ના સંભળાયેલી પીડા


ફૂલછાબ દૈનિક પેપર > નવરાશની પળ કોલમ > ૧૬-૦૫-૨૦૧૨નો લેખ

http://www.janmabhoominewspapers.com/Admin/Data/Epapers/16_May/Panchamarut_01.pdf


ખૂબ ભરચક કદી થવા માટે,

ખાલીપો ખાસ સાચવી રાખો…

– મનોજ ખંડેરીયા

‘બસ..થોડાંક જ દિવસોની વાર છે..આવતા અઠવાડીએ આ વખતે તો અમે સિંગાપુરમાં હોઇશું..’

‘કેટલાં દિવસનો પ્રોગ્ર્રામ છે..કયા કયા બીચ પર ફરવાના..ક્યાં-કેવી હોટલો  બુક કરાવી છે..શોપીંગનું કેટલા પાના ભરીને લીસ્ટ બનાવ્યું છે..? ઇલેક્ટ્રોનિક આઈમ્સમાં થોડું સાચવવું પડે કસ્ટમવાળા હેરાન કરે છે..ગરમી બહુ હશે..કપડાં એ રીતે જ લઈને જજો..’

ચહલ- પહલ..સુહાસીનીબેનનું રોજ એકાંતમાં જીવવાને ટેવાયેલું ઘર આજે અવાજથી ભર્યુ ભર્યુ થઈ ગયું..સિંગાપુરી રંગમાં રંગાઇ ગયેલું.

સુહાસીનીબેન..બે દીકરી અને એક દીકરાના મધ્યમવર્ગી મમ્મી.

આજે રવિવાર હતો. બહુ વખત થઈ ગયેલો બધાંને મળ્યાંને..તો આજે સવાર સવારમાં ૯ વાગ્યામાં ફોન કરીને દીકરા-વહુ-દીકરીઓ-જમાઈઓ-પૌત્ર-પૌત્રી..બધાયની અપોઈંટમેન્ટ લઈને સાંજનું ડીનર પોતાના ઘરે ગોઠવેલું.બે દિવસ અગાઉથી પતિદેવ કિશનભાઈને બસમાં મોકલીને શહેરની શાકમાર્કેટના ધક્કા ખવડાવીને સસ્તા ભાવે સારામાંની કેરી- શાકભાજી મંગાવી રાખેલું. બાજુમાં આવતા કામવાળાને માંડ માંડ પટાવીને થોડા રુપિયા વધારે આપીને ઘરમાં કચરા પોતા કરાવેલા અને જમ્યાં પછી વાસણ અને સાફ સફાઈનું વચન લીધું હતું.

સાંજ પડી અને બધાં એક પછી એક પોત-પોતાના દાગીનાઓ સાથે આવી પૂગ્યાં અને મોટી દીકરી-જમાઈ આ વેક્શનમાં એક ફોરેન ટ્રીપ પ્લાન કરતાં હતાં એની વાતે વળગી ગયાં.

સુહાસિનીબેન અને કિશનભાઈ એ બધાંયની વાતો ચૂપચાપ સાંભળ્યાં કરતાં હતાં. થોડી વાર પછી જમવાની તૈયારી થવા માંડી અને એ લોકો એમાં બીઝી.

બધાંય પેટ ભરીને અલકમલકની વાતો કરતાં કરતાં જમ્યાં :

‘મમ્મીના હાથની વાલની દાળ અને કારેલાંનું શાક …કઢી.. અહાહા.મજા આવી ગઈ હોં મમ્મી..’

અને સુહાસિનીબેન ધીરેથી મરકયાં ને કિશોરભાઈને  કાચના પાસાદાર બાઉલમાં કાઢેલ આઇસક્રીમવાળી ટ્રે પકડાવી.

મોટી દીકરીએ પપ્પાના હાથમાંથી ટ્રે લઈને બધાંને આઇસક્રીમ આપ્યો અને બધાના માટે શું શું લાવવાનું એનું લિસ્ટ ભેગું કરવા માંડ્યું.

અને રાતના અગિયાર વાગતા’કને બધાંય પંખી પોતપોતાના માળા તરફ જવા માટે છૂટાં પડ્યાં.

આ બાજુ થાકેલાં સુહાસિનીબેનના પગ દબાવતાં કિશનભાઇ એમને ફરિયાદ કરી રહ્યાં હતાં

‘સુહાસ, તેં બાળકોને જે કામ માટે બોલાવેલા એ વાત તો કરી જ નહીં..ડોકટરે તાત્કાલિકપણે તારા પગનું ઓપરેશન કરવાની વાત કરી છે. એ માટે આપણે થૉડા પૈસાની જરુર પડશે. ઉપરાંત એમના અતિવ્યસ્ત શિડ્યુલ  હળવા કરીને આપણો આ અઘરો સમય થોડો સાથ આપીને સરળ બનાવવામાં મદદરૂપ થાય એ બોલતાં શું તકલીફ પડી..?’

‘કિશુ, બાળકો એમના ફાસ્ટ જીવનની વાતોમાં એટલા બીઝી હતાં કે મારી તકલીફની વાત કાઢીને એમાં સ્પીડબ્રેકર બનવાનું મન જ ના થયું…ચાર વખત વાત છેક હોઠ સુધી આવી ગયેલી પણ સિંગાપુરના અસ્ખલિત પ્રવાહમાં એ બોલાયા વિના જ તણાઈ ગઈ.એમની પાસે બોલવાનું એટલું બધું હતું કે મને સાંભળવાની એમને તક જ ના મળી…કંઇ નહીં પછી વાત..ચાલો હવે સૂઇ જાઓ, તમે પણ ત્રણ દિવસથી દોડાદોડ કરી છે ને.થાક્યા હશો.’

‘બાર બાય બાર’ના બેડરુમમાં ટ્યુબલાઈટ બંધ  થઈને નાઈટલેમ્પ ચાલુ  થયો.

અનબીટેબલ :

‘every day starts with some expectation. But everyday ends with some experience.’  – unknwn.

-સ્નેહા પટેલ