લાજુડીનો જવાબ

એક ગામડિયા વિજોગીનો પ્રેમપત્ર @અરવિંદ બારોટ.

********************************

મારી વાલી પત્ની લાજુડી,અમદાવાદ થી લીખીતન તારો એક વખત ના પતિ ના જે શી કષ્ણ.તું મજા માં હશ.ગોરબાપાએ થોડુક લખતા શીખવાડિયું ઈ આજ કામ લાગીયુ.આયખા નો પેલો ને શેલો કાગળ તને લખું સુ.ભગવાને આપડ ને નોખા પાડિયા એમ તો નો કેવાય.કારણ મારા રદિયા માં તારી માટે નું હેત ભગવાને જ ભરિયું સે ને..બબે વરહ થી તારું મારા માં મન નોતું. તું મનેગણતી જ નોતી.મેં ખમાય એટલું ખમે રાખીયુ પણ પસી નો રેવાણું ને ખીજ માં ને ખીજ માં તને નો કેવા ના વેણ કઈ દીધા ને તું રિહાઈ ગય.મેં તને બવ મનાવી પણ તું નો માની..તારે માનવું જ નોતું…હશે… આપડી લેણ દેણ ખૂટી.મેં પશી બવ વિશાર કરિયો ને ગામ મૂકી ને શેર માં આવતો રિયો.મને કાનજી મામાયે કીધું કે હું વયો ગયો પશી તું બવ રોઈ તી.ઈ મને નો ગમીયું. તું સુખે થી રેય એટલે તો મેં તને મારગ દીધો સે .મેં તને રાજી રાખવા થાય એટલું કરીયું..મને બધુય યાદ આવે સે.તે દી જો ને..મોરપીસ રંગ ની સાડી તને બવ ગમતી તી.મારી પાંહે પૈસા નોતા તે મેં મારી ઘડીયાલ વેશી ને તને સાડી અપાવી તી ને તું કેવી રાજી થઇ તી ..રાધેસર ના મેળામાં તું ખોવાઈ ગય તી ને પશી માંડ માંડ મળી તી તઇં કેવી રાજી થઇ તી …બસ… તું કાયમ એવી ને એવી જ રાજી રે.ભલે હું હોવ કે નો હોવ..મને ખબર સે તનેય મારા માથે થોડુક હેત તો સે પણ હું તને દીઠો ગમતો નથી.ને મને તારા વનાં કોઈ દીધું ગમતું નથી..ઈ યે લેણ દેણ ની વાત સે..ઠીક સે.હવે હું તને કોઈ દી મોઢું નઈ બતાવું.કાગળે ય નઈ લખું.તું તો મને ભૂલી જાશ પણ હું તને નઈ ભૂલું…કારણ…બીજું તો સુ કવ પણ……તું મને બવ વાલી સો….

લીખીતન તારો એક વખત નો —— મોહન.

મોટાભાઈ અરવિંદભાઈની આ હ્ર્દયવેધી પોસ્ટ જ્યારથી વાંચેલી ત્યારથી મગજમાં એ ‘લાજુડી’ના જવાબ વિશે વિચારોની આંધી ચાલુ થઇ ગયેલી. એ જવાબ લખે તો કેવો લખે..? બસ એ જ  ભાંજગડ મગજને કોતર્યા કરતી હતી. જોકે અરવિંદભાઈના ગામઠી-મીઠા શબ્દો, કસાયેલી કલમ, સંવેદનશીલતા, ઊંડી સમજણ,,આ બધો વૈભવ તો મારી પાસે કયાં..!! પણ બસ…સર્જનનું ભૂત ભરાયેલું..એટલે કોઇ જ મર્યાદા ના નડી. કલમને વહેવા દીધી અને આવું કંઇક લખાઇ ગયું.

લાજુડીનો જવાબ

*********

મારા ભવો ભવના ભરથાર,મોહન,તેં તો ગજબ કરી નાખ્યો,મારા વા’લા !ખોળિયું મૂકીને જીવ જાય એમ તું મને મૂકીને હાલી નીકળ્યો!સો ટચના સોના જેવા તારા ભોળપણ પાછળ ગાંડી થઈને મોટા જમીનદાર બાપનું ઘર છોડીને હાલી નીકળી’તી.ત્યારે મને ખબર નો’તી કે તારું ભોળપણ જ મારું વેરી થશે.મારો ગુનો એટલો કે હું થોડુક ભણેલી છું.અરે ગાંડા !જીવવા માટે હૈયાના સગપણ કામ લાગે,ભણતર નહિ.તારા હેતમાં તરબોળ થઈને હું ‘લજામણી’માંથી ‘લાજુડી’થઇ ગઈ.તારામાં ઓગળી ગઈ,પણ તે મારાથી જુદારો રાખ્યો.રોજ સવારે તું મને ઠાકોરજીના મંદિરે દર્શન કરવા લઇ જતો ‘ને હું રોજ કહેતી કે આ મુરલીધર મોહન કરતાં મને મારો આ મોહન વધારે છે.ઈ મોહન તો આખા જગતનો,જયારે તું તો મારા જ મનનો માણીગર !તારે નહી કોઈ રાધા, નહિ કોઈ ગોપી !તારે તો બસ,તારી લાજુડી….!તારી ભોળી આંખ્યુંમાં મને મારા સપનાની દુનિયા દેખાતી.પણ તેં તો મારી નાવડી મધ દરિયે ડુબાડી..!હવે મોરપીંછ રંગની સાડી પહેરીને મારે કોને દેખાડવી !કોના માટે શણગાર સજવા ! મારો સાચો શણગાર તો મને નોધારી મૂકી ને જતો રિયો.મોહન,શું કહું તને ?તારી પાયા વગરની શંકાએ આપણી લીલીછમ્મ વાડીને ઉજ્જડ કરી નાખી.સરપંચનો દીકરો શંકરિયો વારે વારે મારી પાસે કાગળ વંચાવવા આવતો એટલે તું વહેમાણો.અને ઈ શંકાના બીજને તેં મનમાં ને મનમાં ઉજેરીને મોટું કર્યું.તેં પોતે જ ધારી લીધું કે મને તારી પડી નથી.અરે ભલા’દમી હું તો તારો પડછાયો છું.તું છે તો હું છું.તારા વિના ની મારી દશા તો પાણી વગરની માછલી જેવી છે.હવે હું તને ક્યાં ગોતું ?આ કાગળ ક્યાં મોકલું ?અરેરે…આ કળજુગમાં માણસ પણ માંડ મળે છે,’ને હું અભાગણી સો ટચના સોના જેવો ભરથાર ખોઈ બેઠી.તારા ખોટા વહેમને કારણે આપણું જીવતર ઝેર થઇ ગયું.”આઈ લવ યુ..આઈ લવ યુ “કહેનારા ધુતારાના ટોળાં તો બહુ છે,પણ “તું મને બવ વા’લી છો”-એવું કહેનારો મારો ભોળિયો રાજા ક્યાં ?મારા મનનો મોહન ક્યાં ?મોહન…મોહન,તારી લાજુડીને છોડતાં તારો જીવ કેમ ચાલ્યો ? આ કાગળને હવામાં ઊડતો મૂકું છું.કાગળ તો તને મળે કે ન મળે,પણ મારા હૈયાના હીબકાં તો તને જરૂર સંભળાશે…

-જનમો જનમની તારી જ ..લાજુડી..

7 comments on “લાજુડીનો જવાબ

 1. super-duper reply by my friend jayendra ashra…

  amazing Dual Dialog Arvind Barot & Sneha H Patel…
  May I try the 3rd role of “Shankariyo”… Here…

  આલેલે… આ ઉડતો કાગળ તો આ રોયા વનટોળીયાએ મારી છાતી સરસો સોંટાડયો સે… એ ય તે જોગાનું જોગ…
  મુ તો મારી ભણેલી બેનડી પાહે કાગળું વાછાવવા આવતો … અને આ મોહના યે તો ભારે કરી… શંકા કરી ?…. અરે રે.. મારી લાજવંતી બેનડી નો હું વાંક-ગનો … ઝે વાંક તે મારોજ… મુ જ ના ગીયો નિહાળે .. નહિ તો મુ જ મારા કાગર-પત્તર વાસત … અને આ પારેવા ની જોડી આજ અખંડ હોતે … આ મુ કેમ કરી ને હમજાવું ઈમને… મને તો બાર ભવ નું પાપ લાગ્યું સે બાપલીયા… કેમ કરી ને સુટુ?…મારી કને તો ઇમનું હરખું હરાનામું ય નથ.. કે ઈમની પાહે પુગી જાવ … તો… હે!… ફેસ્બુકિયા ભાઈ-બેનું મારો આ હંદેશો જરા પૂગતો કરજો બાપલીયા… અને બસાવો એમનો આ ભવ… એય ને તમુને ઘણી ખમ્મા… ભગવાન હઉ હારાવાના કરે…
  — આપનોજ અભણ શંકરીયો

  Like

 2. સ્નેહાબહેન..

  લાજુડીનો લાજવાબ જવાબ વાંહીને ગળગળો થી ગયો..

  હવે કો’ક ઈ મોહનીયાને હંદેહો મોકલો બાપ કે આવીને ઈની લાજુડીને હંભાળી લીયે..

  Like

 3. ખુબ જ સરસ… વખાણ હાટુ મારી પાહે એકેય શબ્દ નથી. વાહ સ્નેહાબેન વાહ… બેય કાગળીયા બોવ જ સરસ છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s