unbeatable – 14


 

ટેન્શન – તકલીફોએ મને હંમેશા વધારે ને વધારે ઘડી છે.
હવે મને એનો નશો ચડે છે..
ભલે પધાર્યા..

સ્નેહા પટેલ

ખુશી- વિશ્વ


 ફૂલછાબ > નવરાશની પળ > ૧૩-૦૬-૨૦૧૨ નો લેખ

વાત એક અર્થઘટનો અનેક થાય છે

વાત એમ જ ચૂંથાઈ જાય છે !

 

કાવ્ય અને ગઝલ એક સુંદર મજાનું કપલ.ગઝલ પ્રમાણમાં થોડી વધારે સેન્સીટીવ સ્ત્રી..એને તો એ ભલી અને એની કલ્પના-સંવેદનો-અનુભૂતિની દુનિયા ભલી.પોતાના બગીચામાં કોઇ છોડને નવી કૂંપળ ફૂટી હોય કે ઘરના આંગણે અનાયાસે મોરની કળા કે ચકલી-ખિસકોલીની રમતો જોવા મળી જાય તો પણ એ ખુશ ખુશ થઈ જાય. એની દુનિયા એકદમ નાની નાની ખુશીઓથી ભરેલી હતી.પૈસા તો એના ‘ખુશી-વિશ્વ’માં જરુરિયાતના લિસ્ટમાં છેક છેલ્લે આવે.

 

કાવ્ય એક નોકરિયાત માણસ.માંડ માંડ ઘરના બે છેડાં અડતાં. ગઝલને એના ઓછા પગાર વિશે કોઇ જ શિકાયત નહોતી..એને મન તો કાવ્ય એને ભરપૂર પ્રેમ કરે છે એ વાત જ સૌથી વધારે મહત્વની હતી..ખાવા-પીવા જેટલો પૈસો મળી રહે એટલે એને સંતોષ.રોજે રોજ મોંઘા દાટ દાગીનાથી લદાઇને ફરવું કે ‘લેટેસ્ટ ડિઝાઈન’ના કપડાંઓની વોર્ડરૉબમાં થપ્પીઓ વધાર્યા કરવાના એને સહેજ પણ અભરખા  નહી. એની આ નાની નાની ખુશીમાંથી સંતોષ મેળવવાની-ક્યારેય બીજી સ્ત્રીઓની જેમ ખોટી ખોટી મોંઘીદાટ માંગણીઓ ના કરવાની ટેવથી કાવ્ય બહુ ખુશ રહેતો..પોતાને દુનિયાનો સૌથી નસીબદાર માણસ સમજતો.

 

ગઝલ જેમ નાની નાની વાતમાં ખુશ  થઈ જતી એમ એને નાની નાની વાતમાં લાગી પણ બહુ આવતું.

 

આજે એને બહાર જવાનો મૂડ હતો.ખાસ કંઇ નહીં..બસ…હાઈ-વે પર આવેલી પાણીપૂરીની લારી પરથી એની ફેવરીટ એવી રગડામાં પાણી-પૂરી ખાધે બહુ સમય થઈ ગયેલો.આજે આઈપીએલની ફાઈનલ મેચ હતી અને કાવ્યને આ રવિવારના દિવસે મળેલી સુવર્ણ તક જવા દેવાની સહેજ પણ  ઇચ્છા નહોતી થતી.

‘કાવ્ય, ચાલ ને..જલ્દી પાછા  આવી જઈશું..’

‘ના..એ પાણીપૂરીવાળાને ત્યાં બહુ લાઈન  હોય છે..એમાં પણ આજે રવિવાર..તું એક કામ કર..મમ્મીને  લઈને જઈ આવને..એમને પણ ખવાશે એ બહાને..એમને પણ બહુ ભાવે છે એની પાણીપૂરી..’

‘કાવ્ય..તારી જોડે બહાર જવાનું મન થયું હોય એમાં મમ્મીજીની જોડે કેમની જઊં….તું આવીશ તો જ જઈશ..નહીં તો નથી જવું રહેવા દે..’

 

પત્યું..મોટી મોટી વાતોમાં સરળતાથી સમાધાન કરી લેનારી ગઝલ આજે પાણીપૂરી જેવી નાની શી  વાત પર જીદ પર અડી ગઈ.

 

કાવ્ય અકળાયો અને મમ્મીના બેડરુમમાં ગયો.

 

‘મમ્મી..આ ગઝલને સમજાવોને.. વાતમાં કંઈ નથી..પણ નાહકની જીદ્દ કરે છે..’

 

મધુરિમાબેને  આખી વાત જાણીને મંદ મંદ હાસ્ય  ફરકાવતા કહ્યું,

 

‘બેટા, સ્ત્રીઓનું તો આવું જ  હોય..એમાં પણ  ગઝલ રહી એકદમ નાજુક સંવેદનશીલ..એ જયારે નાની નાની વાતમાં ખુશ થઈ  જાય  છે…સંતોષ  અનુભવી લે છે…મોટામોટા સમાધાનો કરી લે છે..મોટી મોટી ડિમાન્ડ નથી કરતી તો તને કેવી વ્હાલી લાગે છે..! તો અત્યારે એની આ નાની શી જીદ જે તારા માટે ‘જીદ્દ’ ગણાય પણ એના માટે જીવનચાલક બળ જેવી નાની નાની ખુશીઓના ઇધણ જેવી ‘પ્રેમાળ અપેક્ષા’ છે..જેને અકળાઇને નહી પણ તારે હસી-ખુશીથી નિભાવવી જ જોઇએ. એ તારી ફરજ છે. બેટા હજુ તો બહુ બધા પ્રસંગો આવશે તમારી જીંદગીમાં..ત્યારે  કદાચ  હું ના પણ  હોવું…બને એટલા તમારા પ્રોબ્લેમ્સ તમે અંદરો અંદર જાતે જ સોલ્વ કરી લેતા શીખો અને  એ પણ એકબીજાની ડીગ્નીટી સચવાય એ રીતે.. આપણને પ્રેમ કરનાર વ્યક્તિ માટે કો’ક વાર નમી જવામાં  આપણે નાના ના થઈ જઈએ.. આ બધું તો પ્રેમનું ખાતર છે …નાની નાની વાતોમાં ખુશ થનાર નાની નાની વાતમાં દુઃખી થાય તો વાતના વતેસર કર્યા વગર એની સંવેદનાને સમજીને સમયસર સાચવી લેતાં શીખ તો જીવન સ્વર્ગ છે દીકરા..આમે ય પાણી પછી પાળ બાંધવાનો કોઇ મતલબ નથી રહેતો..’

અને કાવ્ય પલંગની ધારે બેઠો બેઠો વિચારી રહ્યો..પોતે આટલો સમજદાર હોવા છતાં પોતાને આ વાતનો ખ્યાલ કેમ ના આવ્યો. જેને બેહદ પ્રેમ કરે છે એની સાયકોલોજી હજુ કેમ ના સમજી શક્યો…કદાચ..મેં આ વિશે બહુ ધ્યાનથી વિચાર્યુ જ નહીં હોય. જે હોય એ..પણ મમ્મી સાચું જ કહે છે અને ત્યાંથી જ બૂમ પાડીને ગઝલને કહ્યું,

‘ગઝુ..ચાલ જલ્દી કર…તૈયાર થઈ જા આપણે પાણીપુરી ખાવા જઈએ’

અનબીટેબલ – Life can give us numbers of beautiful relations but only true relations can give us beautiful life. – via msg.