નિર્દોષ વ્યસન

 ખેતીની વાત મેગેઝીન > મારી હયાતી તારી આસપાસ  કોલમ –  ૯ >  જુલાઇ માસનો લેખ

http://issuu.com/kiwipumps/docs/kv_july-2012_issue?mode=window&viewMode=doublePage

ધોમ-ધમતો મે મહિનો ચાલુ થઈ ગયો. છોકરાંઓને સ્કુલમાં વેકેશન પડી ગયું. આખીય સોસાયટી દિવસ રાત નિર્દોષ ધમાલમસ્તીથી ભરચક રહેવા લાગી.રોજ રોજ ચોતરફ અવનવા પ્રસંગોની ભરતી  ચઢવા લાગી હતી.

આજના ધમાલિયા, ઘોંઘાટીયા જીવનમાં આ નિર્દોષ ઘોંઘાટ મને બહુ પસંદ હતો.. મીઠા વ્હાલ સાથે નજર આખીય સોસાયટી પર ફરી વળી..

સોસાયટીના એક ખૂણે થોડા ઢબૂકડાંઓ ટે’સથી ભેરુના ખભે હાથ મૂકીને સ્લીપર ઢસડતા ઢસડતા, બેફિકરાઇથી ચાલતા ચાલતા  મીનરલ વોટરમાં બનતો બરફનો ગોળો ખાવા જવાના મોટ્ટામોટ્ટા પ્લાન બનાવાતા હતા..(મોટ્ટા મોટ્ટા એટલે કે બીજા ૧૦-૧૨ ભેરુઓને શોધીને એમને પણ સાથે કરવાની ઇચ્છાઓના હવામહેલ બંધાતા હતાં..)એમાં કાલે કટ્ટી થયેલ ભાઈબંધને આજે પોતાના પૈસે બરફ ખવડાવીને મનાવી લેવા જેવા માસૂમ કાવત્રાઓ પણ ઘડાતા હતા..એક બાજુ થોડા તરવરીયા, ઝાલ્યા ના ઝલાય જેવા બચ્ચાઓ મમ્મી પપ્પાએ બર્થડે પર કે કોઇને કોઇ સારા પ્રસંગે ‘ગિફ્ટ’ તરીકે અપાવેલ સાઈકલ દોડાવતા હતાં. આખા વર્ષ દરમ્યાન તો સમયની ખેંચાખેંચ,મમ્મીના ટાઈમટેબલોમાં ગોઠવાયેલ પોતાના નામની બૂમ, હોમવર્ક,એક્સ્ટ્રા ક્લાસીસ,ટ્યુશન – વળી પાછું એનું હોમવર્ક..ઘડિયાળના કાંટે ‘પથારીભેગા થવાનું’-આવા ઢગલો ટેન્શનથી હાશકારો અનુભવતું બચપન હવે સ્વતંત્ર હતું..’યહાં કે હમ સિકંદર’ જેવા વટમાં જ આખો વર્ષ સાઇકલ ના ચલાવી શક્યાનો રંજ અત્યારે બમણી સ્પીડમાં, ઉભા ઉભા અનોખી સ્ટાઈલમાં ફુલ સ્પીડમાં ચલાવીને વસૂલ કરાતો હતો. બધો હિસાબ બરાબર સરભર કરી લેવો હતો. ક્યાં છુટ્ટી સાંકળો રમાતી હતી તો ક્યાંક થપ્પો..

એક બાજુ મારી નાનકડી બહેનપણીઓ ‘બેડમિગ્ટન’ રમી રહેલી હતી..એમનો નિત્યક્રમ..બે બહેનપણીઓ સાંજે વહેલાં જમીને નીચે આવીને પોત-પોતાની બેડમિન્ટન માટેની જગ્યા ‘સિક્યોર’ કરી લે..અને બીજી બહેનપણીઓ  ઘરે ઘરે જઈને બીજી સખીઓને ઉઘરાવી લાવે.છેલ્લે અડધા કલાકે માંડ બધાનો સમય સાથ આપે અને રમવા ભેગા થાય.એમાં પણ પાછું કોઇકનું  રેકેટ બરાબર ના હોય..ફૂલ તૂટી ગયું હોય- આજે કોણ એના પૈસા કાઢશે.. ડબલ્સ રમીશુ કે સિંગલ્સ, કોણ કોની સામે અને કોણ  કોની સાથે રમશે..આવી ઢ્ગલો અવઢવો હોય એટલે એ બધાંની નજર અપેક્ષાના હિંડોળે ઝૂલતી ઝૂલતી મારી તરફ વળે..એમની આ અપેક્ષાની મને પહેલેથી મનમાં ખબર જ હોય એટલે હસીને એમના ઇજનને સ્વીકારી લઊં.. બધું બરાબર સેટ કરી આપું. બધાંને મારા માટે બહ જ આદર એટલે પ્રેમ પણ ઢગલો કરે..અને મારી બધી વાત માને પણ ખરા. વચ્ચે વચ્ચે મારે એ લોકો સાથે રમીને એ પ્રેમનો બદલો પણ વાળવો પડે.જો કે આ તો આપવા લેવા જેવા ગણિતથી દૂરના સંબંધો ..એટલે મને બહુ વ્હાલા.

પણ આજે મારું મન બહુ ઉદાસ  હ્તું..કેમ એ નહોતું સમજાતું. નાનકડી સખીઓના ટચુકડાં ઇશારાઓ જોઇને પણ અદેખ્યાં કરી દીધા. મન નહોતૂં થતું.દુનિયાની આઠમી અજાયબી કહી શકાય.. આ ઢબુડીઓ સાથે ટાઈમ પસાર કરવો એટલે મારા માટે દુનિયાનું સૌથી મનપસંદ કાર્ય..

આજે એ ‘લાગણી પક્ષાઘાત’ અનુભવતી હતી. દિવસની દિનચર્યા નજર સામેથી પસાર થતી ચાલી.. રુટીનમાં ધબકતી જીંદગીમાં કંઇક તો અસ્તવયસ્ત હતું ..શું..’કંઈક ખૂટતું હતું’ નો અહેસાસ સતત મગજમાં ઠોકાતો હતો..ખ્યાલ નહતો આવતો ને ત્યાં તો એક ઢીંગલી મારી પાસે આવી..રોજની જેમ ઇશારાઓ કરી કરીને બોલાવતી હતી પણ મેં મચક નહોતી આપી એટલે થાકીને પાસે આવીને મારો હાથ પકડ્યો અને મીઠી રીસ કરતાં બોલી..

‘દીદી..આ શું..આજે કેમ રમવા નથી આવતા..અમારાથી કોઇ ભૂલ થઈ ગઈ છે કે..?’

પણ મને તો એના ‘આ શું..શબ્દો પછી આગળ કંઇ જ ના સંભળાયું..હા..કારણ બરાબર પકડાયું..

‘આશુ..!!’

આજે મારા આશુ – આશીર્વાદ જોડે વાત નહોતી થઈ એટલે મગજ ઠેકાણે નહોતું.

રોજ રોજ એની જોડે વાત કરવાનું -એની દિનચર્યા વિશે, થોડી એની સાંભળવાની- થોડી મારી કહેવાની વાતોનું ધ્યાનબહાર જ તીવ્ર વ્યસન થઈ પડેલું..આ ટેવ તો જબરી..બારણું ખખડાવ્યા વગર પાધરી જ મારામાં સમાવિષ્ટ થઈ ગયેલી..જબરી દાદાગીરી આ ટેવની તો. વ્યસનના આવા પ્રકારો પણ હોય કે..અચરજનો આખેઆખો સાગર મારા દિલમાં ઉફનતો હતો. કોઇ આવી વાત કરત તો કદાચ હું માનવા જ તૈયાર ના થાત પણ આ તો મારી જોડે ઘટી રહેલ એક હકીકત હતી એનાથી ના-નુકર કેમની થાય..?

‘પ્રેમ ટેવોથી બને

કે

ટેવો પ્રેમથી..?’

રોજ રોજ આશુ સાથે નિર્દોષ – લાગણીભીની ઢગલો વાતોનો નશો કરવાનું મને વ્યસન થઈ ગયેલું એ આજે છેક ખ્યાલ આવ્યો. ‘કોઇ પણ વ્યસન બહુ સારા નહી’ એવું તો નાનપણથી જ સાંભળતી આવેલી પણ આવા મીઠડાં વ્યસન વિશે મને કઈ જ ખ્યાલ નહતો. હા એ હકીકત હતી કે આજે એ વ્યસન ના સંતોષાતા દિલ બેચેન હતું અને દિમાગ કામ કરતું અટકી ગયેલું. કોઇ જ વાતમાં ચિત્ત નહોતું પૂરોવી શકતી કે કોઇ જ વસ્તુ મને ખુશ નહોતી કરી શકતી. ‘નિર્દોષ વ્યસન’ પણ ‘હાર્મફુલ’ હોય કે ..! આમ સાન ભાન ભૂલાવે દિનદુનિયાથી બેખબર કરી નાંખે એ તો કેમનું ચાલે..મારે રહેવાનું તો એ જ દુનિયામાં જ છે ને..પછી એક અજીબ સા એલિયનની જેમ જીવવાને મજબૂર કરી દે એવી ટેવ કેમની પોસાય..આમે હું રહી ભારે તોરીલી…પહેલેથી કોઇ પણ વ્યસનની બંધાણી થવાનું મને ના પોષાય..દરેક વ્યસનને થૉડા થોડા સમયે દિલ-દિમાગ નિકાલ કરવાની , જાતને ચકાસતા રહેવાની મને (કુ)ટેવ તો બાળપણથી જ..કશા ય વગર રહી ના શકાય એ વાત જ મારા મગજને સ્વીકાર્ય ના હોય..એવી સાડાબારી કોઇની સહન ના થાય..પણ આ ટેવનું હવે મારે શું કરવું.. આ તો મારી જીવાદોરી.. આજે મને વ્યસનનો સાચો મતલબ ખબર પડતી હતી..દારુડીઆને દારુ ને ચેનસ્મોકરને સિગારેટ છોડતાં કેટલી તકલીફો પડતી હશે એ મને આજે બરાબર સંવેદી શકાતું હતું.એ બધાંની લાચારીને હંમેશા ધૃણા-દ્ર્ષ્ટીથી નિહાળવાની મારી ભૂલ મને સમજાતી હતી..ખરેખર તો એ લોકો દયાને લાયક ગણાવા જોઇએ..જાત પર આવ્યું ત્યારે સત્ય સમજાણું..

ટપ…ટપ…ટપાક

બધો વલવલાટ

આંખેથી વહેવા લાગ્યો

આંસુને પાણીથી ધોઇ કાઢવા

બને  એટલી ત્વરાથી

ઘરની વાટ પકડી

પાછળ’સુગંધી દીદી’ નામ સાથે અચરજી પડઘા પડી રહ્યાં હતાં..માસૂમ મુખ પર ઢગલો પ્રશ્નો રેલાઇ રહેયાં હતાં..પણ એના વિશે વિચારવાનો, જવાબ આપવા જેવી મારી મનોસ્થિતી કયાં હતી…

એક ‘ નિર્દોષ  વ્યસન’ આખરે મારા જીદ્દીપણાને હરાવીને – એની આદત પાડીને જ જંપ્યું…વિજયી થઈ ગયું.

સ્નેહા પટેલ

3 comments on “નિર્દોષ વ્યસન

 1. જો કે આ તો આપવા લેવા જેવા ગણિતથી દૂરના સંબંધો ..એટલે મને બહુ વ્હાલા…………..એક ‘ નિર્દોષ વ્યસન’ આખરે મારા જીદ્દીપણાને હરાવીને – એની આદત પાડીને જ જંપ્યું…વિજયી થઈ ગયું…… nirdosh vysan aam to saru che… but ene samyantare ek break marta revo pade nai too harmful too thaiiii j sake !!!!

  Like

 2. ‘પ્રેમ ટેવોથી બને
  કે
  ટેવો પ્રેમથી..?’ kadach banne ek mek thi..

  ટપ…ટપ…ટપાક
  બધો વલવલાટ
  આંખેથી વહેવા લાગ્યો
  આંસુને પાણીથી ધોઇ કાઢવા
  બને એટલી ત્વરાથી
  ઘરની વાટ પકડી.. humm…

  એક ‘ નિર્દોષ વ્યસન’ આખરે મારા જીદ્દીપણાને હરાવીને – એની આદત પાડીને જ જંપ્યું…વિજયી થઈ ગયું.

  સ્નેહા પટેલ 🙂

  Like

 3. જાતને ચકાસતા રહેવાની મને (કુ)ટેવ તો બાળપણથી જ..કશા ય વગર રહી ના શકાય એ વાત જ મારા મગજને સ્વીકાર્ય ના હોય..એવી સાડાબારી કોઇની સહન ના થાય..પણ આ ટેવનું હવે મારે શું કરવું.. આ તો મારી જીવાદોરી..
  આ પણ સારું..આત્મનિરિક્ષણ કરતાં રહેવું..
  એમાનું પુનરાવર્તન આસક્તિ વ્યસનપણુ દર્શાવે પણ મૂલ્યનો ઉચ્ચ અનુભવ અને ઉદ્દાતિકરણ મનનું અતિક્રમણ પણ કરાવે.એ વિકાસની જ પગથી ગણાય ને…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s