળી અમારી પેઢીની માન્યતા શું ખોટી ?‘

મારી આજુબાજુ શ્વસતી મધ્યમવર્ગીય જીંદગીમાંથી દર  બે – ચાર દિવસે આવી ‘લવ મેરેજ’ અને ‘અરેંજ મેરેજ’ ની બચાવ – વિરોધની દલીલો અચૂક કાને પડે.

દરેક લગ્નજીવનનો દાયકો તો જુવાનીના-આકર્ષણના નશામાં જ વ્યતીત થાય જ્યાં દિલની દાદાગીરી – લાગણીની જહોજલાલી હોય છે.

લવમેરેજ કરનારાઓને એક-બીજાને પહેલાંથી બરાબર જાણી – સમજી લેવાના ભ્રમ વધારે હોય છે એટલે અન્યોન્ય અપેક્ષાઓ પણ વધારે હોય છે. લગ્નના એક દાયકા પછી દિલ – લાગણીના નશાને બાજુમાં ખસેડીને બુધ્ધિશાળી દિમાગ પોતાનું કામ સંભાળી લેતા જીવનમાં જવાબદારીઓથી લદાયેલો પતિદેવ કે ઘરકામ અને છોકરાઓની પત્ની એકબીજાને તદ્દ્ન આસ્ચ્ર્યજનક રુપમાં જ જોવા મળે છે. ઘણી વાર મનોમન એ લોકો વિચારે કે:

‘ અરે, આને તો જાણે હું સાવ ઓળખતો/ ઓળખતી જ નથી એવું લાગે છે.’

તો સામે પક્ષે અરેંજ મેરેજ કરનારાઓની હાલત પણ આનાથી અલગ નથી હોતી. એમની સામે પણ દાયકા પછીનો સમય આવી જ અચરજ ભરેલ સ્થિતીઓના પટારા લઈને ઉભો હોય છે.

સામેવાળું પાત્ર તમે જાતે શોધેલું છે કે મમ્મી- પપ્પાએ એ વાતો એટલી બધી વાતોનો રત્તીભર ફરક આ બધી ઘટનાઓને નથી પડતો. મેરેજ તો મેરેજ  છે. પછી એને ‘લવ’નું શિર્ષક હોય કે ‘અરેંજ’નું. કાગડા બધે કાળા અને બગલા બધે ધોળા ! બેય સ્થિતીમાં કે ગમે તે સ્થિતીમાં સાચું સહજીવન તો લગ્ન પછી જ ચાલુ થાય છે. તમે એકના એક માનવી જોડે ચોવીસ કલાક વીતાવો, જ્યારે મન થાય ત્યારે ‘ઇઝીલી અવેઈલેબલ’ નો શરુઆતમાં મીઠો લાગતો પણ પછી ‘ઘર કી મુર્ગી દાલ બરાબર’નો ડાયાબિટીસીયો ડોઝ લો અને પછી રોજ રોજ નવીનતાને ઝંખવાની માનવ-સહજ નબળાઈઓના આકર્ષણો વચ્ચે તમારી સો ટચના સોના જેવી વફાદારીના સઢને મક્કમતાથી પકડી રાખો ત્યારે તમારા સહજીવનની નૈયા સુખરુપ ચાલી શકે. બે ય પક્ષની સમજ, અન્યોન્ય પ્રેમ, ધીરજ આ બધી બાબતો  પર જ સહજીવનનો પાયો વધારે ટકેલો હોય છે. લગ્ન પહેલાંનો પ્રેમ હોય કે પછીનો –પણ એ વફાદાર અને ટ્રાંસપરન્ટ  હોય તો જ લગ્નજીવન ટકે.

બેજવાબદારીમાંથી જવાબદારીઓથી લદાતા જવાની ઘટનાઓમાં અનુકૂળ –સાનુકૂળ પરિસ્થિતીઓ માનવીના રુપ –રંગ ધરમૂળથી બદલી નાંખે છે.આ જ કારણથી  જીંદગીના દરેક તબક્કે તમારો જોડીદાર તમને બદલાયેલો લાગે છે. કાલે તમે એને જેવો માનેલો  એ ધારણાઓથી આજે તદ્દ્ન અલગ રીતે વર્તન કરતો પણ જોવા મળે. હકીકતે માનવી સમૂળગો ક્યારેય નથી બદલાતો અમુક અંશે આપણો દ્રષ્ટીકોણ –સમજણ બદલાય છે  જેના કારણે સુખદ –દુ:ખદ ઝાટકાઓ અનુભવાતા રહે છે. આવા  સંવેદનાશીલ ઝાટકાઓની તીવ્રતા કોઇ સાધનથી નથી માપી શકાતી.

વળી દરેક લગ્નજીવન અલગ અલગ હોય છે. ‘પેલાના લગ્નમાં આમ બન્યું એટલે મારી સાથે પણ આમ જ બનશે’ એવા સમીકરણોની રચના થાય એ પહેલાં જ એને મગજમાંથી સમૂળગી ડીલીટ કરી દેવી જ હિતાવહ છે. ‘કમ્પેરીઝ્ન’ કોઇ પણ લગ્ન-જીવન માટે ઊધઈ જેવું કામ કરે છે.

એ બધા પાસાઓ પર ધ્યાન કેંદિત કરવાના બદલે આપણા પ્રિય પાત્રની નબળાઈઓને સમજો , એ સુધરી શકે તો પ્રેમ અને ધીરજના સીંચન કરીને સમજણનો છોડ વાવવાનો યત્ન કરો અને  સમજ્ણ ના જ ઉછરી શકતી હોય તો એની ખોટ આપણી સમજ – ઉદારતાથી પૂરી કરીને એને જેવો છે એવો સ્વીકારી લો. બસ – આ જ છે સુખી લગ્નજીવનનો મંત્ર. પછી એ ‘લવ મેરેજ’ ના રેપરમાં વીંટળાઇને જાતે મેળવેલી ગિફ્ટ હોય કે મા – બાપે શોધીને આપેલ ‘અરેંજમેરેજ’ ના રેપરમાં !

-સ્નેહા પટેલ.