prashno


 

મૂળ સુધી ઉતરીને જવાબ શોધવાની તાકાત હોય તો જ પ્રશ્નો ઉપાડવાની મહેચ્છા રાખવી..નહીંતો મહદઅંશે એ ટાઈમપાસ કે ગોસીપમાં ખપી જવાની સંભાવના રહે છે.
સ્નેહા પટેલ

ખુશી


બીજા પર આધાર રાખતી ખુશીની આયુ હંમેશા અલ્પ જ રહેવાની.

સ્નેહા પટેલ

સંસ્કાર


ફૂલછાબ > નવરાશની પળ > ૧૧-૦૪-૨૦૧૨ નો લેખ.

 

 

ગુલાબ – જે ન ખીલ્યા આપના બગીચામાં ,

ઉછેરવા હું ઝઝુમું છું એને ખિસ્સામાં .

– રમેશ પારેખ  

 

ખેવનાએ હળ્વેથી નીલના ઝૂલાને ધક્કો માર્યો અને નીલના હીંચકાએ પાછો ગતિ પકડી.

 

‘મમ્મી, તોડી જોલથી ધક્કો માલો ને..આમ ધીલે ધીલે હીંચકા ખાવાની મજા નથી આવતી.’

 

‘તને આભમાં ઊડવાના બહુ શોખ છે કેમ મારા મીઠડા..!’

 

અને સાચવીને ચાલુ હીંચકાએ જ નીલના ગાલ પર એક પપ્પી કરીને એના હીંચકાને થોડો વધારે વેગ આપ્યો.

 

ઉનાળામાં તપેલો આખો દિવસ સાંજના ૬ વાગ્યાના સમયે આ બગીચાની ભીનાશને માથે ચડાવી એનું માન રાખતો’ક્ને થોડો શીતળ થયો હતો.માળી પાઇપ દ્વારા વૃક્ષોને પાણી પાઈ રહ્યો હતો જેના કારણે વાતાવરણમાં માટીની ભીની ભીની મીઠી સુવાસ પ્રસરી રહી હતી. ખેવના ઝાડપાનના ધીમા ધીમા હાલતા પાંદડાઓની સરસરાહટ અને આ શીતળ, મીઠા વાતાવરણનો આનંદ ઉઠાવતી એના ૫ વર્ષના દીકરાને નર્યા વ્હાલથી હીંચકે હીંચોળી રહી હતી.

 

ત્યાં એની બાજુના હીંચકા ઉપર એક સરસ મજાની પીન્ક કલરના ફ્રોકમાં, માથાના સોનેરી ઝુલ્ફાંને હેયરબેન્ડમાં બાંધીને ઊંચી પોનીટેઇલ વાળી એક ઢીંગલી આવીને બેસી.દુશ્મ્નને પણ  વ્હાલી લાગે એવી મીઠડીને જોઇને ખેવના એની સામે હસ્યા વગર ના રહી શકી..સામે ઢીંગલી

એ પણ એક મસ્ત મજાનું બિન્દાસ આગળનો દાંત તૂટી ગયેલો એથી બોખું હાસ્ય જવાબમાં આપ્યું.

એની સાથે આવેલી સ્ત્રી, એની મમ્મીએ ઢીંગલીને હીંચકા નાંખવા માંડ્યા.

 

નીલ અને ઢીંગલી બેય ના હીંચકા એક રીધમમાં આગળ પાછળ જવા લાગ્યા. નીલનો હીંચકો થોડો વધારે ફાસ્ટ અને ઊંચો જતો એથી એ રીધમ વારે ઘડીએ તૂટી જતી.

 

‘મમ્મી, થોડા ફાસ્ટ નાંખોને..મને પણ આની જેમ આકાશમાં ખૂબ ઊંચે જવું છે..આકાશને અડવું છે’ ઢીંગલીએ ફરિયાદના સૂર કાઢ્યો.

‘બેટા, તું રહી છોકરી જાત..અત્યારથીજ પગ જમીન પર રહે એ સારા..આમ છોકરાઓની બરાબરી કરવી એ આપણને ના શોભે..!’

અને ખેવના તો બે ઘડી સ્ત્બધ બનીને  ઊભી રહી ગઈ.

 

‘બેન..આ શું કરો છો.,આટલી નાની ઊંમરે અને એ પણ રમવા કૂદવાની વાતમાં આપની ઢીંગલીના મગજમાં આ ભેદભાવના ઝેર શા માટે સીંચો છો..?’

 

‘બેન..તમે રહ્યાં દીકરાની મા..તમને આ વાત નહી સમજાય..અમારે દીકરીને પારકા ગહ્રે મોકલવાની હોય છે,..ત્યાં એને ‘ગમે તે’ વાતાવરણ મળે એ જરુરી નથી કે એને ‘ગમે એવું’ જ હોય..શાંતિથી અને સુખરુપે લગ્નજીવન જીવવા માટે કોમ્પ્રોમાઇઝ્, એડજસ્ટમેન્ટ, સ્વીકાર, ધીરજ આવા બધા સંસ્કાર એનામાં સીંચ્યે જ છૂટકો.દીકરીની જાતને ખુલ્લો દોર ના આપી દેવાય..પૂર્ણ સ્વતંત્રતા આપી દો તો એ છકી જાય..માટે મર્યાદા-રેખાઓ બતાવી દેવી સારી. તમારે તો દીકરો..મનમાની કરે કોઇ ફર્ક ના પડે..છોકરીઓની મનમાનીમાં ઇજ્જત દાવ પર લાગે તો ક્યારેય એ કલંક નથી ધોવાતું બેન..’

 

ખેવના બે પળ એની વિશાળ, સ્વચ્છ ભાવવાહી આંખોથી તાકી રહી અને બોલી,

 

‘બેન..સંસ્કાર દરેક સંતાન માટે જરુરી છે. એમાં દીકરી કે દીકરા જેવા ભેદભાવ વચ્ચે ના આવે. હું મારા દીકરાને પ્રામાણિક, વિશ્વાસને પાત્ર બનવાના સંસ્કારોની સમજ આપતી જ હોવું છું. વળી ભવિષ્યમાં એને પરણીને આવનારી એના માવતરને છોડીને ફકત એના ભરોસે જ મારા ઘરમાં આવશે તો એનું માન-સન્માન સાચવવું,એમ કરતાં કરતાં એને લોહી-પાણી એક કરીને ઉછેર કરનાર આ માવતરને પણ સાચ્વવાના જરુરી હોય છે એના માટે માનસિક રીતે પૂરેપૂરો સજ્જ કરવાની જવાબદારી તો ખરી જ જેથી બેય પક્ષે એક સંતુલિત વ્યવહાર કરીને પરિવારને ખુશીઓના તાંતણે બાંધવાની જવાબદારી સુપેરે નિભાવી શકે, વળી નૈતિક મૂલ્ય દીકરા માટે પણ એટલા જ જરુરી હોય છે..છોકરીઓની ઇજ્જત – સ્વમાન જેટલી જ મહત્વની એમની ખુમારી અને ઇજ્જત હોય છે..તક મળે તો દર બીજી સ્ત્રીની પાછળ લાળ ટપકાવવા માંડવાનું કે એની મજબૂરીનો ફાયદો ઉઠાવવાની માનસિકતા રાખવી એ મારા ઘરમાં કોઇ પણ કાળે સ્વીકાર્ય નથી જ એ સમજ પણ એને આપવી જરુરી છે. બેન..સંતાન તો સંતાન છે..છોકરો કે છોકરી કરતા સૌપ્રથમ એ એક માણસ છે.માણસાઈ, નમ્રતા, ધીરજ, પ્રેમભાવ…આ બધા જ ગુણ બેય માટે સરખી જ અગત્યતા ધરાવે છે..મહેરબાની કરીને તમારા પૂર્વગ્રહ યુકત, જૂનવાણી ખાતર નાંખીને આ નાનકડા છોડને ના ઊછેરો..નહીંતો એના પર અસમાનતા, દુઃખ જેવા ફૂલો જ ઊગશે. પછી તમારી મરજી.મારે રસોઈનો સમય થઈ ગયો છે..ચાલો હું રજા લઊં’

 

અને નીલને હીંચકા પરથી ઉતારીને એણે ઘરની ડગર પકડી.

 

અનબીટેબલ :- સંસ્કાર-સીંચનમાં ‘છોકરા – છોકરી’ જેવી જાતિ કરતાં ‘સારા માણસ’ની જાતિ ધ્યાનમાં રહે એ વધારે મહત્વનું.