ધ્યાનભંગ


ગુજરાત ગાર્ડીઅન દૈનિક પેપર > ટેક ઈટ ઇઝી > 12-08-2012 નો લેખ.

ટચ સ્ક્રીન મોબાઈલમાં  મેસેજ ટાઈપ કરતી કરતી  મારા ત્રણમાળીઆ ફ્લેટમાંથી નીચે ઉતરતી હતી. લિફટ ચાલુ હતી પણ આજે સીડીઓ ઉતરવાનું મન થયેલું. રોજની આદત હતી એટલે ‘ટપ ટપ ટપાક..’ રીધમમાં દાદર જાતે જ ઉતરાઈ જતા હતા.એકાદ દાદરે થોડો પગ વધારે પછડાય તો કો’કાદમાં ઓછો.ત્યાં તો છેલ્લાં દાદરે એક મોટી તકલીફ એનું વિકરાળ જડબું ફાડીને બેઠી મતલબ કે સૂતેલી હશે એનો તો ખ્યાલ જ ના આવ્યો.ટૂંટીયું વાળીને બેઠેલું એક ધોળિયું કૂતરું ‘પેટ્રોલના ભાવવધારા’ની જેમ અવળચંડાઈ પર ઉતરેલું.સાવ ખૂણામાં છુપાઈ ગયેલું.આપણે તો ‘મોબાઈલ ધ્યાનસ્થ.’ પગ સીધો કૂતરાની પૂંછડી પર.

ખરી તકલીફ તો એ કે એ ટૂંટીયાધારી કૂતરું સાવ જ અભણ નીકળ્યું. એને બિચારાને શું ખબર કે  આ દાદરેથી એક મહાન લેખિકા એમના મોબાઈલમાં આજે થનારા સદીના સૌથી મહાન ગ્રહણનો મેસેજ લખતા લખતા દાદર ઉતરી રહ્યાં છે તો એને માન આપવા-એમનો આદર સત્કાર કરવા નીચી મુંડી કરીને એમના રસ્તામાંથી ખસી જવું જોઇએ.એ તો બિચારો નિર્દોષ. એટલે એણે મને કંઇ ખાસ ભાવ આપ્યો નહીં.પોતાની મખમલી પૂંછ્ડી પર પડેલો પગ કોઇ નાજુક નમણી યુવાન સ્ત્રીનો છે કે ભારે ભરખમ કાયા ધરાવતી કોઇ મારવાડણનો જોવાની દરકાર પણ ના કરી ને ક્ષણના ય વિલંબ વિના ટપાક દઈને ઉભું થઈને બચકુ ભરવાના ઇરાદા સાથે મોં ખોલીને મારી તરફ લપક્યું..

શાર્પ છ્ઠી ઇન્દ્રીયના વરદાનના કારણે આપોઆપ જ મારા પગ બાજુમાં રહેલા પિલર તરફ વળ્યાં.મોબાઈલ હાથમાંથી છૂટી ને જમીનદોસ્ત થઈ ગયો. લેખિકા – ફેખિકાનો બધોય નશો પળભરમાં છુઉ ઉ ઉ..આ ‘મોબાઇલ ધ્યાનભંગ’ એ ‘વિશ્વામિત્રના તપોભંગ’ કરતાં પણ વધુ દુ:ખદ. ધીમેથી મેં પિલ્લરની પાછળથી મોં કાઢ્યું. જોયું તો  મારો મોબાઈલ સાવ જ છેલ્લી પાટલીએ જઈને બેઠેલો.એની બેટરી નીકળી ગયેલી,કવર ક્યાંય દૂર જઈને પડેલું અને વધેલા ઘટેલા અવશેષો સલમાનખાનની જેમ નંગધડંગ હાલતમાં જમીનદોસ્ત.મારા તાજા ખરીદાયેલા બે વર્ષની તપસ્યા બાદ માંડ મળેલ પ્રિય મોબાઇલની હાલત જોઇને આંખમાં આંસુ આવી ગયા. પેલું કૂતરું પણ અચરજભરી નજરે મને નિહાળી રહ્યું કે હજુ મેં આને કંઈ જ કર્યુ નથી તો  આ રડે છે કેમ ?સાવ ડોબી જ છે એ.જોકે એને કેમ કહું કે ડોબી હું નહી ડોબો તો તું છે.આટલા કિંમતી મોબાઈલની પણ સમજ નથી.એવામાં એક પગ ઉંચો કરીને મોબાઈલ ઉપર જ પોતાનું મહત્વનું કામ પતાવી ‘ડોબાપણાની ચરમસીમા’ બતાવી આપી..હવે અરસપરસની આ ‘ડોબા પ્રૂવ’ કરવાની પ્રક્રિયા બાજુમાં ખસેડાઈ ગઈ અને મારા આંસુમાં હવે થોડી ચીતરી ઉમેરાઈ.ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને એકદમ જ પીલરની બહાર આવી ગઈ.મારા આ એકદમના આગમનથી કૂતરું પાછું એકદમ એલર્ટ થઈને ‘સાવધાન’ની સ્થિતીમાં આવી ગયું અને પોતાની મખમલી પૂંછ્ડીનું તાજું અપમાન યાદ આવી ગયું..એ મારાથી ‘ડરતું હતું કે મને ડરાવતું હતું’ એની અવઢવમાં હું બે પળ ફસાઈ.

ત્યાં તો એણે એકદમ જ મારી દિશામાં દોટ મૂકી જેનાથી હું શ્યોર થઈ ગઈ કે આ ‘વેરના વળામણા’ કરવાના જબરદસ્ત મૂડમાં છે ’ભાગો’ અને હું પીલરની ગોળ ફરતે ચકકર ચક્કર ભમવા લાગી.મને આમ ગોળ ગોળ ફરતી જોઈને કૂતરું આને ‘ભરતનાટ્યમ કહેવાય કે કથ્થક’ જેવા અસમંજસના ભાવમાં ડઘાઈને મને જોઇ જ રહ્યું.પછી એકદમ જ કાન ટપાટપ કરીને હલાવ્યા અને માથું હલાવીને બધી વિમાસણોનો અંત આણ્યો.વળતી જ પળે ‘યા હોમ’ કરીને મારી પાછળ દોડ્યું.આ દોડાદોડીમાં અચાનક મારી સ્લીપરનો છેડો પાછ્ળથી એના મોઢામાં આવી ગયો જે એણે કચકચાવીને પોતાના મોઢામાં ફસાવી લીધો.

ઉપરવાળાએ મને ફકત મોઢાની આગળની સાઈડ પર જ આંખો આપેલી છે. એથી કૂતરાની આ ‘સ્લીપરપકકડ’ની મને તો જાણ નહોતી. જોકે ઇશ્વરને પોતાની એ ભૂલ પર પસ્તાવો થતાં પાછળથી બીજી બે આંખો જેવા ચશ્માનો આશીર્વાદ વરસાવેલો, પણ એ આશીર્વાદી આંખો પણ મારે આગળની જ બે આંખો પર જ ગોઠવવી પડે એમ હતું. પાછળ આંખો ચોંટાડવાના ચકકરમાં પડું તો ‘ના ઘરની રહું ના ઘાટ’ની મતલબ ના તો આગળ સરખું જોઇ શકું કે ના પાછળ..

માથાની પાછળની બાજુએ આંખો ના આપવાની ભયંકર ભૂલો ઇશ્વર કરે અને પરિણામ આપણા જેવા માસૂમોને ભોગવવાનું આવે.

કૂતરો  ચંપલ પર એકહથ્થું શાસન ધરાવતો હોવાથી હું બેલેન્સ ના રાખી શકી.ભલભલાના મગજ ઠેકાણે લાવી દઈને બેલેન્સ કરી શકવાનો ગર્વિલો દાવો ઠોકતી હું આજે પોતે જ બેલેન્સ ગુમાવીને જમીન પર ધડામ.

છેલ્લાં બે વર્ષથી જમણીબાજુની ડહાપણની દાઢ દુઃખતી હતી.ડહાપણની દાઢમાં પોતાનામાં જ ડહાપણ નહોતું એટલે એ આડી અવળી આવતી હતી.ગાલની અંદરની બાજુએ રોજ ઘસરકાં કરતી હતી પણ સીધી રીતે બહાર નહોતી આવતી.હવે એનામાં જ ડહાપણ નહોતું તો એ આપણને શું ડહાપણ આપવાની ધૂળ ને ઢેફાં.

‘દુનિયામાં જાતજાતના તૂત રામ નામ લખ્યાં વગર પણ એમણે જ તરી જાય છે.’

પડી ત્યારે એ દાઢની જગ્યાએ થોડું ખારું ખારું ગરમ ગરમ પ્રવાહી જેવું કંઇક રેલાતું લાગ્યું.બે ઘડી તો મગજ સુન્ન થઈ ગયું. સામે પેલો ધોળિયો મારી સામે એની આંખોમાં વિજયના ભાવ સાથે માત્ર અડધા ફૂટની દૂરી પર જીભ બહાર કાઢીને હાંફતો હાંફતો ઉભો રહી ગયેલો..’પડેલાંને પાટું મારે એ બીજા’ જેવી ઉચ્ચ ભાવના દર્શાવતો હતો. એની એ લપકારા મારતી જીભની બાજુમાં રહેલ મોટો દાંત જોઈને મારા ભેજામાં ટ્યુબલાઈટ થઈ અને અમદાવાદી જીવ ખુશ થઈ ગયો.ઉભા થવાની દરકાર કર્યા વગર એક આંગળી મોઢામાં નાંખીને દાંત ચેક કર્યા. જો દુઃખતી દાઢ જ પડી ગઈ હોય તો એ અવળચંડીને સુધારવાનો ખર્ચો બચી જશે અને પેલી ભારે ભરખમ દવાઓ પણ પેટમાં નહી પધરાવવી પડે.મફતીયા બધું..હાહા..ફાયદો થઈ ગયો આ તો.પણ આ ખુશી મ્રુગજળ જેવી જ નીવડી.પેલી અવળચંડીની બાજુનો દાંત તૂટી ગયેલો અને એ પણ અડધો.તો હવે લટકામાં એનો સમારકામનો ખર્ચો ઉમેરાયો.’બાર સાંધો ને તેર તૂટે’ જેવું ડાહ્યું ડાહ્યું લખતી તો હતી પણ એનો સાચો મતલબ તો આજે જ સમજાણો..

કૂતરું પણ હવે પોતાનો મનોરંજનનો- વેરનો ક્વોટા ખતમ થઈ ગયો હોય એવા ભાવ સાથે ત્યાંથી વિદાય થયું. જીવમાં જીવ આવ્યો થોડી સ્વસ્થતા ધારણ થતાં જ મોબાઈલના વેરવિખેર થયેલા અંગો સમેટ્યાં અને રામ નામ જપતાં જપતાં મોબાઈલ ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો.એ તરત ચાલુ થઈ ગયો એટલે એને ડોકટર જોડે નહી લઈ જવો પડેની એક હૈયા ધારણ થઈ. પાર્કિંગમાં પડેલ સ્કુટરના મિરરમાં મોઢું જોયું તો મારા ‘નાજુક નાક’ની હાલત અત્યારની ‘તંદુરસ્ત ઐશ્વર્યા’ જેવી થઈ ગયેલી..પહેલાં નાકને બરફ ઘસવો પડશે નિર્ણય કરીને ઘર તરફ  ડગ માંડ્યા.

– સ્નેહા પટેલ.