હાઉસવાઈફ


ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > ૩૦-૦૫-૨૦૧૨નો લેખ

http://www.janmabhoominewspapers.com/Admin/Data/Epapers/30_May/Panchamarut_01.pdf

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.

ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!

 

દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,

જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!

 

-બાલાશંકર કંથારિયા

 

‘આઇ એમ પ્રાઉડ મધર – હાઉસ મૅનેજર..૨૪x ૭ એટ માય સ્વીટ હોમ. મારી પ્રાયોરીટીમાં સૌથી પહેલાં મારો ‘હબી’ બચ્ચાઓ અને મારું સુઘડ – સ્વચ્છ ઘર આવે. થોડા ઓછા પૈસા હોય તો ચાલી જાય – ચલાવી લેવાય છે..પણ બાળકોને સંસ્કાર, એમના સમય સમયસર સાચવવાના,માની સંતાનોને હૂંફ, પતિદેવ ઘરમાં આવે ત્યારે મારા હાથે બનાવેલ એમની મનપસંદ વાનગીઓ મારા હાથે એમને પીરસીને ખવડાવવાની મજા..આ બધાની સામે ઓછા પૈસાનો અફસોસ ક્યાં ટકી શકવાનો..વળી હું નોકરી કરવા જાઉં તો મારા પેટ્રોલ, કપડાં, અઠવાડીયામાં બે-ચાર વાર બહારથી ખાવાનું મંગાવવાનુ જેવા નાના મોટા એક્સ્ટ્રા ખરચાઓ વધી જ જવાના .એના કરતાં ઘરમાં રહીને જાતે ઘર મેનેજ કરીને કેટલા બધા પૈસા બચાવી શકાય છે..ભારતીય સંસ્કૃતિની આ જ તો મજા છે મા-બાપ-બાળકો એકસાથે હસી-ખુશીથી સુખદુઃખની વાતો વહેંચીને પ્રેમથી, શાંતિથી જીવી શકે.બાકી બીજા બધા દેશોમાં તો કોની મા કોના પિતાની સાથે ને કયા પિતાના બાળકો કઈ મા સાથે જીવતા હોય છે એ કોયડાઓમાં જ જીવન પસાર થઈ જાય છે’

આ હતો પ્રિયાનો પોતાની જાત સાથેનો વાર્તાલાપ..રોજ રોજ આનો થોડો થોડો ડોઝ મનને આપતી રહેતી અને સેલ્ફ કાઉન્સેલિંગ કરતી જતી.

 

એક વિચારશીલ જીવડો અને એમાં પણ પાછી સ્ત્રીજાત એટલે પ્રિયાને રોજ મનમાં પ્રષ્નો ઉઠતા કે એ પોતાના આ સેટલમેન્ટથી ખુશ હતી, પૂરેપૂરો સંતોષ હતો તો એને આ રોજેરોજ ‘સેલ્ફ કાઉન્સેલિંગ’ કેમ કરવું પડતું..કોઇ એને ‘હાઉસવાઈફ’ કહે તો એની પાસે પોતાને ‘હાઉસમેનેજર’ કહેવડાવવાનો હઠીલો આગ્રહ કેમ રાખતી હતી..?

વિચારોના રસ્તે ઘણીવાર ફરવા ઉપડી જતી પણ ત્યાંથી કોઇ જ સોલ્યુશન કે યોગ્ય જવાબ મેળવ્યા વગર રઝળપાટ કરીને થાકીને ચૂર થઈને પાછી આવી જતી.

આજે એ બહુ ખુશ હતી. કેનેડાથી એની સ્કુલની સખી પાર્થી એના ત્યાં આવવાની હતી. બે-ચાર દિવસ રોકાવાની પણ હતી.

પાર્થી એટલે ‘સેમ ટુ સેમ’ પ્રિયા.કેનેડા જઈને ત્યાંના કલ્ચરને સેટ થઈ ગયેલી..જોબ કરતી હતી.. બે છોકરાંઓ અને પતિદેવ..બધું સુખી સુખી વેલ સેટલ્ડ.

એની વાતો સાંભળીને પ્રિયાને નવાઈ લાગતી.પાર્થી પોતાના છોકરાંઓને આમ ‘ડૅ કેર સેન્ટર’માં મૂકીને જોબ કરતી હતી એને પોતાના સંતાનો માટે કોઇ જ લાગણી નહી હોય કે..પણ એની વાતો પરથી તો એ નાનામાં નાની વાતનું  ધ્યાન્ રાખતી હોય એમ સ્પષ્ટ દેખાઇ આવતું હતું …ઇવન એનો વર પણ આ બધામાં સહિયારો સાથીદાર હતો..તો શું પોતે અત્યાર સુધી પોતાની કેરિયર છોડીને ઘરને વળગીને બેસી રહેલી એ પોતાની ભૂલ હતી કે..એણે પોતાની જોબ ચાલુ રાખી હોત તો એનો પગાર પણ પાંચ આંકડાને આંબતો હોત..મથામણોનો આ દોર  પાર્થીની નજરથી બહુ છૂપો ના રહી શક્યો.એક પ્રયત્ન અને પ્રિયા આખી ઠલવાઇ ગઈ.બે પળ વિચારોના સાગરમાં ડૂબીને ગોતું લગાવીને પાર્થી પાછી સપાટીએ આવી ગઈ.

‘જો પ્રિયા, મને બધું વિચારતા લાગે છે કે તેં પરિસ્થિતીને દિલથી સ્વીકારી નથી. કહેવા ખાતર જ તેં એક કોમ્પ્રોમાઇઝ કરી લીધો છે પણ એ ઉપરછલ્લું છે. ‘સ્વીકાર અને સમાધાન’ આ બેયની સમજ વચ્ચે તું ઝોલા ખાયા કરે છે.મારું એમ નથી. જે વિચાર્યુ એ એના પરિણામો સહિત સ્વીકાર્યુ છે.એ સ્વીકાર પર ક્યારેય મારે કોઇના સર્ટીફિકેટોની જરુર નથી પડતી.એટલે મને તો આવા વિચારો ક્યારેય નથી આવતાં.

 

સૌથી પહેલાં તો તું જ તારી જાતને જે સ્વરુપે છું  એ સ્વરુપે ખુલ્લા દિલથી સ્વીકાર..લોકોનું તો શું છે બોલ્યા કરે..તમારે વળી આખો દિવસ ઘરમાં કામ શું હોય..નવરાધૂપ્ જ હોવ ને.. તુચ્છકારની ભાવનાથી તારી સામે જોવે તો એ એમની માંદલી માનસિકતા છે. તારે તારા ઘરકામનો પગાર ગણવા જાય તો આટલો થાય કે આટલા ખર્ચા તું બચાવે છે એ બધા ખુલાસા  લોકોને શું કામ આપવાના..લોકો તો પોતાની સમજાનુસાર તારી જોડે દાખલાઓ માંડશે – જવાબો હિસાબો માંગશે ને તારી બેચેની જોઇને એક જાતનો છૂપો આનંદ અનુભવશે..આજના જમાનામાં એનાથી વિશેષ આપણા માટે વિચારવા કોઇ નવરું નથી બેના..તો ચીયર ડીયર..એન્ડ રીસ્પેક્ટ યોરસેલ્ફ ફર્સ્ટ..તું તારી જાતને માન આપીશ તો બીજાઓ આપે કે ના આપે એનાથી કંઇ ફર્ક નહી પડે એવું જ માની લીધેલા અપમાનનું પણ હોય છે..ચાલ હવે ફ્રેશ થઈ જા મારે એક તો સમય ઓછો અને શોપિંગના લિસ્ટ મોટા..તો એ પતાવીએ હવે..’

 

અણસમજના અંધારામાં સમજનો સૂરજ ઉગ્યો..અને પ્રિયાને બધું ચોખ્ખે ચોખ્ખું દેખાવા લાગ્યું હતું.

 

અનબીટેબલ : someone speaks bad about us we feel bad, but if someone speaks good about us we feel good..why we give our remote control to others. – via msg.

આપણે એક


તમે પણ મારી જેમ જ પટેલ છો..એટલે આપણે એક

તમે પણ મારી જેમ જ ગુજરાતી છો..એટલે આપણે એક

તમે પણ મારી જેમ જ એક સ્ત્રી છો..એટલે આપણે એક

તમે પણ મારી જેમ જ લેખક છો..એટલે આપણે એક

તમે પણ મારી જેમ જ કવિ છો…એટલે આપણે એક

તમે પણ મારી જેમ જ બુદ્ધિશાળી છો..એટલે આપણે એક

તમે પણ મારી જેમ જ ભાવનાશીલ છો..એટલે આપણે એક

તમે પણ એક માણસ છો..મારી જેમ જ…

હું પણ સારા બનવાના પ્રયત્નોમાં..તમારી જેમ જ..

એટલે આપણે એક…આવું ક્યારે સાંભળવા મળશે ?

– સ્નેહા પટેલ

unbeatable – 12


 

ઇર્ષ્યા – વેરના વાવેતર કરતાં વ્હાલને ઘૂંટવાનુ – રખોપા કરવાનું રાખીએ તો જીવ્યું સાર્થક.

સ્નેહા પટેલ

unbeatable – 11


 

માનવીને બધું ય સમજાય છે ,પણ એમાં કેટલું સાચું અને કેટલું ખોટું એ જ નથી સમજાતું.

સ્નેહા પટેલ

uanbetable – 10


કોઈ પણ સર્જક માટે નમ્રતા સાથે ખુમારી જાળવવી એ અઘરું પરંતુ અનિવાર્ય કામ છે.

સ્નેહા પટેલ

સ્વતંત્રતા


Click to access Panchamarut_01.pdf

ફૂલછાબ > નવરાશની પળ કોલમ > ૨૩-૦૫-૨૦૧૨નો લેખ.

ભલેને ડૂબીએ પણ તાગ સાગરનો તો લઈ લેશું,

અરે ઝંપલાવ દિલ! જોખમનું પણ હોવું જરૂરી છે!
– નાઝિર દેખૈયા

Top of Form

 

પારુલ…એકવીસમી સદીની સ્ત્રી. સુપરફાસ્ટ જમાનાની જોડે તાલથી તાલ મિલાવતી અનુક્રમે ૧૫ અને ૧૩ વર્ષના બે ‘ક્યુટડા’ દીકરાઓની મા હતી. દીકરાંઓના જન્મ વખતે પારુલે પોતાની તેજસ્વી કેરિયરને ટા ટા બાય બાય કરીને બધું ય ધ્યાન એમના ઉછેર અને ઘરની સંભાળમાં લગાવી દીધેલું. ઘણીવાર પોતાની અંદર કંઇક રુંધાતું, ભીંસાતું મહેસૂસ થતું પણ મા-પત્નીનું પ્રેમાળ દિલ એ અહેસાસના નામને જન્મ લેતાં અટકાવી દેતું..ને બધું પાછું પહેલાંની જેમ સમુ-સુતરું..થોડું ધૂંધળું ચાલવા લાગતું.

 

આજકાલ મોંઘવારી વધતા મિરાંતની કમાણી પલક ઝપકતાં જ સફાચટ્ટ થઈ જતી હતી. એવામાં પારુલને પાંચ આંકડાની એક નોકરીમાં જોઇન થવા માટે ઓફર મળી.પારુલની અંદરનો પેલો ધૂધવાટ ફરીથી માથું ઉચકવા માંડ્યો.આજે એનો આકાર ધીમે ધીમે સ્પષ્ટ થતો લાગ્યો..ધ્યાનથી જોતા પારુલને એ પોતાની સ્વતંત્રતાનો પડછાયો લાગ્યો. એનું આખું ય જીવન..એકે એક નિર્ણય મિરાંત ઉપર આધારીત થતા જતા હતા એ ક્લીઅર દેખાવા લાગ્યું. એણે મિરાંત સાથે થોડું ડિસ્કશન કર્યુ અને એ નોકરી સ્વીકારીને ફરીથી આત્મનિર્ભર થવાના નિર્ધાર સાથે મકકમતાથી એ નોકરીનો સ્વીકાર કરી લીધો.

પંદર વર્ષમાં દુનિયા બહુ બધી બદલાઇ ગયેલી. પારુલને તકલીફોની વણઝારમાંથી પસાર થવાનો વારો આવ્યો…અત્યાર સુધી પતિદેવ, દીકરાઓ, કામવાળા, ધોબી,દૂધવાળા બધાંયના સમયની સાથે પોતાની ઘડિયાળની ચાવી ફેરવવાની એને ટેવ પડી ગયેલી..એમાં ઓફિસના સમયપત્રકને સમાવતી નવી ઘડિયાળ તો કાંડા પર ટકતી જ નહોતી. વિદ્રોહ પોકારીને સમય હંમેશા એના હાથમાંથી પાણીની જેમ સરકી જતો.  દરેક  ભારતીય નારીની જેમ પોતાની પ્રાયોરીટી પારુલના ટાઈમટેબલમાં સાવ છેલ્લા ક્રમે જ આવતી અને પરિણામ..રોજ રોજ બોસ આગળ મોડા પડવા બદલ ખોટા- ખોટા કારણો રજૂ કરવા પડતા. ખોટું બોલ્યાનો અપરાધભાવ એના કામકાજને પણ ડીસ્ટર્બ કરતો.

રોજ રોજની એની આ કવાયતો જોતી એની સહકર્મચારી પ્રીતિએ એક દિવસ એને રોજ રોજની આ હાંફળી ફાંફળી દોડધામનું કારણ પૂછતાં પારુલે પોતાના ટાઇમટેબલને મેનેજ કરવામાં પોતાની અસમર્થતા સ્વીકારી…એની આ વાત સાંભળતા જ પ્રીતિ એકદમ ખડખડાટ હસી પડી.

‘અરે, આ તો બહુ જ નાની શી વાત છે..ચપટી વગાડતાં જ આનું સોલ્યુશન મળી જાય એમ છે..”

અને પારુલ બાઘી બનીને એને જોઇ જ રહી..આ પાગલ તો નથી થઈ ગઈ ને…?

ત્યાં તો પ્રીતિએ એક કાગળ પેન એના તરફ સરકાવીને કહ્યું”

‘ચાલ, આમાં તારી દિનચર્યા લખ..’

પારુલે કાગળ પેન લઈને પોતાના રોજિંદા કામકાજની વિગતો લખવા માંડી અને કાગળ પ્રીતિના હાથમાં પકડાવ્યું.

‘આ જો..આ લિસ્ટમાં એવા કેટલાંય  કામ છે જે ટીનેજર દીકરાઓ જાતે કરી શકે એમ  છે જેમ કે સવારના દૂધ નાસ્તો જાતે લઈ શકે .એમની વોટર બોટલ જાતે ભરી શકે..નાહવાનું પાણી જાતે કાઢી શકે, એમની સ્કુલબેગ જાતે ભરી શકે એમ છે..એમના કપડાં પણ ટેવ પાડ તો જાતે ઇસ્ત્રી કરી શકે એમ છે..ઉપરાંત ઘરની બહારના અમુક કામ પણ એ પતાવી શકે એમ છે જેમ કે મોલ કે કરિયાણાવાળાનું શોપિંગ..કારણ એ લોકો પોતાનું નાનું નાનું શોપિંગ તો જાતે કરે જ છે તો ઘર માટે વસ્તુઓ લેવામાં શું તકલીફ પડ્વાની હતી..?

વળી પતિદેવ પણ  પોતાનો રુમાલ, ઘડીયાળ, બૂટ મોજાં  એની સુનિસ્ચિંત જગ્યાએથી લઈ જાતે લઈ શકે એમ છે.. તું નોકરી કરે છે તો તને સપોર્ટ કરવાના ભાગ રુપે ઘરના કામકાજમાં  તને મદદ કરવી એ એની પણ ફરજ કહેવાય એનો અહેસાસ તારે એમને કરાવવો જ જોઇએ…તું કામની વહેંચણી કેમ નથી કરી દેતી ? તારી જાતને કોઇના પણ આધાર વગર જીવવાની તૈયારી રુપે આટલી મહેનત કરીને સ્વતંત્ર બનાવી શકે છે તો તારી જોડે વણાયેલી જીંદગીને તારા આધારની  ટેવ પાડીને આમ પાંગળા કેમ બનાવે છે..?

‘પણ પ્રીતિ, દરેક કામ પોતાના હાથે કરવા લાગશે તો મારા જ ઘરમાં મારી જરુર, મહત્વ ઓછું નહી થઈ જાય ?’

‘તારી વાત બરાબર છે, હું સમજું છું કે એ લોકો સ્વતંત્ર થશે,પોતાના કામ જાતે કરતાં થશે એટલે તને વારંવાર પૂછવા નહીં આવે..એ સમયે તારા દિલમાં તારી જરુરિયાત, મહત્વ એ લોકો માટે ઘટી ગયું હોય એવી એક નાગમતી લાગણી ઉતપન્ન થશે…પણ એ  હકીકત નથી મારી બેના..તારી વિચારસરણીનો એક ભાગ જ છે. વળી સ્વતંત્રતા દરેક વ્યક્તિના વિકાસ માટે નિર્વિવાદરુપે જરુરી છે. તારી જરુરિયાતનો અહમ સંતોષવાના ચક્કરમાં તું એને આમ ના રુંધી નાંખ..ભગવાને બધાને પાંખો આપી છે..તો એમની જરુરિયાતનો ભાર ઉપાડતા શીખીને વાસ્તવિકતાના  વિશાળ ફલક પર ઊડતા પણ શીખવા દે..ક્યાં  સુધી તારી હથેળીમાં એમને દુનિયાનું આસમાન  બતાવીશ..?

અને પારુલ સામે ટીંગાતી ઘડિયાળના કાંટાની મંથર ગતિને નીહાળતા વિચારી રહી..પ્રીતિની વાત સો એ સો ટકા સાચી જ છે.

અનબીટેબલ : સ્વતંત્ર થવા જેટ્લું જ મહત્વપૂર્ણ પોતીકાઓને આપણી ટેવ ના પડે એ ધ્યાન રાખીને એમને પણ સ્વતંત્ર રહેતાં શીખવાડવાનું છે.

સ્વપ્ન-વરસાદ


ફોનમાં કાશ્મીરની બરફવર્ષાની વાત બંધ કર
તો
હું
કાલ રાતે થયેલ હૂંફાળી સ્વપ્ન-વર્ષાની વાતો કરું.

-સ્નેહા પટેલ

નાઈટ વૉક


તપીતપીને થાકીને ઠુસ થઈ ગયેલ કાળુડી સડક

સ્લીપર્સ- ટક ટકાક ટક..
ડાબી બાજુ  લૅધર શૂઝની -ચૂં ચૂં
મઘમઘતો, જમણી બાજુ નમેલો
સફેદ ચંપો
ટૂટીયું વાળીને બેઠેલો
ચકળ-વકળ કથ્થઈ આંખ ફેરવતો
અધીરીયો કૂતરો
સોડિયમનો પીળો અજવાળીયો
પવનમાં ડાબેથી જમણે હળ્વેકથી
વહેતું ખાબોચીયું
અચાનક કાળાશના એકહથ્થુ સામ્રાજયમાં
સડસડાટ- બેકાબૂ- બળવાખોર તેજ લીસોટો રેલાયો
આંખ અંજાઈ ગઈ
તીવ્ર બ્રેક
ચરરર્ર..
અદભુત સમાધિનો એક ઝાટકે ભંગ
બાળપણી ચીસાચીસથી
કાન ભરચક
તોય ઠાંસી ઠાંસીને
ડુસ્કાં..આક્રંદ  બર્બરતાથી ઠલવાયે જ જતા હતા
કંઇ વિચારવાનો – કરવાનો સમય જ ના મળ્યો
અને
ધરતી પર ચંદ્ર-ગ્રહણ થઈ ગયું.

સ્નેહા પટેલ

ના સંભળાયેલી પીડા


ફૂલછાબ દૈનિક પેપર > નવરાશની પળ કોલમ > ૧૬-૦૫-૨૦૧૨નો લેખ

http://www.janmabhoominewspapers.com/Admin/Data/Epapers/16_May/Panchamarut_01.pdf


ખૂબ ભરચક કદી થવા માટે,

ખાલીપો ખાસ સાચવી રાખો…

– મનોજ ખંડેરીયા

‘બસ..થોડાંક જ દિવસોની વાર છે..આવતા અઠવાડીએ આ વખતે તો અમે સિંગાપુરમાં હોઇશું..’

‘કેટલાં દિવસનો પ્રોગ્ર્રામ છે..કયા કયા બીચ પર ફરવાના..ક્યાં-કેવી હોટલો  બુક કરાવી છે..શોપીંગનું કેટલા પાના ભરીને લીસ્ટ બનાવ્યું છે..? ઇલેક્ટ્રોનિક આઈમ્સમાં થોડું સાચવવું પડે કસ્ટમવાળા હેરાન કરે છે..ગરમી બહુ હશે..કપડાં એ રીતે જ લઈને જજો..’

ચહલ- પહલ..સુહાસીનીબેનનું રોજ એકાંતમાં જીવવાને ટેવાયેલું ઘર આજે અવાજથી ભર્યુ ભર્યુ થઈ ગયું..સિંગાપુરી રંગમાં રંગાઇ ગયેલું.

સુહાસીનીબેન..બે દીકરી અને એક દીકરાના મધ્યમવર્ગી મમ્મી.

આજે રવિવાર હતો. બહુ વખત થઈ ગયેલો બધાંને મળ્યાંને..તો આજે સવાર સવારમાં ૯ વાગ્યામાં ફોન કરીને દીકરા-વહુ-દીકરીઓ-જમાઈઓ-પૌત્ર-પૌત્રી..બધાયની અપોઈંટમેન્ટ લઈને સાંજનું ડીનર પોતાના ઘરે ગોઠવેલું.બે દિવસ અગાઉથી પતિદેવ કિશનભાઈને બસમાં મોકલીને શહેરની શાકમાર્કેટના ધક્કા ખવડાવીને સસ્તા ભાવે સારામાંની કેરી- શાકભાજી મંગાવી રાખેલું. બાજુમાં આવતા કામવાળાને માંડ માંડ પટાવીને થોડા રુપિયા વધારે આપીને ઘરમાં કચરા પોતા કરાવેલા અને જમ્યાં પછી વાસણ અને સાફ સફાઈનું વચન લીધું હતું.

સાંજ પડી અને બધાં એક પછી એક પોત-પોતાના દાગીનાઓ સાથે આવી પૂગ્યાં અને મોટી દીકરી-જમાઈ આ વેક્શનમાં એક ફોરેન ટ્રીપ પ્લાન કરતાં હતાં એની વાતે વળગી ગયાં.

સુહાસિનીબેન અને કિશનભાઈ એ બધાંયની વાતો ચૂપચાપ સાંભળ્યાં કરતાં હતાં. થોડી વાર પછી જમવાની તૈયારી થવા માંડી અને એ લોકો એમાં બીઝી.

બધાંય પેટ ભરીને અલકમલકની વાતો કરતાં કરતાં જમ્યાં :

‘મમ્મીના હાથની વાલની દાળ અને કારેલાંનું શાક …કઢી.. અહાહા.મજા આવી ગઈ હોં મમ્મી..’

અને સુહાસિનીબેન ધીરેથી મરકયાં ને કિશોરભાઈને  કાચના પાસાદાર બાઉલમાં કાઢેલ આઇસક્રીમવાળી ટ્રે પકડાવી.

મોટી દીકરીએ પપ્પાના હાથમાંથી ટ્રે લઈને બધાંને આઇસક્રીમ આપ્યો અને બધાના માટે શું શું લાવવાનું એનું લિસ્ટ ભેગું કરવા માંડ્યું.

અને રાતના અગિયાર વાગતા’કને બધાંય પંખી પોતપોતાના માળા તરફ જવા માટે છૂટાં પડ્યાં.

આ બાજુ થાકેલાં સુહાસિનીબેનના પગ દબાવતાં કિશનભાઇ એમને ફરિયાદ કરી રહ્યાં હતાં

‘સુહાસ, તેં બાળકોને જે કામ માટે બોલાવેલા એ વાત તો કરી જ નહીં..ડોકટરે તાત્કાલિકપણે તારા પગનું ઓપરેશન કરવાની વાત કરી છે. એ માટે આપણે થૉડા પૈસાની જરુર પડશે. ઉપરાંત એમના અતિવ્યસ્ત શિડ્યુલ  હળવા કરીને આપણો આ અઘરો સમય થોડો સાથ આપીને સરળ બનાવવામાં મદદરૂપ થાય એ બોલતાં શું તકલીફ પડી..?’

‘કિશુ, બાળકો એમના ફાસ્ટ જીવનની વાતોમાં એટલા બીઝી હતાં કે મારી તકલીફની વાત કાઢીને એમાં સ્પીડબ્રેકર બનવાનું મન જ ના થયું…ચાર વખત વાત છેક હોઠ સુધી આવી ગયેલી પણ સિંગાપુરના અસ્ખલિત પ્રવાહમાં એ બોલાયા વિના જ તણાઈ ગઈ.એમની પાસે બોલવાનું એટલું બધું હતું કે મને સાંભળવાની એમને તક જ ના મળી…કંઇ નહીં પછી વાત..ચાલો હવે સૂઇ જાઓ, તમે પણ ત્રણ દિવસથી દોડાદોડ કરી છે ને.થાક્યા હશો.’

‘બાર બાય બાર’ના બેડરુમમાં ટ્યુબલાઈટ બંધ  થઈને નાઈટલેમ્પ ચાલુ  થયો.

અનબીટેબલ :

‘every day starts with some expectation. But everyday ends with some experience.’  – unknwn.

-સ્નેહા પટેલ

ટપ..ટપ..ટપાક


ચપ્પાંની ચકચકિત ધાર
પ્રેમથી આંગળીને ચૂમી ભરી ગઈ.
ટપ..ટપ..ટપાક
સંબંધોનું પણ આમ જ ને..!

સ્નેહા

વ્રણ


સ્વીકારાઈ ગયેલી તકલીફો પર
ઘાબાજરીયું ના લગાવી શકે
તો કઈ નહીં
ઘોંચપરોણા કરીને
વ્રણ ખુલ્લા તો ના કર..

-સ્નેહા પટેલ

unbeatable – 9


પ્રાથમિકતા નક્કી કરવી એ બહુ જ મહત્વનું અને અઘરું કામ છે.

સ્નેહા

સમય વહી ગયો..


મા
તને
‘આઇ લવ યુ’ કહેવા ગઈ
ત્યારે સમય વહી ગયો..
-સ્નેહા

apexanu jungle


 

વ્હાલપના બે બોલને તરસતી ધરતીના શિરે
અપેક્ષાના જંગલનું લેબલ..!

mari hayati tari aas-paas- 8 kavya


https://akshitarak.wordpress.com/2012/05/03/ahesas-ruh-se-mahesus-karo/

જમાનાથી બે ક્દમ આગળ


 

ફૂલછાબ > નવરાશની પળ કોલમ > ૯-૦૫-૨૦૧૨નો લેખ

 

http://www.janmabhoominewspapers.com/Admin/Data/Epapers/09_May/Panchamarut_01.pdf

જિંદગીભર એ ઉખાણું હોય છે,

કેવી રીતે જીવવાનું હોય છે ?

– ગૌરાંગ ઠાકર

અવંતિકા..એક આધુનિકા..બાળપણથી જ ધનવાન મા બાપનું એક નું એક સંતાન..એની નીલી નીલી આંખોમાં રમતાં સપનાંઓ સદાય આસમાનને અડકે..!

હંમેશા બીજાથી અલગ દેખાવાનું, અલગ બોલવાનું આ બધાની ઝંખનામાં અવંતિકાને જમાનાથી બે કદમ આગળ ચાલવાની, આગળનું વિચારવાની એક ટેવ પડી ગઈ હતી.રોજ રોજ નવા નવા અખતરાઓ કરી પોતાના આત્મવિશ્વાસ પર એની સફળતાનો ઢોળ ચડાવવાના પ્રયત્નોમાં જ રચી પચી રહેતી.એમાંથી મળતી વાહ વાહ અને પ્રસંશાના નશામાં એ ઓળઘોળ થઈ જતી. ધીરે ધીરે આ નશો એની આદત બનવા લાગ્યો જેને પોસવા એ કંઇ પણ કરી છૂટવાના પ્રયત્નો કરતી.

અવંતિકા સ્ત્રી હતી, એ પણ સુંદર અને યુવાન…એની પ્રસંશાને પંપાળીને એને પોરસ ચડાવનારા ઢગલો મળી રહેતા.અપાર કલ્પનાશક્તિ, ઊંચી ઊડાન ભરવાની ટેવ – જમાનાથી અલગ જ દ્રષ્ટીકોણ ધરાવવાની ખૂબી, પારાવાર અનુભવો એમાં એક શોખનો વધારો થયો – લખવાનો. એને પાનો ચડાવનારા ખુશામતિયાઓની મદદથી, ધનવાન બાપના પૈસાના જોરથી આ ક્ષેત્રે પણ કાઠું કાઢતા વાર ના લાગી. ધડાધડ મળતી સફળતાઓમાં ૧૮ વર્ષ જેવા કાચી ઉંમરે લગ્ન પણ કરી લીધા. જમાનાથી બે ડગલાં આગળ ચાલતી એ માનુનીના એ લગ્ન માંડ બે વર્ષ ટક્યાં અને ૨૦ વર્ષ જેવી ઉગતી ઊંમરે એક દીકરીની ભેટ મેળવીને એ લગ્નને તિલાંજલી આપી દીધી. એને સાંત્વના આપનાર સામે ઊલ્ટાનું એ હસતી અને કહેતી, ‘ચીલ’ આ ઊંમરે છૂટાછેડામાં પણ એક થ્રિલ અનુભવાય છે..!

થ્રિલને continue રાખવા ‘પારિતોષ’ નામના છોકરા સાથે બીજા લગ્ન કર્યા. પારિતોષ આ પ્રામાણિક અને ખુલ્લા મનવાળી લેખિકાનો બહુ મોટો પ્રશંસક અને  ખૂબ જ સુલજેલા મગજનો માણસ હતો. અવંતિકાની અંદરની પ્રસંશા મેળવવાની તરસ એ બરાબર સમજી શકતો હતો..એણે અવંતિકાને આ બાબતે સમજાવવાના ઢગલો પ્રયત્નો કર્યા પણ દર વખતે પ્રસંશાનો પડછંદ પડછાયો પારિતોષના નાજુક પ્રેમને ઢાંકી દેતો.

પારિતોષે અવંતિકાને એની દીકરી સમેત ફકત એની તરફની પોતાની લાગણીને કારણે જ સ્વીકારી હતી. સહજીવનના બે વર્ષ દરમ્યાન અવંતિકાએ પારિતોષને એક દીકરાની ભેટ આપીને જાણે એ બધાનો બદલો ચૂકવી દીધાની લાગણી અનુભવી.

વળી પાછી એનામાં રહેલી આધુનિકા સળવળી. પોતાના જમાનાથી બે કદમ આગળ ચાલવાના પ્રયત્નોમાં નકરી ઠોકરો ખાતી અવંતિકા સતત માનસિક સંઘર્ષમાં જ જીવતી..એનામાં રહેલા નૈતિક મૂલ્યો આ ઘર્ષણથી હારી જતા. ટોચ પર ટકવાના ધખારામાં એ કોઇ પણ હદ સુધીના કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જતી.

આ બધામાં અવંતિકા બેધ્યાનપણે  પોતાના અધઃપતનને દુઃખ સાથે ગળા નીચે ઉતારતી, કડવી હકીકતને ફેફસામાં ભરીને જીવી રહેલ પોતાની નજીકની ત્રણ  માસૂમ અને નોર્મલ જીંદગીઓની હાલત ખરાબ કરતી જતી હતી..પારિતોષને તો બે માસૂમ જીંદગીના ઉછેરમાં આ જેટસ્પીડના જમાના સાથે કદમથી કદમ મિલાવવાના પણ ફાંફા પડી રહ્યાં હતાં. પોતાનો જીવનબાગ પોતાના સ્વછંદ સંઘર્ષના તણખાંથી ધીરે ધીરે બળતો જતો હતો એ વાતનો અંદાજ પણ અવંતિકાને નહતો આવતો. એ તો જમાનાથી બે કદમ આગલ ચાલનારી નારી…એવા લાગણીમાં ઢસડાઈ જવાના  વેવલાવેડા એને શીદને પોસાય.? આવી ઉતર ચડ તો જીવનમાં આવ્યા કરે..!એની ઊજળી કેરિયર, સપનાંઓની, સ્વતંત્રતાની ખેવનામાં એના નિર્દોષ પતિ અને સંતાનોના અરમાનોની બલિ ચડ્તી જતી હતી.

ના એને સમજાવી શકાતી હતી કે ના એની બેફામ દોટ જોડે ડગલાં માંડીને ચાલી શકાતું હતું.. પોતે જે સમાજમાં જીવે છે એને માન આપવાની ટેવ વાળો,એની મર્યાદાને સ્વીકારનારો, ભારતીય સંસ્કૃતિને ગળથૂંથીમાં પીનારો પારિતોષ ના એનાથી દૂર જઈ શકતો હતો કે ના એની જોડે શાંતિથી જીવી શકતો હતો..બસ કિનારે બેસીને લાચારીથી વમળો જોયા કરતો હતો.

અનબીટેબલઃ હોશની આહુતિ ચડાવીને ‘સ્વ’ની શોધમાં ફકત  જોશ-ઝનૂનપૂર્વક વર્તવું એ સમયનો, શક્તિનો બગાડ જ છે.

-સ્નેહા પટેલ

unabeatable – 6


તમે કેટલાં ‘સ્માર્ટ’ છો અને કેટલાં ‘ડોબા’ એ ફકત તમારે જ સમજવાનું, જાણવાનું હોય છે. લોકો તો એમનું કામ એમની સમજ પ્રમાણે કરી જ લેતા હોય છે.

સ્નેહા પટેલ

અહેસાસ રુહ સે મહેસુસ કરો..


kheti ni vaat mag. > mari hayati tari aas-pass – 8 > may-2012.


આ હોઠ પર કંઇક સળવળ..સળવળ થાય છે. .શું છે ..? આખો દિવસ હેરાન કર્યા જ કરે છે.. !! કોઇ પણ કામ કરતાં હો તો પણ હોઠ  પરનો સળવળાટ ભરપૂર અકબંધ..!  દિમાગમાં કોઇ વાત ‘ક્લીક’ થાય, ભૂતકાળનો કોઇ પ્રસંગ તાદ્રશ્ય થાય..અને દિલમાં એક હલકી –  મધુરી ભીનાશ વ્યાપી જાય..ધીમે ધીમે એ ભેજ મુખ તરફ પ્રયાણ કરે, અને હોઠ પર આવીને હળ્વેથી ધીમા સ્મિતમાં ફેરવાઈ જાય – રેલાઈ જાય. રોજ રોજ આ દિમાગથી હોઠ સુધીની સફર અવિરતપણે ચાલ્યા જ કરે છે…કોઇ થાકોડો નથી નડતો એને.!! શું બધા સાથે આવું થતું હશે..? ના..આમ એકલા એકલા મરકવાનું…હસ્યા કરવાનું..આ તો પાગલપણની નિશાનીઓ કહેવાય…પણ માણસ પાગલ ના હોય અને એના આ આપોઆપ ફૂટી નીકળતા હાસ્યના ઝરા પર પોતાનો કંટ્રોલ ના રહે તો..?  આ તો સાવ  બે છેડાંની વિરોધાભાસી વાતો જ લાગે છે ને..પણ હું આ દોરમાંથી જ પસાર થઈ રહી છું..મારા મોઢા પર જ્યારે ને ત્યારે તારી લાગણીની છાપ છોડી જાય છે..આ મારા પ્રેમની ચાડી ખાઈ જતું બોલકું હાસ્ય મને કોઇક દિવસ મરાવી કાઢશે..

હા તો વાત એમ છે..મારા ‘બુદ્ધુરામ’ જેવા તમે..હાસ્તો આમ ‘સ્માર્ટ’ પણ આમ નાની નાની વાતોની પણ સમજ ના પડે એટલે હું તો તને ‘બુધ્ધુરામ’ જ કહીશ ..તો તું જ્યારે પણ મને યાદ આવે છે ત્યારે આપોઆપ હોઠ મારી જાણ બહાર જ મરકી ઊઠે છે. હાથમાં  ચોપડી પકડીને બેઠી હોઉ, આંખો એમાંના કાળા કાળા અક્ષરો પર ફરતી હોય.. પણ મગજ તારી સાથે વિતાવેલ મેધધનુષી યાદોની ગલીઓમાં  ફરવા લાગે ..બધું રંગીન રંગીન.. આંગળીના ટેરવા પાના ફેરવતા હોય, શું વાંચ્યુ શું નહી..કેટલું મગજ સુધી પહોચ્યું એ વિચારવાની પણ કોને પડી હોય છે . તારા અડપલા, તારી શેતાની, તારી પ્રેમસભર નજર, અને તારા હેતાળ શબ્દો વારંવાર કાનના પડદે અથડાય..

‘તારા ગાલના ખાડામાં ડૂબી જઉ

તો આખેઆખો ભવસાગર તરી ગયો એવું લાગે છે…

તારી ગુલાબી-ગુલાબી

ધૂળની ડમરીઓ ઊડાડતી પાની-

બે મુઠ્ઠીમાં સમાઇ જતી અદભુત વળાંકોવાળી કમરને

મદમસ્ત બનાવતી તારી ગર્વીલી ચાલ..

હૈયામાં અકથ્ય સંવેગોના ઝરા ફૂટી નીકળે છે !

તારા કાળા ભમ્મર

સુવ્યવસ્થિત રીતે કપાયેલા કેશ..

એ કેશસાગરની થોડી લહેરો કાન આગળ ઝૂલે છે..

બીજી એનાથી પા વેંત નીચે તારી નાજુક ગ્રીવાની

ભૂરી ભૂરી નસને ચૂમે છે.

બાકીની કેશરાશિ એનાથી પણ નીચે…

મારું દિલ જયાં ચોરીને તેં ગોપવી રાખ્યું છે..

ત્યાં..સાવ જ નફફટપણે નશેડી બનીને ઝૂમે છે.

હોશ કેમ જાળવું..?

કેટલીયે ઇરછાઓ અંગડાઇ લે છે

પ્રીતનો સાગર હિલ્લોળા લે છે..

એ બધી લહેરોને હથેળીના હેતથી

લીંપી દેવાનું મન થઈ જાય છે..

અને જબરદ્સ્ત ઊભરો

ખડકો જોડે અથડાઇને ફીણ ફીણ થઈને પાછો ફેંકાય છે.’

ક્યાં સુધી આ મર્યાદાના પોટલામાં પ્રેમને બાંધવાનો..? તને ખબર છે કે આ બાંધી રાખેલી લાગણીઓ બહુ ખરાબ હોય છે. એને જેટલા વળ ચડાવો એ એનાથી બમણા જોરથી છૂટી પડે છે..વેરાઈને ઢગલો થઈ જાય છે .ધીરે ધીરે એ ઢગલાના ખડકલા માથાસમાણા થઈ જાય છે અને મારો બધોય કાબૂ ભાંગીને ભૂક્કા ! દિલમાં કંઇક તીખો તીખો ચચરાટ થાય છે..આવું કેમ ?મારું પોતાનું, મારું નજીકનુ પણ મારું કેમ ના થાય…

એક અધિકારની ભાવનાનો ઊછાળા મારતો સાગર લઈને તું મારી નજીક આવ્યો હતો..બે પળ તો મારું દિલ ધક્ક રહી ગયું..આ વેગને તો હવે કેમનો ખાળવો. ? આ તો જુવાનીનો વેગ..એમાં પાછો પ્રેમનો લેપ..!  આંધી વંટોળો તો મારા દિલને પણ પજવતા હતા..પણ સાવ આમ મર્યાદા ત્યજીને બેશરમ તો કેમનું થવાય..વળી હું રહી સ્ત્રીની જાત..નાનપણથી જ લોહીમાં વણાયેલા સંસ્કારો કેમના ભૂલાય..?

તારો હેતનો ઊભરો મને દઝાડતો હતો..

દિલમાંથી ‘હા..હા’ ની મહોરવાળી સંમતિ સરકું સરકું થતી હતી.

ઇચ્છાઓની મયુરપંખી નાવ તારા પ્રેમ-સરોવરમાં તરતી હતી…!

ત્યાં જ મગજને એક ઝાટકો લાગ્યો…શું આપણો પ્રેમ ફક્ર્ત તન સુધીને જ મર્યાદીત..મનની ક્ષિતિત્જો સુધી અનંતમાં પ્રસરેલી આ તીવ્રત્તમ લાગણીઓના આકર્ષણ ઉપર આ તનનું આકર્ષણ હાવી કેમ થતું જાય છે..આધુનિક કહેવડાવવાની લાલચ છે કે તનની ભૂખ કે આપણા મનના પવિત્ર પ્રેમની હાર..આ બધું શું છે..? જે પણ હોય આ યોગ્ય તો નથી જ..પ્રેમ કર્યો છે..કોઇ ગુનો કે ચોરી નહી. તો તનની ભૂખ એને ચોરી જેવી લાગણીએ લઈ જવા જેવી તીવ્રત્તમ કેમ બનાવે છે…!!

કોઇ પણ લાગણી  કાબૂ બહાર જાય એટલે નકરી અરાજકતા જ ફેલાય છે..ઇતિહાસ આવા કેટલા પ્રસંગોનો સાક્ષી છે..અને મન મક્ક્મ કરીને મેં તને તરત જ રોક્યો…

’ના..’

આ એક લક્ષ્મણરેખા આપણા પ્રેમની પાવનતાનું ચિહન છે..આની મર્યાદા ના તૂટે એ જ આપણા હિતમાં છે. એ જો તૂટી તો જે પ્રેમ તારા નામની સાથે મને મહેંકાવી દે છે એનાથી કાલે હું કદાચ ગંધાઈ જઈશ.. ચીમળાઈ જઈશ..આ મર્યાદાભંગ એ આપણા નજીકનાનો વિશ્વાસભંગ પણ છે ..પ્રેમ કર્યો છે તો ખુમારીભેર આવ ઘરે અને મારા  માતા પિતા પાસે મારો હાથ માંગી લે..ના માને તો બગાવત કરીને મને એમની સામેથી ઉપાડી જા તો પણ વાધો નથી..એ પછી આપણે લગ્ન કરી લઈશુ..અને પછી તને કોઇ વાતે નહી રોકું…નહીં ટોકું.. પણ આધુનિકતાના નામે, થોડી કાબૂ બહારની લાગણીના નામે મારી મર્યાદા ત્યજવા માટે મજબૂર ના કર..જે તારુ છે એને સમયથી પહેલાં પામવાની આવી હઠીલી જીદ ના કર..દિલ કળીએ કળીએ કપાય છે..તને દુઃખી કરીને દિલ લોહીના આંસુડા સારે છે..મારી લાચારી પર તારી સમજદારીનો, સંયમનો છાંયો કર એમાં જ આપણા પ્રેમની અસ્મિતા છુપાયેલી છે. તારો ઘણો ઉપકાર થશે..

અને તું અવાચક થઈને મને સાંભળી રહેલો..એકદમ જ મારો ચહેરો તારી હથેળીમાં ભરી લીધો અને આંસુભીની આંખે બોલી ઊઠ્યો,

‘સુગંધી, મને માફ કર..મારો ઇરાદો તારો દિલ દુખાવવાનો સહેજ પણ નહતો..વળી તારી ઇજ્જત અને માન મર્યાદા તો મારે આખી જીંદગી સાચવવાના છે..અત્યારથી જ એમાં નબળો પડું એ તો કેમનું ચાલે..ના.આપણા પવિત્ર પ્રેમને હું આમ થૉડા સમયની અવશતાને લઈને આંચ નહી જ આવવા દઉં.મને માફ કર..’

અને તારી બે ભુજાઓમાં સમાઈને તારી છાતી પર મારું નિસ્ચિંત માથું મૂકીને મારી પસંદગીની સમજદારી પર પોરસાઈ રહી હતી અને તારા દિલની ધડકનમાં અવિરતપણે ધબકતું મારું નામ સાંભળી રહી.ક્યાંક દૂર મારું મનપસંદ ગીત વાગી રહ્યું હતું,

‘હમને દેખી હૈ ઇન આંખો મેં મહેંકતી ખુશ્બુ

હાથ સે છૂકે ઇસે રિશ્તો કા ઇલ્જામ ન દો

સિર્ફ અહેસાસ હૈ યે,  રુહ સે મહેસુસ કરો’

આ બધુંય એક ચલચિત્રની જેમ મારી આંખો સામેથી વારંવાર પસાર થતું હતું..તારી બેચેની મને પણ બહુ ગમી હતી..એવા જ તીવ્ર આવેગો મને પણ પજવતા હતા..અત્યારે તો મારી બધી ય તરસ, બેચેની હું ભેગી કરું છું અને યોગ્ય ઋતુ આવે ત્યારે વરસવાની રાહ જોવું છુ..તું પણ તૈયાર રહેજે..

કારણ : ‘ હું રહી હેલીની – ભરપૂર ચોમાસાની વ્યક્તિ..મને માવઠું બનીને વરસવાનું નહી ફાવે ‘

-સ્નેહા પટેલ

સ્વીકાર અને સમજણ


phoolchhab > navrash ni pal column > 2-05-2012’s artical.

http://www.janmabhoominewspapers.com/Admin/Data/Epapers/02_May/Panchamarut_01.pdf

સમી સાંજનો, સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો
લળી લળી હું વીણું ત્યાં તો ચાંદે જઈ સંતાયો……..

-ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

કરસનભાઈ આજે બહુ અસ્વસ્થ હતાં. આજકાલ એ પોતાના ધાર્યા સમયમાં ઇચ્છિત કાર્ય પતાવી શકતા નહતા ..થાકી જતા હતા..અવસ્થાનો સૂર્ય ધીમે ધીમે પસ્ચિમ દિશા પકડતો જતો હતો..ઢળતો જતો હતો.. આ ઢળતો સૂરજ એમની શારિરીક શક્તિને ગ્રહણ લગાવતો હોય એમ અનુભવાતું હતું. હાર માનવાની ટેવ ના હોવાથી કરસનભાઈને આ પરિસ્થિતીનો સામનો કરવાનું થોડું આકરું લાગતું હતું.

થોડા સમયથી ફેકટરીમાં એક નવા આર્ટીકલ પર ‘ r & d’  ચાલતું હતું. લેટેસ્ટ ટેકનોલોજી અને મટીરીઅલની ક્વોલીટીના ધોરણો જાળવવાના –  બેય સારો એવો મગજ કસના્રું અને સમય માંગી લેતું કાર્ય હતું.  કરસનભાઈની આંખો સમક્ષ રહી રહીને આ કામના જોખમોનો ગ્રાફ જ નાચતો રહેતો હતો. એમાંથી મન વાળીને આ પ્રોજેક્ટના સારા પાસા પર વધુ ધ્યાન આપીને ફાયદો શોધવાના પાસા પર એ મગજ કોન્સન્ટ્રેટ કરી જ નહતા શકતા. એવામાં એમની નજર સામે ‘એલઈડી’માં ચાલતી મેચ પર પડી..આ મેચમાં તો સચિનની ૧૦૦મી સદી થવી જ જોઇએ..ચાલ થોડી વાર મેચ જોઇ લેવા દે તો થોડું મગજ ડાયવર્ટ થશે. કરસનભાઈએ ખાસો એવો સમય મેચ જોવામાં ગાળ્યો ..સારું લાગ્યું..ફરીથી એ પ્રોજેકટ વિશે વિચારવા બેઠા.. પાછા જ્યાંથી શરુ કરેલું ત્યાં જ આવીને અટકી ગયા..મગજ સાથ કેમ નથી આપતું-એમને ગુસ્સો આવતો હતો …આટઆટલા ઉધામા છતાં હાથતાળી ..આવું તો કેમનું ચાલે..

અકળામણમાં ને અકળામણમાં કામકાજ અટકાવીને ફેકટરી બંધ કરીને એમણે ઘર તરફ પ્રયાણ

કર્યું.

ઘરે પહોંચીને સીતાદેવી..એમના પત્નીને બેગ આપીને સીધા બાથરુમમાં જઈને શાવર લઈને ફ્રેશ થઈને સોફા પર બેઠા.

એમના કપાળમાં પડ્તા સળમાં સીતાબેન એમની ચિંતા સ્પષ્ટપણે વાંચી શકતા હતા. ચા અને નાસ્તાની ટ્રે લઈને એમની બાજુમાં બેઠા..અને હળ્વેથી એમની ચિંતાનું કારણ પૂછતાં કરસનભાઈએ બધી વાત માંડીને કરી…

‘આજકાલ ધાર્યા સમયમાં ધાર્યુ કામ જ નથી થતું સીતા..આવું તો થોડી ચાલે..!’

‘અરે, પણ હવે તમારી ઉંમર સામે તો જુવો..’

એમનું વાક્ય અધવચાળેથી કાપીને જ કરસનભાઈ બોલ્યા:

‘મારું કામ માનસિક છે..એમાં ઊંમરને કોઇ લેવા દેવા ના હોય..માનસિક રીતે તો હું એકદમ પરફેક્ટ છું..કોઇ જ ટેન્શન મને અડધા કલાકથી વધારે હેરાન ના કરી શકે..મારું મગજ હજુ હું ધારું એમ ‘ડાયવર્ટ’ કરી શકું છું..ક્યાંય પણ અટકી નથી જતો..તો પણ આવું કેમ થાય છે  એ જ નથી સમજાતું..?’

સીતાબેન થૉડા અટ્કયા..પતિદેવનો ‘ઇગો હર્ટ’ ના થાય એમ સાચવીને હકીકત રજૂ કરવાની હતી..

‘જૂઓ..મગજ ડાયવર્ટ કરી શકવું..એ એક સારી વાત છે..પણ એનાથી કામ પતી થોડી જાય.. ?

તમારું મગજ અને શરીર હવે પહેલાં જેટલા કાર્યશીલ ના જ હોય એ હકીકતનો સ્વીકાર કરીને ફરીથી આ કામને હાથ પર લો. દરેક કાર્ય માટે પહેલાં કરતા થોડો સમય વધુ ફાળવો.  મગજ ડાયવર્ટ કરી શકવું એ ટેન્શનને થોડો સમય માટે દૂર ધકેલી દે છે એ વાત સો ટકા સાચી..પણ એ ટેન્શન પતી તો નથી જતું.. શરીરે જોડે, મગજ જોડે હજુ પણ પહેલાંની જેમ જ  કામની આશા રાખશો તો ઢગલો વખત મગજ ડાયવર્ટ કરવાની શક્તિ હશે તો પણ એ કામમાં ફરીથી જોડાતા એ મર્યાદાઓ નડશે જ અને તમે તમારી મરજી મુજબ કામ પાર નહી પાડી શકો. હકીકતોનો સ્વીકાર તો કરવો જ પડશે..દરેક જગ્યાએ આ સ્વીકાર બહુ જ મદદરુપ થશે. બાકી દિલથી જુવાન એટલે જુવાન જ કહેવાઓ જેવી વાતો દરેક જગ્યાએ કામ ના લાગે..ઉંમર ઉંમરનું કામ કરે જ અને શરીર – મગજ એની ચાડી ખાય જ..સ્વીકાર સિવાય કોઇ જ રસ્તો નથી તમારી પાસે..

કરસનભાઈ વિચારી રહ્યાં…આ વાતની સમજ તો અંદરખાને એમને પણ પડતી હતી પણ એમનો માંહ્યલો એને સ્વીકારવા ક્યાં દેતો હતો..!!

અનબીટેબલ  :-   સ્વીકાર અને સમજણ બે ય અલગ વાત છે.

વહેતા રહો


shree khodaldhaam smruti magazine>aachman column >May-2012


‘સતત વહેતા રહેવુ’

દરેક માનવી માટે આ એક અતિ-અનિવાર્ય  ગતિ છે. આ વહેવું એટલે શું..?

જીવનમાં ડગલે ને પગલે ઉતપન્ન થતી મુશ્કેલીઓ વખતે માનવીની ધીરજ ખૂટી જાય એ બહુ જ સ્વાભાવિક વાત છે. જીંદગી ટેકનીકલરમાંથી કાળી-ધોળી કે કાબરચીતરી બની જાય છે. આવા વખતે વિચારો પર વજ્રઘાત થાય છે.. અને માનવીની બધીય શક્તિ જાણે પેરેલાઈઝ્ડ થઈ જાય છે. પેરેલાઈઝડ તન કરતાં મન વધારે ખરાબ..એવી સ્થિતીમાં માનવી સખત તાણ અનુભવે..

‘આખી દુનિયામાં પોતે સાવ એકલો થઈ ગયો છે..પોતાની કોઇને જરુર નથી…સગા સૌ સ્વાર્થના – પૈસા’ના જેવી માનસિકતા ઉતપન્ન થાય છે, જે એને નેગેટીવીટીના કાળા ભમ્મર કુવામાં ધકેલી દે છે જયાં હતાશાની ભૂતાવળ એને શાંતિથી જીવવા નથી દેતી.

દરેક મનુષ્યની અંદર એક બીજો સ્વ રહેતો હોય છે જે એક્દમ ખાનગી હોય છે, એનો પોતીકો..સાવ અંગત. જે સામાન્ય પણે જાહેરમાં ક્યારેય નથી આવતો સિવાય કે કોઇ પરિસ્થિતી એને લાચારીની હદ સુધી ખેંચી જઈને એને બહાર ખેંચી આવે. જે હંમેશા એની ઇચ્છા મુજબ નથી વર્તી શકતો. એને મુશ્કેટાટ બાંધી રાખવો પડતો હોય છે. બહુ જ ઓછા માણસ આગળ એ પોતાનો અસલી ચહેરો બતાવી શકે છે. પોતે જેવો છે, એવો જ બનીને નિઃસંદેહ, નચીંતપણે વહી શકે છે. બાકી બધે તો ડાહ્યું ડાહ્યું, સમજદારીનું મહોરું ચડાવીને જ વર્તન કરવું પડે છે. ચીની કહેવત યાદ આવ્ફી ગઈ ‘ બળેલો કાચબો પોતાની યંત્રણા છુપાવીને જીવે છે.’

આજના ધમાલિયા અને ટેન્શનીયા જીવનમાં માનવી એવા નચિંતીયા સંબંધોને કારણે જ ટકી જાય છે.દરેક માનવીમાં ક્યાંક ને કયાંક એ ‘વહેણ – સંબંધ’ની ભૂખ તરસ ધખતી જ હોય છે.ઘણા માણસોને પોતે જે કહેવું હોય એ કોઈને ચોકખે ચોકખું કહી – સમજાવી નથી શકતા.. એમની પાસે આસાન અભિવ્યક્તિની ‘ગોડ-ગિફ્ટ’ નથી હોતી. તેથી એમને બહુ તકલીફ પડે છે. એ લોકો મોટાભાગે ચૂપ ચૂપ રહેતા હોય છે. અંદરખાને અકળાતા હોય છે. એમને જરૂર હોય છે એવા સાથીની જે એમના મૌનને સમજી શકે, એમના વર્તનને સમજી શકે. એમની સાથે લાગણીથી જોડાયેલ કોઈ વ્યક્તિ જો રોજ-બરોજના એમના વ્યવહારથી અને સહવાસથી એમને સમજવાની શક્તિ વિક્સાવી શક્યા હોય તો, તેઓને જાણે ‘ગોળનું ગાડું’ મળી ગયું હોય, ‘ખુશીનો સૂરજ હાથમાં ઊગી ગયો’ હોય એમ લાગે.

જરુરી નથી કે એ મોકળાશ તમને જીવનસાથીમાં જ મળી શકે. રોજ-બરોજની સાથે જીવાતી જિંદગી એક-મેકને  ઘણીવાર ‘ટેક્ન ફોર ગ્રાન્ટેડ’ જેવી સમજતી થઈ જાય છે. એવા વખતે કોઈ સારો મિત્ર પણ તમને તમારા આ વહેવાપણામાં મદદરૂપ થાય છે. તમે જેમ ઇચ્છો – વિચારો, તમે જેવા છો તેવા… તમારી ભૂલો, તમારી ખામીઓ, તમારી તકલીફો સહિત એ મિત્ર દ્વારા સંપૂર્ણપણે પ્રેમથી સ્વીકારાઈ જાઓ છો એટલે તમે નફિકરા થઈને વહી શકો છો.

વહેવું એક આહલાદક અનુભવ છે.

માનવીનું મૌન સમજવું એ ખૂબ અઘરી વાત છે. જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે સાચી લાગણીથી જોડાયેલા હો, તો જ તમે એના વર્તનને સમજી શકો, એના ગમા- અણગમા સાચી રીતે પારખી શકો,  બધી વાતો એની આંખો દ્વારા સમજી શકો છો. પ્રેમમાં મોટા ભાગે મૌન સંવાદો થકી જ વાતો થઈ જતી હોય છે. પ્રેમમાં વહેવા માટે માનવીને સ્પર્શ અને આંખોની અલગ જ ભાષાનું વરદાન મળેલું છે. એ વખતે વહેતા રહેવા માટે માનવીને કોઈ જ મીઠા ‘ડાયાબીટીસિયા’ અને ‘ખોખલા’ શબ્દોની જરૂર નથી પડતી. કદાચ પ્રેમની દુનિયા એટલે જ સૌથી નિરાળી અને અલોકિક હોય છે. ત્યાં તમારી લાગણી બોલે છે, તમારું વર્તન બોલે છે.

બની શકે તો જેની સામે તમે વહી શકતા હો એ વ્યક્તિને, મિત્રને ક્યારેય દગો કે મનદુઃખ ના થાય એવી કોશિશ કરજો. એ તમારું મૌન સમજે છે, તમારું વર્તન સમજે છે તો તમારી પણ એક નૈતિક ફરજ થઈ પડે છે કે તમે પણ એને એ સહુલિયતનો અહેસાસ કરાવો. એને પણ તમારી જેમ વહેતા રહેવા માટે ઊત્તેજન આપતા રહો..સહકાર આપતા રહો, ગતિશીલ રાખો.

વહેણમાં એક અલગ જ નશો..એક અલગ જ તાકાત હોય છે.

જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતી આવે કે ગમે તેવા પ્રિય – મનગમતા સંબંધોના અલ્પ-વિરામ, પૂર્ણ-વિરામો આવે એના દુઃખમાં તૂટી જઈને, એના વ્યૂહ-ચક્રોમાં ફસાઈને ગોળ ગોળ ફર્યા વગર એમાંથી જે મળ્યું એનો સંતોષ માણીને એને ત્યાં જ છોડીને હિંમત-પૂર્વક આગળ વધતા રહો. નહીંતો તમે ત્યાં જ અટકીને, પરિસ્થિતીનો ભાર વેંઢારતા વેંઢારતા આખરે તૂટી્ને ચકનાચૂર થઈ જશો. જીવન જો એક જ જગ્યાએ સ્થગિત થઈ જાય તો ત્યાં બિનજરૂરી કચરો ભેગો થઈને સડો ઉત્પન્ન થઈ જાય છે, કોહવાઈ જાય છે અને માણસ ખલાસ થઈ જાય છે. એ અવાંચ્છનીય પરિસ્થિતિથી બચવા માણસે સતત આગળ ને આગળ વધતા રહેવું જોઈએ. .ગતિશીલ રહેવું જોઈએ..અટકયા વગર વહેતા રહેવું જોઈએ. ગમે તે સંજોગોનો હામ ભીડીને સામનો કરવાની તાકાત વિકસાવવી જ જોઇએ..

દરેક અણગમતી સ્થિતીમાંથી બહાર નીકળવાના અવિરત પ્રયત્નો એ જ  તમારું સાર્થક મનુષ્યત્વ

આપણે દર વર્ષના માર્ચથી મે સુધી દરિયાકિનારે જઈ એને પ્રાર્થતા નથી કે,” હે દરિયાદેવ, સૂરજને હંમેશા તમારું નીર અર્પતા રહેજો,જેથી સારો વરસાદ થાય, સંધ્યા સમયે નિત્ય સૂર્યને વિનવતા નથી કે બીજા દિવસના પ્રભાતે જરૂરથી આવજો. વાયુ-પવનને ક્યારેય વિનંતી કરતા નથી કે હું કાયમ શ્વસી શકું એટલે તું સદાય આવતો રહેજે.” કારણ, આપણને ખાતરી છે કે આ બધી ક્રિયાઓ નિયમબદ્ધ – એકધારી ચાલે છે. એમને ગમેતેટલી તકલીફો હોય પણ એ એમનું વહેવાનું કામ ચાલુ રાખવાના જ છે. ક્યાંય અટક્વાના નથી. જ્યારે એ વહેતા અટકી જાય ત્યારે જળ -પ્રલય અને સુનામી જેવી કુદરતી હોનારતો આવી જાય છે..એ જ ઘટનાઓ આપણા જીવનમાં પણ થાય…આ સુનામીઓ અને પ્રલયોને અટકાવાનો એક જ ઊપાય હૈયે હામ રાખી બસ…વહેતા રહો..ભીતરની હિંમત-આત્મવિશ્વાસ હશે એટલે અડચણના પહાડ ઓળંગી જ જવાશે. જીવન સુપેરે ચાલશે. આસ્થા રાખો અને અવિરત વહેતા રહો.

કદાચ એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે,

‘કમળ-કેદમાં ભમરો કેવળ અંધકાર જાણે,

નભે ઊડતું પંખી ઝળહળ અજવાળું માણે’

જીવનના બધાં જ પથરીલા રસ્તાઓ પણ વહેણના કારણે હલ્કાફૂલ  લાગશે. તમે બસ સાહસપૂર્વક, સડસડાટ એ રસ્તા પરથી નદીની જેમ વહેવાનું હૈયે જોમ રાખો. તો અણિયાણા  પથ્થરો પણ તમને કોઈ ઇજા નહી પહોંચાડી શકે. એ પણ હારી-થાકીને તમારી ગતિને અનુરૂપ એની જાતને ઘસીને લીસી બનાવી દેશે કાં તો તૂટી જશે.એના સિવાય એની પાસે કોઇ  ‘ઓપ્શન’ જ ક્યાં બાકી બચે છે આમે.

તમારું વહેવું સમજણ-પૂર્વકનું, નિઃસ્વાર્થ અને નિરંતર હશે, વેર-ઝેરથી મુકત અને પ્રેમભાવથી પૂર્ણ હશે તો એ રસ્તો આખરે તમને એક અદ્વિતીય, અવર્ણનીય આનંદ અપાવશે. ભગવાનનો સાક્ષાત્કાર કરાવશે. જીવનને સંતોષના સોનેરી કિરણોથી ભરી દેશે. જીવનમાં સફળતાની સીડીઓ ચડવામાં, નક્કી કરેલ ધ્યેય સુધી પહોંચવામાં મનનો એ આંતરિક સંતોષ ખૂબ મોટા પાયે મદદરૂપ થશે..

સ્નેહા પટેલ.