તમને શું લાગ્યું …


રાતુચોળ નાક

નીતરતી આંખ

રુંવે રુંવે નાની ટેકરીઓ ઉગી નીકળી છે

હ્રદયના ધબકારા મંદ

મગજ હાથ પગ સુન્ન

.

.

.

.

.

.

.

.

.

.

.

તમને શું લાગ્યું આ કોઇ કવિતાની વાત છે…

સુસ…………ડ્ડ્ડ્ડ્ડ્ડ્ડ

અરે ભાઈ..આ તો આજકાલ ‘અમદાવાદ’ની મહેમાન કાતિલાના ઠંડીની વાત છે..આબુથી સ્પેશિયલ અહીં બે-ચાર દા’ડા રોકાવાનો નેક વિચાર લઇને આવી છે……અતિથી તુમ કબ જાઓગે..??સુસ…ડ્ડ્ડ્ડ્ડ્ડ્ડ્ડ્ડ્ડ્ડ્ડ

અરે..ટીસ્યુ ક્યાં ખોવાઈ ગયું….સુસ્સ….ડ્ડ્ડ..હાક…છી….

દૂરંદેશી


ભવિષ્ય સુધારવાની ઘેલછામાં દૂરંદેશીઓ ઘણીવાર એકદમ નજીકની  અને મહત્વની વાતો જોવાનું ચૂકી જાય છે.

સ્નેહા પટેલ.

હું તારી સાથે છું..


ફૂલછાબ > નવરાશની પળ > ૮-૦૨-૨૦૧૨ નો લેખ 

તમને કહું છું કે ખિસ્સામાંથી સાંજ મઝાની કાઢો ,

ગમતા જણની, ગમતી ક્ષણની વાત મઝાની માંડો .

-અંકિત ત્રિવેદી

‘તું સમજતો કેમ નથી પણ.!!”

‘અરે મારે પક્ષે શું સમજવાનું છે એ તો ખબર પડે મને’

‘આ આખીય વાત તારી સામે ખુલ્લી ચત્તાપાટ પડી છે અને તું છે કે..’

“જો મૈત્રી..આમ તું શબ્દો, લાગણી આવી બધી વાતોમાં મને ના ઉલઝાવ,જે હોય એ  ક્લીઅર કહીને એકદમ શોર્ટમાં પતાવ…

ત્યાં તો સરળના ફોનની રીંગ વાગી.

‘એક મીનિટ..’

ફોન પર કોઇ ખડડૂસ પાર્ટી હતી, જેના કારણે સરળનું ૮ લાખનું પેમેન્ટ અટકેલું હતું. ખોટા ખોટા ખુલાસાઓ, વાયદાઓ.. વાતો કરતા કરતાં સરળ અકળાઈ ગયો. એક તો પાર્ટીએ આગળનું પેમેન્ટ આપ્યું નહોતું અને સામેથી માલ સમયસર સપ્લાય કેમ નથી કર્યો..? ની ફરિયાદો કરતો હતો. ‘ઉલ્ટા ચોર કોટવાળ કો ડાંટે’.

સરળનો અવાજ ધીમે ધીમે એના ધ્યાન બહાર જ તીવ્ર થતો ગયો.

મૈત્રી લાચાર થઈને સરળના ગુસ્સાના પારો ઊંચો ને ઊંચો જતો જોઇ રહી.હવે પોતાની તકલીફ કે પોતાની વાત સરળ જોડે કરવાની શક્ય  ક્યાં હતી..!!  સરળનો મૂડ તો બગડી ગયેલો.એક ઉંડો શ્વાસ લઇ ઉચ્છવાસમાં ઢગલો લાચારી કાઢી નાંખ્યા વગર એ કશું ના કરી શકી. દિલ મસોસીને રહી ગઇ.

વાતમાં એવું હતું કે,

મૈત્રીને એનો બોસ ઓફિસમાં નાની નાની વાતોમાં હેરાન કરતો હતો. એના કરાયેલા કામમાં કોઇને કોઇ મીનમેખ કાઢવાની એને ટેવ પડી ગયેલી. કારણ તો આખી ઓફિસમાં જાણીતું હતું કે સાહેબને મૈત્રીની જગ્યાએ પોતાની નવી નવી બનાવેલી ગર્લફ્રેન્ડને કામ પર રાખવી હતી. પણ સ્માર્ટ, વફાદાર, મિલનસાર અને મહેનતુ મૈત્રી કોઇ રીતે એના સકંજામાં આવતી નહોતી. મૈત્રી એની રમતોને પહોંચી તો વળતી હતી પણ આ બધું એની ખાસી એવી માનસિક, શારીરિક તાકાત નીચોવી લેતું હતું..આ બાબતે ઘણીવાર એણે સરળ જોડે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ સરળને તો આ વાત એકદમ સામાન્ય લાગતી. આવું બધું તો ચાલ્યા કરે..થોડું સહન કરી લેવાનું…આનો કોઇ રસ્તો નથી..આપણે કરી કરીને શું કરી શકવાના….!!?”

સ્વાભિમાની મૈત્રીને ખોટી વાતો સહન થતી નહી. વળી આપણે આપણી લડાઇ લડવી તો પડે જ ને..એમ સાવ કારણ વગર આટલા વર્ષો જૂની અને જેના પર ધરના અડધા ખર્ચાઓ ચાલતા હતા એ નોકરી છોડી દેવાની..!! પાડાના વાંકે પલાખીને ડામ.. આ ક્યાંનો ન્યાય.. ? જેવા વિચારો હેરાન કરી મૂકતાં. સરળના ઉલ્ટા જવાબો સાંભળીને એ અકળાઇ જતી. મનમાં ને મનમાં સમજતી હતી કે સરળની વાતો સાચી છે,પ્રેકટીકલ પણ છે. ગમે એટલું લડ્યા પછી પણ એનું આ બે માથાળા બોસની વાંકદેખી નિયત આગળ કશું નથી ચાલવાનું..એક દિવસ એણે નોકરી છોડવાનો વાતો આવશે જ.તો પછી એને શું ખૂટે છે..એને સરળ પાસેથી જોઈએ છે શું..? વિચારતાં વિચારતા એને ખ્યાલ આવ્યો કે એને સરળ પાસેથી કશું નથી જોઈતું, જોઇએ છે તો માત્ર એક સધિયારો, તું ચિંતા ના કર, હું તારી સાથે જ છું..આપણે બેય  ભેગા મળીને કોઇ પણ સ્થિતીને પહોંચી વળશું.સ્વાભિમાન ઘવાતું હોય તો ઠોકર માર આ નોકરીને..આના જેવી હજારો નોકરી મળી જશે..’

બસ.. વાત તો ફકત થોડા પ્રેમાળ- કાળજીભર્યા બે શબ્દોની જ હતી. પણ સરળને આ કોણ અને કેવી રીતે સમજાવે..?

 

અનબીટેબલ :- ‘તારે આમ કરવું જોઇએ – તેમ કરવું જોઇએ’ની શિખામણો કરતાં’ચાલ આપણે આમ કરીએ’ આવું કહે એ સાચો મિત્ર, હિતેચ્છુ.