એને આગળ વધવું હતું
સૌથી આગળ
પણ આત્મવિકાસની અક્કલના તો વાંધા..!!
આજુબાજુ નજર દોડાવી
બહુ યે ફાંફા માર્યા
પણ કંઈ ના વળ્યું
કંઇ સમજાયું નહીં
કોઇ રસ્તો નહીં
બસ પછી તો
એક ઝનૂન ઉપડ્યું
પોતાનાથી આગળ હતા
બધાયને ધબાધબ ઢાળવા માંડ્યા
કોઇને વાણીથી
કોઇને રમતથી
કોઇને શસ્ત્રોથી…
એક જ વાક્ય મગજમાં
સો વાતની એક વાત
‘प्यार,इश्क ओर प्रगतिमें सब जायज’
અંતમાં..
બધીય ઢાળેલી લાશોના પગથિયા પર ચડીને
સફળતાની ટોચ પર જઇને બેઠો
હાશકારાનો એક શ્વાસ હેઠો બેઠો ના બેઠો
ને ત્યાં તો મગજ સૂન્ન..
આ શું..
પ્રગતિની ટોચ પર તો એ સાવ એકલો..
આજુ બાજુ દૂર દૂર સુધી નીરવ શાંતિ
એ એકલો જ બોલનારો ને એકલો જ સાંભળનારો..!!