જે છે એ છે
જે નથી એ નથી
જે છે એ ‘નથી’ નથી થઇ શકવાનું
જે નથી એ ‘છે’ નથી થઈ શકવાનું
જે છે એ ગમે છે
જે નથી એની ચિંતા નથી
મને કારણો કરતાં પરિણામો વધુ પસંદ છે.
-સ્નેહા પટેલ
phoolchaab >Navrash ni pal > today’s artical
તારા બોલાયેલા શબ્દો પાછળના
મ્રુગજળીયા ગુસ્સા કરતાં..
શબ્દોના આવરણ હેઠે સંતાયેલી,
તારી ના બોલી શકાયેલી
મબલખ લાગણી
મને વધારે સ્પર્શે છે.
‘ના…ના..ના…આવું તો ના જ ચલાવી લેવાય? આવી ખોટી વાત કઇ રીતે સહન થાય.!! બધે સારા દેખાવાનો, સારા વર્તનનો મેં કંઇ ઠેકો લઈ રાખ્યો છે, આખરે હું પણ એક માણસ છું ને..’
સ્પષ્ટીના મોઢામાંથી એક ૪૭ની રાઇફલ ઘણધણી ઊઠી.
સ્પષ્ટી એક બહુ જ લાગણીશીલ, નિખાલસ,પરગજુ સ્વભાવની સ્ત્રી. પણ એનામાં નામ પ્રમાણેના ‘સ્પષ્તવક્તા’નો ગુણ (અવગુણ..!!) બહુ જબરદસ્ત હતો. લાગણીશીલ સ્પ્ષ્ટી જલ્દી ગુસ્સે થઇ જતી. મનમાં કંઈ જ ના હોય પણ ગુસ્સો ભાન ભુલાવી દેતું અને એ પોતાના શબ્દો પરનો કાબૂ ખોઇ બેસતી.જોકે જેટલી જલ્દી એ ગુસ્સે થતી એટલી જ જલ્દી એમાંથી પાછી પણ નીકળી જતી. પણ એ બે મીનીટનો ગુસ્સો, એ શબ્દો..!! એની બધીયે સારપ આ એક અવગુણની નીચે અમાસના ચાંદની જેમ છુપાઇને રહી જતી. જેના કારણે હંમેશા એના ભાગે ‘તને બોલવાનું કંઇ ભાન નથી’નું વાક્ય નિર્વિવાદપણે આવતું.
આજે સવારે જ સ્પષ્ટીએ ત્રીજા માળેથી એની રસોડાની કાચની બારીમાંથી કચરો સીધો નીચે નાંખ્યો. જે જોઇને એના પતિ પારિજાતને નવાઇ લાગી. કારણ પૂછતાં સ્પષ્ટીએ કહ્યું કે ‘એમની બિલ્ડીંગમાં લગભગ દરેક જણ આ જ રીતનું વર્તન કરે છે. તો પોતે એકલાએ જ શું કામ ડાહ્યા ડાહ્યા રહેવાનું..’
‘અરે પણ એ લોકો એમની મતિ મુજબનું વર્તન કરે, તારે તારો સ્વભાવ છોડવાની કયાં જરુર એમાં? તું શું કામ એમના જેવી થાય છે..!! તું આમ કરે એ મને ના ગમે. હવેથી તું આમ નહીં કરે…!’ વાતને એક પૂર્ણવિરામ આપી દેવાના ઇરાદા સાથે જ પારિજાત ઊભો થવા જતો હતો ને સ્પષ્ટીના મોઢામાંથી ઉપર મુજબના વાક્યો નીકળ્યાં.
પારિજાત અકળાઇ ગયો.
‘તું સમજતી કેમ નથી.’
‘હું શું કામ સમજું..મારે એકલીએ જ શું કામ સમજવાનું…બોલાવો સોસાયટીની મીટીંગ અને લાવો આનો કોઇ ન્યાયપૂર્ણ અને કાયમી ફરજિયાતપણે પાલન કરવાનો ઊકેલ.પછી હું આવું કરો તો મને કહેજો. બાકી આવું તો…’
વાત થોડી લાંબી ખેંચાઈ અને છેલ્લે ‘તને બોલવાનું કંઇ જ ભાન નથી..બોલાયેલા શબ્દોના ઘાવ કદી રુઝાતા નથી તને આ વાત કેટલી વાર કહી પણ તું છે કે સુધરવાનું નામ જ નથી લેતી…તારી જોડે તો વાત કરવાનું જ બેકાર છે’ ના તીર છોડાયા અને સ્પષ્ટી આરપાર વીંધાઇ ગઈ.
વાત બહારની હતી, મામૂલી હતી પણ ધીમે પગલે ઝગડો ક્યારે ઘરમાં પ્રવેશીને પતિ-પત્નીના મૂડને બગાડીને જતો રહ્યો એનો ખ્યાલ બેમાંથી એકેય ને ના આવ્યો. છેલ્લે અકળાઇને પારિજાત ઓફિસે જવા નીકળી ગયો.
સ્પષ્ટીને ખબર ના પડી કે આ આખીય વાતમાં પોતે ક્યાં ખોટી હતી..!!!
બેયનો આખો દિવસ આમ જ ખરાબ વીત્યો.
————————–
સાંજે ઓફિસેથી ઘરે આવતાં રસ્તામાં ફ્લોરીસ્ટને જોઇને પારિજાત એ દુકાને સહેજ અટક્યો અને એના મોઢા પર એક મંદ હાસ્ય ફરકી ગયું
સ્પષ્ટીનો મૂડ આજે બહુ જ ખરાબ હતો. સવારથી કંઇ જ ખાધું નહોતું. ‘પોતાને બોલવાનું સહેજ પણ ભાન નથી,પોતે એ સ્વભાવ સુધારવાનો લાખ પ્રયત્ન કરે છે પણ કાયમ નિષ્ફળ જાય છે’ની પીડા એના હૈયાને બહુ કનડતી હતી.
પારિજાતને પંજાબી બહુ જ ભાવે એટલે એ સવારથી નાન અને પંજાબી સબ્જીની તૈયારીમાં પડેલી. એટ્લામાં મિક્સરની ઘરઘરાટી વચ્ચે ઘરનો ડોરબેલ રણકી ઉઠ્યો,
‘ટીંગટોગ..’
અને ઉતાવળે પગલે સ્પષ્ટી બારણા તરફ દોડી..હડફેટે આવી ગયેલા પાણીના ગ્લાસ પર એક નજર નાંખીને એને સીધો કરવાની દરકાર કર્યા વગર જ દરવાજો ખોલ્યો ને ઓહ..આ શું..સામે જ પારિજાત એના મનપસંદ ‘કાર્નિશન’ના ફુલોનો મસમોટો બુકે અને એની ફેવરીટ કેડબરી લઇને સસ્મિત વદને એની સામે હેતાળ નજરથી નિહાળતો હતો.
‘પારિ…મને માફ…’અને સ્પષ્ટીના આગળના શબ્દો એના હોઠ પર મૂકાઇ ગયેલી પારિજાતની હથેળી હેઠ્ળ દબાઇ ગયા.
બે મિનિટના પરપસ્પરના આ મૌન સંવાદોની કાળજીભરી આપલેની વાતોએ ઘરને એકદમ હળવું ફૂલ બનાવી દીધું.
‘સ્પષ્ટી, મને ખ્યાલ છે કે તારામાં નામ પ્રમાણે જ ગુણ છે. એક્દમ ‘સ્ટ્રેઈટ ફોરવર્ડ.’ પણ તારા દિલમાં કોઇ મેલ નથી એ વાત હું સમજુ છું. તારો નેચર તું ઇચ્છે છે છતાં બદલી નથી શકતી એ વાત હું દિલથી સ્વીકાર કરુ છું. એમ કંઇ કોઇની પર જોર-જબરદ્સ્તી ના થાય.આપણે બેય ભેગા મળીને ધીરે ધીરે એના પર કાબૂ મેળવવાના રસ્તા પણ શોધીશું. વળી થોડું વિચારતા તારી વાત પણ મને સાચી લાગી. અમે હવે પછીની મીટીંગમાં આ બાબતે ચર્ચા જરુરથી કરીશું. હવે મીટીંગનું શું રીઝલ્ટ આવશે એ તો મને નથી ખબર, પણ આવી વાત માટે મારે મારી પ્રેમાળ’સ્પષ્ટી’ જોડે નથી ઝગડવું એ વાત તો ચોક્કસ. કારણ મને ખ્યાલ છે કે,
‘ જે પોતાની વાત સ્પષ્ટપણે બોલી કાઢે એ ખરાબ હોય અને જે ચૂપ રહીને કામ કરે એ હંમેશા સારા જ હોય એવું માનવાની ભૂલ ક્યારેય ના કરાય.‘
અને સ્પષ્ટી પોતાને આટલું સારી રીત સમજી શકનારા,પોતે જેવી છે એવી સ્વીકારી શકનારા પતિના સ્નેહમાં ખોવાઇ ગઈ.
અનબીટેબલ :- સાચા માણસો ખોટું વર્તન સરળતાથી સહન નથી કરી શકતા.
સ્નેહા પટેલ