ભાષા


 

દુનિયાની કોઇ પણ ભાષા નફરત,ભેદભાવ કે અહમ નથી શીખવતી.જ્યાં આ બધાની ગંધ હોય એને હું ભાષા તરીકે જ નથી સ્વીકારતી.
સ્નેહા

મોકળાશનો રંગ


ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > ૨૨-ફેબ્રુઆરી, ૨૦૧૨

હું થાકું ત્યારે તારી પાસે આવું છું,હું છલકાઉં ત્યારે તને ગાઉં છું,
હું તને ચાહું છું : તું મૈત્રી છે.

તું બુદ્ધનું સ્મિત છે, તું મીરાનું ગીત છે,

તું પુરાતન તોયે નૂતન અને નિત છે:તું મૈત્રી છે.

– સુરેશ દલાલ

‘સુધાડી આજ કાલ સાવ જ બદલાઇ ગઈ છે..જવા દો ને..એ મતલબીની તો મારી આગળ વાત જ ના કરશો.’

પ્રથમાનો ગુસ્સો, અકળામણ એના નાકના ટેરવા પર દેખાવા લાગ્યો..રાતાચોળ નાજુક નાકના ફણા વારેઘડીએ ફુલવા અને પીચકવા લાગ્યા.

‘પણ શું થયું એ તો કહે..સુધા તો તારી નાનપણની.. ખાસ બહેનપણી છે..એ વળી ‘સુધાડી-મતલબી’ ક્યાંથી થઈ ગઈ..?’ કુણાલ બોલ્યો.

‘એ તો …એ તો..’ અને પ્રથમાની આંખો ચૂઈ પડી.

કુણાલ બાઘાની જેમ એને આંખો ફાડીને જોઇ રહ્યો..આને વળી શું થયું ..કંઇ સમજાતું નથી..

આંખોથી મનનો ભાર હળવો કરી થૉડી શાતા વળતા ફ્રીજ ખોલીને પાણીનો ગ્લાસ ભર્યો.એક ઘૂંટ ગળા નીચે ઉતાર્યો ને વાતને ઇન્ટરવલથી આગળ વધારી. વાત એમ છે કે,સુધા અને રીપલની દોસ્તી કરાવનાર હું જ્ હતી. હવે મારે રીપલ સાથે છેલ્લા મહિનાથી બોલવાનો ય સંબંધ નથી તો આ સુધાએ એની જોડે લળી લળીને વાતો કરવાની કે એના સામાજીક સંબંધોએ હાજરી પુરાવવાની શું જરુર..? શું રીપલ પૈસાવાળી છે એટલે જ ને..હવે મને ખબર પડી ગઈ કે બધે પૈસાને જ માન છે…આપણા કરતા રીપલ સાથેના સંબંધોમાં એને વધારે ફાયદો છે એટલે…’

‘પ્રથમા..હું જ્યાં સુધી સુધાને ઓળખું છું એ એકદમ મેચ્યોર્ડ અને રીલાયેબલ લેડી છે.એ પોતાના દરેક સંબંધોને સ્વસ્થતાપૂર્વક જાળવી શકે છે.વળી એનો તારા માટેનો સખીપ્રેમ ખોટો હોય એવું  મને ક્યારેય નથી લાગ્યું. જોને પરમદિવસે જ અતિવ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને અચાનક જ  લીલું ઉંધિયું ભરેલો મોટો ડબ્બો લઇને આપણા ઘરે કેવી આવી ચઢેલી..કારણ તો એને ખબર છે કે તને એના હાથનું લીલું ઊંધિયું બહુ જ ભાવે છે.. એના બે દિવસ પહેલાં આપણી મેરેજ એનીવર્સરી હતી તો એણે કેટકેટ્લા મેસેજીસ કર્યા અને બપોરે એની ઓફિસેથી હાફ-ડે લઈને આપણને સરપ્રાઇઝ આપવા કેક લઇને ઘરે પણ આવી હતી જ ને..તારા મગજમાં આવી બધી ઉલ્ટી વાતો કેમ આવે છે એ જ મને તો સમજાતું નથી.’

‘હા કુણાલ..આમ તો તારી વાત સાચી છે પણ એ રીપલ સાથે શું કામ બોલે છે.. એ મારી ખાસ સખી છે તો મારી દુશ્મન એની દોસ્ત કેમની હોઇ શકે? આમ એની આગળ પાછળ શું કામ ફરવાનુ..મારા કરતા એ વધુ વ્હાલી એમ કે..?’

‘પ્રથમા..થોડું…ક દૂર સુધી જો તો તને આખી વાત કલીઅર દેખાશે ડીયર અને તારો આ વલોપાત નાહકનો જ છે એ સમજાઇ જશે.’

‘મતલબ..’

‘મતલબ કે આપણને ખબર છે કે રીપલ એક ફેમસ સીંગર છે અને સુધાના ઘરવાળાને સાઉન્ડ સિસ્ટમનું કામકાજ..વળી સુધા પોતે એક ફેશન ડીઝાઇનર છે..રીપલ પોતાના દરેક શો વખતે એની પાસે જ પોતાના આઉટફીટ તૈયાર કરાવે છે.એના થકી સુધાને બીજા પણ સારા એવા કોન્ટેકટ્સ થતા રહે છે.. તો આ એનો પ્રેમ નહી પણ પોર્ફેશનલ સંબંધ છે જેને ઉદારતાથી તારે તારી પ્રિય સખીના હિત માટે સ્વીકારવો જ જોઇએ.’

‘કુણાલ શું તું સાચુ કહે છે..તો પછી એના મોઢેથી આખો દિવસ રીપલ સાથે આમ કર્યું ને રીપલ જોડે તેમ કર્યુ જેવી વાતો જ કેમ સાંભળવા મળે છે..મારી જ દુશ્મનની વાતો મારી જોડે આટલા ચાવથી કરવા પાછળનો કોઇ હેતુ..?

‘પ્રથમા..તારી વાતને જોવાની સ્ટાઇલને થોડીક બદલ. તું સુધાની ખાસ સખી છુ એટલે એ વર્ષોથી તારી જોડે બધી જ વાતો કરતી આવી છે એમાં ક્યાં નવી વાત છે. વળી એના અને રીપલના સંબંધ તો ધંધાદારી લેવલે જ ..એમાં એને રીપલ માટે લાગણી છે એવું ક્યાં ..અને ધારો કે એને રીપલ માટે લાગણી હોય તો પણ એનાથી તારા માટેની લાગણીમાં કોઇ ઓટ આવી કે..એ તારી જોડે તો પહેલા જેવી જ સ્નેહાળ છે..એને તારા માટે લાગણી હોય એટલે એના રીપલ સાથેના સંબંધો એણે તોડી કાઢવા એ વાત ન્યાયપૂર્ણ ના કહેવાય. એમ તો તું પણ સુધાના સાસુને મળવા જાય જ છે ને..તને તો ખબર છે કે એના સાસુએ એને કેટલી હેરાન કરેલી..તો પણ’

‘એ તો..એ તો..મારા અને આન્ટીના સંબંધો અલગ છે કુણાલ..’પોતાની વાતનું યોગ્ય કારણ ના મળતા પ્રથમા થોડી ગેંગે ફેંફેં થઈ ગઈ.

‘એ જ તો…કોઇ દિવસ સુધાએ તને એ વિષયે એક પણ નારાજગીનો શબ્દ કહ્યો છે ..? જો પ્રથમા..સંબંધોના તાણાવાણા વિશ્વાસ અને પ્રેમથી વણાયેલા હોય છે એમાંથી ઇર્ષ્યા, ક્રોધ, ખોટી ખોટી અપેક્ષાઓના ધાગાઓને દૂર રાખીશ અને મોકળાશના રંગે રંગીશ તો જ એ મજબૂત રહેશે..આટલી વાત સમજ..’

‘હા..વાત તો તારી સાચી છે કુણાલ..’મનોમન એની વાત જોડે સહમત થતી પ્રથમા હવે  અંદરથી શાંત થઈ ગઈ.

અનબીટેબલ :-  ભવિષ્ય સુધારવાની ઘેલછામાં દૂરંદેશીઓ ઘણીવાર એકદમ નજીકની  અને મહત્વની વાતો જોવાનું ચૂકી જાય છે.

http://www.janmabhoominewspapers.com/Admin/Data/Epapers/22_Feb/panch_01.pdf

સ્નેહા પટેલ.