ના તમે ખોટા ના અમે


phulchaab > navrash ni paL column > 6-6-2012.

હો ફુલ કે હો પથ્થર; બંનેનું વજન સરખું;

મુરલીય ઉપાડું છું, ગોવર્ધન ઉપાડું છું.

– ભગવતીકુમાર શર્મા

રુચીતા ટીવીના રીમોટ સાથે રીતસરની રમત જ કરી રહી હતી. ચેનલ પર ચેનલો ફેરવતી જતી હતી પણ એના મૂડને અનુરૂપ એક પણ પ્રોગ્રામ એ ભૂરી ભૂરી લાઈટવાળા ચોરસ ડબલામાં આવતો નહતો. કંટાળાની ચાડી ખાતા બગાસાઓ પોતાની હાજરી પૂરાવવા લાગેલા.બાજુમાં સોફા પર લેપટોપમાં પોતાનું કામ કરી રહેલ નમન પત્નીની આ ક્રિયા પર મનોમન હસી રહયો હતો.

એવામાં ડોરબેલનો અવાજ ડ્રોઇંગરુમમાં રણક્યો અને રુચીતા ટીવીને સોફા પર હળ્વેથી ફંગોળતી’કને ઉભી થઇ. બારણામાં એની પાડોશી કમ સખી પ્રીતિ દ્રશ્યમાન થઈ.

પ્રીતિનું ઉદાસ મોઢું જોઇને રુચીતાને અડધી વાત તો વણકહ્યે જ સમજાઈ ગયેલી.

‘શું થયું ..બધું બરાબર ને..?’

આ પ્ર્ર્શ્નની રાહ જ જોતી હોય એમ પ્રીતિ બોલી ઉઠી

‘આજે ફરીથી  સાસુમા જોડે બોલવાનું થયું.એ જ એમની એમના ધ્યાનશિબિરની વાતોનો, ઉપદેશોનો અવિરત પ્રવાહ. આખો દિવસ એમની આ ધ્યાનની વાતો સાંભળી સાંભળીને મારું મગજ પાકી ગયું છે હવે. એમને કરવું હોય એ કરે પણ મારે એમની શિબિરોમાં પરાણે ઢસડાવાનું..આખો દિવસ એમના ધ્યાનની સીડીઓ ચાલે..ટીવીમાં પણ એમની પોઝિટીવ થીંકિંગની વાતોના ગાણા ગાતા પ્રોગ્રામોનું એકહથ્થું શાસન..શું કરું.મારૂ ચાલે ને તો આવા બધા ધ્યાન બ્યાનના ગતકડાં જ બંધ કરાવી દઊં.’

‘ઓહોહો…આટલી નાની શી વાત પ્રીતિ.!’

‘તને નાની લાગે એ તો..બાકી તારા માથે આવું ઝીંકાય ને તો તને એની તકલીફ ખબર પડે..’

‘જો પ્રીતિ, રૂપાબાની હવે ઉંમર થઈ ગઈ. શારિરીક શક્તિ ઓછી હોય એટલે માનસિક શક્તિને ડેવલોપ કરવાના બધા ઉપાયો એ કરી છૂટે એમાં કંઇ નવાઈ નથી. આપણે ભલે ને ના માનતા હોઇએ પણ એ માન્યતાથી એમને શાંતિ મળતી હોય, બીઝી રહેતા હોય તો શું ખોટું છે ? એટલીસ્ટ પોઝિટીવ થીન્કીંગના નામે પોઝીટીવ વર્તન કરવાના પ્રયત્નો તો કરશે ને..બાકી નવરું દિમાગ શેતાનનું કામ કરે..ત્યાંથી નવરા પડશે તો ઘરમાં ‘આ કામ સમયસર નથી થયું ને પેલું બાકી રહી ગયું’ ની મગજમારી ચાલુ થઈ જશે..અત્યારે  એટલી તો શાંતિ છે ને.ઉંમર થાય એટલે આવું બધું થોડું ચાલ્યા કરે, કદાચ વ્રુધ્ધાવસ્થામાં આપણે પણ આવા જ થઈ જઈશું’

‘હા રુચીતા..એ તો છે…એમની બીજી કોઇ મગજમારી નથી પણ આ તો..તું સમજે છે એટલે દિલ ઠલવાઈ ..ચાલ બહુ કામ પડયું છે..હું જવું..’

નમન કામ કરતાં કરતાં આ વાર્તાલાપ સાંભળી રહેલો.

એની વિદાય પછી થોડીવારમાં જ રુપાબા ટપકયાં..

‘રુચી, સાચું બોલ તો આ પ્રીતિ મારી ચુગલી કરવા જ આવેલી ને..?’

‘શું બા તમે પણ, એ તો મારી પાસે પંજાબી શાકની રૅસીપી લેવા આવેલી. અમારે તો ક્યારેય તમારા વિશે કશું વાતો નથી થતી.હા..તમે કંઇક ધ્યાન -પોઝીટીવ થીન્કીંગ કરો છો અને એનાથી તમારા સ્વભાવમાં ધીરજ આવી છે એવી વાત એણે ચોકકસ કહી. એ તો તમારા વખાણ કરતી હતી..પણ બા એક વાત કહો..તમે વાતો ‘પોઝીટીવીટીની’ કરો..અને વિચારો -કામ આવા ‘નેગેટીવીટી’ના.. આમ તો તમે ધ્યાનની ચરમસીમાએ ક્યાં પહોંચી શકવાના ? અંદરની સપાટીએ સ્પર્શે એ જ ધ્યાન બાકી મને તો લાગે છે કે તમે ખાલી ઉપર ઉપર છબછબીયા જ કરો છો.’

‘ના ના દીકરા..એ તો હું જ્યારે એને ધ્યાનની વાતો કહું તો એનું મોઢ્ં દિવેલ પીધા જેવું થઈ જાય છે એને દીઠું ના ગમતું હોય એવું લાગે છે.એટલે આવું બોલાઇ ગયું’

‘બા જુઓ, તમે ધ્યાન કરો પણ એનું ‘પૅશન’ તમારા સુધી જ સીમિત રાખો ને.તમને ગમે એ બધાંને ગમે એવું થોડી હોય.પ્રીતિ હજુ જુવાન છે,.,એના હરવા ફરવાના, મોજમસ્તીના દિવસો છે..એની ધમાલિયણ લાઈફમાં કામકાજના ટાઇમટેબલમાથી માંડ નવરી પડીને એ એની મરજી મુજબ એનો સમય પસાર કરવા માંગતી હોય અને તમે એને ધ્યાન-અનુભૂતિની વાતોમાં લગાડી દો તો એ અકળાય એ સ્વાભાવિક છે ને. હા, એ તમને ધ્યાન કરતાં રોકે કે શિબિરોમાં જવાની બાબતે ચડભડ કરે તો ઠીક એને સમજાવાય..બાકી આખા ઘરનો ભાર એણે એકલા હાથે સંભાળ્યો છે એટલે તમને ધ્યાન ધરવાનો સમય મળે છે એ તો વિચારો..’

‘હા..વાત તો તારી સો ટકા સાચી.મારી વહુ તો સોનાની છે..’ અને એમણે હસીને વિદાય લીધી.

નમન અવાચક થઈને રુચીતાને જોઇ રહ્યો. કળ વળતાં બોલ્યો..’રુચી, તારા મતે આ બેમાંથી ખોટું કોણ એ તો કહે ?”

રુચીતા મંદમંદ હસતાં બોલી,’બેમાંથી એક પણ નહી..બેય પોતપોતાની જગ્યા પર સાચા છે. બેયની ઉંમર, પરિસ્થિતી, જરૂરિયાત અલગ અલગ છે. આ ભેદની જ તકલીફો છે બધી. આજે રજાનો દિવસ યાદ છે ને..આજે ચા મૂકવાનો તમારો વારો..’

અને ઘરમાં હાસ્યના મોજાં પથરાઇ ગયાં.

અનબીટેબલ : દરેક માનવીની સમજશક્તિ અલગ અલગ હોય છે. એમની જોડે એમની ભાષામાં વાત રજૂ કરાય તો પ્રયત્ન મોટાભાગે સફળ થાય છે.