ચોરસ ભૂગોળ


http://www.gujaratguardian.in/05.08.12/magazine/index.html

ગુજરાત ગાર્ડીઅ‍ન દૈનિક પેપર > ટેક ઇટ ઇઝી કોલમ  > 5-8-2012નોલેખ  (3)

પહેલાંના વખતમાં છાતી ઠોકીને કહી શકાતું કે હવે ગરમી-ઠંડી ની સિઝન આવશે અને એમાં ગરમી -ઠંડી જ પડશે, હવે વરસાદની ઋતુ આવશે એમાં વરસાદ જ પડશે.પણ આજકાલ ઋતુઓના કોઇ ઠેકાણા નથી.ગમે ત્યારે વરસાદ અને ગમે ત્યારે ગરમી – ઠંડી.ઋતુઓના આ ઘન-ચક્કરમાં રોજ નવી નવી બિમારીઓનો જન્મ થાય છે.એના માઠા પરિણામોની અસર મીઠડા અને નાના ભૂલકાંઓ સૌથી વધારે પ્રમાણમાં ભોગવે છે..

આ વખતે ગરમીના કારણે લોકોને આંખોમાં ખીલ-ગરમી થવી જેવી સમસ્યાનો સામનો કરવાનો આવ્યો.ઘણાંની આંખ ગુસ્સામાં અમથીય લાલ રહેતી હોય પણ આપણે અહીં એવી ‘મગજની ગરમી’ની વાત નથી કરવી.

મારો 12 વર્ષનો દીકરો બહુ ઉત્સાહી.કોઇ પણ  નવી બિમારી માર્કેટમાં આવી હોય તો પોતાના પર અજમાવવાનો શોખ. તમે ફેસબુકમાં સ્ટેટસ કે બ્લોગમાં પોસ્ટ મૂક્યા પછી કોઇ જ કોમેંટ્સ કે લાઈક ના મળે તો તમારી હાલત કેવી કફોડી થઈ જાય?બસ અમારે પણ એવું જ સમજી લો ને.પરિણામે ડોકટરોને હજુ તો રોગ વિશે પૂરતી જાણકારી પણ ના હોય અને નવા રોગોની નવી નવી દવાના એક્પ્સ્રીમેંટ માટે એક તાજુ માજુ, મમ્મીના હાથનું હેલ્થી ફૂડ ખાઇ ખાઈને લાલચટ્ટાક થયેલું બોડી મળી રહે..

આ વખતે પણ ગરમીની બિમારીની શરુઆત અમારા ઘરેથી જ કરવામાં આવી.દીકરાને આંખોમાં ખીલ થઈ ગયા.ના ખુલ્લી રાખી શકે ના બંધ કરી શકે.’અશ્વત્થામા હણાયો’ ના અર્ધસત્ય જેવી અધખુલ્લી આંખમાંથી સતત પાણી નીકળ્યા જ કરે.એકાદ દિવસ ટેવ મુજબ ઘરગથ્થુ ઇલાજ કર્યા પછી બહુ રાહ જોવાનું હીતાવહ ના લાગતા હું જઈ પહોંચી આંખના ડોકટર પાસે..

ડોકટરની બપોરની અપોઈંટ્મેંટ માંડ માંડ મળી.બે વાગ્યાની ગરમીમાં ચારમાળીય કોમ્પ્લેક્ષમાં જમણા હાથે દાદરો ચડીને પહેલાં માળે આવેલ ડોકટરનું ડિઝાઈનર ક્લીનીક જોઇને મારી આંખોને ટાઢક વળી..ત્યાં યાદ આવ્યું કે અહીં મારી નહી મારા દીકરાની આંખોની ટાઢક માટે આવેલા અને બેધ્યાનપણે મેં કાચના દરવાજાને અંદરની બાજુ ધક્કો માર્યો.ભોંઠપનો ટોપલો ઢોળાઈ ગયો.દરવાજો અંદર ખૂલતો  જ નહતો. તરત જ મેં કોઇ મારી ભૂલ નોટ્ કરે એ પહેલા એને બહારની બાજુ ખેંચ્યો.ચમત્કાર, આ તો બહાર પણ નહતો ખૂલતો.! ત્યાંતો અંદરના ચોરસરુમમાં રીસેપ્શન કાઉંટર પર લાલચટ્ટ્ક પંજાબી પહેરીને બેઠેલી છોકરી તરફ મારું ધ્યાન ગયું.એ અંદરની બાજુથી મને કંઈક ઇશારાઓ કરતી હતી.એના ઇશારાનો મર્મ પકડવામાં હું ગોથા ખાતી હતી ત્યાં તો દીકરો બાજુના દરવાજાને ધક્કો મારીને અંદર પ્રવેશી ગયો અને હું બાઘાની જેમ એને જોઇ રહી..મે પણ ત્વરાથી અંદર પ્રવેશ મેળવી લીધો.

‘એ દરવાજો અંદરથી લોક છે.અમે બેમાંથી એક બાજુનો દરવાજો જ ખુલ્લો રાખીએ છીએ.’રીશેપ્શનીસ્ટ ઉવાચ.

ઓહ, બેદરકારી એમની કે એમણે દરવાજા પર બોર્ડ નહોતું લગાવ્યું.અધૂરામાં પુરું એક બાજુનો દરવાજો ‘શોભાના ગાંઠિયા’ની જેમ અંદરથી બંધ.કોણ જાણે ખોલ – બંધ થવાથી એ વધારે ઘસાઈ જવાનો ના હોય !જે હોય એ,ભૂલ આપણી નહોતી એટલે આપણે ‘બાધાપણાની કાળી ટીલડી’ માથે લાગતા બચી ગઈનો સંતોષ માન્યો.

‘ડોકટર સાહેબ ઓપરેશનમાં છે.બેસો થોડી વાર.’

આપણી પાસે આમે કોઇ ઓપ્શન જ ક્યાં હતું.ચોરસ રુમમાં બેઠા બેઠા બધે નજર ફરવા લાગી.ચોરસ ક્રીમ કલરનું રીસેપ્શન ટેબલ,એની પાછ્ળ એક ઉભુ અને એક આડું ચોરસ ગોઠવ્યું હોય એવી ડિઝાઈનની બ્રાઉન-ડિઝાઈનર ખુરશી. પાછ્ળ ની દિવાલે ચોરસ સીમેંટ શીટ જેવું કંઇક લગાવેલું અને એને ‘રીચ વ્હાઈટ’ કલર મારેલો, જેની પર બ્લેક વુડન ફ્રેમવાળું ચોરસ ઘડિયાળ લટકતું હતું.ઘડિયાળમાં લાકડાનો ચોરસ ડંકો ડાબેથી જમણે અને જમણેથી ડાબે ઝૂલી રહેલો.સીલિંગમાંથી એક ચોરસ ઉખડી ગયેલું એમાંથી પીળા-ભૂરા – લાલ વાયરોના ગૂંચળા લટકી રહેલા.મને લટકતા સાપ હોય એવી ફીલીઁગ થઈ .તરત મેં ત્યાંથી નજર ફેરવી લીધી. તો ત્યાં પણ વુડન ફ્લોરીંગમાં ચોરસ બ્લોક્સથી ડિઝાઈન પાડેલી હતી.પાર્ટીશન દિવાલમાં કાચની ચોરસ ચોરસ લાઈટ જડેલી હતી.એની નીચે ચોરસ સોફા-ચેર હતી ત્યાં બે કોલેજીયન બેઠેલા.એક કાનમાં આઈપોડ ભરાવીને બેઠેલો બીજો બેચેનીથી મેગેઝીનને ગોળ ગોળ વાળીને ‘વણેલા ફાફડા’ જેવું બનાવીને પગના સાથળ પર ધીમે ધીમે પછાડી રહ્યો હતો. સામેની બાજુના સોફામાં મધુબાલા જેવી વાંકડીયા લટ કરેલી છોકરી ટાઈટ જીંસ અને ગુલાબી વિચિત્ર ડિઝાઈનવાળું ટોપ પહેરીને બેઠેલી હતી.બે બે મિનિટે કોઇને મેસેજ કરતી,વળી પાછી આંખો લૂછતી..મોટ્ટા ટેડીબેરવાળું કીચેન જમણા હાથની પહેલા આંગળીમાં ભરાવીને ગોળ ગોળ ફેરવતી.એનાથી બોર થઈ જાય તો એનો પહોળો પહોળો મોબાઈલ ફોન ગોળ ગોળ ફેરવતી.મને એની ચિંતા થઈ ગઈ. આ થોડો વધુ સમય આવી હાલતમાં રહેશે તો ક્યાંક ડીપ્રેશનમાં ગરી જશે.

સમય પસાર થતો હતો.ડોકટરનું ઓપરેશન પતતું જ નહોતું.10 મિનીટ કહી કહીને પેલી ચિબાવલી રીસેપ્શનીસ્ટ બે કલાક્થી હેરાન કરતી હતી.આઇપોડવાળો છોકરો ઉંઘી ગયેલો લાગ્યો.મધુબાલા થોડી થોડી વારે બહાર જતી ને અંદર આવતી. મારી ધીરજ પણ ‘સરકતી જાય હૈ રુખ સે નકાબ’ જેમ હાથતાળી આપતી’કને સરી જતી હતી.દીકરો પણ મોબાઈલમાં ગેમ રમી રમીને થાક્યો.

પેલો કોલેજીયન કંટાળીને ચાલવા લાગ્યો.ત્યાં યાદ આવ્યું કે એનો જોડીદાર તો રહી ગયો એટલે એના માથામાં જોરથી એક ઝાપટ ફટકારતો ગયો.પેલો સફાળો ઉભો થઈને હાથમાંની ફાઈલ લઈને અંદર ડોકટરની કેબિન તરફ ચાલવા લાગ્યો.ત્યાં ધ્યાન ગયું કે દોસ્તાર તો બહાર જઈ રહેલો.એ થોડો કંફ્યુઝ થઈ ગયો કે એણે હવે કઈ બાજુ જવું. છેલ્લે ફાઇનલ ડીસીઝન લઈને ખભે બેગ લટ્કાવીને બહારનો રસ્તો પકડ્યો.મને ય હવે ચોરસ રુમમાં-ચોરસ ફર્નિચરની વચ્ચે ‘ચોરસ-ચોરસ’ ચક્કર આવવા લાગ્યાં.ત્યાં તો રીસેપ્સનીસ્ટ એક માજીનો હાથ પક્ડીને બહાર આવી.મધુબાલા આંખો લૂછ્તી લૂછ્તી એની ખબર પૂછવા લાગી.

‘ઓહ, તો એ એની મમ્મીની આંખના ઓપરેશન માટે આવેલી.’

રીસેપ્શનીસ્ટે અમને અંદર જવા જણાવ્યું. અંદર જઈને મારું મોઢું ખુલ્લુ જ રહી ગયું.ડોકટરનો ફેસ ચોરસ શેઇપનો હતો જેના પર ચોરસ ફ્રેમના ચશ્મા,ચોરસ નાક,બરાબર વચ્ચે પાંથી પાડીને કરેલી ચોરસ હેર સ્ટાઈલ.‘ઓહ,તો ક્લીનીકની ‘ચોરસભૂગોળ’નું આ રહસ્ય હતું !’

દીકરાની આંખોમાં ‘વાઇરલ’ની અસર હતી.બે કલાકની રાહનો બદલો વાળતા એ ‘ચોરસ ડોકટર’ને બે મીનીટ પણ ના લાગી.દવા લઈને રિક્ષામાં બેસતા રિક્ષાવાળાએ પૂછ્યું,

’ક્યાં જવું છે?’

અને મારાથી બેધ્યાનપૂર્વક જવાબ અપાઈ ગયો,’ચોરસ !’

-સ્નેહા પટેલ.