સંસ્કાર

ફૂલછાબ > નવરાશની પળ > ૧૧-૦૪-૨૦૧૨ નો લેખ.

 

 

ગુલાબ – જે ન ખીલ્યા આપના બગીચામાં ,

ઉછેરવા હું ઝઝુમું છું એને ખિસ્સામાં .

– રમેશ પારેખ  

 

ખેવનાએ હળ્વેથી નીલના ઝૂલાને ધક્કો માર્યો અને નીલના હીંચકાએ પાછો ગતિ પકડી.

 

‘મમ્મી, તોડી જોલથી ધક્કો માલો ને..આમ ધીલે ધીલે હીંચકા ખાવાની મજા નથી આવતી.’

 

‘તને આભમાં ઊડવાના બહુ શોખ છે કેમ મારા મીઠડા..!’

 

અને સાચવીને ચાલુ હીંચકાએ જ નીલના ગાલ પર એક પપ્પી કરીને એના હીંચકાને થોડો વધારે વેગ આપ્યો.

 

ઉનાળામાં તપેલો આખો દિવસ સાંજના ૬ વાગ્યાના સમયે આ બગીચાની ભીનાશને માથે ચડાવી એનું માન રાખતો’ક્ને થોડો શીતળ થયો હતો.માળી પાઇપ દ્વારા વૃક્ષોને પાણી પાઈ રહ્યો હતો જેના કારણે વાતાવરણમાં માટીની ભીની ભીની મીઠી સુવાસ પ્રસરી રહી હતી. ખેવના ઝાડપાનના ધીમા ધીમા હાલતા પાંદડાઓની સરસરાહટ અને આ શીતળ, મીઠા વાતાવરણનો આનંદ ઉઠાવતી એના ૫ વર્ષના દીકરાને નર્યા વ્હાલથી હીંચકે હીંચોળી રહી હતી.

 

ત્યાં એની બાજુના હીંચકા ઉપર એક સરસ મજાની પીન્ક કલરના ફ્રોકમાં, માથાના સોનેરી ઝુલ્ફાંને હેયરબેન્ડમાં બાંધીને ઊંચી પોનીટેઇલ વાળી એક ઢીંગલી આવીને બેસી.દુશ્મ્નને પણ  વ્હાલી લાગે એવી મીઠડીને જોઇને ખેવના એની સામે હસ્યા વગર ના રહી શકી..સામે ઢીંગલી

એ પણ એક મસ્ત મજાનું બિન્દાસ આગળનો દાંત તૂટી ગયેલો એથી બોખું હાસ્ય જવાબમાં આપ્યું.

એની સાથે આવેલી સ્ત્રી, એની મમ્મીએ ઢીંગલીને હીંચકા નાંખવા માંડ્યા.

 

નીલ અને ઢીંગલી બેય ના હીંચકા એક રીધમમાં આગળ પાછળ જવા લાગ્યા. નીલનો હીંચકો થોડો વધારે ફાસ્ટ અને ઊંચો જતો એથી એ રીધમ વારે ઘડીએ તૂટી જતી.

 

‘મમ્મી, થોડા ફાસ્ટ નાંખોને..મને પણ આની જેમ આકાશમાં ખૂબ ઊંચે જવું છે..આકાશને અડવું છે’ ઢીંગલીએ ફરિયાદના સૂર કાઢ્યો.

‘બેટા, તું રહી છોકરી જાત..અત્યારથીજ પગ જમીન પર રહે એ સારા..આમ છોકરાઓની બરાબરી કરવી એ આપણને ના શોભે..!’

અને ખેવના તો બે ઘડી સ્ત્બધ બનીને  ઊભી રહી ગઈ.

 

‘બેન..આ શું કરો છો.,આટલી નાની ઊંમરે અને એ પણ રમવા કૂદવાની વાતમાં આપની ઢીંગલીના મગજમાં આ ભેદભાવના ઝેર શા માટે સીંચો છો..?’

 

‘બેન..તમે રહ્યાં દીકરાની મા..તમને આ વાત નહી સમજાય..અમારે દીકરીને પારકા ગહ્રે મોકલવાની હોય છે,..ત્યાં એને ‘ગમે તે’ વાતાવરણ મળે એ જરુરી નથી કે એને ‘ગમે એવું’ જ હોય..શાંતિથી અને સુખરુપે લગ્નજીવન જીવવા માટે કોમ્પ્રોમાઇઝ્, એડજસ્ટમેન્ટ, સ્વીકાર, ધીરજ આવા બધા સંસ્કાર એનામાં સીંચ્યે જ છૂટકો.દીકરીની જાતને ખુલ્લો દોર ના આપી દેવાય..પૂર્ણ સ્વતંત્રતા આપી દો તો એ છકી જાય..માટે મર્યાદા-રેખાઓ બતાવી દેવી સારી. તમારે તો દીકરો..મનમાની કરે કોઇ ફર્ક ના પડે..છોકરીઓની મનમાનીમાં ઇજ્જત દાવ પર લાગે તો ક્યારેય એ કલંક નથી ધોવાતું બેન..’

 

ખેવના બે પળ એની વિશાળ, સ્વચ્છ ભાવવાહી આંખોથી તાકી રહી અને બોલી,

 

‘બેન..સંસ્કાર દરેક સંતાન માટે જરુરી છે. એમાં દીકરી કે દીકરા જેવા ભેદભાવ વચ્ચે ના આવે. હું મારા દીકરાને પ્રામાણિક, વિશ્વાસને પાત્ર બનવાના સંસ્કારોની સમજ આપતી જ હોવું છું. વળી ભવિષ્યમાં એને પરણીને આવનારી એના માવતરને છોડીને ફકત એના ભરોસે જ મારા ઘરમાં આવશે તો એનું માન-સન્માન સાચવવું,એમ કરતાં કરતાં એને લોહી-પાણી એક કરીને ઉછેર કરનાર આ માવતરને પણ સાચ્વવાના જરુરી હોય છે એના માટે માનસિક રીતે પૂરેપૂરો સજ્જ કરવાની જવાબદારી તો ખરી જ જેથી બેય પક્ષે એક સંતુલિત વ્યવહાર કરીને પરિવારને ખુશીઓના તાંતણે બાંધવાની જવાબદારી સુપેરે નિભાવી શકે, વળી નૈતિક મૂલ્ય દીકરા માટે પણ એટલા જ જરુરી હોય છે..છોકરીઓની ઇજ્જત – સ્વમાન જેટલી જ મહત્વની એમની ખુમારી અને ઇજ્જત હોય છે..તક મળે તો દર બીજી સ્ત્રીની પાછળ લાળ ટપકાવવા માંડવાનું કે એની મજબૂરીનો ફાયદો ઉઠાવવાની માનસિકતા રાખવી એ મારા ઘરમાં કોઇ પણ કાળે સ્વીકાર્ય નથી જ એ સમજ પણ એને આપવી જરુરી છે. બેન..સંતાન તો સંતાન છે..છોકરો કે છોકરી કરતા સૌપ્રથમ એ એક માણસ છે.માણસાઈ, નમ્રતા, ધીરજ, પ્રેમભાવ…આ બધા જ ગુણ બેય માટે સરખી જ અગત્યતા ધરાવે છે..મહેરબાની કરીને તમારા પૂર્વગ્રહ યુકત, જૂનવાણી ખાતર નાંખીને આ નાનકડા છોડને ના ઊછેરો..નહીંતો એના પર અસમાનતા, દુઃખ જેવા ફૂલો જ ઊગશે. પછી તમારી મરજી.મારે રસોઈનો સમય થઈ ગયો છે..ચાલો હું રજા લઊં’

 

અને નીલને હીંચકા પરથી ઉતારીને એણે ઘરની ડગર પકડી.

 

અનબીટેબલ :- સંસ્કાર-સીંચનમાં ‘છોકરા – છોકરી’ જેવી જાતિ કરતાં ‘સારા માણસ’ની જાતિ ધ્યાનમાં રહે એ વધારે મહત્વનું.

 

One comment on “સંસ્કાર

 1. સ્નેહાબહેન,

  આમ તો આ ફકરો આજની મધુવન પરની પોસ્ટનો એક ભાગ છે.

  ઈર્ષા જીવનના પ્રત્યેક ક્ષેત્રે એક આડખીલી રુપ અવગુણ છે. જ્યાં સુધી મનુષ્ય પોતાને પ્રકૃતિક ગુણો વાળો માને છે ત્યાં સુધી તે સતત બીજા સાથે સ્વની સરખામણી કરતો રહેવાનો છે. બીજાના સારા ગુણો જોઈને રાજી થવાને બદલે કે તેની જેવા સદગુણો પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવાને બદલે તે બીજાની ઈર્ષા કરવા લાગે છે. સાથે રહેતા પતિ-પત્નિ કે બાળકોએ ઘણી વખત એક બીજાના વખાણ કે પ્રગતિ સહન ન કરી શકતા હોઈને એક બીજાની ઈર્ષા કરવા લાગે છે અને છેવટે અહમનો ટકરાવ એટલી હદે વકરે છે કે પરીણામે પતિ-પત્નિ કાયમ માટે અલગ થઈ જાય કે સાથે ઉછરેલા સંતાનો મોટા થઈને એકબીજાનું મોઢું જોવાનું યે પસંદ ન કરે તેટલા તેમના મન ખાટા થઈ જાય છે. નાનપણમાં અમીતાબ બચ્ચન અને જયા ભાદૂરી અભીનીત અભીમાન ફીલ્મ જોયું હતું. જયા ભાદૂરીની પ્રગતિને લીધે અમીતાભ બચ્ચનને તેની એટલી બધી ઈર્ષા થાય છે કે છેવટે એક સમયે બંનેને છુટા પડી જવું પડે છે. ઈર્ષા કર્માશયના બંધનનું એક મોટું કારણ છે. સ્ત્રી-પુરુષ, ઉચ્ચ-નીચ, અમીર-ગરીબ, વિકસિત-અવિકસિત વગેરે વગેરે સરખામણી અને તેને લીધે રખાતા ભેદભાવ સમાજમાં આ ઈર્ષા ભાવને હદ બહાર વકરાવે છે. પરીણામે દેશો, પ્રાંતો, સમાજો, વસાહતો, કુટુંબો, વ્યક્તિઓ વગેરેમાં આંતર કલહ એટલો બધો વકરે છે કે જેને લીધે સ્વસ્થ જીવન જીવવાની આશા મૃતપાય: થઈ જાય છે. જ્યારે સાચી સમજણ આવે કે સ્ત્રી, પુરુષ, ધનિક, ગરીબ, રોગી, તંદૂરસ્ત, પાપી, પુણ્યશાળી, પશુ, પક્ષિ કે કોઈ પણ અંત:કરણ ધરાવતા જીવને પ્રકાશનારુ તત્વ એક માત્ર પરમાત્માનું ચૈતન્ય છે ત્યારે સપાટી પર દેખાતા બધા જ ભેદભાવ દૂર થઈને સહુની અંદર સમાન રુપે વિલસી રહેલા એક માત્ર પરમ તત્વને જાણીને સર્વ કર્મબંધનોથી મુક્ત થઈને સ્વતંત્રતાનો આનંદ માણી શકાય છે.

  જ્યાં સુધી સર્વની પાછળ રહેલ એક માત્ર ચૈતન્યને સમજવામાં આવતું નથી ત્યાં સુધી સ્ત્રી,પુરુષ અને તેવા ભેદભાવોને લીધે સામાજીક વાતાવરણ કલૂષિત રહે છે.

  આપ આ પ્રકારે વ્યવહારુ ઉદાહરણ દ્વારા સમાજની જુદી જુદી છબીઓનું સુંદર આલેખન કરો છો. જેમ જેમ વધુ ને વધુ લેખકો આ પ્રકારની અસમાનતા અને ભેદ ભાવો દૂર કરવા પ્રત્યે જાગૃત બનશે તેમ તેમ સમાજ વધુને વધુ સ્વસ્થ વિચારો પ્રાપ્ત કરીને આગળ વધશે.

  આપના લેખનો મુખ્ય મુદ્દો અસમાન ઉછેર નો છે મારી પોસ્ટ નો મુખ્ય મુદ્દો ઈર્ષાનો હતો. સંપૂર્ણ પણે તે ફકરો અહીં બંધ બેસતો નથી થતો તેમ છતાં અસમાન ઉછેર ને અસમાન વ્યવહારને લીધે ઈર્ષા, અહમ અને ક્યારેક લઘુતાગંથી કે ગુરુતાગ્રંથી જેવા દુર્ગુણો વકરે છે તેવું દર્શાવવા તે ફકરો અહીં ટાંક્યો છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s