વરસાદી સ્કીમ


ગુજરાત ગાર્ડીયન દૈનિકમાં ‘ટેક ઇટ ઇઝી’ કોલમનો આજનો  લેખ -2

http://www.gujaratguardian.in/29.07.12/magazine/index.html

આ વર્ષે વરસાદના ‘નવી વહુ’ જેવા માનપાન મેળવવાની લાલચમાં આપણી હાલત ‘ધોબી કા કુત્તા’ જેવી થઈ ગઈ છે.એ વરસતો તો નથી જ પણ રોજ આપણને ઉલ્લુ બનાવવા વાદળછાયા આકાશ અને ભેજથી ભરપૂર વાતાવરણનો હેવી ડોઝ આપણા માથે ઝીંકે રાખે છે.પરિણામે આપણે કડકડતી નોટમાંથી સાવ હવાઈ ગયેલા પાપડ જેવા થઈ જઈએ છીએ.

જોકે વરસાદના નસીબ પણ સત્તા’ધારી પક્ષ જેવા જ. વધારે વરસે તો પણ ગાળો પડે, માપસરનો પડે તો પણ ગાળો અને ઓછો પડે તો તો ગાળોનો ટોપલો નક્કી જ હોય !

વર્ષા- ઋતુ આવે એટલે આપોઆપ લોકોની યાદશક્તિના કોથળામાંથી કવિ કાલિદાસના  બિલાડા જેવું ‘મેઘદૂત કાવ્ય’ નીકળે અને એનો નાયક – વિરહી પ્રેમી યક્ષ યાદ આવી જાય.મારું હાળું એ તો બહુ જબરો ! પોતાની પ્રિયાને વાદળાઓ જોડે કવિતાઓ – સંદેશા મોકલે. વળી એ બધું ય મફતિયા. ‘રામ રાજ્ય પ્રજા સુખી.’ પણ આજ્કાલના જુવાનિયાઓ બિચારા શું કરે? એમને તો એક માત્ર આધાર ’મોબાઈલ – મેસેજીસ’ જ. કોકટેલ મૂવીના રાપચીક સોંગ ‘તુમ્હી દિન ચઢે,તુમહી દિન ઢલે, તુમ્હી હો બંધુ-સખા તુમ્હી’ની જેમ આજ-કાલના જુવાનિયાઓની લવસ્ટોરીનો મોટા ભાગનો દારોમદાર મોબાઈલના ટોકટાઈમ -મેસેજીસની સ્કીમસ પર જ હોય છે.

ધારો કે, વરસાદમાં મોબાઈલના સીમકાર્ડ જેવી સ્કીમ્સ હોય તો…

જો શહેરના બધા જુવાનિયાઓ એવી પ્રતિજ્ઞા લે કે વરસાદમાં ગમે એટલી રુપાળી – પલળેલી છોકરીઓ સામે મળશે પણ એ લોકો પોતાની એક માત્ર ગર્લફ્રેંડને યાદ કરીને એ રુપનીતરતી યૌવના સામે નજર સુધ્ધાં નહી નાંખે. ‘ભારત મારો દેશ છે અને એકને છોડીને બધીય છોડીઓ મારી બેન’ તો એમને એ માનસિક વફાદારી દાખવ્યાના ઇનામરુપે ‘ફુલ વરસાદ ટાઈમ’ મળશે. હેય ગર્લફ્રેંડ જોડે ભલે ને ભરપૂર ધુબાકા મારે પછી એ ધોધમાર વરસાદમાં(મનોમન આ માનસિક પ્રામાણિકતા દાખવ્યાનું ગુમાન કે અફસોસ ના થવો જોઇએ નહીં તો અડધો વરસાદી ટાઈમ કટ)

છોકરીઓ તો બિચારી જન્મજાત ડાહી.એટલે એમને માટે આવા બધા કોઇ નિયમ – કાયદા નહી. દિવસમાં એકાદ વાર ભગવાનને હાથ જોડીને, થોડી વધારે ઇફેક્ટ લાવવા માથા પર દુપટ્ટો નાંખી દે અને પ્રાર્થના કરીને વિનવી લે તો એમને માટે દાળ-શાકમાં નાંખતી વખતે સમારેલી કોથમીરને નીચોવી નીચોવીને નાંખતા પાણીના જે છાંટા ઉડે એવો ઝરમર ઝરમર વરસાદ ટાઈમ ચાર માસના ચોમાસાની  ફુલ વેલિડીટી સાથે. ઝરમર- ઝરમર પાછળનું ખાસ કારણ છોકરીઓની નાજુક પ્રકૃતિ.‘રીમઝીમ રીમઝીમ, તુમ હમ-હમ તુમ’ જેવી ઝરમરમાં મન મૂકીને ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય’ ટાઈપનું પલળતી વેળા એ નાજુક કન્યાઓને શરદી થવાના ‘ચાંસ’ સાવ ઓછા રહે ને ! વરસાદને પણ સુંદરતા માટે થોડો સોફ્ટ કોર્નર તો હોય જ ને ! આફટર ઓલ એના થકી જ તો કુદરત સુંદર દીસે છે !

ધારો કે દરેક ક્ષેત્રના લોકો માટે અલગ અલગ સ્કીમ હોય તો ?

-સ્પોર્ટસના ખેલાડીઓ માટે

સાનિયા મિર્ઝા લીએન્ડર પેસ જોડે ઓલિમ્પિકમાં રમશે કે નહી એની ‘જળ બિલાડી’ જોડે આગાહી કરાવવી જોઇએ. બિલાડીની ‘હા’ કે  ‘ના’ પર વરસાદની સ્કીમનો આધાર.  પોઝિટીવીટી વધારે હોય તો’ સંપ ત્યાં જંપ’ ની ભાવનાનો આદર કર્યો એના બદલ ‘ગ્રુપમાં અંદરો-અંદર વાતચીત કરવા માટેની સુવિધા ટોટ્લી ફી’ જેવી સગવડીઅણ વરસાદી સ્કીમ આપવી જોઇએ. જેમાં એમના રમવાના સમયે ગ્રાઉંડ એકદમ કોરુકટ મળે અને રમી રહે એટલે એમને ભીંજવી દેતો ભરપૂર વરસાદ પડે.

‘મ્યુઝીક લવર્સ’ માટે

‘ઇન્ડીયન આઈડોલનો પ્રોગ્રામ પ્રેમથી જોતા લોકો માટે ‘હર એક જજને સહન કરવો જરુરી નથી’ વાળી સ્કીમ આપવી જોઇએ. જેના પરિણામરુપે જજ અનુ મલિકની શાયરીઓ બંધ કરાવાય કાં તો પ્રોગ્રામમાંથી  અનુ મલિકને આખે આખો જ બાદ કરાય તો મ્યુઝીક લવર્સનો માથાનો દુ:ખાવો થોડો ઓછો થાય, એમના મગજ ઓછા તપે અને એને ઠંડા રાખવા પાણીની બહુ જરુર ના પડે. એ વધારાના પાણીનો આવતા વર્ષ માટે સ્ટોક કરી શકાય .

પરદેશ ‘કેવી રીતે જઇશ’ વિચારનારા માટે

આપણે ત્યાં આમે ય ‘પશ્ચિમી વાયરા’નું જોર જરા વધારે . એના રંગે રંગાઈને પરદેશ સેટલ થવાના પ્લાન કરનારાઓ એ અંગરેજીમાં ગટર પટર બોલવાનું શીખવાના બદલે ત્યાંની અતિ આવશ્યક અને હાઇજેનિક ટેવ અપનાવીને ટોઈલેટમાં પાણીના બદલે ટીશ્યુપેપર વાપરવાનું ચાલુ કરી દેવું જોઇએ. ટીશ્યુ પેપરનો જથ્થો પૂરતો  ના મળે તો કોકાકોલા,પેપ્સી જેવા પીણા વાપરીને પણ પરદેશ જતા સુધીમાં એ ‘ટોઈલેટી રીતભાત’ તો સંપૂર્ણપણે શીખીને જ જઈશું ની દેશદાઝ દિલમાં રાખવી જોઇએ. એમણે દાખવેલા દેશપ્રેમ બદલ  ‘ફુલ વરસાદ સેવા સ્કીમ’ આપવી જોઇએ. જેટલી દેશસેવા કરી એટલો ફુલ ટોકટાઈમ.નો હીડન ચાર્જીસ.

વૈજ્ઞાનિકો માટે-

વિજ્ઞાનમાં ‘ઇશ્વર’ શબ્દ વાપરયો એ બહુ  ક્રાંતિકારી પગલું કહેવાય. ઇશ્વરીય કણ -’હીગ્ઝ બોઝોન’ની શોધની સફળતાને વધાવવા માટે વૈજ્ઞાનિકોને મોઢું મીઠું કરાવવા જેવી ભાવના સાથે છૂટાછવાયા ઝાપટાઓથી ભીંજવીને અમુક અમુક સમયાંતરે આવતી રહેતી લોભામણી સ્કીમસ જેવી ‘ વરસાદી દિલખુશ સ્કીમ’ આપવી જોઇએ.

આરોગ્યના ચાહકો માટે

પોતાના આરોગ્ય માટે અતિ સાવચેત રહેનારા,દરેક સિઝનમાં બધી આળસ ખંખેરીને પણ કલાકે’ક જોગીંગ–વોકિંગ કરનારા,જમ્યા પછી  ‘કાયમચૂર્ણ’ કે ‘સોડા’ની જરુર ના પડે એ હેતુથી ગમે એટલા થાકેલા હોય કે મોડું થઈ ગયું હો પણ ‘યેન કેન પ્રકારેણન’ સો ડગલા ચાલવાની નિષ્ઠા ધરાવનારા લોકોને ચાલવામાં સરળતા રહે એમની નિષ્ઠાને સલામ કરીને રસ્તો ના તૂટે,પાણી ના ભરાય એવી સંતુલિત ધાર વાળો, રોજ બપોરે એક નિર્ધારીત સમયે પડીને પછી બંધ થઈ જનારા વરસાદની ‘રેઈનકોટ અને છ્ત્રીલેસ સ્કીમ’

સામાજીક સંબંધના મમતાળુ જીવ માટે

સામાજીક સંબંધોને જીવથી પણ અદકેરા માનનારા ભોળા –માસૂમ લોકોને વ્યવહાર સાચવવામાં વચ્ચે ના આવે એના માટે એક નવા પ્રકારની સ્કીમ.. ’સીધીને સટ સ્કીમ’ ‘પૂછ કે બતાતા હુ વાળી’ મીંઢી વાતો નહી. વરસાદ ગમે ત્યારે પડે પણ પાણી ના ભરાય. આકાશમાંથી સીધો ખેતરો,કુવા, નદીઓ જ્યાં સ્ટોરેજ કરવાનો હોય સીધો ત્યાં જ ખાબકે.હંસાના પ્રફુલની જેમ જ..’વરસાદ નો વરસાદ અને ચોકખાઈની ચોકખાઈ’ ટેઉ ઉ ઉ…ટે ઉ ઉ ઉ…!

સ્નેહા પટેલ.

આવું તો કદી હોય ભલા માણસ !


હમણાં ‘હેરી પોટર’ મૂવી જોતા જોતા વિચાર આવ્યો કે આ ટબુડિયાઓ જોડે  ટેબલેટ-કોમ્પ્યુટર-મોબાઈલ  કશું જ નથી. નેટ – ઈમેઈલ – ફેસબુક – ટ્વીટર,ગુગલ જેવા શબ્દોની તો કોઇ માહિતી જ નથી. તો ય કેટલા સ્માર્ટ અને હિંમતવાળા.

વળી પ્રેમ -રોમાંસ – સેક્સ – આઈટમ  ગીતો કે સ્ત્રી -પુરુષીયા ટાઈપની ટીપીકલ દ્વિઅર્થી કોમેડી પણ નથી.હવે પશ્ન તો થાય જ ને કે આ પિકચર – આટલું બધું કેમનું ચાલી કેમ ગયું ! વળી એની પર થોડો નવાઈનો  વઘાર પણ થાય કે આ બુકની ઢગલાબંધ કોપી પણ વેચાય છે !

-સ્નેહા પટેલ

અનબીટેબલ – 26


એક લેખક તરીકે નિષ્ફળ જવાની કોઇ બીક નથી પ્રભુ,બસ માણસ તરીકે  મને સફળ બનાવજે.
-સ્નેહા

થોડામાં ઘનુ સમજજો..


જ્યારે પણ કોઇ કલમ ચાલે ત્યારે એ તટસ્થ રીતે ચાલે તો જ દરેક વાંચકના દિલ અને દિમાગ બે ય ને સ્પર્શે છે. એક સ્ત્રી કલમ છે એટલે પુરુષોની શારિરીક મજબૂતાઈ, લાગણીને કંટ્રોલ કરી શકવાની અદભુત ક્ષમતાને મધમાં બોળી બોળીને ચાબખા મારવા કે એક  બુધ્ધિશાળી પુરુષ કલમ છે એટલે  સ્ત્રીઓની લાગણી-  સંવેદના જેવી નાજુક લાગણીને મૂર્ખ માનીને મજાક ઉડાડવી એ સહેજ પણ યોગ્ય નથી.

‘સ્ત્રી,  પુરુષ, સેક્સ’ જેવા શબ્દો નીકળી જાય તો લેખક – વાંચકોની ડીક્ષનરીમાં બીજો કોઇ સબજેક્ટ બચતો નથી કે શું ? નવાઈની-દુ:ખની ચરમસીમા !

વર્ષોથી હું કહી કહીને થાકી કે  ‘સ્ત્રી કે પુરુષ’ જેવા ચીલાચાલુ વિષયો લખવા અને ખોટી ખોટી મતલબ વગરની ચર્ચાઓમાં મગજ અને સમય બગાડવો એના કરતા ‘ સ્ત્રી કે પુરુષ પછી એ પ્રથમ માનવ’ જેવા વિષય પર કેમ કંઇ લખાતું નથી ? નવાઈ, વાંચકો પણ બોર નથી થઈ જતા આવું એકનું એક વાંચીને એમની માંદી માનસિકતાને ઓર માંદલી કરતા રહે છે.

બસ બહુ થયુ હવે થોડા સ્વસ્થ થાઓ મિત્રો. કલમમાં તાકાત હોય, વિચારોની દિશા સાચી હોય તો લોકો તમને જરુરથી વાંચશે અને પ્રસંશા પણ કરશે. એના માટે એકના એક ઘીસાપીટા વિષયો પર લખવું સહેજ પણ જરુરી નથી. પછી તો હરિ ઇચ્છા બળવાન.

એક વાત જરુરથી કહીશ..કોઇને ઉતારી પાડીને કોઇ મહાન કયારેય નથી થઈ શકતું.

સ્નેહા પટેલ

unbeatable -24


મારી તકલીફ કોઇને કહી નથી ત્યાં સુધી તો સલામત છે.

-સ્નેહા પટેલ

આલ્ફાંસો ફેમિલી


ગુજરાત ગાર્ડીયન દૈનિકપેપરમાં આજથી ચાલુ થતી નવી કોલમ ‘સ્માઈલ પ્લીઝ’.

http://www.gujaratguardian.in/22.07.12/magazine/index.html

આ વખતનો ઉનાળો બહુ સૂક્કો ગયો. એક તો ગ્લોબલ વોર્મિંગના સપોર્ટથી અમથીય ગરમીના મગજમાં રાઈ ભરાઈ ગયેલી.એમાં  સિઝનની મીઠી મધુરી મજા જેવી કેરીને પણ કદાચ ખોટું લાગી ગયેલું. આમંત્રણ પત્રિકામાં કોઇ લોચા વાગી ગયા હશે નક્કી તે ‘મારી બેટી’ આખો એપ્રિલ પતવા આવ્યો પણ એનું મોઢું જ ના બતાવ્યું..

‘વેદનો છેડો આવી ગયો’  કેરીના મુખ-દર્શન માટે ‘વેવલાં વીણવા’ જેવી હાલત થઈ ગઈ. એવામાં ‘બાજુવાળી સોસાયટીમાં કોઇ 2000 રુપિયામાં કિલો હાફુસ કેરી લઈ આવ્યાના સમાચાર / અફવા વહેતી થઈ’. પછી તો આજુબાજુની 10 સોસાયટીમાં એ વાત ચોરે ને ચૌટે ચર્ચાવા લાગી. આવી ‘રુમર’ પચાવવા માટે સોસાયટીના દરેક ઘરમાં ‘કાયમ ચૂર્ણ’ના ડબ્બે ડબ્બા ખાલી થઈ ગયા પણ એ ના જ પચી, આફરો થઈને મગજમાં ચડી ગઈ.લોકોનું મગજ ગોટાળે ચડવા લાગ્યું..નક્કી આની અંડરવર્લ્ડમાં ઓળખાણ લાગે છે. બાકી પૈસાનો સવાલ નથી.કેરી ખાવા અમે પણ હજારો ખર્ચવા તૈયાર છીએ, પણ આ હજાર મણનો ‘પણ’  કે એ ક્યાં મળે છે એ તો ખબર પડવી જોઇએ ને.પેલો માણસ પણ ‘આલ્ફાંસો કેરી’ જેવું ભારે ભરખમ નામ બોલી બોલીને ભયંકર મંદીમાં  ‘કિલો કેરી ધારક’ હોવાનો વહેમ મારતો પણ ‘ મગનું નામ મરી ‘ ના પાડતો.કેરી ક્યાંથી લાવ્યો એ કહેતો જ નહતો.

લોકો એના ઘરના ફળિયામાં અમથા અમથા આંટા મારવા લાગ્યાં કે નસીબ હોય તો આ હાફુસરાણીના છોતરા-ગોટલાંનાય દર્શન થઈ જાય તો પગે લાગીને કેરી-દેવતાને લાગેલું ખોટું દૂર કરીને મનાવી શકાય.વળી એ ‘હાફુસધારક’ ના મનમાં રામ વસે અને આપણને એના ઘરે ‘આવો ને’ કહી દે તો, એક પણ પળની રાહ જોયા વગર એ આમંત્રણ સ્વીકારી લેવાનું.શું લેશો જેવું પૂછે તો તરત ‘હાફુસકેરી’ જ કહી  દેવાનું.કોઇ  શરમ નહીં ભરવાની ‘ફુલ નહી ને ફુલની પાંખડી’રુપે એકાદ ચીરી કેરીની મહેમાનગતી માણવા મળે તો મોકો છોડાય નહીં..

‘જેણે રાખી શરમ, એનાથી રુઠ્યા કેરી-સનમ ’

ત્યાં તો અમારી સોસાયટીની યુનિક અને લોકોના રહસ્યો પરથી પડદા ઉઠાવવામાં પાવરધી ‘પંચાતિયણ ટીમ’ એક નવી માહિતી લઈ આવી કે,’ એ કેરીઘારકના ઘરમાં એકનો એક જુવાન દીકરો પરણાવવા જેવડો થઇ ગયો છે.’

પછી તો તમાશાને તેડું ના હોયની જેમ જ…દરેક પરણાવવા યોગ્ય દીકરીઓના મા-બાપના મોઢે એ ’આલ્ફાંઝો ફેમિલી’ના છોકરાને કેમ કરીને પટાવાય,એને  શીશામાં કેમનો ઉતારાયની વાતો જ રમવા લાગી.બહુ અઘરું હતું પણ કેરીના રસિયાઓ કેરી માટે ગમે તે હદ સુધી જવા તૈયાર હતા..પેલા મુરતિયાને પણ માર્કેટમાં આવેલ અણધારા ઉછાળાની ખબર પડી ગયેલી તે આખો દિવસ પોતાના ઘરની બાલ્કનીમાં નવી નવી ડિઝાઈનના કપડાં પહેરીને,સ્ટાઈલથી વાળમાં હાથ ફેરવતા ફેરવતા ઉભો રહેતો જોવા મળતો. દરેક જુવાન છોકરીની નજર જાણે પોતાની સુંદરતાનો પીછો કરી રહી છે એવા ભ્રમમાં રહેવા લાગ્યો. પોતાના જ ગળાડૂબ પ્રેમમાં પડી ગયો. ‘પોતે કનૈયો અને એ બધી ય ગોપી’ આમાંથી એક રાધા શોધવાની હતી બસ..એક ગોરી-ચિટ્ટી અદભુત રાધા મળી જાય તો હનુમાનજીને જઇને બે આલ્ફાંસો કેરી ચડાવી આવવાની ભિષ્મ – પ્રતિજ્ઞા લઈ લીધી..

આમિરખાનના ‘સત્યમેવ જયતે ‘ કરતાં પણ આ ‘કેરીપુરાણ’ વધુ ચર્ચાસ્પદ અને ટીઆરપીથી છલકાતું રહ્યું.

‘આલ્ફાંસો ફેમિલી’ લોકોને લલચાવી લલચાવીને રોજ એક- એક કેરી ખાઈને એ કેરીના ગોટલાં અને છોતરાં બરાબર ધોઇ કરીને બાલ્કનીમાં ક્લીપ અને દોરીની મદદથી કપડાં સૂકવવાની દોરી પર એને લટકાવી દેતાં,જેથી આવતા જતા દરેક લોકો એ કેરી દેવતાનાં દર્શનનો લ્હાવો મેળવી શકે ! સોસાયટીના લોકો હવે ભૂરાયા થયા..પોતાના ઘરમાં જમવા બેસતી વેળા કેરીના રસની જગ્યાએ તુવેરની દાળ કે કઢી જોઈને ‘જમતીવેળાએ કરિશ્મા કપૂર સાઈની ફ્રેશ ટોઈલેટ ક્લીનરની એડ  નજરે ચઢી  ગઈ હોય અને જમતી વેળાએ ટોઈલેટ જોઇને જેવી ચીતરી ચડે ‘ એવી લાગણી અનુભવતા..અરમાનોના ટુકડે ટુકડા થઇ જતાં. એમની સહનશક્તિ સાથ છોડવા લાગી હતી..રોજ  રોજ  કેરી પર કવિતાઓ – પ્રાર્થના-સ્તુતિઓ લખાતી..રોજ પ્રભુને મનામણી થતી..નેટ પર ગુગલ પર ‘કેરી-સર્ફીંગ’ કરાતું. ફેસબુકમાં સ્ટેટસ,ટ્વીટરમાં ટ્વીટ..જ્યાં જુઓ ત્યાં કેરી-રોદણાં જ નજરે પડતાં..ત્યાં ‘પડતાંને પાટું’ જેવા સમાચાર નજરે  પડ્યાં કે,

‘ તાલાળાથી કેરી ભરીને સુરત જતો ટ્રક ગાવડકા ચોકડી નજીક પસાર થતો હતો ત્યારે ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઇ ગયો ‘ અરેરે…પલટી જ ખાવી હતી તો આ રસ્તો શું ખોટો હતો..અમે વીણી લેત એ કેરીઓ..નસીબ જ ખરાબ ,બીજું શું.

લોકોના હાયકારાઓ હવે આસમાનને વીંધવા લાગ્યાં..એ બધી ગરમીની અસરથી કદાચ ભગવાન રીઝ્યા અને અમારી પડોશીની દીકરી ઓફિસેથી આવતાં માર્કેટમાં ‘કેરી- દર્શન’ કરીને આવીના સમાચાર લઈને આવી..બધે ખુશીઓની છોળો ઉછળવા લાગી..આ વખતે કેરી ખાવા નહી જ મળે એવી માન્યતાથી અમુક લોકો ‘મન પર કાબૂ રાખવાના 1001 ઉપાયો’ની ચોપડીઓ ખરીદી લાવેલા એના પાને પાના ફાડીને કોલેજના છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓની જેમ આકાશમાં ઉડાડવા લાગ્યાં.સર્વત્ર ખુશીઓનું વાવાઝોડું ફૂંકાઈ ગયું..બધાએ હરખભેર પોતાની માનતાઓ પૂરી કરી..’સંપ ત્યાં જંપ’ની ભાવનાને અનુસરીને બધાંય સમુહમાં માર્કેટમાં જઈને જથ્થાબંધ ભાવે કેરીના ટોપલે -ટોપલાં ખરીદી કરી લાવ્યાં.

કેરીના રસના બાઉલ અને જેને કાપેલી કેરી ખાવી હોય એમના માટે સરસ મજાના એક સરખા ચોરસ કટકા કાપીને મૂકાયા.મેંગો શેકના જગની પણ વ્યવસ્થા કરાઈ હતી.ચારેબાજુ કેરી જ કેરી ! થોડી વેરાઈટીના ભાગ રુપે અથાણું કે છુંદો પણ રખાયો. સમુહમાં ધાબા પર બેસીને ચંદ્રમાને જોઇને સોસયટીની સૌથી નાની કુંવારિકા-6 માસની ઢબુડીને સૌપ્રથમ ચમચીથી કેરીનો રસ ચટાડ્યો અને પછી બધાંયના ‘કેરી-ઉપવાસ’ છૂટ્યાં.

ત્યાં તો સામેના ધાબાની પાળીએથી પેલાં ‘આલ્ફાંસો-રાજા’નું ગરીબડું મુખડું ડોકાયું.બે –ચાર તોફાનીઓએ એના ધાબા તરફ ખાધેલી કેરીઓના ગોટલાં ફેંકીફેંકીને પોતાની દાઝ ઉતારી. કેરીની લાલચમાં એની સાથે જે છોકરીની સગાઇ કરાઈ હતી એ છોકરી પણ એના સ્વાર્થી અને આપખુદી સ્વભાવને ધિક્કારતી હતી. એથી એ અમારી સાથે અમારા ધાબે કેરીની ઉજાણીમાં,અમારી પાર્ટીમાં જોડાઈ ગઈ હતી..હર્ષોલ્લાસ સાથે આ અનોખો ‘કેરી-ઉત્સવ’ રંગે-ચંગે ઉજવાયો અને મોડી રાતે દાઢી-મૂંછો ,દુપટ્ટા-સાડીના પલ્લુ પર  ચોંટેલ કેરીના રસ સાથે ‘કેરી ઉત્સવ’ની અનોખી યાદગીરીરુપે ફોટોસેશન કરાવીને છૂટા પડ્યાં.

‘અંત ભલા તો સબ ભલા’

-સ્નેહા પટેલ.

અનબીટેબલ – 23


પુરુષ પહેલ-વહેલી વાર પેન હાથમાં પકડે ત્યારે ‘ સ્ત્રી – સૌંદર્ય –   સ્પર્શ /  સેક્સ – કડવી વાસ્તવિકતા’ જેવા વિષયોને પ્રાથમિકતા  હોય છે. જ્યારે સ્ત્રીઓના લખાણમાં   ‘પ્રેમ – લાગણી- સંવેદના-સંબંધ-કાલ્પનિક દુ નિયા ‘ જેવા વિષયો વધારે  હોય છે.

====> જનરલ ઓબઝર્વેશન.

-સ્નેહા પટેલ.

image source – http://www.leeashford.co.uk/images/writing.jpg

અનબીટેબલ – 22


લોકપ્રિય દેખાવું અને  લોકપ્રિય થવું – બે ય માં આસમાન જમીનનો ફરક છે.

-સ્નેહા પટેલ

અનબીટેબલ – 21


બહુ જ  મહાન અને બુધ્ધીશાળી માણસો ભૂલો પણ એટલી જ મહાન અને મ્રૂર્ખામીભરી કરે છે.

સ્નેહા પટેલ

અળવીતરું


http://www.google.com/imgres?q=%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF&num=10&hl=gu&biw=1292&bih=679&tbm=isch&tbnid=wjDoeeBGxnENfM:&imgrefurl=http://jitva.blogspot.com/2010/05/blog-post_01.html&docid=joA5Kr0M1Xze2M&imgurl=http://4.bp.blogspot.com/_XzG8S-JQCZM/S9yshC_5ONI/AAAAAAAAAM0/p8CmUhP_DZc/s1600/jitva-2.jpg&w=640&h=480&ei=qfoIUOawFoa3rAe-oeDHCA&zoom=1&iact=hc&vpx=872&vpy=190&dur=484&hovh=185&hovw=242&tx=138&ty=88&sig=110275597414787147858&page=2&tbnh=146&tbnw=167&start=18&ndsp=27&ved=1t:429,r:5,s:18,i:145

આ ફોટુ અહીંથી લીધો છે જેની  બ્લોગ પર ખુલ્લેઆમ જાણ કરાય છે..

હમણાં જ એક મિત્ર સાથે વાત થઈ ..એમાં વાતવાતમાં બોલાઈ ગયું કે ઠીક છે ..વાત તમે કહો એમ રાખીએ…તમે પણ શું યાદ કરશો કે કોની સાથે પનારો પડ્યો છે.પછી આ અળવીતરા મગજમાં અળવીતરો વિચાર આવ્યો કે ‘પનારો’ કેવો વિચિત્ર શબ્દ છે નહી…આ ‘પનારો એટલે પનીરનો કોઇ દૂરનો રીશ્તેદાર…કઝીન’ થતો હશે કે…!

પરિવર્તન.


પટેલ સુવાસ-માસિક મેગેઝીનમાં  મારી  કોલમનો લેખ…

 

માનવીને નાનપણથી અમુક આદતો પડતી હોય છે – પાડવામાં આવતી હોય છે..સમય વીતતા એ વાતો –આદતો- માન્યતાઓ માનવીના મનમાં ઘર કરી જતી હોય છે…પછી માનવી એને જ ‘હકીકત’ માનીને ચાલતો જાય છે..દરેક સ્થિતીના અઢળક પાસા રહેલા હોય છે..સાચા..ખોટા…શક્ય ..અશક્ય…પણ માનવી પોતાની માન્યતા પ્રમાણે..પોતાની સાનુકૂળતા..પોતાને પડેલી ટેવ પ્રમાણે જ એમાંથી રસ્તો પસંદ કરતો હોય છે…એ બધાથી થોડી અલગ સ્થિતી સામે આવે ત્યારે એ થોડો શિયાવીયા થઈ જાય – અકળાઈ જાય છે.

એક સિમ્પલ ઉદાહરણ આપું તો..જ્યારે હું કોલેજમાં હતી ત્યારે મોબાઈલ-કોમ્પ્યુટર જેવી વસ્તુ જાણે અજાયબઘરમાંથી આવેલ ‘ડીવાઇજીસ’ હોય એવું લાગતું..મોટો કાળા કંપાસ બોક્સ જેવો મોબાઇલ કે કાળુ- ધોળુ ચોરસ ડબલું જેના હાથમાં કે પહોંચમાં હોય એ વ્યક્તિ મારા માટે બીજા ગ્રહથી આવેલા ‘એલિયન’ જેવું થઈને ઉભું રહેતું..કોલેજકાળ વીત્યા બાદ નોકરી કરતા કરતા ઓફિસમાં બે વર્ષ મેઁ કોમ્પ્યુટર પર કામ કર્યું (ના કરવા માટેઓપ્શન જ નહોતું )..ત્યારે બહુ મહાન કામ કરતી હોઉ એવું જ લાગતું..’ફોક્સ.લોટસ…સી પ્લઝ..’.આવા શબ્દો બોલું ત્યારે મારી આજુબાજુના લોકો હવે મને એલિયન ગણવા લાગતા…એ જોઇને મને મજા આવતી..જ્યારે મારી જોડેની અમુક સખીઓ ફક્ત કોમ્પ્યુટર ના આવડવાને કારણે ઢગલો સારી તકવાળી નોકરીઓ ઠુકરાવતી ગઈ..એમની માનસિકતા જોઇને બહુ દુ:ખ થતું…પરિવર્તન-ફ્લેક્સીબીલીટીના નામે સહેજ પણ તૈયારી નહી.

.મેઁ જ્યારે નેટ વાપરવાનુઁ ચાલુ કર્યુ ત્યારે મને ટાઇપીઁગ..ફાઇલ ક્યાં કેવી રીતે સેવ કરવી એના સિવાય ઝાઝી ગતાગમ નહોતી પડતી..બહુ બધા લોચા લાપસી થતા..ઢગલો પ્રોબ્લેમ્સ સામે આવતા.. જાણકાર મિત્રોને ફોન  કરી કરીને અડધો-પોણો કલાક માથું ખાઉં…પ્રોબ્લેમ આવે અને એને સોલ્વ કરું એ સમયગાળા દરમ્યાન ઢગલો વાતો નવી જાણવા મળતી..ગુજરાતી ટાઇપિઁગ કરતા શીખી..એ પછી બ્લોગ બનાવ્યો…ઇમેલ..ઓરકુટ્માં એકાઉંટ બનાવ્યા..ઓરકુટમાં મારી પોતાની કોમ્યુનીટી બનાવી..એને મેનેજ કરવા માટેના જરુરી સેટીઁગ્સ પણ શીખી..ફોટા..વીડીઓ..માહિતી અપલોડ-ડાઉનલોડ કરતા શીખી…ત્યાં તો ફેસબુકનો જમાનો આવી ગયો..ઓરકુટ છોડી ફેસબુક શીખવાનુઁ..વળી પાછી પરિવર્તનનું ચક્કર…એ પણ શીખી..ત્યાં તો પીસીના બદલે લેપટોપ – નેટબુક વાપરવાના દિવસો આવી ગયા…ધરમૂળમાંથી બદલાવ…આ સાથે મોબાઇલ પણ સતત બદલાતા રહ્યાં..નોકિયાનો સાદો ફોન..પછી કેમેરાવાળો ફોન..એ પછી ટચસ્ક્રીન વાળો ફોન..જાત-જાતના ‘સીમકાર્ડ’, જાતજાતની સ્કીમ, મેસેજીસ, ફોનમાંથી નેટ વાપરવાનું.. બધું પહેલાંની શીખેલી સ્થિતીઓથી તદ્દ્ન અલગ…રોજે રોજ પરિવર્તન…

‘ફ્લેક્સીબીલીટીની ચરમસીમાઓ કયાં હોય છે..!’

કાગળના પુસ્તકોમાંથી નેટ –બ્લોગ-ફેસબુક-ગુગલસર્ફીંગ કરીને વાંચતા શીખી…લાયબ્રેરીના શંત વાતાવરણમાઁ ચોપડીઓના પાના ફેરવવાને ટેવાયેલી એવી મને આ ભૂરી ભૂરી લાઈટ્વાળી સ્ક્રીનમાં ઝીણા ઝીણા અક્ષરોમાં વાંચવાનું બહુ કંટાળાજનક –માથું પકવી કાઢનારું લાગ્યું..બહુ જ અકળાવનારા આવા અમુક તબકકાઓ પસાર થયા પછી એ ફ્લેક્સીબીલીટી – પરિવર્તન સ્વીકાર્યાના મીઠા ફળ મળ્યાંત્યારે  એક અનોખી તૃપ્તિ-સંતોષ થયો..અને ફરીથી એક વાર નવા પરિવર્તનને ’વેલકમ’ કહેવા તૈયાર ..!.

આવું બધું માનવીના માનવી સાથેના સંબંધોમાં પણ હોય છે..પૂર્વગ્રહોને છોડી સંબંધોને ઉછરવા એક નવી તક આપવાની મનથી તૈયારી રાખવી જોઇએ..પૂર્વગ્રહોના સીમિત આકાશમાંથી સંબંધ નામના  પક્ષીને મોકળી આઝાદી આપવી જોઇએ  .

‘વ્યાખ્યાઓ..અપેક્ષાની પહોંચની બહાર હોય એવા સંબંધોનું સાસરું વિસ્મય હોય છે.’

આ પરિવર્તંશીલતા સામેવાળાને જે ફળ આપશે એના કરતાં તમને પોતાને વધારે સુખદ રીઝલ્ટની ભેટ આપશે..

પરિવર્તન શરુઆતના તબક્કામાં જ અઘરું  લાગે પછી ટેવાઈ જવાય છે..તો દોસ્તો..ક્યારેય પરિવર્તનને સ્વીકારવાથી ગભરાઓ નહીં. એકની એક માન્યતાઓ ઉપર ચાલ્યા કરવાને બદલે પરિવર્તનના રીસ્ક લઈને એના મીઠા ફળ મેળવવાની જીદ્દ દિલમાં રાખશો તો દુનિયાની કોઇ તાકાત તમને તમારી મનપસંદ મંઝિલ સુધી પહોંચતા નહી રોકી શકે..

’ઓલ ધ બેસ્ટ..!’

-સ્નેહા પટેલ.

સંબંધોનું માધુર્ય..


-http://phulchhab.janmabhoomin-e-wspapers.com/purti.aspx

ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 18-7-2012 નો લેખ

વીજળીની સાથે સાથે જરૂરી છે મેઘ પણ ,
હસવામાં કંઈ મજા નહીં આવે રુદન વિના .
– આદિલ મન્સૂરી –

‘સ્વાતી..પણ તું શું કામ દર્શના  જોડે આટલી બધી ફ્રેન્ડશીપ રાખે છે…શું કામ એને આટલું મહત્વ..આટલી કાળજી ..સોનાની જાળ સાવ આમ પાણીમાં કેમ નાખે છે..?’સ

‘અરે હાર્દિક..તું સમજતો કેમ નથી..એને મારા માટે સાચી લાગણી છે. મારા કોઇ પણ પ્રોબ્લેમસ હું એની જોડે શેર કરી શકું છું..બહુ જ વિશ્વાસુ સખી છે એ મારી..જ્યારે પણ અમે મળીએ કે વાત કરીએ ત્યારે એની વાતોમાંથી સ્નેહ જ નીતરતો હોય છે…તો શું કામ હું એની આટલી કાળજી –ધ્યાન ના રાખું…શી ઇઝ માય સ્વીટહાર્ટ..!‍’

‘હા…તમે જ્યારે પણ મળો ત્યારે એની બોડી લેંગ્વેજ સુધ્ધાં તારા માટે એને અનહદ પ્રેમ છે…પેશન છે…સ્પષ્ટપણે હું વાંચી શકુ છું..પણ….’

‘શું પણ..પ્રેમ છે તો મિત્રતા છે..એમાં ‘પણ’ ને ‘બણ’ જેવી વાતો કયાંથી આવી…તુ પણ સાવ પાગલ છું હાર્દિક..આખો દિવસ જાતજાતની અર્થહીન વાતો વિચાર્યા કરે છે…’

‘ના સ્વાતી..સાવ એવું નથી. હું તને બહુ સારી રીત જાણું છું..તું રહી ‘સંબંધોને વફાદાર માણસ’ તારા વર્ષો જૂના સંબંધો હજુ તરોતાજા હોય એવા છે..તું સંબઁધો બહુ જવાબદારી અને ઇમાનદારીપૂર્વક નિભાવી જાણે છે..મને બહુ માન છે એ બાબતે તારા પર..પણ તેં જ મને દર્શના વિશે કહેલું ને કે એની સંબંધ સાચવવાની તાકાત સાવ જ ઓછી છે…એ બહુ જલ્દી કોઇ પણ સંબંધથી ધરાઈ જાય છે..જેટલી જલ્દી સંબંધો બાંધે છે એટલી જ ઝડપથી એ સંબંધો તોડી કાઢે છે…સમ ખાવા પૂરતો એક સંબંધ પણ બે વર્ષથી વધારે જૂનો નહી મળે..તો એવી વ્યક્તિનો શું ભરોસો…? એ તારી સાથે પણ કાલે રીલેશન તોડતા નહી અચકાય..જ્યારે તું એનાથી સાવ ઊલ્ટી છે…તું ગમે તે ભોગે એ રીલેશન સાચવવાનો પ્રયત્ન કરીશ..બસ…આ વાતની મને સૌથી વધારે બીક છે…દર્શના બધી રીતે સારી છોકરી છે..પ્રેમાળ…કેરીંગ..સમજદાર…પણ આ એક મોટો માઇનસ પોઈંટ છે એનો…’

અને સ્વાતી ખડખડાટ હસી પડી..

‘અરે મારા પાગલ પ્રિયતમજી..હું કંઇ નાની કીકલી નથી કે તમારે મારી આવી વાતોમા ચિંતા કરવી પડે..મને પણ દર્શનાની આ વીકનેસનો ખ્યાલ છે…પણ એ અત્યારે જે રીતે મારી જોડે વર્તે છે એમાં સહેજ પણ બનાવટ નથી…સંબંધ લાંબાગાળા સુધી ટકે કે ઓછા સમય માટે…મારુંતો દ્રઢપણે માનવું છે કે એમાં જીવન હોવું જોઇએ…સચ્ચાઈ..પ્રેમ..ટ્રાન્સપરન્સી –પ્રામાણિકતા હોવી જોઇએ…’ક્વોલીટી મેટર્સ..ક્વોન્ટીટી નહી…’ આખી જીંદૅગી પરાણે વેંઢારવા પડતા અમુક સંબંધોને સાચવવા માટે આવા તરોતાજા રીલેશન એક અનોખી તાકાત આપે છે…તો બસ..આટલા કારણ પૂરતા છે દર્શના જોડે ફ્રેંડ્શીપ રાખવા માટે…આમે હવે કાલની કોને ખબર છે તો આટલું બધું વિચારવાનું..? આજે સાચો પ્રેમ જેટલો, જ્યાંથી મળે મેળવી લેવાનો…ભરપૂર થઈ જવાનું..! બસ, ચાલ હવે…તારે ઓફિસે જવાનુ અને મારે પાર્લરમાં જવાનું મોડું થાય છે…પછી દર્શના જોડે લંચમાં જવાનુ છે..મારી બર્થ ડે પાર્ટીમાં એ નહોતી આવી શકી એના બદલારુપે આજે એ મને લંચમાં લઈ જવાની છે…એ પણ સાવ તારા જેવી જ પાગલ છે…ભગવાન કરે અને એને સદબુધ્ધિ આવી જાય ..અમારી મિત્રતાને ઉની આંચ પણ ના આવે..એના જેવી સખી મને ગુમાવવી પાલવે એમ નથી..પછી તો કાલ કોણે દીઠી છે..’

અને હાર્દિક પોતાની પ્રેમાળ –સમજ્દાર અને ઉદાર દિલની પત્નીને અહોભાવપૂર્વક નિહાળી રહ્યો.

અનબીટેબલ :- Never save the best for later. You don’t now what tomorrow holds.

સ્નેહા પટેલ.

હુ અને મારો દીકરો..


આજે 12 વર્ષના દીકરાને પહેલી વખત 50 રુપિયા વાપરવા આપીને એને એનો જેમ ઉપયોગ કરવો હોય એમ કરવા કહ્યું..

જોકે એણે કોઇ જ જરુરીયાત પ્રદશિત નથી  કરી..

કોઇ જ સવાલ -જવાબની  કે કોઇ જ એક્સ્પ્લેનેશંસ આપવાની  સહેજ પણ જરુર નથી

બસ આજે 50 રુપિયા જેટલી ‘એની સ્વતંત્રતા’ અને ‘મારા વિશ્વાસનો દિવસ..’!

અહીં ઘણા 50 રુપિયાનો સવાલ ઉઠાવશે.,પણ એ મારી અંગત પસંદગી – માન્યતાઓનો સવાલ હોવાથી એ મિત્રો એનો જવાબ મળે એવી આશા ના રાખે…

સર્જન – સર્જક – ભાવક


http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 11-07-2012 નો લેખ

 

મણકો હું, પણ હું માળાની બ્હાર ઊભો છું,

સાચ્ચું કહું તો સરવાળાની બ્હાર ઊભો છું.

સાંજ કનેથી રંગ ઉછીના લઈને જીવ્યો,

અંધારાની, અજવાળાની બ્હાર ઊભો છું.

-અંકિત ત્રિવેદી.

 

અવની..એક લાગણીશીલ,પ્રેમાળ સ્ત્રી.ઓફિસમાંથી થોડો થોડો સમય મળતાં એ વચ્ચે વચ્ચે પોતાનો વાંચનનો શોખ પૂરો કરવા નેટ પર થોડું સર્ફિંગ કરી લેતી..એમાં ને એમાં છેલ્લાં બે – ત્રણ મહિનાથી એને ફેસબુકનો ચસ્કો લાગેલો. એનું ‘વોટ્સ ઓન યોર માઈન્ડ’ એને બહુ જ ગમતું..આપોઆપ એનાથી બેચાર લાઈન એમાં લખાઇ જતી. ધીમે ધીમે એને સમજાયું કે એનામાં પોતાના વિચારો એક્સપ્રેસ કરવાની સારી શક્તિ છે..અને ફેસબુકમાં એના નવા નવા બનતા મિત્રો એને લાઈક અને કોમેન્ટસથી સારી એવી પ્રેરણા આપતા હતાં.

એક દિવસ ચેટમાં એક આધેડ વયના મિત્ર આવ્યાં. બહુ જ સુંદર અને શાલીનતાથી વાત કરતાં હતાં. અવનીને એની વર્તણૂક બહુ જ આકર્ષી ગઈ. એણે એ મિત્રનો પ્રોફ્રાઈલ ચેક કર્યો તો ખબર પડી કે એ તો બહુ જ સારા લેખક – કવિ છે. સુંદર મજાની રોમાન્ટીક ગઝલો..પ્રેરણા આપતા અદભુત લેખો..અહાહા.કેટલો ઠરેલ અને સમજુ માણસ તો પણ મારી સાથે સાવ આમ સરળતાથી વાત કરે છે..કેવી નવાઇ.!

પછી તો બેય જણા રોજ રોજ કલાકો ના કલાકો ચેટ કરવા લાગ્યાં. એ વિદ્વાન મિત્ર અવનીને નવું નવું લખવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા લાગ્યાં.

એકાદ મહિનાના ગાળા દરમ્યાન જ અવની પોતાના લખાણમાં સારો એવો ચેન્જ અનુભવી શકી. પેલા વિદ્વાન કવિમિત્રએ ધીમે ધીમે બહુ જ હોંશિયારીથી પોતાના શબ્દો પરની અદભુત પકડ દ્વારા મીઠી મીઠી વાતો કરી કરીને અવનીને પોતાની ટેવ પાડી દીધી હતી..જાણે એક સાયકોલોજીકલ ગેમ…વળી એ બહુ મોટા ગજાનો માણસ હતો એટલે અવનીને પોતાના લખાણને આગળ વધારવા માટે એક સ્કોપ પણ લાગતો હતો.નેટ પરની દોસ્તી ધીમે ધીમે મોબાઈલકાળમાં પ્રવેશી.

 

પછી તો જેમ ચાલતું આવ્યં છે એમ જ..મોબાઇલમાંથી ઇચ્છાઓ ધીમેથી વાસતવિક દુનિયામાં સરકવા લાગી..બેય જણાએ કોફી શૉપમાં મળવાનું નક્કી કર્યું. અવની સમય કરતાં થોડી વહેલી જ એ જગ્યાએ પહોંચી ગઈ પણ પેલા વિદ્વાન મિત્ર તો ખાસ્સા કલાકેક રાહ જોવડાવીને આવ્યાં. ઠીક છે..મોટા માણસોને સમયની મારામારી હોય એ સમજી શકાય એવી વાત છે કહીને અકળાયેલી અવનીએ મન મનાવી લીધું.

રહી રહીને અવનીને આ વ્યક્તિ એણે જે રીતની પર્સનાલીટી એના પ્રોફાઈલ પરથી ધારેલી એના કરતા સાવ અલગ જ લાગતો હતો. ના એના કપડાંના ઠેકાણા કે ના વાળના..કદાચ છેલ્લાં અઠવાડીઆથી શૅવ પણ નહી કર્યુ હોય..એકદમ લધરો..ક્યારેય આવા વ્યક્તિ જોડે એ આમ જાહેરમાં નહોતી બેઠી એટલે એને થોડો સંકોચ થવા લાગ્યો. એવામાં એ વિદ્વાન અને આધેડ મિત્રએ અવનીના ટેબલ પર રહેલા નાજુક હાથ પર પોતાનો બરછટ હાથ મૂકી દીધો અને હળવેથી પંપાળવા લાગ્યો અને ..ટેબલ નીચેથી એનો પગ અવનીના પગને સ્પર્શવા લાગ્યો..હવે અવનીને ઝાટકો લાગ્યો..આ માણસ એને શું સમજી રહ્યો હતો…એ એકદમ અકળાઈ ગઈ..એનું મોઢું ગુસ્સાથી લાલચોળ થઈ ગયું.

‘તમે આ શું કરી રહ્યાં છો…આઈ એમ નોટ કમફ્રેટબલ..પ્લીઝ.’

વિદ્વાન મિત્રએ પોતાનો હાથ ખસેડી લીધો..

‘અરે..પણ મેં ક્યાં  કઈં કર્યુ છે ..આ તો એક મિત્રતાપૂર્ણ હરકત હતી .બસ..હા તો તમે તમારી લખેલી કવિતાઓ લાવ્યાં છો..બતાવો મને…આપણે એને મઠારીએ..મને વિશ્વાસ છે કે એ કોઇ સારા સાહિત્યિક મેગેઝીનમાં જરુરથી છપાશે..’

અવનીને એક પળ લાગ્યું કે કદાચ પોતે વધારે વિચારી રહી છે..આ મિત્ર નિર્દોષ પણ હોય..બાકી એનું લખાણ  તો કેટ્લું સરળ અને નિખાલસ..આ તો ઇશ્વરથી ડરનારો ભલો ભૉળો માનવી છે ‘

આમ વિચારીને એણે પોતાની ડાયરી બહાર કાઢી.

પેલા મિત્રએ એ વાંચવાનો ડોળ કરતાં  કરતાંફરીથી શારિરીક અડપલાં ચાલુ કર્યા..

હવે અવની એકદમ શ્યોર થઈ ગઈ કે આ એનો વ્હેમ  નહી હકીક્ત જ હતી.

‘સ્ટોપ ધીસ ઓલ..આઈ ડોન્ટ લાઈક ઈટ..તમે સમજો છો શું મને..?’

‘જુઓ અવની…આમ એકદમ નેરો માઈન્ડેડ રહેશો તો તમે આ ફીલ્ડમાં આગળ આવી રહ્યાં. તમારે થૉડો કોમ્પ્રોમાઈઝ તો કરવો જ પડશે..તો મારી જોડે એ કરવામાં શું ખોટું છે. હું તમને પ્રસિધ્ધીની  ટોચ પર લઈ જઈશ..’

અને એણે પોતાના હાથની પકડ અવનીના હાથ પર વધારી..

‘સોરી, મારે આવી સસ્તી પ્રસિધ્ધી નથી જોઇતી ‘ અને પોતાનો હાથ ઝાટકો મારીને છોડાવી લીધો..

‘અવની..તમે ભણેલા ગણેલા છો..તમારી મરજીથી તમે મને મળવા રાજી થયા છો..પછી હવે આવા નાટક રહેવા દો..અને પછી થોડા અભદ્ર શબ્દોની લ્હાણી કરીને અણછાજતી માંગણી કરી..

અવની એક ઝાટકે ત્યાંથી ઉભી થઈને એ કોફી શૉપની બહાર નીકળી ગઈ..આખા રસ્તે વિચારતી રહી..સરસ મજાનું પોઝીટીવ લખાણ લખતો માણસ અંદરથી સાવ આવા સ્વભાવનો કેમનો હોઇ શકે..પોતે તો માણસોને કેટલા સારી રીતે ઓળખી શકે છે આમાં કેમ થાપ ખાઈ ગઈ..થૉડો વિચાર કરતાં એને ખ્યાલ આવ્યો કે  એ એ લેખકના લખાણથી, અદભુત શબ્દો- અઢળક જ્ઞાનથી અભિભૂત થઈ ગયેલી અને એણે સર્જનને જ સર્જક માનીને મનોમન એની એક મહાન વ્યક્તિ તરીકે કલ્પના કરી દીધી હતી. જે હકીકતથી સાવ જ વેગળું હતું એથી આવી ભૂલ થઈ ગઈ.. નેટની ચકાચોંધમાં કાચને પણ હીરો બનાવી દેવાની અદભુત તાકાત છે. આવી શારિરીક અને માનસિક યંત્રણાથી બચવા ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહી કરે.

અનબીટેબલ :  Life is not a rehearsal. Each day is a new show. no repeat, no rewind, no retake..Perform carefully.

unbeatable – 21


ઘણી વાર જિંદગીમાં લોકોની ઇર્ષ્યા અને અવિશ્વાસથી હું હાંફી છું,

ત્યાં બીજા દિવસે વિશ્વાસ – માસૂમિયતનો સૂર્યોદય લઈને જિંદગી મને પાછી મળે છે.

અને જ્યારે પણ કોઇ માણસમાં આવું ભોળપણ – નિ:સ્વાર્થપણું (જેને બુદ્ધીવાદી લોકો મૂર્ખતામાં ખપાવે છે..અને મને એમની એ બુદ્ધિમતા પર દયા આવે છે…) મને ભટકાય છે..ત્યારે ત્યારે મન થઈ જાય છે કહેવાનું..’જિદગી તું બહુ જ સુંદર છે…હું તને અનહદ ચાહુ છું..આ પૃથ્વી વસતા લોકોમાં હજુ વિશ્વાસ મૂકવાનું મારામાં સામર્થ્ય છે અને મને એનો ગર્વ છે !

-સ્નેહા પટેલ

અનબીટેબલ – 20


જ્યારે જ્યારે લોકો મારા ઢગલો વખાણ કરે છે..ત્યારે ત્યારે મારી ઉણપો મને વધારે તીણી થઈને ખૂંચે છે.

સ્નેહા પટેલ.

 

જીવંત


લાગણીના સિચનથી લીલીછ્મ્મ …
મારામાં
રહેલી મને
જીવંત
રાખે છે તું ..!

સ્નેહા પટેલ

વેકેશન – મોસાળ – ખંભાત


Smruti khodaldhaam mag.  ‘Aachman’ column – july – 2012.

આજે બહુ વર્ષો પછી ખંભાત – મારા મોસાળ જવાનું થયું.બાળપણના ઘણાખરા ઉનાળુ વેકેશન નાના-નાની, માસીઓના ઘરે જ વીત્યા છે.

વેકેશનનો સમય એટલે ઉનાળાનો સમય. તાપથી બચવા બને એટલા વહેલાં ઉઠીને સવારની પહેલામાં પહેલી બસ જ પકડવાનો આગ્રહ રખાય..એસ ટી સ્ટેન્ડ પર હંમેશા ૨૦-૨૫ મીનીટ તો રાહ જોવી જ પડે..બસ આવે એટલે ભીડમાં ધક્કા મુક્કી કરીને, લોકોના ગંદા સ્પર્શથી બચતા બચતા બસમાં ચડવાનું (જેના માટે ઘૂસ મારી જેવા શબ્દ પણ વાપરી શકાય) અને છેક્ક્ક આગળની સીટ પર જઈને બધાની સીટ રોકવાનું કામ મેં સ્વેચ્છાએ ઉપાડી લીધેલ હોય..એ કામ પતે એટલે હું આજુ બાજુ બધાંને જોયા કરું..જેમને ગમતી સીટ મળી જાય એમની સામે આપોઆપ જ થોડું હસી પડાય અને જે લોકોને બેસવા માટે સમૂળગી જ સીટ ના મળી હોય એ લોકો કરતાં હું કેટલી સ્માર્ટ અને ચપળ એવો છૂપો ગર્વિલો ભાવ મગજમાં નશો ચડાવી દે.

પહેલેથી જ પંચાતીયો જીવ ના હોવાથી બારીની સીટ મને વધુ ગમે. બસની અંદરનું બંધ વાતાવરણ મને બહુ સમય એના મોહપાશમાં બાંધી ના શકે..એસટી ની ઉપરથી ખૂલે કાં તો નીચેથી એવી અધખૂલી બારીમાંથી મારી ઉત્સુક નજર કાયમ બહારની દુનિયાને કૌતુકથી નિહાળ્યા જ કરે.. કાળી કાળી ડામરની સડકો પર ચકરાવો લેતી ઝીણી ઝીણી ધૂળ, વૃક્ષોની હારમાળા, એની પાછળથી ચળાઇને આવતા સોનેરી તડકાની સંતાકૂકડી મારા મોઢા પર ઝીલવાની બહુ મજા આવે.. એ મોઢા પર પડે એટલે મારુ મુખ પણ સોનેરી સોનેરી થઈ જાય..થૉડું રતાશ પકડે અને આપણે જાણે સોનપરી …આપણી જ કલ્પનાની દુનિયા અને આપણે જ રાજકુમારી જેવી ભાવના સાથે ઘણીવાર આંખો બંધ થઈ જાય જાય..પણ એ બહુ લાંબુ ટકે નહી. એસટીનો ડ્રાઈવર પાંચ મીનીટથી વધારે એવા લોચનબંધ કરીને કલ્પનાવિશ્વમાં વિહરવા ના દે…રસ્તાના ખાડા ટેકરાંની ઐસી કી તૈસી કરીને બને એટલો રસ્તો વહેલો કાપવાની વેતરણમાં જ હોય એટલે આપણું માથું પેલી અધખુલ્લી બારીની ગ્રીલ સાથે આગળ પાછળ ઘસાતું ઘસાતું ખટાક-ખટાક અથડાયા જ કરે..અને વાસ્તવિકતાની દુનિયામાં પાછા ધડામ્મ્મ..!

એસટીની ખટારા બસમાં, ડીઝલની અને આજુબાજુમાં ભરચક્ક માનવદેહની પરસેવાની માથું ફેરવી નાંખતી વાસ સહન કરતાં કરતાં લગભગ દોઢેક કલાક વીતે અને છેલ્લે તો ધીરજ હાથમાંથી સરતી જાય. ખેડા-તારાપુર.. એમાં પણ જો બસ ક્યાંક પેટ્રોલ સ્ટેશન પર ઉભી રહે  અને ૧૦ મિનીટ વધી જાય તો તો થઈ રહ્યું..ધીરજનો ઘોડો બેકાબૂ થઈને લગામ તોડીને ભાગી જ નીકળે ને અકળામણના રેલા ઉતરવા લાગે. ત્યાં તો લાંબા લાંબા તાડના ઝાડ નજરે ચડે એટલે મગજમાં છમ્મ કરતુંકને પાણી રેડાય અને બાજુમાંથી મમ્મીના આશાભરેલા વાક્યો ચાલુ થઈ જાય..બસ બેટા..હવે થૉડી ધીરજ.. આ જો નારિયેળી દેખાય ને હવે તો ખંભાત આવ્યું જ સમજ..બસ…

‘કેટલી મીનીટ થશે મમ્મી..?’

‘બસ..૧૦ મીનીટ ..’

જોકે એ વખતે હાથે ઘડિયાળ ના હોય એટલે દસ મીનીટ અને ૨૦ મીનીટનો તફાવત બહુ સમજાય નહી..બધું ય સાપેક્ષ..

પણ આ વખતે તો હાથમાં ઘડિયાળ હતી..સમય અને હોદ્દો બેય બદલાઈ ગયેલું.. પ્રગતિનો પવન..આજે હું એસી ગાડીમાં હતી અને એ પણ મમ્મીના પદ પર બિરાજમાન મારા બાર વર્ષના દીકરાની જોડે.

એસટી સ્ટેશનથી અંદર ઘૂસતાં જ એ જાણીતી સડકો ઉપર બહુ બધું અજાણ્યું ઉગી નીકળેલું હતું. ગાડી દરિયાના રસ્તેથી જમણાં હાથે વળીને એ જ પરિચીત પતલી ઘુમાવદાર સડક પરથી મોસાળની ગલી તરફ વળી..પણ આ વખતે મોસાળમાં નહોતું જવાનું..નાના-નાની જ ક્યાં રહેલા હવે તો મોસાળનું ઘર રહે..  આ વિચાર સાથે જ  દિલમાં પીડાની એક તીખી લહેર પ્રસરી ગઈ..અલીંગ વટાવતા વટાવતા તો એ જ જાણીતી સાંકડી – પતલી સીધી લીટી જેવી ‘ગાંધીની પોળ’ નજરે પડી અને ધ્યાન બહાર જ આપોઆપ ગાડીની બ્રેક પર પગ દબાઈ ગયો.

બે પગથિયા ચડીને પ્રવેશાય એવી ૬-૭ ફૂટ પહોળી ગલી..દૂરથી જોતાં ડાબે જમણે ફેલાયેલા જૂના જમાનાની લાકડાંની બાંધણીવાળા મકાનો ઉપર આધુનિકતાનો થોડો થોડો ઢોળ સ્પષ્ટપણે દેખાતો હતો..કાને  બહેનપણીઓનો સાદ પડ્યો અને  ધૂળીયા જમીનમાં ખાડો ખોદી ખોદીને ગિલ્લી દંડાની રમત રમતી હોઊ એવો ભાસ થયો. જમણાં હાથે ખાલી પ્લોટ હતો જ્યાં અમારી તોફાની મંડળીએ  ઢગલો નાટકો બનાવેલા અને ભજવેલા..જોનારા પણ અમે પોતે જ તો વળી. આ જ જગ્યાએ વીણી વીણીને ભેગી કરેલી માચીસના બોકસની આગળ પાછળનું પૂઠું કાપીને ‘છાપ’ રમતા હતાં, ધૂળિયા જમીનમાં ખાડો જેને અમે ‘ગબ્બી’  કહેતા એ ખોદીને લખોટીઓ રમતા..જમીને કેરમા બોર્ડ…વેપાર- જેવી બધી ‘ઈનડોર ગેમ્સ’ આવી જાય.. રાતના સમયે જમી કરીને  નાના- નાનીની આજ્ઞાનું પાલન કરીને દેરાસર દર્શન કરીને પાઠશાળામાં નવી નવી ધાર્મિક ગાથાઓ શીખી લઈને નવરા ધૂપ થઈ જઈને  અંધારામાં થપ્પો રમતાં.. છેક અંદર અંદર અંધારિયા ખૂણામાં  છુપાઈ જવાનું…થોડી બીક લાગે પણ પકડાઇ જવાની શરમે એ બીક સહન થઈ જાય.

આ બધી ધમાલો પછી બધા ભેગા થઈને અમારી કામવાળી બાઈ જેને ‘ગોલણ’ કહેતા હતા ( ખંભાતમાં આવી ગોલણો ઠેર ઠેર પગના અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે લોખંડ્નો પતલો ડંડો ભરાવી અને એના ટોચકા પર બીજા હાથે લાકડાની જાડી સળીના છેડે લોખંડનો ટુકડો ભરાવી હથોડી જેવા શેઈપના ડંડાથી અકીકના પથ્થરો ટાંચી ટાંચીને અકીકને શેઈપ આપતી નજ્રરે પડે..એનું ધ્યાન ચૂકવીને મેં પણ એવા અખતરા કરી લીધેલા છે…એક પણ ટુકડો આંખમાં ગયો તો આંખો ગુમાવવા સુધીની ઇજા પહોંચી શકે.. પણ એવા જોખમોની સામે કંઇક નવા અખતરા –રોમાંચ આ બધાંનુ એ સ્મયે વધુ મહત્વ) એના  ઘરે અડ્ડો જમાવીએ.. ઉનાળાની સિઝનમાં રોજ રસ તો હોય જ…સવારે ખાધેલી કેરીઓના ગોટલાં એ ગોલણને આપી રાખીએ.. જેને એ પોતાની સાંજની રસોઈ પછી ઠરતાં જતાં ચૂલ્હામાં શેકી આપે અને અમે અણીદાર પથ્થરથી એને તોડી ર્તોડીને અંદરથી ગોટલી કાઢીને એનો ઢગલો કરીએ..

બધું ય કામ પતાવી અને નાનાના ત્રણ માળના મોટા ઘરમાં બીજા માળે આવેલા એક વિશાળ રુમમાં વચ્ચે વચ્ચ આવેલા હીંચકા પર આખીય ટોળી મોટા મોટા હીંચકા ખાતા ખાતા એ ગોટલી સરખા ભાગે વેચીને ખાઇએ..કોઇને વધુ જાય તો ઇર્ષ્યા – ગણત્રી નહીં કે ઓછું આવે એનો રંજ નહીં..બસ મજ્જ્જ્જાની લાઈફ..એમાં ય પાછો કોઇના મગજમાં વિચારનો ફણગો ફૂટે તો એક બારકસ હીંચકાની નીચેની બાજુ આમથી તેમ જમીનસરસો થઈને લસરે.. મગરની જેમ ..હીંચકો કોઇ પણ ભોગે ચાલુ રહેવો જ જોઇએ એ શરતે દાવ આપનાર અમારા પગને ના સ્પર્શી જાય એનું ધ્યાન રાખતા રાખતા અમારે અમારા પગ ઉપર લઈ લેવાના..એક હીંચકો..૭- ૮ જણની અમારી ટુલ્લર..હોહા..ઘમાલ મસ્તી …નવાઇની વાત તો આટલી ધમાલો પછી પણ   હીંચકા પર બેલેન્સ રહી જ જાય.. ક્યારેય કોઇ એક્સીડન્ટ નથી થયો..

એવામાં નાનીની બૂમો પડે..

‘ચાલો હવે..બહુ મોડું થયું..સૂવાનો સમય થઈ ગયો.’

એટલે બધાંયના મૉઢા વિલાય..બાળપણી જીવને ક્યારેય રમતથી સંતોષ થયો છે આમે..! આંખો ને આંખોમાં ઈશારાઓ થાય..સળંગ ઘરોના સળંગ ધાબા..વચ્ચે એક નાની શી પાળી જ હોય..બધાં ય ધાબે સૂવાનો પ્લાન ઘડે અને પછી નાનીને સૂવા જવાનું કહીને ધાબે જવાનું..ત્યાં અગાશીની બહાર આવેલ જૂનું લાકડાનું કબાટ ખોલી આપણી મનપસંદ પથારી કાઢી લેવાની. અગાશીમાં ઍ પથારી પહોળી કરી એના પર ચાદર પાથરી ઓશિકુ અને ઓઢવાનું સરખું એની જગ્યાએ મૂકીને આપણી ટુલ્લર ચાતક નજરે રાહ  જોતી હોય એ અગાશીમાં પહોંચી જવાનું. એક ખટપટીયો જીવ ક્યાંકથી બલ્બ સળગાવવાની વ્યવસ્થા કરી લાવે અને પછી ચાલુ થાય અમારી પત્તાની ગેમ…

નાના- નાની પણ પછી તો આવીને અમને રમતાં જોઇને કંઇ બોલે નહીં.

‘બહુ મોડું ના કરતાં દીકરા’ના બે ચાર વાક્યો કહીને સૂઇ જાય..અને આપણે મનના રાજા… ૨-૩ વાગ્યે આંખો બંધ થવા લાગે ત્યારે બીજા દિવસનો પ્રોગ્રામ ઘડીને કમને છૂટા પડીએ..તે સીધી બીજા દિવસની સવાર..!

બંસીકાકા..નાનાની દુકાનમાં કામ કરતા બંસીકાકા હજુ યાદ છે. તાડફળી ખાવાનો મૂડ આવે ત્યારે ખંભાતની સારામાં સારી તાડફળી શોધીને લાવી આપવાની જીદ સાથે ખંભાતની ગલીઓમાં  સાઈકલ પર એમને બહુ દોડાવ્યાં હતાં. એ લાવી આપે એટલે પ્રેમથી પાછા એમાંથી એમના હિસ્સારુપે બે એક તાડફળી શોધીને એમને આપતાં પણ ખરા અને એનો એ બહુ જ પ્રેમથી સ્વીકાર પણ કરતાં..હવે તો એ બંસીકાકા પણ  હયાત નથી.

ખંભાત જઈએ ત્યારે મને પીવના પાણીની બહુ મોટી તકલીફ પડે. ત્યાંનું ખારું ખારું પાણી તો ઉલ્ટી થઈ જાય એટ્લું ખારું..મોટાભાગે દરેક ઘરમાં એક ‘ટાંકું’  જોવા મળે..(આવા ટાંકા તો પિકચરોમાં જ જોયેલા હોય એટલે આપણને તો એની ભારે નવાઈ અને ઉત્સાહ-રોમાંચકારી કામ લાગે ) એમાં પિત્તળનો ચકચકાટ ઘડૉ દોરડું બાંધીને ઉતારીને એમાંથી મીઠા પાણી ખેંચવાની મજા જ અનેરી..પણ તકલીફ એ કે એ પાણે જરા વિચિત્ર રીતે જ મીઠું લાગે….છેલ્લા ઉપાય તરીકે હું ખારુ અને મીઠું બેય પાણી મિક્સ કરીને પી  લઊં..હજુ એ સમયે કુવામાં મોઢું નાંખીને મોટે સાદે અમારા નામ બોલીને એના સાંભળેલા પડઘા કાનમાં ગૂંજે છે..

એ ત્રણ માળનું ઘર અત્યારે  મને આકર્ષી રહેલું..મને ત્યાં જવાની તીવ્ર ઇચ્છા થઈ પણ ત્યાં તો એ ઘરમાંથી હાથમાં દાતણ અને બીજા હાથમાં લોટૉ લઈને બ્રશ કરવાની તૈયારી સાથે એક કાકા ઓટલે ડોકાયા અને મગજમાં એક તીવ્ર સબાકો વાગ્યો..આ ઘર હવે કયાં આપણું..જેની દિવાલે દિવાલે મારા નાજુક ટેરવાંની છાપ પડેલી, લાદી-લાદીએ મારા પગની પાનીના ટહુકા વેરાયેલા…આખે આખું ઘર મારી ધમાલ મસ્તીથી ભરચક, હાસ્યની છોળોથી રંગાયેલુ એ ઘર અમારું ક્યાં ..એ તો નાના નાનીના મૃત્યુ પછી વેચાઈ ગયેલું..મારે તો હવે એને દૂરથી જોઇને જ સંતોષ માનવો રહ્યો.જ્યાં શૈશવની અમૂલ્ય પળો વિતાવેલ હોય એ જગ્યા હવે પારકી થઈ ગઈ હોય એનો રંજ દિલને અંદરોઅંદર કોતરી રહેલો. ઈંટ, માટી, ચૂનાના બનેલા ઘર સાથે પણ માનવીને કેવો  લગાવ થઈ જાય છે એનો અનુભવ કર્યો. ખડકીમાંથી બજાર,સીમંધર સ્વામીનું દે’રું..થુભનું દે’રું..ચોકસીની પોળ, કાછિયાપાડ, લાલ દરવાજા, , સક્કરપુર, દેવાનનગર, માદળાના તળાવની ભૂતાવળી કહાની,હલવાસન- પાપડનું ચવાણું -સુતરફેણી… જેવા નામના પડઘા પડી રહેલા અનુભવ્યા.

અને આંખોમાં આંસુ સાથે જે પગથિયે ઉભા રહીને અનેકો વરઘોડાઓ જોવાનો આનંદ માણેલો એ પગથિયાંને નજરસ્પર્શ કરીને માસીના ઘરની દિશામાં ગાડીને હંકારી.

બાજુમાં બેઠેલો મારો સમજુ દીકરો ચૂપ-ચાપ મને  આશ્ચર્યથી નિહાળી રહ્યો.

સ્નેહા પટેલ

sneha_het@yahoo.co.in

ખાબોચિયામાંથી સમંદર તરફ..


‘આપણી અરસ – પરસ – રાજકોટ ‘ મેગેઝીનમાં’પ્રથમ વર્ષાબૂંદ ઝીલ્યાની અનુભૂતિ’ પર મારો સ્પેશિયલ લેખ.

વાદળમાંથી તડકો..ઊકળાટ..બફારો..બેરહમીથી ધોધમાર વરસી રહેલો..

‘ગ્લોબલ વોર્મિંગ-તમારું તમને જ અર્પણ !’

રોમેરોમ પસીનાની બૂંદો ફૂટી નીકળતી હતી જે ધીરે ધીરે રેલામાં પરિવર્તીત થઈને નદીધારા  બનતી જતી હતી..રુમાલ – સુગંધીદાર ટીસ્યુસ..બધુંય નક્કામું..એસીની ઉભી કરેલી ‘અકુદરતી -ઠંડક’કમાં પણ મજા નહોતી આવતી..કોઇ જ વાતે મન નહોતું ચોંટતું..અગત્યનાં કામ કરવા પડે એટલે કરી લેતી હતી..પણ મગજ તો અકળામણમાં બટેટાવડાની જેમ ‘ડીપ ફ્રાય’ થતું હતું.

કુદરત તો કુદરત એને આપણાથી કંઇ ન કહેવાય.

ત્યાં તો આભમાંથી ભગવાનનો આશીર્વાદ ટપ..ટપ..ટપાક ટપકવા માંડ્યો. ખરીને શૂન્ય થઈ ગયેલા પર્ણોમાં એક ઓર આશા સંચાર થયો. નવજીવનની લાલસામાં આકાશ સામે આંખો તાણી તાણીને એ ભૂખરી-ઠૂંઠી ડાળીઓ વર્ષાનું  એક એક બૂંદ પોતાની ઉપર ઝીલી લેવાને ઉત્સુક બની ગયેલી દેખાતી હતી. મનુષ્યની જેમ એમનામાં પણ જીજીવિષા અકબંધ સચવાયેલી દેખાતી હતી.

મારા ધ્યાન બહાર જ મારો હાથ બારીમાંથી બહાર નીકળી ગયો..આંખો બંધ અને મારા ખોબામાં વર્ષાબૂંદોની મહેરથી ખાબોચિયું ભરાઈ ગયું..બે આંગળીઓની વચ્ચેથી ટીપું ટીપું હથેળીમાંથી સરકતું અને બીજુ એ ખાલી જગ્યા પૂરી દેતું..મને આ રમત નાનપણથી અતિપ્રિય..ત્યાં એક અવર્ણનીય, મીઠી સુગંધ નાકમાં પ્રવેશવા લાગી..સુગંધ તો જાતજાતની આ ઘ્રાણેન્દ્રીયએ માણેલી પણ આ સુગંધ એ બધાથી અલગ..આ સુગંધ જ્યારે પણ મારા નાકમાં પ્રવેશે ત્યારે ત્યારે એને ખાવાનું તીવ્ર મન થઈ જાય.. ધીમા પવનની લહેરખીઓ તનને સ્પર્શીને મનના દ્વાર ખખડાવવા લાગી અને અચાનક દરેક સ્થિતીએ ભગવાન બુધ્ધની જેમ પ્રસન્ન મુદ્રા ધારણ કરી લીધી.

‘પ્રત્યેક કંટાળામાં એક પ્રસન્નતા છુપાયેલી હોય છે, જરાક પ્રેમાળ આવકાર મળવો જોઇએ બસ’

તરત જ માંહલી કોરમાંથી એક નાદ પડઘાવા લાગ્યો..

‘અરે નાદાન એસી-હીટરમાં જીવવા ટેવાઈ ગયેલા શહેરી- ફ્લેટીયા જીવ..આ હથેળીમાં શું ખાબોચિયા ભરે છે..બધીય ચિંતાઓને કોરાણે મૂકીને વાસ્તવિકતાની ધરા પર  ચાલવા માંડ..આ પ્રથમ વરસાદમાં  બધી અકળામણ ‘છ્મ્મ થઈને’ના ઉડી જાય તો મને ‘ફ્ટ્ટ..’ કહેજે..આહલાદક ક્ષણૉનો સાક્ષાત્કાર કરવો એ આપણો..માનવીઓનો જન્મસિધ્ધ અધિકાર છે..આ અધિકારનો લ્હાવો ઉઠાવી લે…આજના કોરાકટ, સંવેદનવિહીન જમાનામાં દોડાદોડ કરતાં તારા તનને બે ઘડીનો પો’રો ખાવા દે. ‘વર્ષાના જન્મ’ને વધાવ..થોડા સમયકાળ દરમ્યાન એ યૌવનમાં પ્રવેશશે એવા વાવડ છે..તને એના બાળપણથી યૌવન-પ્રવેશની પ્રક્રિયાની સાક્ષી બનવાનો રુડો અવસર મળ્યો છે… પ્રથમ વર્ષામાં ભીંજાવાનો આ અવસર સાવ જ આમ પાણીની જેમ ના વેડફ’.

અચાનક મને ભાન થયું કે આપણે માનવી કેવા પામર હોઈએ છીએ..પ્રથમ વર્ષાનું અદભુત સુખ છેક આપણાં ઘરઆંગણે રમતું હોય છે ને આપણે એને ટીવી..મોબાઈલ…નેટ..રેડિયોના સમાચારોમાં, ફેસબુક – ટ્વીટરના સ્ટેટસ  અપડેટસમાં શોધતા હોઇએ છીએ.આપણી પાસે સુખોનો ભંડાર હોય છે પણ કદાચ આપણી એ સુખ માણવાની તાકાત જ ક્ષીણ થઈ ગઈ છે.પૈસાના જંગલો ખડકવામાં, આપણાંથી આગળ નીકલી ગયેલાની ઇર્ષ્યા અને પાછળ રહી ગયેલાં ઉપર હસવામાં, પારદર્શકતા પર અહમના ધુમ્મસના આવરણ ચડાવવાનાં, સીધ્ધા સટ માણસોમાં વળાંકો શોધી શોધીને સંબંધોમાં દિવાલો ઉભા કરવા જેવા ઢગલો નિરર્થક કામોમાં બધીય તાકાત-સંવેદના વેડફી નાંખીએ છીએ..પરિણામે જ્યારે જીવન માણવાની ઘડીઓ આવે છે ત્યારે એને મજ્જાથી માણી જ નથી શકતા.

‘કુંપણો ફૂટ્યા પહેલાં તો  માનવી  ખરી જાય છે…!’

માથું ખંખેરી, વિચારોના વમળ – મનનો ધખતો સંતાપ બધું ય ધક્કો મારીને દૂર હડસેલી દીધું અને ઘરમાંથી બહાર નીકળી ગઈ. ચાતક-મોર-ટીટોડી બધાંય ભાવ હૈયે ધરીને ઋતુના પહેલાં વરસાદને આવકારો આપ્યો..રોમે રોમ એને ઝીલતી ગઈ.તન..મન..અંદર-બહાર..સઘળુંય રેલમછેલ..!

ખુલ્લા આકાશ નીચે પ્રક્રુતિની અદભુત મહેર માણતા માણતા મારી આંખો બંધ થઈ ગઇ.. ડોક ઉન્ન્ત શિરે આકાશ ભણી તણાઈ..

મારું ‘ખાબોચિયાનું વિશ્વ’ બે હાથ પસારીને જે છે એને એમ જ સ્વીકૃત કરવાની ભાવના સાથે  – પ્રક્રુતિને બાથ ભરવાની ઘેલછા સાથે ‘સમુદ્ર જેવડું’ થઈ ગયું.

સ્નેહા પટેલ.

Email id –   sneha_het@yahoo.co.in

યુ ટર્ન


http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

ફૂલછાબ પેપર > નવરાશની પળ > 4-07-2012 નો લેખ.

 

હોય છે એથી બહેતર થવાનું

આ જગત ખૂબ સુંદર થવાનું !

-ભરત વિંઝુડા

છેલ્લાં ૪ મહિનાથી શિવાની જબરી અવઢવમાં ફસાયેલી હતી. આનંદ માટેની પ્રેમની લાગણીઓ એની તીવ્રત્તમ સપાટીઓ વટાવતી જતી હતી. પોતાના ‘ઈમોશન્સ’ કંટ્રોલ કરવા એના માટે અઘરા થઈ જતાં હતાં. યોગા – પ્રાણાયામ વગેરેનો સમય થોડો વધારી દીધેલો પણ બધું ય નિરર્થક.

આનંદ એનો પતિ, જેનાથી શિવાનીએ લગભગ ૨ વર્ષ પહેલાં તલાક લઈ લીધેલાં..!

આનંદ એકદમ જ મસ્તમૌલા જેવો છોકરો..ખાઓ પીઓ ઓર એશ કરો..ગોરો ચિટ્ટો, પૈસાદાર માબાપનું એકનું એક હેન્ડસમ સ્માર્ટ સંતાન. કોલેજની બ્યુટી કવીન ગણાતી શિવાનીને દોસ્તારોની જોડે લાગેલી શરત જીતવા માટે પટાવી પણ એના ખરેખર પ્રેમમાં પડી જતાં છેવટે બેય જણ પરણી ગયેલાં. બે ય પક્ષે પણ કોઇ વાંધો નહતો. બધું ય સુખી સુખી સુંદર સુંદર.

ખરા મતભેદો તો એમના જીવનમાં એમની દીકરી પ્રાર્થનાના જન્મ બાદ થયા. આનંદ હજુ એનો મસ્તરામ જેવો સ્વભાવ છોડી નહતો શકતો.ઢ્ગલો તકો હોવા છતાં એ કોઇ કામકાજ નહતો કરતો. મા-બાપ-શિવાની બધા સમજાવી સમજાવીને થાક્યાં હતાં પણ એ સમજતો જ નહતો..બાપનો પૈસો છે..મારે શું કામ મજૂરી કરવાની ? પ્રાર્થના ઉછેર પાછળ પણ એ કંઇ ધ્યાન નહતો આપતો..એ ભલો અને એના દોસ્તારો સાથેની રખડપટ્ટી ભલી.સ્વમાની શિવાની પોતે નોકરી કરતી હતી અને એના જ પૈસામાંથી પોતાના ખર્ચા પૂરા કરવાનો પ્રયત્ન કરતી..માનસિક..શારિરીક થાકથી રાત પડે ખેંચાઈ જતી. નાની નાની વાતોમાં ઝગડાં થતાં ચાલ્યાં..વધતા ગયાં..શિવાનીએ એને સમજાવવાના બધાં પ્રયત્નો કર્યા પણ વ્યર્થ જતાં છેલ્લે ખુદ્દારીપૂર્વક આનંદનું  ઘર છોડી દીધું. એના સાસુ સસરાને પણ આવી ખુદ્દાર વહુ માટે માન  હતું પણ દીકરાની નાદાનિયત,એદીપણા, નાસમજ આગળ લાચાર હતાં.

શિવાનીના ગયા પછી આનંદની જીંદગી જ બદલાઈ ગઈ..રોજ રોજ એને શિખામણો આપતી શિવાની..પોતાના મીઠા મીઠા લહેંકાથી ઘર આખું ભરી દેતી એની દીકરી પ્રાર્થના..પોતાના સગા મા બાપનો તિરસ્કાર…આ બધાંથી એના દિલને જબરદ્સ્ત આઘાત  લાગ્યો. શિવાનીને એણે દિલના ઊંડાણથી પ્રેમ કરેલો. છેલ્લે એણે હિંમત કરીને પોતાના પગ પર ઉભા રહેવાના તનતોડ પ્રયાસો ચાલુ કર્યા..નોકરી શોધી..તનતોડ મહેનતના   પ્રતાપે આજે એ એક ગર્વનમેન્ટ ઓફિસમાં સારી પોસ્ટ પર પાંચ આંકડાના પગારવાળી પોસ્ટ  પર હતો..પૈસો હતો..માન સન્માન હતું પણ એ બધું શેર કોની જોડે કરવું..મા=બાપ ધીમે ધીમે એને અપનાવતા ગયેલા પણ શિવાની અને પ્રાર્થના એ બેયને એ બહુ જ મિસ  કરતો..એની આ બધી જ વ્યથા એની મા ઉર્મિલાબેનની નજરથી છુપી નહોતી રહી શક્તી. પોતાન દીકરાને આમ ધીમે ધીમે બળતો નહતા જોઇ શકતા..એમણે આબધી હકીકત શિવાની સુધી પહોંચાડી..પહેલાં  તો શિવાનીને બહુ અસર ના થઈ પણ પછી અંદરો અંદર ધરબાયેલી આનંદ માટેની લાગણીમાં ભીનાશ તરવરવા લાગી..કંઈક ઉગુ ઉગું થઈ રહેલા અંકુરોને  એ રોજ અંદર ડામી દેતી.પોતાના લગ્નજીવનમાં ‘ડાયવોર્સનું પૂર્ણવિરામ’ એણે જાતે મૂકેલું હવે એ પાછી કયા મોઢે જાય..આનંદને એની જોડે જવામાં ઇગો નડતો હતો..પ્રેમ બેય પક્ષે હતો..કમી બસ..પહેલું કદમ કોણ ભરેની અવઢવ હતી.

છેવટે ઉર્મિલાબેને શિવાનીને ફોન કર્યો,

‘દીકરા, આનંદ હવે બહુ જ સુધરી ગયો  છે..એક તક તો આપ એને..સાવ આમ નિષ્ઠુર ના બન’

‘મમ્મી..પણ ડાયવોર્સ લઈને પાછી એની જોડે લગ્ન..સંબંધ તોડ્યા પછી આમ પાછા બાંધી શકાય કે..? બધું બહુ વિચિત્ર -અશક્ય લાગે છે મને..’

‘જો દીકરા..આગળ જઈને પાછા ના વળાય એવું ક્યાંય લખ્યું નથી. કોઇ કિંમતી જણસ પાછળ ભૂલી ગયા હોઇએ તો થોડા ડગલાં પાછા ઉપાડવામાં આપણી ગરિમાને ક્યારેય આંચ ના આવે. સંબંધ એક વાર તૂટે એટલે ફરીથી એ ના જ સંધાય એ બધી વાહિયાત વાતો છે.જો બેય પક્ષે સાચી લાગણી અને ઇચ્છા હોય તો સંબંધ ફરીથી ચોકકસ બાંધી શકાય. ઉલ્ટાનું હવે તો આ સંબંધમાં એક ‘મેચ્યોરીટી’ ભળી છે એટલે લાગણીના સોનામાં સુગંધ ભળી છે.તો બહુ વિચાર ના કર.’

આખરે શિવાનીના દિમાગ પર આનંદની સાચી લાગણીનો વિજય થયો અને બેગ પેક કરીને દીકરીને લઈને એ પોતાના સાસરે જવા માટે ઉપડી…આનંદ દરવાજે મમ્મી સાથે આતુર નયને એની વાટ જોઈ રહેલો મળ્યો.

અનબીટેબલ : It’s not important to go to heaven after we leave, but it is important to create heaven in someone’s life.

નિર્દોષ વ્યસન


 ખેતીની વાત મેગેઝીન > મારી હયાતી તારી આસપાસ  કોલમ –  ૯ >  જુલાઇ માસનો લેખ

http://issuu.com/kiwipumps/docs/kv_july-2012_issue?mode=window&viewMode=doublePage

ધોમ-ધમતો મે મહિનો ચાલુ થઈ ગયો. છોકરાંઓને સ્કુલમાં વેકેશન પડી ગયું. આખીય સોસાયટી દિવસ રાત નિર્દોષ ધમાલમસ્તીથી ભરચક રહેવા લાગી.રોજ રોજ ચોતરફ અવનવા પ્રસંગોની ભરતી  ચઢવા લાગી હતી.

આજના ધમાલિયા, ઘોંઘાટીયા જીવનમાં આ નિર્દોષ ઘોંઘાટ મને બહુ પસંદ હતો.. મીઠા વ્હાલ સાથે નજર આખીય સોસાયટી પર ફરી વળી..

સોસાયટીના એક ખૂણે થોડા ઢબૂકડાંઓ ટે’સથી ભેરુના ખભે હાથ મૂકીને સ્લીપર ઢસડતા ઢસડતા, બેફિકરાઇથી ચાલતા ચાલતા  મીનરલ વોટરમાં બનતો બરફનો ગોળો ખાવા જવાના મોટ્ટામોટ્ટા પ્લાન બનાવાતા હતા..(મોટ્ટા મોટ્ટા એટલે કે બીજા ૧૦-૧૨ ભેરુઓને શોધીને એમને પણ સાથે કરવાની ઇચ્છાઓના હવામહેલ બંધાતા હતાં..)એમાં કાલે કટ્ટી થયેલ ભાઈબંધને આજે પોતાના પૈસે બરફ ખવડાવીને મનાવી લેવા જેવા માસૂમ કાવત્રાઓ પણ ઘડાતા હતા..એક બાજુ થોડા તરવરીયા, ઝાલ્યા ના ઝલાય જેવા બચ્ચાઓ મમ્મી પપ્પાએ બર્થડે પર કે કોઇને કોઇ સારા પ્રસંગે ‘ગિફ્ટ’ તરીકે અપાવેલ સાઈકલ દોડાવતા હતાં. આખા વર્ષ દરમ્યાન તો સમયની ખેંચાખેંચ,મમ્મીના ટાઈમટેબલોમાં ગોઠવાયેલ પોતાના નામની બૂમ, હોમવર્ક,એક્સ્ટ્રા ક્લાસીસ,ટ્યુશન – વળી પાછું એનું હોમવર્ક..ઘડિયાળના કાંટે ‘પથારીભેગા થવાનું’-આવા ઢગલો ટેન્શનથી હાશકારો અનુભવતું બચપન હવે સ્વતંત્ર હતું..’યહાં કે હમ સિકંદર’ જેવા વટમાં જ આખો વર્ષ સાઇકલ ના ચલાવી શક્યાનો રંજ અત્યારે બમણી સ્પીડમાં, ઉભા ઉભા અનોખી સ્ટાઈલમાં ફુલ સ્પીડમાં ચલાવીને વસૂલ કરાતો હતો. બધો હિસાબ બરાબર સરભર કરી લેવો હતો. ક્યાં છુટ્ટી સાંકળો રમાતી હતી તો ક્યાંક થપ્પો..

એક બાજુ મારી નાનકડી બહેનપણીઓ ‘બેડમિગ્ટન’ રમી રહેલી હતી..એમનો નિત્યક્રમ..બે બહેનપણીઓ સાંજે વહેલાં જમીને નીચે આવીને પોત-પોતાની બેડમિન્ટન માટેની જગ્યા ‘સિક્યોર’ કરી લે..અને બીજી બહેનપણીઓ  ઘરે ઘરે જઈને બીજી સખીઓને ઉઘરાવી લાવે.છેલ્લે અડધા કલાકે માંડ બધાનો સમય સાથ આપે અને રમવા ભેગા થાય.એમાં પણ પાછું કોઇકનું  રેકેટ બરાબર ના હોય..ફૂલ તૂટી ગયું હોય- આજે કોણ એના પૈસા કાઢશે.. ડબલ્સ રમીશુ કે સિંગલ્સ, કોણ કોની સામે અને કોણ  કોની સાથે રમશે..આવી ઢ્ગલો અવઢવો હોય એટલે એ બધાંની નજર અપેક્ષાના હિંડોળે ઝૂલતી ઝૂલતી મારી તરફ વળે..એમની આ અપેક્ષાની મને પહેલેથી મનમાં ખબર જ હોય એટલે હસીને એમના ઇજનને સ્વીકારી લઊં.. બધું બરાબર સેટ કરી આપું. બધાંને મારા માટે બહ જ આદર એટલે પ્રેમ પણ ઢગલો કરે..અને મારી બધી વાત માને પણ ખરા. વચ્ચે વચ્ચે મારે એ લોકો સાથે રમીને એ પ્રેમનો બદલો પણ વાળવો પડે.જો કે આ તો આપવા લેવા જેવા ગણિતથી દૂરના સંબંધો ..એટલે મને બહુ વ્હાલા.

પણ આજે મારું મન બહુ ઉદાસ  હ્તું..કેમ એ નહોતું સમજાતું. નાનકડી સખીઓના ટચુકડાં ઇશારાઓ જોઇને પણ અદેખ્યાં કરી દીધા. મન નહોતૂં થતું.દુનિયાની આઠમી અજાયબી કહી શકાય.. આ ઢબુડીઓ સાથે ટાઈમ પસાર કરવો એટલે મારા માટે દુનિયાનું સૌથી મનપસંદ કાર્ય..

આજે એ ‘લાગણી પક્ષાઘાત’ અનુભવતી હતી. દિવસની દિનચર્યા નજર સામેથી પસાર થતી ચાલી.. રુટીનમાં ધબકતી જીંદગીમાં કંઇક તો અસ્તવયસ્ત હતું ..શું..’કંઈક ખૂટતું હતું’ નો અહેસાસ સતત મગજમાં ઠોકાતો હતો..ખ્યાલ નહતો આવતો ને ત્યાં તો એક ઢીંગલી મારી પાસે આવી..રોજની જેમ ઇશારાઓ કરી કરીને બોલાવતી હતી પણ મેં મચક નહોતી આપી એટલે થાકીને પાસે આવીને મારો હાથ પકડ્યો અને મીઠી રીસ કરતાં બોલી..

‘દીદી..આ શું..આજે કેમ રમવા નથી આવતા..અમારાથી કોઇ ભૂલ થઈ ગઈ છે કે..?’

પણ મને તો એના ‘આ શું..શબ્દો પછી આગળ કંઇ જ ના સંભળાયું..હા..કારણ બરાબર પકડાયું..

‘આશુ..!!’

આજે મારા આશુ – આશીર્વાદ જોડે વાત નહોતી થઈ એટલે મગજ ઠેકાણે નહોતું.

રોજ રોજ એની જોડે વાત કરવાનું -એની દિનચર્યા વિશે, થોડી એની સાંભળવાની- થોડી મારી કહેવાની વાતોનું ધ્યાનબહાર જ તીવ્ર વ્યસન થઈ પડેલું..આ ટેવ તો જબરી..બારણું ખખડાવ્યા વગર પાધરી જ મારામાં સમાવિષ્ટ થઈ ગયેલી..જબરી દાદાગીરી આ ટેવની તો. વ્યસનના આવા પ્રકારો પણ હોય કે..અચરજનો આખેઆખો સાગર મારા દિલમાં ઉફનતો હતો. કોઇ આવી વાત કરત તો કદાચ હું માનવા જ તૈયાર ના થાત પણ આ તો મારી જોડે ઘટી રહેલ એક હકીકત હતી એનાથી ના-નુકર કેમની થાય..?

‘પ્રેમ ટેવોથી બને

કે

ટેવો પ્રેમથી..?’

રોજ રોજ આશુ સાથે નિર્દોષ – લાગણીભીની ઢગલો વાતોનો નશો કરવાનું મને વ્યસન થઈ ગયેલું એ આજે છેક ખ્યાલ આવ્યો. ‘કોઇ પણ વ્યસન બહુ સારા નહી’ એવું તો નાનપણથી જ સાંભળતી આવેલી પણ આવા મીઠડાં વ્યસન વિશે મને કઈ જ ખ્યાલ નહતો. હા એ હકીકત હતી કે આજે એ વ્યસન ના સંતોષાતા દિલ બેચેન હતું અને દિમાગ કામ કરતું અટકી ગયેલું. કોઇ જ વાતમાં ચિત્ત નહોતું પૂરોવી શકતી કે કોઇ જ વસ્તુ મને ખુશ નહોતી કરી શકતી. ‘નિર્દોષ વ્યસન’ પણ ‘હાર્મફુલ’ હોય કે ..! આમ સાન ભાન ભૂલાવે દિનદુનિયાથી બેખબર કરી નાંખે એ તો કેમનું ચાલે..મારે રહેવાનું તો એ જ દુનિયામાં જ છે ને..પછી એક અજીબ સા એલિયનની જેમ જીવવાને મજબૂર કરી દે એવી ટેવ કેમની પોસાય..આમે હું રહી ભારે તોરીલી…પહેલેથી કોઇ પણ વ્યસનની બંધાણી થવાનું મને ના પોષાય..દરેક વ્યસનને થૉડા થોડા સમયે દિલ-દિમાગ નિકાલ કરવાની , જાતને ચકાસતા રહેવાની મને (કુ)ટેવ તો બાળપણથી જ..કશા ય વગર રહી ના શકાય એ વાત જ મારા મગજને સ્વીકાર્ય ના હોય..એવી સાડાબારી કોઇની સહન ના થાય..પણ આ ટેવનું હવે મારે શું કરવું.. આ તો મારી જીવાદોરી.. આજે મને વ્યસનનો સાચો મતલબ ખબર પડતી હતી..દારુડીઆને દારુ ને ચેનસ્મોકરને સિગારેટ છોડતાં કેટલી તકલીફો પડતી હશે એ મને આજે બરાબર સંવેદી શકાતું હતું.એ બધાંની લાચારીને હંમેશા ધૃણા-દ્ર્ષ્ટીથી નિહાળવાની મારી ભૂલ મને સમજાતી હતી..ખરેખર તો એ લોકો દયાને લાયક ગણાવા જોઇએ..જાત પર આવ્યું ત્યારે સત્ય સમજાણું..

ટપ…ટપ…ટપાક

બધો વલવલાટ

આંખેથી વહેવા લાગ્યો

આંસુને પાણીથી ધોઇ કાઢવા

બને  એટલી ત્વરાથી

ઘરની વાટ પકડી

પાછળ’સુગંધી દીદી’ નામ સાથે અચરજી પડઘા પડી રહ્યાં હતાં..માસૂમ મુખ પર ઢગલો પ્રશ્નો રેલાઇ રહેયાં હતાં..પણ એના વિશે વિચારવાનો, જવાબ આપવા જેવી મારી મનોસ્થિતી કયાં હતી…

એક ‘ નિર્દોષ  વ્યસન’ આખરે મારા જીદ્દીપણાને હરાવીને – એની આદત પાડીને જ જંપ્યું…વિજયી થઈ ગયું.

સ્નેહા પટેલ