વાંચન – હું


વાંચનની બાબતમાં હું સાવ કંગાળ છું એવું સ્વીકારવામાં મને કોઇ જ શરમ કે છોછ નથી અનુભવાતો. મોટ્ટા મોટ્ટા – મહાન લેખકો, ચિંતકો કોઇને મેં આત્મસાત કરવાની હદ સુધી ક્યારેય નથી વાંચ્યા..જે પણ લખાણ ગમે એ વાંચી લઊં પછી ખ્યાલ આવે કે ઓહ..આ તો આમનું લખાણ છે..!

હા..સ્કુલની લાઈબ્રેરીમાંથી દર અઠવાડીએ નિયમીતપણે એક બુક રીન્યુ કરાવવાની..એમ.જે.લાઇબ્રેરીમાં પણ મેમ્બરશીપ..પણ એ બધું તો એક નજરનું વાંચન…એ મુગ્ધાવસ્થાની રોમાન્ટીક – સસ્પેન્સ – થ્રીલર વાર્તાઓથી વધારે કંઈ નહીં..વળી યાદશક્તિ બહુ સરસ…એવું બધું વાંચીને ભૂલી જવાનું..મતલબ એ વાંચન આજની તારીખે લખવા બેસું તો કંઇ જ યાદ ના આવે..હું પાછી કોરી પાટી જેવી જ.. આ બધાની પાછળની મારી આદતોનું એનાલિસીસ મેં ક્યારેય નથી કર્યું..કે અત્યાર સુધી આવી કોઇ જરુર પણ નથી પડી.

અમુક જાણીતા લેખકોના આર્ટીકલ વાંચુ તો પહેલેથી છેલ્લે સુધી એક લેખકે આમ કહ્યું- ને બીજાએ પેલું..આખે આખો લેખ બીજાના મંત્વ્યો અને વિચારોથી જ ભરપૂર..છેલ્લે એ બાજુમાં મૂકતાં મને એમ થાય કે આમા આ લેખક્સાહેબે પોતે શું કહ્યું..? એ શું વિચારે છે એની તો મને કંઇ સમજ જ ના પડે..! જો કે વાંચનની અને એને યાદ રાખી શકવાની અદભુત શક્તિ ધરાવતા હોય એવા લોકોની મને મીઠી ઇર્ષ્યા ચોક્કસ થાય છે એની ના નહીં..

હવે બધા મિત્રો મને પૂછે કે તમે આમને વાંચ્યા છે કે ફલાણાને વાંચ્યા છે..હું ના પાડું તો કહે તો તમે આટલું બધું લખો છો કઈ રીતે.? ત્યારે મને વિચાર આવે કે..હા…મિત્રોનો આ પ્રશ્ન પણ અસ્થાને તો નથી જ..સામે પક્ષે એ પણ હકીકત કે મને મારા વિચારો એક્સપ્રેક્ષ કરવામાં ક્યારેય કોઇ જ તકલીફ નથી પડી. મારા પોતાના વિચારો એટલા બધા છે કે હું બીજા લેખકોનું વાંચુ તો એમાં મિક્સ અપ થઈને ‘રગડો’ થઈ જાય છે…આજની તારીખે પણ હું છાપું કે મેગેઝીન એક સમાચારની અપડેટસ માટે વાંચી લઊં..બાકી આખે આખી બુક એકધારી પતાવવાની હોય તો ચાર પાના વાંચીને જ અટકી પડું છું…પણ મને લખતી વખતે કયારેય મારા ઓછા વાંચનની કમીનો અહેસાસ નથી થતો..એક્ધારું લખી શકું છું..મન થાય ત્યારે થોડું વાંચી લઊં..ને પાછી વિચારોની દુનિયામાંથી લખવા તરફ વળી જઊં છુ..

હા..મને મારી આજુબાજુની દુનિયાને વાંચવી બહુ ગમે છે..એ હું એક્દમ ડીટેઈલ્સમાં ચૂપચાપ વાંચી શકું છું..અને એ બધું જ હંમેશા મારા લખાણમાં છલકતું હોય છે.

–> વાંચવાનું બહુ જ ગમે છે પણ એકધારુ વાંચી શકવાની કેપેસિટી નથી..થોડું વાંચીને બુક મૂકી દઊં છું ..આમ મારી આજુબાજુ મારી બહુ જ મનથી ભેગી કરેલી બુકસના ઢગલા પડ્યા જ રહે છે..થોડા થોડા સમયે થોડું થોડું વાંચી લેવાનું..આમે આખે આખા પુસ્તકનો ડેટા આ મગજમાં સ્ટોર ક્યાં થઈ શકવાનો…!

-સ્નેહા પટેલ