હું તારી સાથે છું..

ફૂલછાબ > નવરાશની પળ > ૮-૦૨-૨૦૧૨ નો લેખ 

તમને કહું છું કે ખિસ્સામાંથી સાંજ મઝાની કાઢો ,

ગમતા જણની, ગમતી ક્ષણની વાત મઝાની માંડો .

-અંકિત ત્રિવેદી

‘તું સમજતો કેમ નથી પણ.!!”

‘અરે મારે પક્ષે શું સમજવાનું છે એ તો ખબર પડે મને’

‘આ આખીય વાત તારી સામે ખુલ્લી ચત્તાપાટ પડી છે અને તું છે કે..’

“જો મૈત્રી..આમ તું શબ્દો, લાગણી આવી બધી વાતોમાં મને ના ઉલઝાવ,જે હોય એ  ક્લીઅર કહીને એકદમ શોર્ટમાં પતાવ…

ત્યાં તો સરળના ફોનની રીંગ વાગી.

‘એક મીનિટ..’

ફોન પર કોઇ ખડડૂસ પાર્ટી હતી, જેના કારણે સરળનું ૮ લાખનું પેમેન્ટ અટકેલું હતું. ખોટા ખોટા ખુલાસાઓ, વાયદાઓ.. વાતો કરતા કરતાં સરળ અકળાઈ ગયો. એક તો પાર્ટીએ આગળનું પેમેન્ટ આપ્યું નહોતું અને સામેથી માલ સમયસર સપ્લાય કેમ નથી કર્યો..? ની ફરિયાદો કરતો હતો. ‘ઉલ્ટા ચોર કોટવાળ કો ડાંટે’.

સરળનો અવાજ ધીમે ધીમે એના ધ્યાન બહાર જ તીવ્ર થતો ગયો.

મૈત્રી લાચાર થઈને સરળના ગુસ્સાના પારો ઊંચો ને ઊંચો જતો જોઇ રહી.હવે પોતાની તકલીફ કે પોતાની વાત સરળ જોડે કરવાની શક્ય  ક્યાં હતી..!!  સરળનો મૂડ તો બગડી ગયેલો.એક ઉંડો શ્વાસ લઇ ઉચ્છવાસમાં ઢગલો લાચારી કાઢી નાંખ્યા વગર એ કશું ના કરી શકી. દિલ મસોસીને રહી ગઇ.

વાતમાં એવું હતું કે,

મૈત્રીને એનો બોસ ઓફિસમાં નાની નાની વાતોમાં હેરાન કરતો હતો. એના કરાયેલા કામમાં કોઇને કોઇ મીનમેખ કાઢવાની એને ટેવ પડી ગયેલી. કારણ તો આખી ઓફિસમાં જાણીતું હતું કે સાહેબને મૈત્રીની જગ્યાએ પોતાની નવી નવી બનાવેલી ગર્લફ્રેન્ડને કામ પર રાખવી હતી. પણ સ્માર્ટ, વફાદાર, મિલનસાર અને મહેનતુ મૈત્રી કોઇ રીતે એના સકંજામાં આવતી નહોતી. મૈત્રી એની રમતોને પહોંચી તો વળતી હતી પણ આ બધું એની ખાસી એવી માનસિક, શારીરિક તાકાત નીચોવી લેતું હતું..આ બાબતે ઘણીવાર એણે સરળ જોડે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ સરળને તો આ વાત એકદમ સામાન્ય લાગતી. આવું બધું તો ચાલ્યા કરે..થોડું સહન કરી લેવાનું…આનો કોઇ રસ્તો નથી..આપણે કરી કરીને શું કરી શકવાના….!!?”

સ્વાભિમાની મૈત્રીને ખોટી વાતો સહન થતી નહી. વળી આપણે આપણી લડાઇ લડવી તો પડે જ ને..એમ સાવ કારણ વગર આટલા વર્ષો જૂની અને જેના પર ધરના અડધા ખર્ચાઓ ચાલતા હતા એ નોકરી છોડી દેવાની..!! પાડાના વાંકે પલાખીને ડામ.. આ ક્યાંનો ન્યાય.. ? જેવા વિચારો હેરાન કરી મૂકતાં. સરળના ઉલ્ટા જવાબો સાંભળીને એ અકળાઇ જતી. મનમાં ને મનમાં સમજતી હતી કે સરળની વાતો સાચી છે,પ્રેકટીકલ પણ છે. ગમે એટલું લડ્યા પછી પણ એનું આ બે માથાળા બોસની વાંકદેખી નિયત આગળ કશું નથી ચાલવાનું..એક દિવસ એણે નોકરી છોડવાનો વાતો આવશે જ.તો પછી એને શું ખૂટે છે..એને સરળ પાસેથી જોઈએ છે શું..? વિચારતાં વિચારતા એને ખ્યાલ આવ્યો કે એને સરળ પાસેથી કશું નથી જોઈતું, જોઇએ છે તો માત્ર એક સધિયારો, તું ચિંતા ના કર, હું તારી સાથે જ છું..આપણે બેય  ભેગા મળીને કોઇ પણ સ્થિતીને પહોંચી વળશું.સ્વાભિમાન ઘવાતું હોય તો ઠોકર માર આ નોકરીને..આના જેવી હજારો નોકરી મળી જશે..’

બસ.. વાત તો ફકત થોડા પ્રેમાળ- કાળજીભર્યા બે શબ્દોની જ હતી. પણ સરળને આ કોણ અને કેવી રીતે સમજાવે..?

 

અનબીટેબલ :- ‘તારે આમ કરવું જોઇએ – તેમ કરવું જોઇએ’ની શિખામણો કરતાં’ચાલ આપણે આમ કરીએ’ આવું કહે એ સાચો મિત્ર, હિતેચ્છુ.

5 comments on “હું તારી સાથે છું..

 1. સ્નેહાબહેન..

  નાની નાની સમસ્યા મોટું સ્વરુપ ધારણ કરી લેતી હોય છે. દરેક બાહ્ય મુશ્કેલી ના કારણો મનની અંદર ધરબાયેલા હોય છે. આપણે ત્યાં પહેલાં મોટા કુટુંબો હતા અથવા તો સખી સહેલીઓ કે સ્વજનો પાસે લોકો હૈયું ખાલી કરી નાખતાં એટલે મન પરથી બોજો હટી જતો અને લોકો ફરી પાછા સ્વસ્થ થઈ જતાં. હવે નાના નાના કુટુંબો અને કોઈને કોઈની વાત સાંભળવાની ફુરસદ નહીં એટલે મનોવૈજ્ઞાનિક તકલીફો વધતી જાય છે.

  સરળને તો કોણ સમજાવે?

  અમારા જીવનની સત્ય ઘટના કહું. આસ્થા થોડી મોટી થઈ એટલે કવિતા શાળામાં ભણાવવા જતી. ત્યાર બાદ હંસ:નો જન્મ થયો અને બે બાળકોની જવાબદારી, બા બધું ઘરે સંભાળે પણ તો યે પહોંચી ન વળાય. વળી શાળામાં યે જરુર ન હોય તો યે વધારે સમય રોકી રાખે. કવિતા અકળાતી જાય. મેં તેને પુછ્યું કે કેમ હમણાં ઉદાસ રહે છે? તો કહે કે જુઓને આ લોકો શાળા છુટ્યાં પછીએ બધા શિક્ષકોને અમસ્તે અમસ્તા એક કલાક મીટીંગ ને આયોજન અને તેવા બહાને રોકી રાખે છે અને ઘરે કેટલાં કામ હોય અને બે બાળકોને સાચવવા આ બધાને હવે પહોંચી નથી વળાતું.

  મેં કહ્યું કે જો – તને પ્રવૃત્તિ રહે તે માટે આ જોબ શરુ કરી હતી, વળી શીખવવાથી અને બાળકો સાથે રહેવાથી તાજા રહેવાય તેવો હેતું હતો. હવે બાળકોની જવાબદારી ને લીધે જો માનસીક બોજો વધતો હોય તો પછી સારું તો તે જ છે કે નોકરીમાંથી રાજી ખુશીથી છુટા થઈ જવું અને બાળકોના શિક્ષણ અને ઘડતર ઉપર વધારે ધ્યાન આપવું. બીજે મહીનેથી તેણે નોકરી છોડી દીધી. ત્યાર પછી તે વધારે ફ્રેશ રહેવા લાગી અને બાળકોની યે સારી માવજત કરી શકતી.

  આવી બધી વાર્તાઓ સમાજમાં બનતી ઘટનાઓના આધારે લખતી હોય છે અને આવી સમસ્યાઓ જેમ જેમ ચર્ચાય અને લોકો જેમ જેમ જુદી જુદી સમસ્યાને સમજતા થાય તેમ તેમ તેના ઉકેલની દીશાઓ પણ સુઝતી જાય.

  આપણે ત્યાં હજુએ લોકો મુક્ત રીતે પોતાના વિચારો જણાંવતા નથી કે તંદુરસ્ત વાર્તાલાપ કરતાં નથી.

  કેટલીએ જગ્યાએ જોઉ છું તો લોકો મુખ્ય પોસ્ટ કરતાં સાવ વિપરીત અને ઢંગધડા વગરની ચર્ચા કરતાં હોય છે. ઘણી વખત તો તેઓ લેખ નું હાર્દ સમજવાને બદલે બીજાને કેમ ઉતારી પાડવા તેવા પ્રયત્નોમાં લાગ્યાં હોય તેવું લાગે.

  તેમ છતાં જેમ જેમ સમય જતો જશે તેમ તેમ લોકો બ્લોગ અને જાહેર માધ્યમો દ્વારાએ વધુને વધુ શિક્ષિત થશે.

  બાકી તો ટેકનોલોજી બે-ધારી તલવાર છે. જો તેનો સારો ઉપયોગ કરીએ તો તે લાભકર્તા નીવડે અને અવળો ઉપયોગ કરીએ તો નુકશાનકારક.

  Like

 2. bahu j saras atulbhai…100% agree…thnx for sharing ur views

  thnx vivekbhai..and preeti..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s