kheti ni vaat mag. > mari hayati tari aas-pass – 8 > may-2012.
આ હોઠ પર કંઇક સળવળ..સળવળ થાય છે. .શું છે ..? આખો દિવસ હેરાન કર્યા જ કરે છે.. !! કોઇ પણ કામ કરતાં હો તો પણ હોઠ પરનો સળવળાટ ભરપૂર અકબંધ..! દિમાગમાં કોઇ વાત ‘ક્લીક’ થાય, ભૂતકાળનો કોઇ પ્રસંગ તાદ્રશ્ય થાય..અને દિલમાં એક હલકી – મધુરી ભીનાશ વ્યાપી જાય..ધીમે ધીમે એ ભેજ મુખ તરફ પ્રયાણ કરે, અને હોઠ પર આવીને હળ્વેથી ધીમા સ્મિતમાં ફેરવાઈ જાય – રેલાઈ જાય. રોજ રોજ આ દિમાગથી હોઠ સુધીની સફર અવિરતપણે ચાલ્યા જ કરે છે…કોઇ થાકોડો નથી નડતો એને.!! શું બધા સાથે આવું થતું હશે..? ના..આમ એકલા એકલા મરકવાનું…હસ્યા કરવાનું..આ તો પાગલપણની નિશાનીઓ કહેવાય…પણ માણસ પાગલ ના હોય અને એના આ આપોઆપ ફૂટી નીકળતા હાસ્યના ઝરા પર પોતાનો કંટ્રોલ ના રહે તો..? આ તો સાવ બે છેડાંની વિરોધાભાસી વાતો જ લાગે છે ને..પણ હું આ દોરમાંથી જ પસાર થઈ રહી છું..મારા મોઢા પર જ્યારે ને ત્યારે તારી લાગણીની છાપ છોડી જાય છે..આ મારા પ્રેમની ચાડી ખાઈ જતું બોલકું હાસ્ય મને કોઇક દિવસ મરાવી કાઢશે..
હા તો વાત એમ છે..મારા ‘બુદ્ધુરામ’ જેવા તમે..હાસ્તો આમ ‘સ્માર્ટ’ પણ આમ નાની નાની વાતોની પણ સમજ ના પડે એટલે હું તો તને ‘બુધ્ધુરામ’ જ કહીશ ..તો તું જ્યારે પણ મને યાદ આવે છે ત્યારે આપોઆપ હોઠ મારી જાણ બહાર જ મરકી ઊઠે છે. હાથમાં ચોપડી પકડીને બેઠી હોઉ, આંખો એમાંના કાળા કાળા અક્ષરો પર ફરતી હોય.. પણ મગજ તારી સાથે વિતાવેલ મેધધનુષી યાદોની ગલીઓમાં ફરવા લાગે ..બધું રંગીન રંગીન.. આંગળીના ટેરવા પાના ફેરવતા હોય, શું વાંચ્યુ શું નહી..કેટલું મગજ સુધી પહોચ્યું એ વિચારવાની પણ કોને પડી હોય છે . તારા અડપલા, તારી શેતાની, તારી પ્રેમસભર નજર, અને તારા હેતાળ શબ્દો વારંવાર કાનના પડદે અથડાય..
‘તારા ગાલના ખાડામાં ડૂબી જઉ
તો આખેઆખો ભવસાગર તરી ગયો એવું લાગે છે…
તારી ગુલાબી-ગુલાબી
ધૂળની ડમરીઓ ઊડાડતી પાની-
બે મુઠ્ઠીમાં સમાઇ જતી અદભુત વળાંકોવાળી કમરને
મદમસ્ત બનાવતી તારી ગર્વીલી ચાલ..
હૈયામાં અકથ્ય સંવેગોના ઝરા ફૂટી નીકળે છે !
તારા કાળા ભમ્મર
સુવ્યવસ્થિત રીતે કપાયેલા કેશ..
એ કેશસાગરની થોડી લહેરો કાન આગળ ઝૂલે છે..
બીજી એનાથી પા વેંત નીચે તારી નાજુક ગ્રીવાની
ભૂરી ભૂરી નસને ચૂમે છે.
બાકીની કેશરાશિ એનાથી પણ નીચે…
મારું દિલ જયાં ચોરીને તેં ગોપવી રાખ્યું છે..
ત્યાં..સાવ જ નફફટપણે નશેડી બનીને ઝૂમે છે.
હોશ કેમ જાળવું..?
કેટલીયે ઇરછાઓ અંગડાઇ લે છે
પ્રીતનો સાગર હિલ્લોળા લે છે..
એ બધી લહેરોને હથેળીના હેતથી
લીંપી દેવાનું મન થઈ જાય છે..
અને જબરદ્સ્ત ઊભરો
ખડકો જોડે અથડાઇને ફીણ ફીણ થઈને પાછો ફેંકાય છે.’
ક્યાં સુધી આ મર્યાદાના પોટલામાં પ્રેમને બાંધવાનો..? તને ખબર છે કે આ બાંધી રાખેલી લાગણીઓ બહુ ખરાબ હોય છે. એને જેટલા વળ ચડાવો એ એનાથી બમણા જોરથી છૂટી પડે છે..વેરાઈને ઢગલો થઈ જાય છે .ધીરે ધીરે એ ઢગલાના ખડકલા માથાસમાણા થઈ જાય છે અને મારો બધોય કાબૂ ભાંગીને ભૂક્કા ! દિલમાં કંઇક તીખો તીખો ચચરાટ થાય છે..આવું કેમ ?મારું પોતાનું, મારું નજીકનુ પણ મારું કેમ ના થાય…
એક અધિકારની ભાવનાનો ઊછાળા મારતો સાગર લઈને તું મારી નજીક આવ્યો હતો..બે પળ તો મારું દિલ ધક્ક રહી ગયું..આ વેગને તો હવે કેમનો ખાળવો. ? આ તો જુવાનીનો વેગ..એમાં પાછો પ્રેમનો લેપ..! આંધી વંટોળો તો મારા દિલને પણ પજવતા હતા..પણ સાવ આમ મર્યાદા ત્યજીને બેશરમ તો કેમનું થવાય..વળી હું રહી સ્ત્રીની જાત..નાનપણથી જ લોહીમાં વણાયેલા સંસ્કારો કેમના ભૂલાય..?
તારો હેતનો ઊભરો મને દઝાડતો હતો..
દિલમાંથી ‘હા..હા’ ની મહોરવાળી સંમતિ સરકું સરકું થતી હતી.
ઇચ્છાઓની મયુરપંખી નાવ તારા પ્રેમ-સરોવરમાં તરતી હતી…!
ત્યાં જ મગજને એક ઝાટકો લાગ્યો…શું આપણો પ્રેમ ફક્ર્ત તન સુધીને જ મર્યાદીત..મનની ક્ષિતિત્જો સુધી અનંતમાં પ્રસરેલી આ તીવ્રત્તમ લાગણીઓના આકર્ષણ ઉપર આ તનનું આકર્ષણ હાવી કેમ થતું જાય છે..આધુનિક કહેવડાવવાની લાલચ છે કે તનની ભૂખ કે આપણા મનના પવિત્ર પ્રેમની હાર..આ બધું શું છે..? જે પણ હોય આ યોગ્ય તો નથી જ..પ્રેમ કર્યો છે..કોઇ ગુનો કે ચોરી નહી. તો તનની ભૂખ એને ચોરી જેવી લાગણીએ લઈ જવા જેવી તીવ્રત્તમ કેમ બનાવે છે…!!
કોઇ પણ લાગણી કાબૂ બહાર જાય એટલે નકરી અરાજકતા જ ફેલાય છે..ઇતિહાસ આવા કેટલા પ્રસંગોનો સાક્ષી છે..અને મન મક્ક્મ કરીને મેં તને તરત જ રોક્યો…
’ના..’
આ એક લક્ષ્મણરેખા આપણા પ્રેમની પાવનતાનું ચિહન છે..આની મર્યાદા ના તૂટે એ જ આપણા હિતમાં છે. એ જો તૂટી તો જે પ્રેમ તારા નામની સાથે મને મહેંકાવી દે છે એનાથી કાલે હું કદાચ ગંધાઈ જઈશ.. ચીમળાઈ જઈશ..આ મર્યાદાભંગ એ આપણા નજીકનાનો વિશ્વાસભંગ પણ છે ..પ્રેમ કર્યો છે તો ખુમારીભેર આવ ઘરે અને મારા માતા પિતા પાસે મારો હાથ માંગી લે..ના માને તો બગાવત કરીને મને એમની સામેથી ઉપાડી જા તો પણ વાધો નથી..એ પછી આપણે લગ્ન કરી લઈશુ..અને પછી તને કોઇ વાતે નહી રોકું…નહીં ટોકું.. પણ આધુનિકતાના નામે, થોડી કાબૂ બહારની લાગણીના નામે મારી મર્યાદા ત્યજવા માટે મજબૂર ના કર..જે તારુ છે એને સમયથી પહેલાં પામવાની આવી હઠીલી જીદ ના કર..દિલ કળીએ કળીએ કપાય છે..તને દુઃખી કરીને દિલ લોહીના આંસુડા સારે છે..મારી લાચારી પર તારી સમજદારીનો, સંયમનો છાંયો કર એમાં જ આપણા પ્રેમની અસ્મિતા છુપાયેલી છે. તારો ઘણો ઉપકાર થશે..
અને તું અવાચક થઈને મને સાંભળી રહેલો..એકદમ જ મારો ચહેરો તારી હથેળીમાં ભરી લીધો અને આંસુભીની આંખે બોલી ઊઠ્યો,
‘સુગંધી, મને માફ કર..મારો ઇરાદો તારો દિલ દુખાવવાનો સહેજ પણ નહતો..વળી તારી ઇજ્જત અને માન મર્યાદા તો મારે આખી જીંદગી સાચવવાના છે..અત્યારથી જ એમાં નબળો પડું એ તો કેમનું ચાલે..ના.આપણા પવિત્ર પ્રેમને હું આમ થૉડા સમયની અવશતાને લઈને આંચ નહી જ આવવા દઉં.મને માફ કર..’
અને તારી બે ભુજાઓમાં સમાઈને તારી છાતી પર મારું નિસ્ચિંત માથું મૂકીને મારી પસંદગીની સમજદારી પર પોરસાઈ રહી હતી અને તારા દિલની ધડકનમાં અવિરતપણે ધબકતું મારું નામ સાંભળી રહી.ક્યાંક દૂર મારું મનપસંદ ગીત વાગી રહ્યું હતું,
‘હમને દેખી હૈ ઇન આંખો મેં મહેંકતી ખુશ્બુ
હાથ સે છૂકે ઇસે રિશ્તો કા ઇલ્જામ ન દો
સિર્ફ અહેસાસ હૈ યે, રુહ સે મહેસુસ કરો’
આ બધુંય એક ચલચિત્રની જેમ મારી આંખો સામેથી વારંવાર પસાર થતું હતું..તારી બેચેની મને પણ બહુ ગમી હતી..એવા જ તીવ્ર આવેગો મને પણ પજવતા હતા..અત્યારે તો મારી બધી ય તરસ, બેચેની હું ભેગી કરું છું અને યોગ્ય ઋતુ આવે ત્યારે વરસવાની રાહ જોવું છુ..તું પણ તૈયાર રહેજે..
કારણ : ‘ હું રહી હેલીની – ભરપૂર ચોમાસાની વ્યક્તિ..મને માવઠું બનીને વરસવાનું નહી ફાવે ‘
-સ્નેહા પટેલ