સ્વાભિમાન – અભિમાન

સ્મૃતિ ખોડલધામ મેગેઝીન > આચમન કોલમ > જુન-૨૦૧૨

 

સ્વાભિમાન – અભિમાન

માનવી…એની અવઢવ : ‘ શું હું કંઇ જ નથી – ના-ના, હું બધું જ છું…અત્ર-તત્ર -સર્વત્ર. !.મારાથી કંઇ નથી થઈ શકતું શું કરું..  અરે, આ હું કેમ ના કરી શકું !

આ અવઢવમાં હક, અપેક્ષાઓની રંગપૂરણી થાય – ‘મને પણ શાંતિથી જીવવાનો હક છે..માંડ માંડ મળેલું આ માનવજીવન પાણીની જેમ વેડફી તો ના જ નંખાય ને..મારા ઢગલો સપનાઓ, ઇચ્છાઓ, બધાંનો જન્મ એના પૂર્ણત્વને ભેટવાને પૂરા હકદાર છે. દુનિયાની દરેક સારી વસ્તુ માટે હું સૌથી લાયક વ્યક્તિ છું કારણ, દુનિયાના કોઇ પણ માનવીનું મેં ક્શું જ નથી બગાડયું એટલે તેઓ પણ મારું કશું ના જ બગાડી શકે..એમણે મને કશું  આપ્યું નથી તો મારી પાસેથી કંઇ મેળવવાની આશા નક્કામી જ ઠરે..એ જ પ્રમાણે મેં કોઇને જો મદદ કરી છે તો સામે એનો બદલો મેળવવાની (ચક્રવૃધ્ધિ વ્યાજ કોને વ્હાલું ના હોય ) એષણા એ સહેજ પણ અસ્થાને નથી. હું એક જીવતું જાગતું ઉત્સાહથી છલકાતું ઇશ્વરનું સુંદર મજાનું રમણીય – ગમતીલું સંતાન – સર્જન. આ સર્જનના મિજાગરાઓ સફળતાના તેલથી સતત ઉંજાવાની પ્રક્રિયા ચાલવી જ જોઇએ, જેથી મારું જીવન મારી ઇચ્છા મુજબ્ સરળતાથી મનધાર્યા રસ્તે અવિરત ચાલતું રહે. પ્રૂથ્વીના નાનામાં નાના જીવની જેમ જ મારી સ્વતંત્રતા મને અનહદ પ્રિય છે…જીવથી પણ અદકેરી..એના રખોપા માટે હું મારી એડી ચોટીનું જોર લગાવી શકું છું. સ્વતંત્રતા મારો જન્મસિધ્ધ અધિકાર છે. ‘

આ છે માનવીના મગજમાં આખા જીવન દરમ્યાન ચાલ્યા કરતા જાત જોડેના જાતના સંવાદોની વણથોભી વણઝાર..જાતે જ બોલો..જાતે જ સાંભળો..જાતે જ નિર્ણયો લો..જાતે જ એ નિર્ણયો પર અમલ કરો અને જાતે જ એના ફળ  ભોગવો. જીવનના દરેક સ્ટેજ પર માનવીને વત્તે ઓછે અંશે પોતાની શારીરિક તાકાતનું મહત્વ સમજાતું જ હોય છે. નાના બાળકમાં પણ પોતાનાથી જોરાવર બાળક પરત્વે આછી ઇર્ષાના લસરકા હોય છે, જુવાનિયાઓ ‘ જાકે ના આયેગી યે જુવાની ‘ના સમયગાળા દરમ્યાન પોતાના ઉત્સાહ, સાહસ,સફળતાનો ઝરો સદા ઉભરાતો રહે એની ભાંજગડમાં વ્યસ્ત..તો પોતાની વસંત ગુમાવી બેઠેલા વયસ્કોના પાનખરી નિસાસાઓમાં સૂકા, ખરી ગયેલા અને આંધી સાથે આમથી તેમ ભટકતા..ઉડતા..ખખડતા અનુભવી વર્ષોનો પાકટ કોલાહલ ડરામણી રીતે ભળેલો હોય છે.

માનવીને જ્યારે એનું શરીર સાથ આપતું હોય, એની શારિરીક શક્તિનો પારો ઉચ્ચતમ સપાટીને સ્પર્શતો હોય ત્યારે એના દિમાગમાં બેધ્યાનપણે ‘અહમ’ નામનો  અદ્ર્શ્ય  રાક્ષસ જન્મતો, વિકસતો હોય છે, શારીરિક જોર થકી મળતી સફળતાની દરેક ઇંટ એના ભ્રમ,માન્યતાની દિવાલ વધુ ને વધુ ઉંચી અને મજબૂત કરતી જાય છે. મનુષ્ય તો આખરે મનુષ્ય..એ તો પોતાના ‘અહમ’ને ‘સ્વાભિમાન’ જેવા રેપરમાં વીંટતા રહેવાની ભાંજગડમાં જ રત રહે છે, અભિમાનના હિંડોળે વધુ ને વધુ ઉંચો જઈને ઝૂલતો- ઝૂમતો રહે છે. પોતાનું સ્વાભિમાન લોકોની નજરે અભિમાન બનતું જાય છે એ  ઉંચાઈ પરથી નિહાળવાની સમજ અને દષ્ટી બેય ગુમાવી ચૂક્યો હોય છે. સ્વાભિમાન અભિમાનની પરતો હેઠળ ઢંકાતું જાય છે..ઝાંખુ થતું જાય છે..અભાનપણે માનવીમાં એનાથી ઓછા સમર્થ લોકોમાં એક હીન ભાવના જન્માવવાનો, એને પોસવાનો વિક્રુત શોખ વિકસતો થતો જાય છે. પોતાની સફળતાના તેજમાં ચકાચોંધ કરીને એ લોકોને સતત પોતાની શિખામણો, સ્વસ્તિવચનો સાથે સિધ્ધીઓની ઝાંખી કરાવતો નબળા લોકોને હીન ભાવનાના વમળોમાં વધારે ને વધારે ઉંડા ધકેલી દે છે, કોમ્પ્લેક્ષના કુવામાં ધક્કો મારતો રહે છે…એના અત્મવિશ્વાસના મૂળિયા જડમૂળથી હચમચાવી કાઢે છે…એની માનસિક શક્તિ – વ્હીલપાવરના ફૂરચેફૂરચા ઉડાવી કાઢે છે. એ તૂટતા -વિખરાતા અસમર્થ વ્યક્તિની દશા એના અહમને વધારે ને વધારે સંતોષતી જાય છે. ટેકરો ઉંચો ને ઉંચો બનતો જાય છે. માનવીમાંથી અમાનવી તરફનું પ્રયાણ..!!

 

એ પોતાના ગાણા ગાવાના તાનમાં જ હોય છે…નકરું બોલ બોલ કર્યા જ કરે છે..કોઇની આપવીતી તકલીફો સાંભળવાની ફુરસત પણ નથી હોતી પોતાની મસ્તીમાં જ ગુલતાન. ‘સારી દુનિયા મેરી મુઠ્ઠીમેં, મેં દુનિયા કા સુલતાન..’

 

લોકો મારી સફળતાથી ઇર્ષ્યાની આગમાં બળે છે તેથી જ મારા સ્વાભિમાનને અભિમાનમાં ખપાવે છે. હું આટઆટલી મહેનત કરું છું, તન મન બધીય રીતે પૂરેપૂરો ઘસાઇ જઉં છું ત્યારે સફળતાની દેવી મારા શિરે તાજ પહેરાવે છે જેનો ગર્વ લેવો એ મારો અધિકાર છે.મને મારું સ્વાભિમાન, ખુમારી  અનહ્દ વ્હાલા છે…હોવા જ જોઇએ એ તો…કબૂલ..પછી ધીમે ધીમે સ્વાભિમાન-ખુમારી માણસમાંથી  બહાર છલકાવા લાગે છે..ઢોળાવા લાગે છે..દદડતું દદડતું અંતે એ અભિમાન બની જાય છે. એ અલગ વાત છે કે માનવીને પોતાને એ વાતની ખબર નથી પડતી. એ તો એક પ્રકારના ‘ટ્રાન્સ’માં જ જીવતો હોય છે આ બધું ઢોળાવું – વેડફાટ એ ક્યાં જોઇ સમજી શકવાનો…!

 

એક દિવસ અચાનક એના શરીરનું કોઇ એક અંગ બળવો પોકારે છે.રોકેટ જેવી ગતિને અવરોધક બની જાય કાં તો કાયમ માટે હડતાળ પર ઉતરી જાય છે. ત્યારે સ..ર…ર..સ..ટ..ટા..ક આ બધોય ‘ટ્રાન્સ’ તૂટી જાય છે. માનવી જીવ પર આવી જાય છે, મરણિયો થઈ જાય છે અને પોતાની શારીરિક તાકાતને સાચવી રાખવાના ‘યેન કેન પ્રકારેંણ’ હવાતિયા મારવા લાગે છે.

 

હવે માણસ તો માણસ છે, ભગવાન થોડી છે. અમરપટ્ટો મેળવીને થોડો આવ્યો  છે ..બનવાકાળ જે થવાનું હોય છે એ તો આખરે થઈને જ રહે છે., એના ધમપછાડાથી કંઇ વળતું નથી ઉલ્ટાંનો શારિરીક-માનસિક રીતે એ નીચોવાતો જાય છે. જીવનના રસ્તે ભટકાયેલા તોડેલા-ફોડેલા -વિખરાઈ ગયેલા અસમર્થ માનવીઓ એની આંખ સામેથી એક ચિત્રપટની રીલની જેમ પસાર થવા માંડે છે, એમની વાતોને મજાક માનીને હસી કાઢવાની પોતાની ભૂલ પર ભરપેટ પસ્તાવો થાય છે. હવે એને પોતાનો રોલ બદલાતો દેખાય છે..

 

‘સર્વશક્તિમાન સમર્થ’માંથી ‘અસમર્થ – પરવશ’ લોકોની યાદીમાં પોતાનો સમાવેશ થતો દેખાય છે..સામે પક્ષે નવા ઉભા થયેલા સમર્થોની હાંસી પર હવે એ ગુસ્સે પણ નથી થઈ શકતો. નકરા માનસિક – શારીરિક ઘર્ષણોએ આપેલ ‘ડાયાબિટીસ અને પ્રેશર જેવા રોગોની ભેટ એને ગુસ્સે થવાની પરમીશન પણ નથી આપતાં.. ધીરે ધીરે એણે અપમાન સહન કરવું,ગુસ્સો પી જવો જેવી ટેવ પાડવી પડે છે..શીખવું પડે છે.

 

ધીરેથી સ્વાભિમાન જેવો શબ્દ  ડીક્ષનરીમાંથી કોરાણે મૂકાઈ જાય છે.અને સમતા જેવો શબ્દ પ્રવેશતો જાય છે. પરિણામે માનવી માનસિક રીતે મજબૂત થતાં શીખે છે. સમજણથી છલકાઇ ઊઠે છે. હવે એ ફરીથી સમર્થ થાય છે..પણ શારીરીક રીતે નહી માનસિક રીતે.. જોકે આ બધી સમજ માનવીનું શારીરિક શક્તિનું ગુમાન ઓસર્યા પછી જ આવે છે..

 

એક થીયરી ચોકકસ ઘડી શકાય કે ‘શારિરીક તાકાત અને અહમ બેય એક બીજા જોડે અપ્રત્યક્ષ  રીતે જોડાયેલ હોય છે’

 

-સ્નેહા પટેલ

5 comments on “સ્વાભિમાન – અભિમાન

  1. “જીવન ની વાસ્તવિકતા ને ખુબ સરસ રીતે વ્યક્ત કરી છે
    ખરેખર એ માણસ પર પ્રભુ ની કૃપા છે જેને હોસ્પિટલ નાં બિછાને સુઈને જીવન નાં સપ્ત્સુરો નો વિચાર કરવાનો મોકો મળ્યો છે કારણ કે શરીર માં કમજોરી આવે છે ત્યારે જ મનુષ્ય નાં તમામ પૂર્વગ્રહો દુર થાય છે”

    Like

  2. આપે હું હું ના હુંકાર ને સવાભિમાનથી અભિમાન સુધી વિષદ રીતે દર્શાવ્યો અને…તાત્પર્યાર્થે.સંકેત આપ્યો..તે યોગ્ય જ છે..
    એક થીયરી ચોકકસ ઘડી શકાય કે ‘શારિરીક તાકાત અને અહમ બેય એક બીજા જોડે અપ્રત્યક્ષ રીતે જોડાયેલ હોય છે’
    ખુબ જ વાંચવો ગમે તેવો અને પ્રેરક મનનીય લેખ તાજી સરળ શૈલીમાં રજું કર્યો..આભાર અહીં શેર કરવા બદલ..
    માણસ રુપાંતર કરી શકે છે..હું કઈ નથી આ સમજથી લઘુતા ગ્રંથીથી પીડાય અને હું જ સર્વસ્વ આનાથી ગુરુતા ગ્રંથી..આ બેય અતિમાં…હું તેને લીધે,નાનો છતાં હું તેનો છું ..તેને માટે છું..હું ને સ્થાને આપણે..આ વિવેક જ્ઞાન જગાડે તો..નડતરરુપ ન બનતા ઘડતર રુપ બની શકે અહં..વિકાસમાં જરુરી બની રહે..अज्ञानं चापिजातस्य..અજ્ઞાનમાંથી જ આ આસૂરી લક્ષણ જન્મેલું છે એમ..કૃષ્ણ કહે જ છે…

    Like

  3. Beautiful article ! I have one point .. Where does Swabhiman ends or Abhiman begins ? Is it relative ? What I may believe is swamibhan – some one else may find it as Abhiman ! I will ponder over your article again at leisure but these were my preliminary thoughts !! As always , I find your article thoght provoking and mentally recharghing .. Regards &Thanks

    Like

Leave a comment