અનોખી આસ્તિકતા


http://www.janmabhoominewspapers.com/Admin/Data/Epapers/18_Apr/pancha_01.pdf

ફૂલછાબ > નવરાશની પળ કોલમ > ૧૮-૦૪-૨૦૧૨ નો લેખ.

નીત નવા પ્રપંચો માણસ અહીં કરે છે,

ઈશ્વરને માનનારા ઈશ્વરને છેતરે છે.

-કુતુબ આઝાદ

અસ્મિતા એક આધુનિકા..ઉનાળાની તો હજુ શરુઆત હતી અને ગરમીનો પારો ઊંચે ને ઊંચે જતો હતો..લગભગ ૪૧ ડીગ્રી..સવારના ૧૦.૦૦ વાગ્યાના સમયે તો અસ્મિતાની કોટન કુર્તી પરસેવે રેબઝેબ થઇ ગઈ હતી. વળી હમણાં જ આઠ વર્ષના દિકરા સ્મિત જોડે પોતાની ‘એસી વેગન આર’ કારમાંથી ઉતરેલી એટલે બહારની ગરમી એના તનને વધુ દઝાડતી હતી.

દીકરાને મંદિરની બહારના ચોકમાં ઊભો રાખ્યો અને રોજની આદત મુજબ જ થોડા શબ્દો એના કાનમાં શિખામણ સ્વરુપે સરકાવ્યા. સ્મિત માટે તો આ રોજનો ખોરાક હતો જેને અડધી પડધી રમત વચ્ચે મમ્મીના સંતોષ ખાતર સાંભળવાનો ડોળ કર્યો..એનું મગજ તો સામે ફૂલ લઈને બેઠેલ એના રોજના ગોઠિયા ફૂલવાળા કાકાની તરફ હતું. કાકા પણ એની સામે જોઇને ધીમું ધીમું મરકી રહેલા..એને જલ્દી પોતાની પાસે આવવાનું ઇજન આપી રહેલા.અસ્મિતા આ સંતાકૂકડીથી પરિચીત હતી એટલે ફટાફટ સ્મિતને ફૂલવાળાકાકા પાસે છોડીને મંદિરમાં અંદર ગઈ.

બહાર સ્મિત કાકા જોડે બેસીને એની કાલી ઘેલી વાણીમાં વાતો કરવા લાગ્યો..કાકાનો હાથ પકડીને મંદિરનો ઊંચો ઘંટ વગાડયો..મંદિરમાં એક બાજુ બનાવેલ પરબમાંથી માટલામાંથી પાણી પીધુ..અને મંદિરના આરસપહાણના પત્થરો પર મસ્તી કરતો ..લસરપટ્ટી કરતો કરતો કાકા જોડે ચાલવા લાગ્યો..

અસ્મિતાનો અને સ્મિતનો આ રોજનો કાર્યક્રમ નિહાળીને ચૂપ રહેતા એક ઘરડા માજીથી આજે ચૂપ ના રહેવાયું અને એના મનને ઘમરોળતો પ્રશ્ન એણે આખરે આજે અસ્મિતાને પૂછી જ લીધો..

‘બેન..રોજ આ બાબાને સાથે લઈને મંદિરે આવે છે તો એને અંદર કેમ નથી લઈ જતા..છેક કૂવા કાંઠે આવીને પણ દિકરાને તરસ્યો કાં રાખે છે..?’

અને અસ્મિતા મંદ મંદ હાસ્ય ફરકાવતી બોલી,

‘માસી..મને તમારી વાતનું ખોટું સહેજ પણ નથી લાગ્યું.હું જ્યારે આના જેવડી હતી તો મારા ઘરના મને જબરદસ્તીથી મંદિરમાં દર્શન કરવા લઇ જતા હતા. મને કશું જ સમજ નહોતી પડતી તો પણ  મારે આ બધી ક્રિયાઓનું અનુકરણ કરવું પડતું..એક સમયે આ જબરદ્સ્તીના દર્શનથી મારા મનમાં મંદિરના નામથી જ નફરત થવા લાગેલી. કારણ.હું જે કાર્ય કરી રહેલી એનું મહત્વ સમજવા જેટલી મારામાં સમજ જ નહોતી..મોટાઓ કહે એટલે કરી લેવાનું એવું કેમ હોય..મને કંઇક તો સમજ..મજા આવવી જોઇએ કે  નહી દર્શન કરવાથી..!!

આવુ કંઇ મારા દિકરા જોડે ના થાય એટલે હું એના પર આવી કોઇ જ જબરદસ્તી નથી લાદતી. એને રોજ આ વાતાવરણમાં લાવું છું..શું સાચું ને શું ખોટું એની કાલીઘેલી વાતોમાં સમજાવું છું. એક જ વાતનો મને ભરપૂર સંતોષ છે કે  એને પાપ કરતાં બીક લાગે છે..એ બીક જ એને એક સારો માણસ બનાવશે.. ભવિષ્યમાં આ મંદિરની અંદર ખેંચી જવા પ્રોત્સાહિત કરશે. વળી એ ભગવાનના દર્શન કરવા નહી આવે તો પણ મારે મન એનું કોઇ મહત્વ નથી..એની મરજી..એના દિલમાં ભગવાન જીવતા હોય તો મંદિરનું પણ શું કામ..હું નાસ્તિક નથી પણ મન વગર ભગવાનના દર્શન કરવા એ વાતની એક્દમ વિરુધ્ધમાં છું. એની જાતે,,એની સમજથી જ્યારે મારો દિકરો આ મંદિરમાં પ્રવેશશે તો એ મારા માટે ‘ઉત્સવનો દિવસ’ એની ના નહીં..પણ એ એમ નહી કરે તો પણ મને કોઇ વાંધો નથી.. એ એક સારો, પ્રામાણિક , પાપથી ડરતો માણસ બને બસ…બાકી એની જીંદગીના નિર્ણયો એ જાતે પોતાની સમજથી, પોતાની મરજીથી લેશે તો જ એને લાંબા સમય સુધી ફોલો કરી શકશે. એ વાત તો નક્કી જ.

બહુ લેકચર આપી દીધું કેમ માસી..સ્મિતની સ્કુલનો સમય થઈ જશે..તો હું આપની રજા લઊં..આવજો..જય શ્રી ક્રિષ્ણા…!’

અને પાછળ ઘરડા માસીને વિચારપૂર્ણ સ્થિતીમાં મૂકીને અસ્મિતા સ્મિતને લઈને ગાડીમાં બેઠી.

અનબીટેબલઃ Having a smile on your face is a good compliments to life, but putting a smile on other’s face by your efforts is the best compliment to life.(unknown)

સ્નેહા પટેલ

https://www.facebook.com/notes/sneha-h-patel/%E0%AA%85%E0%AA%A8%E0%AB%8B%E0%AA%96%E0%AB%80-%E0%AA%86%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE/394483420585651