પ્રેમ : ત્યારે અને અત્યારે

આજના ‘દિવ્ય ભાસ્કર‘ માં મધુરિમા પૂર્તિમાં મારો ‘વેલેન્ટાઈન સ્પેશિયલ ‘  લેખ ..


દુનિયાના દરેક વ્યક્તિને  હંમેશા એવા એક પાત્રની જરુરીયાત નિર્વિવાદપણે રહી છે જે પૂરા  ધૈર્યપૂર્વક પોતાની એકે-એક વાત સાંભળે ,સારી રીતે સમજે.વળી એ પાત્ર વિજાતીય હોય તો સોનામાં સુગંધ ભળી. આવું કોઇ મળી જાય ત્યારે એના માટે દિલમાં આપોઆપ પ્રેમના પુષ્પો ખીલવા માંડે આ કોઇ જ નવાઇની વાત નથી ને પછી મનોમન મીઠી મૂંઝવણોની વણઝાર ઊભી થાયઃ ‘આ મારા મનમાં જે લાગણીઓ મહોરી રહી છે એની સુગંધ એ વ્યક્તિ સુધી કઇ રીતે પહોંચાડું..? એના મનમાં પણ મારા માટે આવી જ કૂંપળો ફૂટી રહી હશે કે પછી આ બધો મારા મનનો એક વ્હેમ જ હશે ?’ ક્યાંક વધુ નજીક જવાના ચક્કરમાં સાવ જ દૂર ના થઇ જવાય એવો છૂપો ભય પણ પાછો સતત મન પર એની છાયા પાથરતો રહે ..પોતાની વાત મનગમતા સાથીને કેવી રીતે, કયા સંજોગોમાં કહેવી એની ઊલઝનોમાં એ સતત અટવાતો રહે છે.

અંગ્રેજી કેલેન્ડરનો બીજો મહિનો, ફેબ્રુઆરી.. ૧૨ મહિનામાં આ માસ માટે કંઇક ખાસ જ જોગવાઇઓ છે. ઘણીવાર એમાં ૨૮ દિવસો આવે તો દર ચાર વર્ષે ‘લીપ ઇયરીયા’ ૨૯ દિવસ પણ આવે. વળી એની મધ્યમાં જ એક સદાબહાર, જુવાનીના અત્તરથી મઘમઘતો, લાગણીની ચાસણીમાં ડૂબાડેલો ૧૪મી ફેબ્રુઆરીનો સ્પેશિયલ દિવસ આવે જેને મીઠુ મધુરુ નામ અપાયું છે..’વેલેન્ટાઇન ડે’. વેલેન્ટાઇન ડે એટલે એક સીધા સાદા શબ્દોમાં કહીએ તો ‘મનગમતી યુવતી કે યુવાનને પોતાના મનની વાત કહી દેવાનો પર્વ..’

જે ક્રિયામાં ફુલ, કાર્ડ, ગિફટ્સ જેવી વસ્તુઓની મદદ લેવાય છે. જોકે આજકાલની સુપર-કૂલ અને સોશિયલ નેટવર્ક્સના જમાનાની મોર્ડન યુવા પેઢી  વર્ષોથી ચાલી આવતી ચોકલેટ્સ, જ્વેલરી , ટેડી બીયર્સ ,ફૂલો અને ચોકલેટના સ્થાને હવે સ્માર્ટફોન , આઇપોડ , ડિજિટલ કેમેરા અને લેપટોપ જેવા કૂલ ગેજેટ્સની ગિફ્ટને પ્રાધાન્ય આપી રહી છે. વળી મોબાઇલમાં પોતાના મનગમતા સોંગસ ડાઊનલોડ કરીને એ પોતાની વાત કહેવાનો પ્રયત્ન કરે છે. ઘણાં લોકો પોતાના મિત્રોને, મા બાપ ને તેમ જ પોતાના સંતાનોને પણ આવી ગિફ્ટસ આપીને પોતાના વેલેન્ટાઇન બનાવતા હોય છે.

વેલેન્ટાઇન દિવસ વિશે સાંભળવામાં આવ્યું છે કે, ‘લગભગ ૪૦૦ વર્ષ પહેલાં રોમમાં ‘વેલેન્ટાઇન’ નામના કેથલિક પાદરી થઇ ગયા હતા, જેમને ભગવાન ઇસુનો સાક્ષાત્કાર થયેલો. એમના જીવનમાં પ્રેમની રોશની ફેલાઇ ગઇ. જે પણ એમની નજીક આવતું એ અજવાસમાં નહાઇને પ્રેમમય બની જતું. એમના મૃત્યુ બાદ એમનો જન્મ ‘વેલેન્ટાઇન ડે’ તરીકે ઊજવવામાં આવે છે. ‘

વર્ષોથી ‘પ્રેમ’ પર ઢગલો કવિતાઓ, વાર્તાઓ લખાઇ ગઈ (કદાચ દરેક કવિનો જન્મ જ પ્રેમના વિષય સાથે થતો હશે), જાતજાતની અને ભાતભાતની વ્યાખ્યાઓ લખીને છેલ્લે બધાએ હાર માનીને સ્વીકારી લીધું કે ‘ભાઇ,આ પરેમ બરેમ એ કંઇ શબ્દોની સીમાઓમાં બંધાય એમાંનો નથી ..એટલે રહેવા દો.જેમ  છે એમ જ એને માણી લો, જેવો લાગે એવો જ સ્વીકારી લો’. વળી પાછો થોડો સમય થાય એટ્લે કોઇને ચળ ઉપડે અને ‘પરેમ’ નામના પ્રદેશ પર નવેસરના ખેડાણો ચાલુ થઇ જાય.આટઆટલી ખેડાતી રહેતી એ પ્રદેશની ધરતી તો પણ હજુ રહસ્યમય અને જાત જાતના અનુભવોના ખજાનાથી ભરપૂર જ મળે છે.

૧૯૪૦-૬૦ ની આસપાસની વાત કરીએ તો કોઇ છોકરાને કોઇ છોકરી પસંદ આવી જાય, વળી અંદરખાને એને ખબર હોય કે પેલી કન્યા પણ એને એટલો જ પસંદ કરે જ છે.પરંતુ વાત ‘કલીઅર’ તો કરવી પડે ને…!! એ સમયે તો એ બહુ અઘરું કામ.એકાદ દિવસ પ્રભુકૃપા થાય અને એ રુપાળી યૌવના એને રસ્તામાં કે ખેતરામાં જ ભટકાઈ જાય ને પછી ચાલુ થાય એક પ્રેમ કહાની..!! લીલીછમ હરિયાળી, ડાંગરોના ડુંડા..એની પાછળ પોતાનો લાલઘૂમ ચહેરો છુપાવતી કુંવારી છોકરી..એની એ રમતિયાળ અદાઓથી મંત્રમુગ્ધ થયેલો તલવારની ધાર જેવી મૂછો ધરાવતો તરવરીયો જુવાન..આંખોથી આંખો મળે..એકાદ બે ઇશારા થાય અને બસ.. શબ્દો કે કોઇ જ ભૌતિક ચીજવસ્તુઓની ધરાર અવગણના કરીને પ્રેમના ઇજનનો સ્વીકાર કરી લેવાય..’ઇશારો ઇશારો મેં દિલ લેને વાલે બતા યે હુન્નર તુને શીખા કહા સે…!!’ ના કોઇ પ્રશ્ન પૂછાય કે ના જવાબ બોલાય અને તોય આખી ય વાત એક્દમ ‘ક્લીઅર કટ’ સમજાઇ જાય,સ્વીકારાઈ જાય અને એક રાજા- એક રાણીની પ્રેમકહાણી ચાલુ.પછી વારો આવે મા બાપને સમજાવવાનો. જાતપાતના રિવાજો, જૂની પેઢીઓના વેર ઝેરની વાતોના..પોતાના લગ્નની બીજે ક્યાંય વાતચીત ચાલતી હોય તો ધીમા ધીમા સાદે એનો વિરોધ કરાય અને છેલ્લે…કાં તો છોકરો ને છોકરી ઝેર પીને આપઘાત કરી નાંખે કાં તો થૉડા ગવઢાઓ બાજીને સંભાળી લે ને થોડી ઉદારતા દાખવે તો એક બીજાને પરણાવી દે.કાં તો મા બાપ મક્ક્મ હોય ને પ્રેમીઓ થોડા ઢીલા પડે તો બેય ને જુદા જુદા ઠેકાણે પાડીને ‘લાકડે માંકડા’ વળગાડી દેવાય. પછી બધું ય ભૂલીને પ્રેમીજનો એ હાલતનો સ્વીકાર કરીને જીવનની પાટી પર નવેસરથી એક ડે એક માંડે.

* આ જમાનાના મા-બાપ શુધ્ધ આબોહવામાં શુધ્ધ દેશી ઘી ખાઇને, શારીરિક તાકાતથી એને પચાવી પણ જાણતા હતાં. માનસિક મનોબળ જબરદસ્ત.છોકરાંઓ એમના કહ્યાંમાં રહેતા હતા. એમને છોકરાઓના વિદ્રોહની ચિંતા બહુ નહોતી સતાવતી.

થોડા સમયકાળ પછી….

‘યાર પેલી ફટાકડી બહુ ગમે છે પણ ‘એને આઇ લવ યુ’ કેમનું કહેવું એ નથી સમજાતું..? કદાચ એનો ગુસ્સો જાય અને એની ગાળોનો તોપગાળો આપણી સામે ડામી દે તો સાલું ક્યાં જવું…?

પછી તો થોડી હિંમત કરીને યુવાન એ યુવતીને એક કાગળ લખે સાથે લાલ ગુલાબ અને હાર્ટ જેવી ડિઝાઇનો વાળા ‘આર્ચીઝ’ કે ‘હોલમાર્ક’ના કાર્ડ લઈ આવે અને હજુ હિંમતના છાંટા બચ્યા હોય તો  લાલ ગુલાબ અને આ બધી વસ્તુઓ લઈને ગમતી છોકરીની સામે અંદરથી થોડો થથરતો જઇને જાતે જ ઊભો રહે, હિંમત ના હોય તો એ છોકરીની ખાસ બહેનપણી કે પોતાના ખાસ મિત્રનો સહારો લઈને પેલા લેટર કે કાર્ડ અને ફૂલ બધું મનગમતી યુવતીને મોકલાવીને પોતે દૂર એક ઝાડની પાછળ ઊભો ઊભો એ યુવતીના ‘એક્સ્પ્રેશન’ જોયા કરે.

હવે પેલી છોકરી થોડી અવઢવમાં ફસાય..થોડો સમય માંગે…અને થોડા દિવસોમાં એની’હા’ કે’ના’ જણાવવાનો વાયદો કરે..કાં તો બે ચાર ગાળો દેતી’કને પેલું કાર્ડ, પત્ર ફાડી નાંખે ને ફૂલોને જમીન પર પટ્કી કાઢે..ઘણા નસીબદાર કેસમાં છોકરી શરમાઈને  ગુલાબ અને કાર્ડનો શરમાતા મુખે સ્વીકાર કરીને, આજુબાજુ નજર દોડાવીને પેલા ઝાડ પાછળના યુવાનને શોધી નાંખીને નજરથી એક મીઠો ઠપકો આપી દે કે, ‘તું જાતે કેમ ના આવ્યો આ બધું લઈને?’

પછી મા – બાપને સમજાવાય..મકકમતા આ સમયના પ્રેમીઓમાં ઠસોઠસ વર્તાતી હતી. મા-બાપ સમજે તો ઠીક નહીં તો ‘પરણું તો આને જ પરણું’, ‘અમે અમારી રીતે અમારું ફોડી લઇશું..’ અને બેય પ્રેમી પંખીડા વિદ્રોહની પાંખે ફરાર..ઘણી કહાનીઓ સફળ જાય અને ઘણી અધવચાળે જ હાંફીને દમ તોડી જાય.

* આ જમાનામાં પણ મા-બાપ મજબૂત તો હતાં જ, પણ  છોકરાઓ ભાગી જવાના કે રજીસ્ટર્ડ મેરેજીસની ઘટનાના ટેન્શન થોડા વત્તા અંશે સતાવતા હતાં

અત્યારે….

છોકરીઓ સાથે દોસ્તી કરવાની કેટલી સરળ.નેટ, સોશિયલ સર્વીસીસ તો આપણા જ બાપની ને..હવે ક્યાં પહેલાંની જેમ છોકરીઓ સાથે વાત કરવામાં પગ પાણી પાણી થાય..એની સામે ક્યાં બોલવાનું છે…જે બોલવું હોય એ મોબાઇલ કે ફેસબુક કે ઇમેઇલમાં મેસેજીસ કરીને લખી નાંખો..એ છોકરીના ફોટા અપલોડ કર્યા હોય ત્યાં થોડી સુંદર મજાની રોમાન્ટીક કવિતાઓની કોમેન્ટ્સ  લખી નાખો.( નેટ પર તો આવી કવિતાઓ અને મેસેજીસના ખડકલા છે..પતાસું ખાવા માટે મોઢું ખોલવાની પણ જરુર નહીં પેલો કવિ આવીને તમારી વોલ પર જાતે જ કવિતાઓ ચીપકાવી જાય..મતલબ કે મોઢું પણ ના ખોલો ને પતાસું ખોળામાં આવી જાય..જ્યારે મન થાય ત્યારે ખાઇ લેવાનું) હા, તો આ બધા કાર્યોથી છોકરી જલ્દીથી પટી જાય છે..એનું બીજું એક કારણ પણ કે આજ કાલ છોકરીઓ પણ સામેથી પટી જવા માટે તલપાપડ થતી હોય છે. કારણ..તો સિમ્પલ.અરે ..પેલીએ અત્યાર સુધીમાં ‘૭-૮’ બોય ફ્રેન્ડબદલી કાઢ્યા તો મારે તો હજી એ આંકડો ‘૪’ પર જ પહોચ્યો છે, આવી બેઇજજ્તી તો કેમની ચલાવી લેવાય? હા, જોકે સામે છોકરા પાસે કેવું વ્હીકલ છે, કયા બ્રાન્ડના જૂતા,ચશ્મા,ઘડિયાળ પહેરે છે કે કયા મૉડલનો મોબાઇલ છે એના પર એક ઝીણવટભર્યુ અવલોકન ચોકકસ કરી નખાય..  એ બધું ય જો પોતાના સ્ટેટસ પ્રમાણે, ગણત્રી પ્રમાણેનું હોય તો પછી ભલે ને છોકરો દેખાવે લલ્લુ જેવો લાગતો હોય ચાલે..અને એમની પ્રેમકહાણી ચાલુ.  આજકાલના ડર્ટીપિકચરો, હુકકા-  રેવ – ફાર્મહાઉસ પાર્ટીના કલ્ચરમાં મન કરતાં તનના ચળકાટને વધારે મહત્વ અપાય છે.(એમાં ને એમાં તો કોસ્મેટીક કંપનીઓ, જીમવાળાઓની લોટરી નીકળી ગઈ છે ને..!!). અમુક સંબંધો તો શરુ જ તનથી થાય છે..ભગવાન જાણે એ બધું મન સુધી ક્યારે પહોચતું હશે..? પ્રેમનું  ડિસેકશન કરી કરીને બિચારાને અધમૂઓ કરી કરીને પોતાની રીતે મારી મચડીને રો…જ નવી વ્યાખ્યાઓ બનાવવાની. રોજ નવા-નવા મતલબી, મનફાવતા અર્થઘટનો કરી દેવાના.

* આ સમયના મા-બાપ  ગ્લોબલ વોર્મિંગથી અધમૂઆ, મોંઘી મોંઘી ટયુશન ફી ભરીને બેવડ વળી ગયેલી કમરો વાળા અને બે છેડા ભેગા કરવાના પ્રયાસોમાં બે ય પક્ષ નોકરીયાત.. એથી બહારના પીઝા -બરગર – પંજાબી લંચ ડીનર ખાઇ ખાઇને, માનસિક ક્સરતોમાં નોંતરાતા ટેન્શનો , બેફામ મોટાપાને પહોંચી વળવા જીમના, યોગા ઇનસ્ટ્રકટરના ખરચા કરનારા..!! વળી ખાટલે મોટી ખોટ કે ‘સંતાનો કહ્યામાં જ ક્યાં.. આજે આ છોકરો તમારો ‘ભાવિ જમાઇ’ ને કાલે આ છોકરી તમારી ‘ભાવિ વહુ’ના સ્ટેટમેન્ટ સાંભળે, જાતને એ સંબંધોના ચોકઠામાં સેટ્ કરે, માંડ માંડ એ વહુ ને જમાઇના મોઢા યાદ રહે ત્યાં તો એ બધું બદલાઇ ગયું હોય..નવી ઘોડી નવો દાવ..બધું નવેસરથી ચાલુ.. એ બધું ભૂલી જાઓ હવે..હવેથી મને આ છોકરી કે છોકરો ગમે છે…!!!  (આ પેઢી એમના ‘બ્રાન્ડેડ જીન્સ’ કરતા એમના ભાવિ જીવનસાથી જલ્દી બદલી  કાઢે છે…!!)જૂની આંખે નવા કૌતુકો નિહાળતા મા બાપ પાસે થાકીને છેલ્લે એક જ વાક્ય કહેવાનુ બાકી રહે કે, ‘સારું ત્યારે…છોકરાઓ..કરો તમારી મનમાની જાઓ..બસ..થોડી સાવધાની રાખતા રહેજો હોંકે બીજુ તો વધારે શું કહીએ અમે .!!

* આમાં એક બીજા ટાઇપના મા-બાપ પણ ઊમેરી શકાય.

અમે અમારુ જીવન જીવીએ છીએ તમે તમારું જીવો..એમાં પતિને બીજી કોઇ સ્ત્રી સાથે અફેયર ચાલતું હોય તો પત્ની બીજા બે પુરુષોને એકસાથે પોતાની આંગળી પર નચાવતી હોય…અને એમના સંતાનો…’લીવ ઇન રીલેશનશીપ’ કાં તો ‘દોસ્તાના’  જેવા મુક્ત સંબંધોમાં બંધાયેલા હોય..(.!!! ) આદતથી મજબૂર આવા સ્ત્રી પુરૂષો પ્રેમને પણ ‘ટ્રાયલ’ માનવા લાંગ્યા છે. જો બધુ ઠીકઠાક ચાલ્યું તો ઠીક નહીં તો ‘તુ નહીં ઓર સહી..અને ઓર નહીં તો ઓર સહી..’ સંબંધો માત્ર સગવડીયા લેબલો જ લાગે.

હરી ફરીને વાત તો પ્રેમની જ ને, પૃથ્વી પરના સૌથી વધારે ચર્ચાતા વિજાતીય અદમ્ય આકર્ષણની જ સ્તો. મારા ભાઈ..!! ‘વેલેન્ટાઇન ડે’ આવે ને જાય. લાગણીનો પતંગ ચગાવી ચગાવીને તમને ઉશ્કેરીને ધંધો કરનારાઓ પછી તેમનો નફો ગણવામાં વ્યસ્ત થઈ જાય.પ્રેમના ઉભરા છેક ગળે આવી ગયા હોય એ થોડા હેઠા બેસે અને બઘું ય ઠેરનું ઠેર. પછી વાસ્તવિકતા મોં ફાડીને ઉભી રહે એમાં કંઈ નવું નથી. વ્યાપારી લોકોએ જાહેરાતો ઠોકી ઠોકીને આપણી આંખે ભૌતિકતાના ચશ્મા પહેરાવી પહેરાવીને આપણને પણ એમની નજરે જ જોતા કરી દીધા છે. એ દિવસે અપાતા ‘હીરા હે સદા કે લીયે’ ના હીરા કરતાં આજની ધમાલીયા જિન્દગીમાંથી ‘હીરા’ જેવો સમય ચોરીને એકબીજા જોડે ખુશીની પળો પસાર કરવી એ વધુ  મહત્વની એવી સમજણને બદલે ભેટ જેટલી મોટી અને કિંમતી એટલી બીજાને બતાવવાની મજા  વધુ અને સામેવાળાને આપણા માટે પ્રેમ પણ એટલો જ વધુ જેવી માંદલી માનસિકતા આપણા સમાજની સસ્કૃતિને ઊધઈની જેમ કોતરી રહી છે. સંબંધમાં વિશ્વાસ, વચનબધ્ધતા જેવા ઉમદા ગુણો વિક્સાવી સંબંધને લીલોછમ રાખવાના બદલે આપણે એને ભૌતિક ચીજવસ્તુઓના ખાતર અને છેતરપીંડીના પાણી પાઈને ઊછેરતા થઈ ગયાં છીએ. આજકાલ પ્રેમમાંથી પવિત્રતા,પ્રાર્થના,દિવ્યતા, અતૂટ સંબંધ, વિશ્વાસ જેવી લાગણીઓ ખોવાતી ચાલી છે અને  પાછલા બારણે ટાઈમપાસ,વાસના, મોજમજા જેવી હલ્કી માનસિકતાએ પગપેસારો કરી દીધો છે.

આપણને આકંઠ ચાહનાર વ્યક્તિને આપણી ‘પ્રાયોરીટીઝ’માં છેલ્લા ક્રમે બેસવાનો વારો આવે એ કેવી ક્રૂર અને દુઃખદ વાત છે.!!

-sneha h. patel.

http://www.divyabhaskar.co.in/article/MAG-samprat-sneha-patel-love-when-and-now-2857846.html

2 comments on “પ્રેમ : ત્યારે અને અત્યારે

  1. સ્નેહાબહેન..
    મધુરિમા માં આપનો લેખ પ્રસિદ્ધ થવા માટે ખૂબ ખૂબ અભિનંદન..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s