વે…કે….શ…ન…
અમારે ક્યારે..!
-સ્નેહા
વે…કે….શ…ન…
અમારે ક્યારે..!
-સ્નેહા
ફૂલછાબ > નવરાશની પળ કોલમ > ૯-૦૫-૨૦૧૨નો લેખ
http://www.janmabhoominewspapers.com/Admin/Data/Epapers/09_May/Panchamarut_01.pdf
જિંદગીભર એ ઉખાણું હોય છે,
કેવી રીતે જીવવાનું હોય છે ?
– ગૌરાંગ ઠાકર
અવંતિકા..એક આધુનિકા..બાળપણથી જ ધનવાન મા બાપનું એક નું એક સંતાન..એની નીલી નીલી આંખોમાં રમતાં સપનાંઓ સદાય આસમાનને અડકે..!
હંમેશા બીજાથી અલગ દેખાવાનું, અલગ બોલવાનું આ બધાની ઝંખનામાં અવંતિકાને જમાનાથી બે કદમ આગળ ચાલવાની, આગળનું વિચારવાની એક ટેવ પડી ગઈ હતી.રોજ રોજ નવા નવા અખતરાઓ કરી પોતાના આત્મવિશ્વાસ પર એની સફળતાનો ઢોળ ચડાવવાના પ્રયત્નોમાં જ રચી પચી રહેતી.એમાંથી મળતી વાહ વાહ અને પ્રસંશાના નશામાં એ ઓળઘોળ થઈ જતી. ધીરે ધીરે આ નશો એની આદત બનવા લાગ્યો જેને પોસવા એ કંઇ પણ કરી છૂટવાના પ્રયત્નો કરતી.
અવંતિકા સ્ત્રી હતી, એ પણ સુંદર અને યુવાન…એની પ્રસંશાને પંપાળીને એને પોરસ ચડાવનારા ઢગલો મળી રહેતા.અપાર કલ્પનાશક્તિ, ઊંચી ઊડાન ભરવાની ટેવ – જમાનાથી અલગ જ દ્રષ્ટીકોણ ધરાવવાની ખૂબી, પારાવાર અનુભવો એમાં એક શોખનો વધારો થયો – લખવાનો. એને પાનો ચડાવનારા ખુશામતિયાઓની મદદથી, ધનવાન બાપના પૈસાના જોરથી આ ક્ષેત્રે પણ કાઠું કાઢતા વાર ના લાગી. ધડાધડ મળતી સફળતાઓમાં ૧૮ વર્ષ જેવા કાચી ઉંમરે લગ્ન પણ કરી લીધા. જમાનાથી બે ડગલાં આગળ ચાલતી એ માનુનીના એ લગ્ન માંડ બે વર્ષ ટક્યાં અને ૨૦ વર્ષ જેવી ઉગતી ઊંમરે એક દીકરીની ભેટ મેળવીને એ લગ્નને તિલાંજલી આપી દીધી. એને સાંત્વના આપનાર સામે ઊલ્ટાનું એ હસતી અને કહેતી, ‘ચીલ’ આ ઊંમરે છૂટાછેડામાં પણ એક થ્રિલ અનુભવાય છે..!
થ્રિલને continue રાખવા ‘પારિતોષ’ નામના છોકરા સાથે બીજા લગ્ન કર્યા. પારિતોષ આ પ્રામાણિક અને ખુલ્લા મનવાળી લેખિકાનો બહુ મોટો પ્રશંસક અને ખૂબ જ સુલજેલા મગજનો માણસ હતો. અવંતિકાની અંદરની પ્રસંશા મેળવવાની તરસ એ બરાબર સમજી શકતો હતો..એણે અવંતિકાને આ બાબતે સમજાવવાના ઢગલો પ્રયત્નો કર્યા પણ દર વખતે પ્રસંશાનો પડછંદ પડછાયો પારિતોષના નાજુક પ્રેમને ઢાંકી દેતો.
પારિતોષે અવંતિકાને એની દીકરી સમેત ફકત એની તરફની પોતાની લાગણીને કારણે જ સ્વીકારી હતી. સહજીવનના બે વર્ષ દરમ્યાન અવંતિકાએ પારિતોષને એક દીકરાની ભેટ આપીને જાણે એ બધાનો બદલો ચૂકવી દીધાની લાગણી અનુભવી.
વળી પાછી એનામાં રહેલી આધુનિકા સળવળી. પોતાના જમાનાથી બે કદમ આગળ ચાલવાના પ્રયત્નોમાં નકરી ઠોકરો ખાતી અવંતિકા સતત માનસિક સંઘર્ષમાં જ જીવતી..એનામાં રહેલા નૈતિક મૂલ્યો આ ઘર્ષણથી હારી જતા. ટોચ પર ટકવાના ધખારામાં એ કોઇ પણ હદ સુધીના કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જતી.
આ બધામાં અવંતિકા બેધ્યાનપણે પોતાના અધઃપતનને દુઃખ સાથે ગળા નીચે ઉતારતી, કડવી હકીકતને ફેફસામાં ભરીને જીવી રહેલ પોતાની નજીકની ત્રણ માસૂમ અને નોર્મલ જીંદગીઓની હાલત ખરાબ કરતી જતી હતી..પારિતોષને તો બે માસૂમ જીંદગીના ઉછેરમાં આ જેટસ્પીડના જમાના સાથે કદમથી કદમ મિલાવવાના પણ ફાંફા પડી રહ્યાં હતાં. પોતાનો જીવનબાગ પોતાના સ્વછંદ સંઘર્ષના તણખાંથી ધીરે ધીરે બળતો જતો હતો એ વાતનો અંદાજ પણ અવંતિકાને નહતો આવતો. એ તો જમાનાથી બે કદમ આગલ ચાલનારી નારી…એવા લાગણીમાં ઢસડાઈ જવાના વેવલાવેડા એને શીદને પોસાય.? આવી ઉતર ચડ તો જીવનમાં આવ્યા કરે..!એની ઊજળી કેરિયર, સપનાંઓની, સ્વતંત્રતાની ખેવનામાં એના નિર્દોષ પતિ અને સંતાનોના અરમાનોની બલિ ચડ્તી જતી હતી.
ના એને સમજાવી શકાતી હતી કે ના એની બેફામ દોટ જોડે ડગલાં માંડીને ચાલી શકાતું હતું.. પોતે જે સમાજમાં જીવે છે એને માન આપવાની ટેવ વાળો,એની મર્યાદાને સ્વીકારનારો, ભારતીય સંસ્કૃતિને ગળથૂંથીમાં પીનારો પારિતોષ ના એનાથી દૂર જઈ શકતો હતો કે ના એની જોડે શાંતિથી જીવી શકતો હતો..બસ કિનારે બેસીને લાચારીથી વમળો જોયા કરતો હતો.
અનબીટેબલઃ હોશની આહુતિ ચડાવીને ‘સ્વ’ની શોધમાં ફકત જોશ-ઝનૂનપૂર્વક વર્તવું એ સમયનો, શક્તિનો બગાડ જ છે.
-સ્નેહા પટેલ