તપીતપીને થાકીને ઠુસ થઈ ગયેલ કાળુડી સડક
સ્લીપર્સ- ટક ટકાક ટક..
ડાબી બાજુ લૅધર શૂઝની -ચૂં ચૂં
મઘમઘતો, જમણી બાજુ નમેલો
સફેદ ચંપો
ટૂટીયું વાળીને બેઠેલો
ચકળ-વકળ કથ્થઈ આંખ ફેરવતો
અધીરીયો કૂતરો
સોડિયમનો પીળો અજવાળીયો
પવનમાં ડાબેથી જમણે હળ્વેકથી
વહેતું ખાબોચીયું
અચાનક કાળાશના એકહથ્થુ સામ્રાજયમાં
સડસડાટ- બેકાબૂ- બળવાખોર તેજ લીસોટો રેલાયો
આંખ અંજાઈ ગઈ
તીવ્ર બ્રેક
ચરરર્ર..
અદભુત સમાધિનો એક ઝાટકે ભંગ
બાળપણી ચીસાચીસથી
કાન ભરચક
તોય ઠાંસી ઠાંસીને
ડુસ્કાં..આક્રંદ બર્બરતાથી ઠલવાયે જ જતા હતા
કંઇ વિચારવાનો – કરવાનો સમય જ ના મળ્યો
અને
ધરતી પર ચંદ્ર-ગ્રહણ થઈ ગયું.
સ્નેહા પટેલ