સંબંધની ગૂંચ


 phulchhab > Navrash ni pal > 25-01-2012.

સ્થાન છોડયું એટલે કંઈ ખાનદાની જાય ના,

લ્યો ચૂંટો, હું ફૂલ છું, છેવટ સુધી મ્હોર્યા કરું!

-ઓરછવલાલ શાહ ‘પારસ’

‘ચિંતન, ક્યાં છું ?’

‘ઘરમાં’

‘અરે યાર, થોડી વાર નીચે આવને, આપણી રોજની મુલાકાતના સ્થળે, થોડા ગપ્પાં બપ્પાં મારીશું. ચાલ જલ્દી કર ને આવી જા આપણા માનીતા પાનના ગલ્લે.’

ચિંતન બે મિનીટ તો મોબાઇલને કાન પરથી હટાવીને એના સ્ક્રીન પર બાધાની માફક તાકી જ રહ્યો. શું આ સાચે જ વિનીતનો જ ફોન હતો..!! એ જ વિનીત કે જેની સાથે કાલે જ એણે ગુસ્સામાં હાથ ઉપાડી દેવા જેવી છેલ્લી કક્ષાનું વર્તન કરેલું. ત્યાં તો મોબાઇલમાંથી નીકળતા ધીરા અવાજે એની એ વિચારતંદ્રાને ઝટકો આપ્યો.

‘હ્મ્મ..અ..અ…હા, આવ્યો વિનીત. બસ બે જ મિનીટ’. અને સ્વેટર ચડાવતો’કને ઝડપભેર એ દરવાજામાંથી બહાર નીકળી ગયો. પાછળ સાક્ષી, એની પત્ની વિસ્ફારીત નયને એને જોતી જ રહી ગઈ,’આને વળી શું થયું..કેમ કંઇ જ કહ્યા કર્યા વગર સાવ આમ ચાલતી પકડી…!!’

ચિંતન ફટાફટ નીચે ઉતરીને લિફ્ટમાંથી બહાર નીકળ્યો.એના પગ સોસાયટીની બહારના પાનના ગલ્લાં તરફ વળતાં જ એના કાને પંચોલી,વિનીતના ખાસ મિત્રનો અવાજ અથડાયો અને એ અટકી ગયો.

‘વિનીત, તું પણ ખરો છે હોંકે, સાવ આવું વર્તન થોડું ચલાવી લેવાય’કે..તું લખી રાખ જેના પર લખવું હોય એની પર કે આજે આ ચિંતનીયાને માફ કરીને સંબંધને થીંગડા મારીને ચલાવીશ તો એને વારંવાર આવી ટેવ પડી જશે અને તારા ભાગે વારંવારના આવા અપમાનો..થપ્પ્ડો જ આવશે..સમજ વાતને જરા’

‘પંચોલી, જો ચિંતનને આજકાલ ઓફિસમાં બહુ જ ટેન્શન ચાલે છે. કદાચ એની નોકરી જતી રહે એવી અફવાઓ પણ મારા કાને પડી છે. વળી એની પત્નીની તબિયત પણ નરમ ગરમ રહે છે. આખો દિવસ એના દવાઓના ખર્ચા, એની છોકરી પણ હવે એના હાથમાં નથી. ફેશનના નામે નકરા પૈસાના પાણી કરે છે અને સ્કુલમાં તો ક્યાં ભણવાનું એટલે એકસ્ટ્રા ટ્યુશન ક્લાસીસના ધરખમ ખર્ચાઓ. અધૂરામાં પૂરુ આજકાલ ચિંતનનો બનેવી એના ૩-૪ લાખની મૂડીનો દાવ કરી ગયો છે. વ્યાજ તો ઠીક પણ મૂડી પણ ગયા ખાતે જ સમજો. એવામાં મેં કાલે એની સાથે મારા એની જોડે બાકી નીકળતા લેણાની મજાક કરી તો એનું ભડકવું સ્વાભાવિક જ હતું ને…મને મારી ભૂલ સમજાય છે. વળી એ મારો લંગોટીયો મિત્ર છે. આમ થોડા હજારની રકમ કે એકાદ થપ્પડના કારણે આ દોસ્તી થોડી તોડી નંખાય..!!’

‘અરે પણ તેં તો મજાક કરેલીને વિનીત, ચિંતનને પણ એ વાત ખબર છે જ ને..એ તને ક્યાં નથી ઓળખતો’ પંચોલી બોલી ઉઠ્યો.

‘હા, મેં મજાક કરેલી. પંચોલી એક વાત મારી ગાંઠે બાંધી લે કે આપણે જેને પ્રેમ કરતાં હોઇએ, જેને પોતાના માનતા હોઇએ એમના ટેન્શનો દૂર કરવાને અસમર્થ હોઇએ તો બીજું કંઇ નહીં તો  આપણા વર્તનથી એમને ‘ગિલ્ટી ફીલ’ તો ના જ કરાવવા જોઇએ. સુખ ના આપી શકતા હોઇએ તો દુઃખમાં વધારો શું કામ કરવાનો..આનાથી વધુ તો  શું કહું હવે તને..?’

અને ચિંતન સ્તબ્ધ થઈને સોસાયટીના નાકે આવેલા બાંકડે જ બેસી પડ્યો. વિનીતનો સ્નેહ, સમજ, દોસ્તી એની આંખની કિનારી ભીની કરી ગયો.

અનબીટેબલ :- સંબંધની ગૂંચો બને એટલી વહેલી ઉકેલી નાંખવી સારી.

-સ્નેહા પટેલ