અનબીટેબલ – 27


કોઇ વ્યક્તિ પર ભરપૂર વિશ્વાસ મૂકો ત્યારે  એણે પણ  તમારા વિશ્વાસનો ભંગ ના જ કરવો જોઇએ એવી અપેક્ષા રાખશો તો મોટાભાગે પસ્તાશો.

-સ્નેહા પટેલ.

સંસ્કાર v/s પરિસ્થીતી


http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

 

ધરતી – ખૂબ સુંદર કિતાબ
ચાંદસૂરજના પૂંઠાંવાળી
પણ હે ખુદા આ દુઃખ, ભૂખ, ભય અને ગુલામી
આ તારી ઈબારત છે ?
કે છાપભૂલો ?

– અમૃતા પ્રીતમ (અનુ. કલ્લોલિની હઝરત)

‘સૂરજ, આ જોને તારો લંગોટીયો મિત્ર અનુજ કેવું વર્તન કરે છે.

‘કેમ, શું થયું ?’

‘આજે એણે રુમી –એની પત્ની સાથે કેટલી બેશરમીથી ઝગડો કર્યો અને એની પર હાથ પણ ઉપાડ્યો.’

અને સૂરજ બે પળ આઘાત પામી ગયો.

અનુજ – જેની સાથે નાનપણથી લખોટી-પત્તા-ક્રિકેટ રમીને મોટો થયો, પોતાની મમ્મી નોકરી કરતી હતી એટ્લે મોટાભાગનો સમય અનુજના ઘરે જ વીતતો. એના ઘરનું વાતાવરણ એક્દમ શાંત અને સંસ્કારી હતું. પોતાની મમ્મીની વાત એક વાર  ના માને પણ અનુજના મમ્મીની એ ક્યારેય ના ટાળી શકે. અનુજ જેટલા જ લાડકોડ એને પણ એ ઘરમાંથી મળેલા. અનુજ પર જે સંસ્કારનો હાથ ફરેલો એ જ હાથ એના પણ માથે ફરેલો.ક્યારેય લડાઈના બેસૂરા રાગે એમના ઘરના સઁગીતમય -પ્રેમાળ વાતવરણની શાંતિને ડહોળી હોય એવું એના ધ્યાનમાં નહોતું આવ્યું. એ ઘરનું ફરજંદ આવું છેલ્લી કક્ષાનું વર્તન કરે એ વાત ગળે ઉતારવી થોડી અઘરી થઈ પડી.

ત્યાં તો રાધા –એની પત્નીએ ફરીથી પોતાની સખી રુમીના અપમાનભંગની તકલીફ સૂરજ સામે મૂકી.

‘સૂરજ, આ યોગ્ય વર્તન કહેવાય ?’

‘જો રાધા,આપણને એ બેયની વચ્ચેની વાતનો કંઈ જ ખ્યાલ નથી..’

‘અરે, વાતમાં કંઇ નહોતું. રુમીથી અનુજની  ઓફિસના કોમ્પ્યુટરના ડેટાવાળી ‘પેન ડ્રાઈવ’ આડી અવળી મૂકાઈ ગયેલી. જે સમયસર ના મળતા અનુજને ઓફિસે જવાનું મોડું થયેલું. આજ કાલ એની ઓફિસમાં એના પ્રમોશનની વાત ચાલે છે એટલે હું માની શકું છુ કે એ પોતાની ઇમેજ માટે થોડો વધારે કોંન્શિયસ રહે..પણ એમ તો પેલા દિવસે મેઁ પણ તારું વોલેટ આડુ અવળુ મૂકી દીધેલું તો તારે પણ ઓફિસે જવાનું મોડુ થયેલું જ ને..તારે પણ તારા બોસનો ઠપકો સાંભળવો પડેલો.પણ તેં તો મને એક પણ અક્ષર ગુસ્સાનો નહતો કહ્યો.તમે બેય એક જ સંસ્કારની છ્ત્રછાયા હેઠળ ઉછરેલા.તો પણ બે આટલા અલગ અલગ કેમ મને તો એ નથી સમજાતું !’

‘રાધા, સંસ્કારો ભલે એક હોય પણ અમને જીંદગીમાં સ્થિતીઓ બહુ જ અલગ અલગ મળી છે. હું અને અનુજ એક જ જેવા હતા .લોકો અમને સગા ભાઈ માનવાની ભૂલ કરી બેસતા.અમારા બેયના શોખ,આચાર વિચાર બધું ય એક જ હતું.પણ મારા નસીબમાં આસાનીથી  વસ્તુઓ મળી જાય છે જ્યારે એણે દરેક સ્ટેજ પર સંઘર્ષ જ કરવો પડે છે અને એ સંઘર્ષો પછી પણ જોઇતા પરિણામો હાથતાળી આપી જાય છે. તો આવા સમયે એનો પોતાના પર કાબૂ ના રહે એ સ્વાભાવિક છે.હા, પત્ની પર હાથ ના ઉપાડવો જોઇએ એ વાત સાથે સો ટકા એગ્રી.પણ એક વાત છે,હું એની જગ્યાએ ગયા વગર એની તકલીફોનો દરિયો કેટ્લો ઊઁડો છે એ ના સમજી શકું.સતતા તરતા રહેવાની એ ક્સરતમાં એ ક્યાં ક્યાંથી છોલાયો – અથડાયો એ બધી મને ક્યાંથી ખબર પડે..મારા ભાગે તો અનુકૂળ વહેણમાં જ તરવાનું આવ્યું છે.એક જ ઘરમાં – એક જ મા –બાપના હાથ નીચે ઉછરેલા બે બાળકોના વર્તન અલગ અલગ હોય એમાં કોઇ જ નવાઇની વાત નથી.આખરે પરિસ્થિતી મહાન નિયતી છે.એ નચાવે છે.મનુષ્યએ નાચવું પડે છે.હું કાલે અનુજને મળીશ અને બધી વાત સંભાળી લઈશ.એ દિલનો હીરા જેવો માણસ છે મને ખબર છે કે એ રુમીની માફી માંગી જ લેશે.’

સૂરજની વાત પૂરી થાય ત્યાં તો રાધાનો મોબાઈલ રણક્યો.સામે રુમી હતી.

‘રાધા, બધી વાત પતી ગઈ છે.ચિંતા ના કરતી. અનુજે માફી માંગી લીધી છે.એને બેહદ પસ્તાવો છે પોતાની એ હરકત પર.ભવિષ્યમાં આવું કંઇ નહી થાય એની ગેરંટી આપી છે.આમ દિલનો હીરા જેવો છે મારો વર.આ તો પરિસ્થિતીઓ જ કંઇક..’

અને રાધા વિસ્ફારિત નયને મોબાઇલને તાકી રહી.

અનબીટેબલ :- Life never turns the way we want, But we live in the best way we can..