કાળું ધબ ભાવિ :

ફૂલછાબ > નવરાશની પળ > ૧૫-૦૨-૨૦૧૨

http://www.janmabhoominewspapers.com/Admin/Data/Epapers/15_Feb/Panchamarut_01.pdf

આકાશ તો મળ્યું પણ ઊડી નથી શકાતું ,

પીંજરને તોડવામાં પાંખો કપાઈ ગઈ છે .
– શોભિત દેસાઈ 

સુમય ૧૦ વર્ષનું પૈસાદાર મા – બાપનું લાડકવાયું સંતાન. નાનપણથી જ એને ડાન્સનો ઘણો શોખ. આધુનિક મા – બાપ એનું આ ‘પેશન’ જોઇને ત્વરિત ડીસીઝન લઇને ૫ વર્ષની કુમળી વયે જ છોડને વાળવાની ઇચ્છાથી શહેરના સારામાં સારા ડાન્સ ક્લાસીસ જોઇન કરાવી દીધા. ભારોભાર ધગશ અને મહેનતથી છલકાતો સુમય પણ મન લગાવીને ડાન્સની પ્રેકટીસ કરતો.ગમે તેટલો થાકેલો હોય તો પણ ક્લાસીસમાં રજા ના પાડતો. મનજોઇતી મંજિલ સુધી પહોંચીને જ જપતો.

એક દિવસ ટીવી જોતા જોતા રેખાબેન- સુમયના મમ્મીની નજરે અનાયાસે જ એક એડવર્ટાઇઝ ચડી

‘હેલો ફ્રેન્ડસ,  ખાણમાં છુપાયેલા કાચા હીરાને શોધી કાઢવા અમારી ‘ વી ટીવી’ની એક્સપર્ટ ડાન્સ-ટીમ આખા દેશમાં ફરી રહી છે. આ મહિનામાં અમારી ટીમ સુરત શહેરમાં ૧૦મી તારીખે,બરોડા શહેરમાં – ૧૫મી તારીખે અને અમદાવાદ શહેરમાં ૨૮ મી તારીખે જશે. આપને આપના બાળક- એના ડાન્સના ટેલેન્ટ પર વિશ્વાસ હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હો તો વધારાની ડીટેઇલ્સ માટે આ સાથે આપેલ મોબાઇલ નંબર પર કોન્ટેકટ કરી લેવો.’

રેખાબેનની આંગળીઓ તરત સળવળી ને મોબાઇલ પરથી ડીટેઇલસ ભેગી કરવા લાગ્યા..

‘હ્મ્મ..ફોરમ કન્ટ્રી કલબ..શનિવારના સવારના દસ વાગ્યે પહોચી જવાનું રહેશે એમ ને..આવો મોકો ના જ ચૂકાય..આ તો ‘ઘર બેઠા ગંગા’ જેવું થયું .’

શનિવારના સવારના આઠ વાગ્યામાં જ સુમયને દૂધનાસ્તો કરાવીને , થોડા ફ્રુટસ અને ટીફીનમાં લંચ પેક કરીને પહોંચી ગયા એ તો ફોરમ ક્લબમાં..

સુમય સારો પરફોર્મર તો હતો જ, વળી આટલા સમયના ડાન્સ ટીચરના ગાઈડન્સના લીધે સારો એવો પોલિશ થઈ ગયેલો. એટ્લે એને સિલેક્ટ થવામાં કંઇ ખાસ તકલીફ ના પડી.

પછી વારો આવ્યો ૪૦ માંથી ૨૫ અને ૨૫ માંથી છેલ્લે ૧૫ હરીફોનું સિલેક્શન. સુમય એ બધા ય અભિમન્યુના કોઠા આરામથી વીંધી ગયો.

એ પછી ચાલુ થયો અઠવાડીક સ્પર્ધાનો..એસ. એમ. એસ દ્વારા પબ્લીક વોટીંગનો સિલસિલો..

દર અઠવાડીયે રીઝલ્ટના દિવસે રેખાબેન અને પ્રદીપભાઈનું પ્રેશર હાઇ થઈ જતું જે ‘ સુમય સેફ છે’ જાણીને માંડ ઠેકાણે આવતું.

એક પછી એક મળતી જતી સતત સફળતાએ સુમય ના આત્મવિશ્વાસના લેવલમાં ભરપૂર વધારો કર્યો..રોજ રોજ જજગુરુઓની પ્રોત્સાહન આપનારી કોમેન્ટ્સ – ટીપ્સ,ખોબલે ખોબલા વ્હાલ સાથે અઢળક પબ્લિક વોટીંગ અને ફોન કોલ્સ પર મળતા ચાહકોના ઢગલો’ક રીસ્પોન્સ..લખલૂટ પ્રશંસા..આ બધું સુમયના નાનકડા અને અપરિપકવ બાળમાનસ પર છવાતું ગયું ..છેલ્લે જયારે સ્પર્ધામાં એ પહેલા નંબરે વિજેતા ઘોષિત થયો ત્યારે તો એ હવામાં જ ઉડવા માંડ્યો..પોતાને પરગ્રહવાસી જ સમજવા લાગ્યો.

‘નવી વહુ નવ દહાડા’

બે ચાર મહિના તો રેખાબેન-પ્રદીપભાઈ અને સુમયને મજા મજા રહી. સગા-સંબંધીઓ,પાડોશીઓ, સુમયના મિત્રો..સ્કુલના અધ્યાપકો..પીન્સીપાલ બધાયની વાહ વાહ…અભિનંદન..પાર્ટીઓ..ગિફટ્સ..ઝાકમઝોળ..અહાહા…ધીમે ધીમે ‘રાત ગઇ બાત ગઈ..’ હવે બધું જૂનું થતું ચાલ્યું..બધા આ વાતને ભૂલવા પણ માંડ્યા…ના ભૂલી શકાયું તો માત્ર એક સુમયથી.

છેલા છએક મહિનાથી સતત લાઈટ, કેમેરા ..એકશન..વાહ વાહ..બહોત ખૂબ..સુપરકીડના જયનાદ..આ બધાનો નશો હજુ તેના મગજમાંથી ઊતરતો નહતો.હજુ પોતે ‘સમથીંગ સ્પેશિયલ’ છે..જરા હટકે જ..!! પોતાનો સુવર્ણકાળ હવે આથમી ગયેલો એ કડવી વાસ્તવિકતા એનાથી નહોતી ખમાતી. એના માબાપે એને સમજાવવાની ..નોર્મલ, રુટીન લાઇફમાં સેટલ થવાની પારાવાર કોશિશો કરી પણ બધું ‘પાણા પર પાણી’ જેવું જ વિફળ. ધીરે ધીરે સુમય પોતાની વર્તણુકથી એ એના મિત્ર વર્તુળમાં અભિમાની ગણાવા લાગ્યો…બધા એનાથી દૂર થતા ચાલ્યા.

આ બધાના કારણે સુમયને હવે સ્કુલે જવાનું મન પણ નહોતું થતું.. ભણવામાંથી રસ ઉડી ગયો.. વળી ‘ડાન્સ કોમ્પીટીશન’ પત્યા પછી તો કોણ એની સામે જોવા નવરું.. ? આવા તો કેટલાંય સુમય આવ્યા અને ગયા..બાળરમતમાં વીતાવવાના સમયને નીચોવી નીચોવીને ડાન્સ કોમ્પીટીશનમાં રેડી દેનાર કોમ્પીટીશનનું નામ પણ લોકો ભૂલી ગયા તો એના વિજેતાને કોણ વળી યાદ રાખવાનું હતું..! સુમય…ના તો ઘરનો રહ્યો કે ના તો ઘાટનો…એક બાળપણ અકાળે જ મૂરઝાતું ચાલ્યું..બૂઢું થતું ચાલ્યું.

પસ્તાવાની ગંગામાં નહાતા મા-બાપ એ કરમાતા ફૂલને વ્હાલ, કાળજીના સિંચન કરતા ગયા અને પોતાના સંતાનના બાળપણ સાથે ચેડા કરીને પ્રસિધ્ધિના શિખરે બેસાડવાના ઓરતાને કોસતા ગયા. રહી રહીને એમને સમજાયું કે’ ‘મા – બાપે પોતાના સંતાનને એની સાચવવાની તાકાત જોઇને એને અનુરુપ સમયે યથાયોગ્ય વસ્તુઓ આપવી જોઇએ. ભલે ને એ પછી પ્રસિધ્ધિ કેમ ના હોય.સંતાનોને એમના સમયે જ મોટા થવા દો, ધૈર્ય અને અનુભવના ખાતર નાંખીને એ બાળપણને સમજદારીના ફૂલ આવવા દો પછી જુઓ..એની  સુગંધનો કોઇ બાનમાં નહી લઇ શકે. પણ વહેલા ચૂંટી લેવાતા ફૂલમાં સુગંધ શોધવાના ફાંફા મારવા એ તો સંતાનનું ભાવિ હોડમાં મૂકવા જેવી વાત છે.  બાળપણ માણવા માટે છે નહીં કે આ થોડા સમયની પ્રસિધ્ધિની આગમાં ઝોંકી દેવા માટે..આવી આગ છેવટે નકરા કાળાધબ ભવિષ્ય સિવાય કશું જ નથી આપી શકતી.

અનબીટેબલ :- સ્વીકાર કે સ્પષ્ટતા કરી લેવાથી ભૂલ પુનરાવર્તનના હક નથી મળી જતાં.

Advertisements

4 comments on “કાળું ધબ ભાવિ :

 1. સ્નેહાબહેન..

  સારો લેખ છે. સફળતા મળ્યા પછી જો તેને યોગ્ય દિશા ન મળે તો બાળક દિશા વિહિન થઈ ને કાળા ધબ ભાવી માં ભરાઈ પડે છે. તેની સામે કેટલાક તેવા ઉદાહરણો યે છે કે જેઓ સ્પર્ધા જીત્યા પછી એ યોગ્ય પરફોર્મ કરીને ટોચ પર રહ્યાં હોય અને સારી કારકીર્દી બનાવી હોય. જેમ કે પાર્થિવ ગોહીલ, ઐશ્વર્યા મજમુદાર વગેરે..

  ટુંકમાં પ્રત્યેક પ્રસંગ કે પળે કેવી રીતે વર્તવું તે માટે તો જેટલી આંતર સૂઝ અને સાચું માર્ગદર્શન હોય તેટલું સમજદારી પૂર્વક વર્તી શકાય છે અને વધારે પ્રગતિ અને વિકાસ થાય.

  અનબીટેબલ પણ સરસ કે – ભૂલ સ્વીકારવાથી કાઈ પુનરાવર્તનના હક નથી મળી જતાં. જો કે આપણાં દેશમાં ભુલની સજા યોગ્ય પ્રમાણમાં ન થતી હોઈને ભુલ કરનાર વિચારે છે કે સજા તો છે નહીં તો કર્યા કરો ભૂલ વારંવાર.

  Like

 2. ડાન્સ ઈન્ડીયા ડેન્સ જેવા કાર્યક્રમમાંથી સરસ સામજિક-મનોવૈજ્ઞાનિક માનવ સ્થિતિ વિશે કથની આપી,તમારા ઉદ્દેશમાં તમે સાચા છો.ગમ્યું.

  Like

 3. સમયને યોગ્ય સમયે સાચું માર્ગદર્શન મળું હોત તો તેની ગાડી ફરી પાટા પર ચડી ગઇ હોત. કુનળા છોદને જેમ વાળો તમ વળે.

  Like

 4. સાચી વાત છે. રીઆલીટી શો ની વાત કરીએ તો ઇન્ડીઅન આઇડલ ની પહેલી સીઝનના વીજેતા અભિજીત સાવંત ને બાદ કરતા પછી ની સીઝન મા કોણ સ્પર્ધા જીત્યુ તેના નામ કોઇ ને ખબર નહી હોય….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s