બેજવાબદારી

today’s article in phulchhab paper > navrash ni pal :

એક મોકો મેં ગુમાવ્યો,કોઇને કહેશો નહીં,

હું મને ના ઓળખાયો,કોઇને કહેશો નહીં.

એક વેળા ઇશ્વરે પૂછયું તને શું જોઇએ,

માંગવામાં છેતરાયો,કોઇને કહેશો નહીં.

-ગૌરાંગ ઠાકર

સ્વાતીને જોવા માટે આજે એક છોકરો આવવાનો હતો. નામ હતું સર્જન. એ બારણાના બેલ પર ચાતક તરસે કાન ધરીને બેઠેલી.

‘ટીંગ ટોંગ..’

અને છોકરો અને એના મમ્મી પપ્પા એમના આંગણે.

સ્વાતીએ થોડીક નજર ત્રાંસી કરીને જોયું તો હૈયું એક ધબકારો ચૂકી ગયું.૬ ફૂટની આસપાસની ઊંચાઈ ધરાવતો સર્જન ગોરોચિટ્ટો છોકરો હતો. વળી એનું સ્નાયુબધ્ધ શરીર રેગ્યુઅલર જીમમાં જવાની ટેવ ધરાવતો હોવાની ચાડી ખાતું હતું.સ્વાતી તો પહેલી નજરના પહેલા પ્રેમમાં જ પડી ગઇ.

ચા-પાણીના વ્યવહાર પછી સર્જન અને સ્વાતી એક બીજા સાથે વાત કરી શકે એ બહાને વડીલો થોડા આઘા પાછા થયા.

થોડી વારની વાતચીત અને જીવનભરના સાથની પસંદગી..!! જો કે સ્વાતીએ તો એ સમયે જ હા પાડી દીધેલી. હવે બધું સર્જનની હા કે ના પર જ આધારીત હતું. પણ સર્જનનું મન કળાતું નહતું.આવી સુંદર, સંસ્કારી છોકરીમાં એને શું ખૂટયું ? એના મોઢા પર અવઢવ અને ચીડના લક્ષણો સ્પષ્ટપણે દેખાઇ આવતા હતાં.

એકાદ બે દિવસ રહીને એના મમ્મીએ ધીરેથી એ વાત વિશે પૂછતા સર્જને ઘસીને ના પાડી દીધી. કારણ..તો બસ એમ જ, કંઇ ખાસ નહીં. મન નહોતું માનતું અને માલતીબેન દિલ મસોસીને ઊભા રહી ગયા.

પણ પછી તો સર્જનની આ ‘ના’નો સિલસિલો લાંબો ચાલ્યો અને પાછળ કારણોના કોઇ જ સંતોષકારક જવાબો નહીં.

મધુભાઈ અને માલતીબેનને સમજાતું નહોતું કે એમનો એકનો એક લાડકવાયો આવું વર્તન કેમ કરે છે..ક્યાંક એને કોઇ કહી ના શકે એવી મૂંઝવણ કે તકલીફ તો નહી સતાવતી હોય ને..બાકી આવો હટ્ટો કટ્ટો..ઢગલો ગર્લફ્રેન્ડસ સાથે તંદુરસ્ત સંબંધ જાળવી શકનારો એમનો કલૈયાકુંવર જેવો દીકરો લગ્નના નામે આમ ભડકી કેમ ઉઠે છે..!!

જાતજાતની યુક્તિઓ કરી જોઇ પણ કોઇ જ કારગર ના નીવડી.

સામે પક્ષે સર્જન મનોમન મૂંઝાતો હતો. છાતીમાં નકારાત્મક વિચારોનો ડચૂરો બાઝતો હતો.

નાનપણથી એના માનસપટ ઉછરતા આવેલા ઢગલો’ક પ્રસંગો એના મગજમાં પર ભફાક દઇને અથડાતા હતા.

પેન્સિલને અણી કાઢતો હતો..વારંવાર બટકાતી પેન્સિલની અણી જોઇને મમ્મીનું ધૈર્ય બટકાઇ ગયું,’તું રહેવા દે, તારાથી કશું ય કામ બરાબર નહીં થાય.આમે તું સાવ બેજવાબદાર  છે.’

એની ઉંમરના બીજા બધા છોકરાઓ લગભગ ૫-૬ વર્ષની ઉંમરે જ સાઇકલ ચલાવતા શીખી ગયેલા.સર્જન થોડો ‘સ્લો લર્નર’. એને સાઇકલ શીખતા શીખતા લગભગ ૧૦ એક વર્ષના વહાણા વાઈ ગયા.એના પપ્પાને એ વાત એમના સ્ટેટસને ઝાંખપ પાડતી લાગી. અહમ ઘવાઈ ગયો,’સાવ ડોબો જ છે તું તો.જીંદગીમાં ક્યારેય કોઇ કામ સરખું નહીં કરી શકે, એકદમ બેજવાબદાર.’

ભણવામાં અવ્વલ નંબરનો સર્જન કોઇ પણ સ્પોર્ટસમાં આગળ પડતો નહતો. એકદમ એવરેજ પરફોર્મર.નેશનલ લેવલના ફૂટબોલ ચેમ્પિયન પપ્પા અને વોલીબોલની કપ્તાન મમ્મીને આ એમની પ્રેસ્ટીજ ખરાબ કરતો મોટો ઇસ્યુ લાગતો. એમનાથી આવો એવરેજ છોકરો સહેજ પણ ખમાતો નહી અને પાછા શબ્દો વહી જતા, ‘તું કશું નહી કરી શકે, રહેવા દે..સાવ જ બેજવાબદાર છોકરો છે તું..’

આવા અનેકો પ્રસંગોએ ભેટમાં મળેલ ‘બેજવાબદારી’ના ટાંકણાએ સર્જનના દિમાગમાં ઠોકી-ઠોકીને નકારાત્મક વિચારોથી, ભરેલી આત્મવિશ્વાસની ઊણપવાળી મૂર્તિનું સર્જન કરી દીધેલું. પોતાની જાતમાંથી પોતાનો વિસ્વાસ ગુમાવી બેઠેલો સર્જન આજે એ પણ નહતો સમજી શક્તો કે હકીકતમાં પોતાને  તકલીફ શું છે..!! મમ્મી પપ્પાને કેમનું સમજાવે કે કોઇ પણ છોકરીને જોતા જ પેલી બટકણી પેન્સિલો, સાઇકલ પરથી વારંવારની પછડાટ,મમ્મી પપ્પાની રાતી આંખો, ગુસ્સાળ મુખ બધુંય અરસ પરસ એકબીજામાં ભળી જાય છે,ઘૂઘવાયા કરે છે..છાતી મહી આશંકાના વાદળો ઘેરાયા કરે છે અને છેલ્લે એ જવાબદારી સ્વીકારવાની હિંમત હારી જાય છે.

અનબીટેબલઃ-જેને સાચો પ્રેમ કરતા હો એને  ક્યારેય ’ગિલ્ટ’ની લાગણીનો અનુભવ ના કરાવશો.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s