વહેતા રહો


shree khodaldhaam smruti magazine>aachman column >May-2012


‘સતત વહેતા રહેવુ’

દરેક માનવી માટે આ એક અતિ-અનિવાર્ય  ગતિ છે. આ વહેવું એટલે શું..?

જીવનમાં ડગલે ને પગલે ઉતપન્ન થતી મુશ્કેલીઓ વખતે માનવીની ધીરજ ખૂટી જાય એ બહુ જ સ્વાભાવિક વાત છે. જીંદગી ટેકનીકલરમાંથી કાળી-ધોળી કે કાબરચીતરી બની જાય છે. આવા વખતે વિચારો પર વજ્રઘાત થાય છે.. અને માનવીની બધીય શક્તિ જાણે પેરેલાઈઝ્ડ થઈ જાય છે. પેરેલાઈઝડ તન કરતાં મન વધારે ખરાબ..એવી સ્થિતીમાં માનવી સખત તાણ અનુભવે..

‘આખી દુનિયામાં પોતે સાવ એકલો થઈ ગયો છે..પોતાની કોઇને જરુર નથી…સગા સૌ સ્વાર્થના – પૈસા’ના જેવી માનસિકતા ઉતપન્ન થાય છે, જે એને નેગેટીવીટીના કાળા ભમ્મર કુવામાં ધકેલી દે છે જયાં હતાશાની ભૂતાવળ એને શાંતિથી જીવવા નથી દેતી.

દરેક મનુષ્યની અંદર એક બીજો સ્વ રહેતો હોય છે જે એક્દમ ખાનગી હોય છે, એનો પોતીકો..સાવ અંગત. જે સામાન્ય પણે જાહેરમાં ક્યારેય નથી આવતો સિવાય કે કોઇ પરિસ્થિતી એને લાચારીની હદ સુધી ખેંચી જઈને એને બહાર ખેંચી આવે. જે હંમેશા એની ઇચ્છા મુજબ નથી વર્તી શકતો. એને મુશ્કેટાટ બાંધી રાખવો પડતો હોય છે. બહુ જ ઓછા માણસ આગળ એ પોતાનો અસલી ચહેરો બતાવી શકે છે. પોતે જેવો છે, એવો જ બનીને નિઃસંદેહ, નચીંતપણે વહી શકે છે. બાકી બધે તો ડાહ્યું ડાહ્યું, સમજદારીનું મહોરું ચડાવીને જ વર્તન કરવું પડે છે. ચીની કહેવત યાદ આવ્ફી ગઈ ‘ બળેલો કાચબો પોતાની યંત્રણા છુપાવીને જીવે છે.’

આજના ધમાલિયા અને ટેન્શનીયા જીવનમાં માનવી એવા નચિંતીયા સંબંધોને કારણે જ ટકી જાય છે.દરેક માનવીમાં ક્યાંક ને કયાંક એ ‘વહેણ – સંબંધ’ની ભૂખ તરસ ધખતી જ હોય છે.ઘણા માણસોને પોતે જે કહેવું હોય એ કોઈને ચોકખે ચોકખું કહી – સમજાવી નથી શકતા.. એમની પાસે આસાન અભિવ્યક્તિની ‘ગોડ-ગિફ્ટ’ નથી હોતી. તેથી એમને બહુ તકલીફ પડે છે. એ લોકો મોટાભાગે ચૂપ ચૂપ રહેતા હોય છે. અંદરખાને અકળાતા હોય છે. એમને જરૂર હોય છે એવા સાથીની જે એમના મૌનને સમજી શકે, એમના વર્તનને સમજી શકે. એમની સાથે લાગણીથી જોડાયેલ કોઈ વ્યક્તિ જો રોજ-બરોજના એમના વ્યવહારથી અને સહવાસથી એમને સમજવાની શક્તિ વિક્સાવી શક્યા હોય તો, તેઓને જાણે ‘ગોળનું ગાડું’ મળી ગયું હોય, ‘ખુશીનો સૂરજ હાથમાં ઊગી ગયો’ હોય એમ લાગે.

જરુરી નથી કે એ મોકળાશ તમને જીવનસાથીમાં જ મળી શકે. રોજ-બરોજની સાથે જીવાતી જિંદગી એક-મેકને  ઘણીવાર ‘ટેક્ન ફોર ગ્રાન્ટેડ’ જેવી સમજતી થઈ જાય છે. એવા વખતે કોઈ સારો મિત્ર પણ તમને તમારા આ વહેવાપણામાં મદદરૂપ થાય છે. તમે જેમ ઇચ્છો – વિચારો, તમે જેવા છો તેવા… તમારી ભૂલો, તમારી ખામીઓ, તમારી તકલીફો સહિત એ મિત્ર દ્વારા સંપૂર્ણપણે પ્રેમથી સ્વીકારાઈ જાઓ છો એટલે તમે નફિકરા થઈને વહી શકો છો.

વહેવું એક આહલાદક અનુભવ છે.

માનવીનું મૌન સમજવું એ ખૂબ અઘરી વાત છે. જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે સાચી લાગણીથી જોડાયેલા હો, તો જ તમે એના વર્તનને સમજી શકો, એના ગમા- અણગમા સાચી રીતે પારખી શકો,  બધી વાતો એની આંખો દ્વારા સમજી શકો છો. પ્રેમમાં મોટા ભાગે મૌન સંવાદો થકી જ વાતો થઈ જતી હોય છે. પ્રેમમાં વહેવા માટે માનવીને સ્પર્શ અને આંખોની અલગ જ ભાષાનું વરદાન મળેલું છે. એ વખતે વહેતા રહેવા માટે માનવીને કોઈ જ મીઠા ‘ડાયાબીટીસિયા’ અને ‘ખોખલા’ શબ્દોની જરૂર નથી પડતી. કદાચ પ્રેમની દુનિયા એટલે જ સૌથી નિરાળી અને અલોકિક હોય છે. ત્યાં તમારી લાગણી બોલે છે, તમારું વર્તન બોલે છે.

બની શકે તો જેની સામે તમે વહી શકતા હો એ વ્યક્તિને, મિત્રને ક્યારેય દગો કે મનદુઃખ ના થાય એવી કોશિશ કરજો. એ તમારું મૌન સમજે છે, તમારું વર્તન સમજે છે તો તમારી પણ એક નૈતિક ફરજ થઈ પડે છે કે તમે પણ એને એ સહુલિયતનો અહેસાસ કરાવો. એને પણ તમારી જેમ વહેતા રહેવા માટે ઊત્તેજન આપતા રહો..સહકાર આપતા રહો, ગતિશીલ રાખો.

વહેણમાં એક અલગ જ નશો..એક અલગ જ તાકાત હોય છે.

જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતી આવે કે ગમે તેવા પ્રિય – મનગમતા સંબંધોના અલ્પ-વિરામ, પૂર્ણ-વિરામો આવે એના દુઃખમાં તૂટી જઈને, એના વ્યૂહ-ચક્રોમાં ફસાઈને ગોળ ગોળ ફર્યા વગર એમાંથી જે મળ્યું એનો સંતોષ માણીને એને ત્યાં જ છોડીને હિંમત-પૂર્વક આગળ વધતા રહો. નહીંતો તમે ત્યાં જ અટકીને, પરિસ્થિતીનો ભાર વેંઢારતા વેંઢારતા આખરે તૂટી્ને ચકનાચૂર થઈ જશો. જીવન જો એક જ જગ્યાએ સ્થગિત થઈ જાય તો ત્યાં બિનજરૂરી કચરો ભેગો થઈને સડો ઉત્પન્ન થઈ જાય છે, કોહવાઈ જાય છે અને માણસ ખલાસ થઈ જાય છે. એ અવાંચ્છનીય પરિસ્થિતિથી બચવા માણસે સતત આગળ ને આગળ વધતા રહેવું જોઈએ. .ગતિશીલ રહેવું જોઈએ..અટકયા વગર વહેતા રહેવું જોઈએ. ગમે તે સંજોગોનો હામ ભીડીને સામનો કરવાની તાકાત વિકસાવવી જ જોઇએ..

દરેક અણગમતી સ્થિતીમાંથી બહાર નીકળવાના અવિરત પ્રયત્નો એ જ  તમારું સાર્થક મનુષ્યત્વ

આપણે દર વર્ષના માર્ચથી મે સુધી દરિયાકિનારે જઈ એને પ્રાર્થતા નથી કે,” હે દરિયાદેવ, સૂરજને હંમેશા તમારું નીર અર્પતા રહેજો,જેથી સારો વરસાદ થાય, સંધ્યા સમયે નિત્ય સૂર્યને વિનવતા નથી કે બીજા દિવસના પ્રભાતે જરૂરથી આવજો. વાયુ-પવનને ક્યારેય વિનંતી કરતા નથી કે હું કાયમ શ્વસી શકું એટલે તું સદાય આવતો રહેજે.” કારણ, આપણને ખાતરી છે કે આ બધી ક્રિયાઓ નિયમબદ્ધ – એકધારી ચાલે છે. એમને ગમેતેટલી તકલીફો હોય પણ એ એમનું વહેવાનું કામ ચાલુ રાખવાના જ છે. ક્યાંય અટક્વાના નથી. જ્યારે એ વહેતા અટકી જાય ત્યારે જળ -પ્રલય અને સુનામી જેવી કુદરતી હોનારતો આવી જાય છે..એ જ ઘટનાઓ આપણા જીવનમાં પણ થાય…આ સુનામીઓ અને પ્રલયોને અટકાવાનો એક જ ઊપાય હૈયે હામ રાખી બસ…વહેતા રહો..ભીતરની હિંમત-આત્મવિશ્વાસ હશે એટલે અડચણના પહાડ ઓળંગી જ જવાશે. જીવન સુપેરે ચાલશે. આસ્થા રાખો અને અવિરત વહેતા રહો.

કદાચ એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે,

‘કમળ-કેદમાં ભમરો કેવળ અંધકાર જાણે,

નભે ઊડતું પંખી ઝળહળ અજવાળું માણે’

જીવનના બધાં જ પથરીલા રસ્તાઓ પણ વહેણના કારણે હલ્કાફૂલ  લાગશે. તમે બસ સાહસપૂર્વક, સડસડાટ એ રસ્તા પરથી નદીની જેમ વહેવાનું હૈયે જોમ રાખો. તો અણિયાણા  પથ્થરો પણ તમને કોઈ ઇજા નહી પહોંચાડી શકે. એ પણ હારી-થાકીને તમારી ગતિને અનુરૂપ એની જાતને ઘસીને લીસી બનાવી દેશે કાં તો તૂટી જશે.એના સિવાય એની પાસે કોઇ  ‘ઓપ્શન’ જ ક્યાં બાકી બચે છે આમે.

તમારું વહેવું સમજણ-પૂર્વકનું, નિઃસ્વાર્થ અને નિરંતર હશે, વેર-ઝેરથી મુકત અને પ્રેમભાવથી પૂર્ણ હશે તો એ રસ્તો આખરે તમને એક અદ્વિતીય, અવર્ણનીય આનંદ અપાવશે. ભગવાનનો સાક્ષાત્કાર કરાવશે. જીવનને સંતોષના સોનેરી કિરણોથી ભરી દેશે. જીવનમાં સફળતાની સીડીઓ ચડવામાં, નક્કી કરેલ ધ્યેય સુધી પહોંચવામાં મનનો એ આંતરિક સંતોષ ખૂબ મોટા પાયે મદદરૂપ થશે..

સ્નેહા પટેલ.