એડજસ્ટમેન્ટ


ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > ૨૦-૦૬-૨૦૧૨ નો લેખ

કમીઓ

અમને પણ નડી જાય છે

માણસ છીએ..

રાજુ, શું કરે છે..જલ્દી કરને પ્લીઝ…મોડું થાય છે..મૂવી ચાલુ થઈ જશે ડીઅર.’

‘અરે બાબા..એક મિનીટ..બહુ બહુ તો આગળની બીજી મૂવીઝની જે પ્રોમો બતાવે છે એ જશે..એનાથી સહેજ પણ મોડુ નહી થાય. વિશ્વાસ રાખ.’

‘અરે મને એ જોવાનો બહુ ગમે છે..હું દરેક પિકચર ૧૦ મિનીટ વહેલી પહોંચીને એક પોપકોર્ન હાથમાં લઈને એ સ્ટાર્ટીંગની બીજા પિકચરની એડ જોવું છું..ક્યારેય મિસ નથી કર્યું..’

‘ઓફ્ફોહ..મને એવી ટેવ નથી સ્વીટી…એટલા વહેલાં પહોંચીને ત્યાં જાજમ પર આમથી તેમ ફરતા ફરતા આગળનો શો છૂટે એની રાહ જોયા કરવાની, ત્યાં આપણી જેવા પ્રતીક્ષા કરનારાઓના મોઢા જોઈને સમદુખિયાનો ભાવ વહેંચવાનો…હું ટાઇમ પર પહોંચનારો માણસ..’

‘અરે, પણ તું મારા માટે આટલું ના કરી શકે રાજુ…હું ક્યાં કંઈ વધારે માંગુ છું..તું થોડો વહેલો તૈયાર થઈ શકે એમ છે જ ને..તો વાંધો શું છે..?’

‘લિસન બેબી..મને એવી ટેવ નથી..આમે પરણ્યાં પછી પત્નીએ પતિને થોડા એડજસ્ટ થતાં શીખવું જ પડે..’

અને સ્વીટીનો પારો છટક્યો..એણે પોતાના હાથમાં રહેલી બેય ગુલાબી ગુલાબી ટિકિટના પળભરમાં ચૂરેચૂરા કરી નાંખ્યાં..અને રાજીવ હતપ્રભ થઈને એને જોઈ રહ્યો.

પિકચર તો એની જગ્યાએ રહ્યું..પણ ડિનર બહાર લેવાનો પ્રોગ્રામ હતો એથી ઘરમાં ખાવાનું પણ નહોતું બન્યું..એથી ભૂખ્યાં ભૂખ્યાં બે ય જણ એક બીજાથી પડખું ફેરવીને સામ સામી દિશામાં સૂઇ ગયા.

આ હતી નવા નવા પરણેલા સ્વીટી અને રાજીવની લગ્નના એકાદ મહિના પછીની એક ગરમાગરમ બપોર.

રાજીવ ઓસ્ટ્રેલિયા રહીને ભણેલો..બોમ્બે આવીને તરત મા બાપે પસંદ કરેલી સ્વીટીને એકાદ મુલાકાતમાં પસંદ કરીને તરત પરણી ગયેલો..બેય જણને એકબીજાને સમજવાનો -પારખવાનો કંઇ ખાસ સમય નહતો મળ્યો.

બીજા દિવસની સવારે ‘ગુડ મોર્નિંગ’ના ટહુકા સાથે હાથમાં ચા -નાસ્તાની ટ્રે સાથે ઉભેલા પતિદેવને નિહાળી રહેલી સ્વીટીની ઊંઘરેટી આંખો એકદમ જ આશ્ર્યમાં પહોળી થઈ ગઈ..મોઢું ખુલ્લુ નુ ખુલ્લું રહી ગયું.

રાજીવે એક હાથે ટ્રે સાઈડ ટેબલ પર મૂકીને બીજા હાથે સ્વીટીનું અધખુલું મોઢું બંધ કર્યું.

અને સ્વીટીના સોનેરી અધખુલ્લા વાળમાં હાથ પુરોવીને એના ગાલ પર એક ચુંબન ચોડી દીધું.

‘ચાલ, ચા પીએ હવે..ફટાફટ બ્રશ કરીને આવ’

સ્વીટી મૂંઝવણોની ભરમાર વચ્ચે બ્રશ કરીને પાછી આવી.

‘આ બધું શું છે રાજુ..મને તો એમ કે..’

‘જો સ્વીટી…સવારે વહેલો ઉઠી ગયો તો ચા બનાવવાનું અને તને મનાવવાનું મન થઈ ગયું. થોડુ વિચારતા એવું લાગ્યું કે આપણને બેયને એક બીજાને સમજવાનો સમય જ નથી મળ્યો એનું આ પરિણામ છે. આમ અત્યારથી જ જો નાની નાની બાબતમાં સામસામેના છેડે જઈને ઉભા રહીશું તો આગળ કેમનું નભશે..?’

‘હા રાજુ..હું પણ એવું જ માનું છું..જો કે તેં કાલે મને પત્નીએ પતિને એડજસ્ટ થવાની વાત કરી એનાથી મને બહ્ જ ગુસ્સો આવ્યો..યુ નો..મારા મોમને હું નાનપણથી દરેક બાબતમાં મારા ડેડની વાતોમાં સહેમત થતા જોઇ છે..દરેક વખતે એ એડજસ્ટ કર્યા જ કરે કર્યા જ કરે..અને ડેડ એમની મનમાની..એ વખતથી આ એડજસ્ટમેન્ટ શબ્દ પર મને બહુ ગુસ્સો આવે છે. આપણે એક બીજાને પરણ્યાં એટલે એકબીજાના ગુલામ નથી થઈ જતાં. ‘હું આવો કે હું આવી જ ..તું મને હું જેમ છું એમ જ સ્વીકાર…’ એ બધી વાતોથી ગળે આવી ગઈ છું હું. એકબીજાને સમજો..થોડા તમે એડજસ્ટ થાઓ..થોડું સામે વાળું..બેય જણાએ સહિયારો પ્રયત્ન કરવાનો હોય ..હવે ‘એડજસ્ટમેન્ટ’ના નામે એક જણ વેંઢાર્યા કરે અને બીજું જલ્સા કરે એવો જૂનવાણી જમાનો નથી રહ્યો. જેમ તમે નાનપણથી આદતો પાડીને જીવતા હો એમ સામે વાળાની આદતો પણ હોઈ શકે એને આદર આપો..બેય જણ સમજણની કેડી પર થોડું થોડું  ચાલતા ચાલતા એકબીજાની નજીક આવે તો જ મજા.વળી અમુક ટેવો માનવી ક્યારેય નથી છોડી શક્તો..પણ કોઇ પ્રિયપાત્રનો પ્રેમ એની જલદતા ઓછી તો જરુર કરાવી શકે છે..બસ એક જણ ટેવોની જલદતા ઓ્છી કરે અને બીજો જેટલા અંશે બાકી રહી ગઈ એ ટેવને અપનાવી લે..પરિશ્રમ, લગાવ , કાળજી બે ય પક્ષે જરુરી છે..!’

અને રાજીવ એક ધારી સ્વીટીને જોઈ રહ્યો.

‘શું થયું રાજુ..હું કંઇ વધારે બોલી ગઈ..સોરી ઇફ આઈ હર્ટ યુ’

અને રાજીવ એકદમ અટ્ટહાસ્ય કરતાં બોલ્યો

‘અરે પાગલ, હું વિચારું છું કે તું કેટલી સમજુ છે. તારી બધી વાત સાથે હું દિલથી સહમત છું અને મનોમન મમ્મી પપ્પાનો આભાર માનું છું કે એ મારા માટે આવી છોકરી શોધી લાવ્યા !’

અને સ્વીટી હસતાં હસતાં રાજીવના ખબે માથું ઢાળીને નટખટ સ્માઈલ કરતાં બોલી

‘ઓકે..તો ચા પીને હવે ત્રીજા શોની પિકચરની ટિકિટ લઈ આવજે..’

અનબીટેબલઃ માણસ સુંદર ચહેરા કરતા એના સુંદર માનસથી વધુ શોભે છે.