બસ એક મિનીટ


ફૂલછાબ > નવરાશની પળ કોલમ > ૧૧-૦૧-૨૦૧૨નો લેખ.

સાંજને આંગણ ઉદાસીના સૂરજ

આંખમાં પરછાઇઓ ઢળતી રહી.

આયખાના અંતની લઈને આરઝુ

એક મીણબત્તી પાછી બળતી રહી.

-અજ્ઞાત.

‘મમ્મી, જલ્દીથી મારું ટીફીન ભરી દે, આજે તો મારે કોલેજ  જવાનું મોડું મોડું થઈ ગયું છે’

‘હા દીકરા આવી, બસ એક મિનીટ. ખાવાનું ‘રેડી’ જ છે’

ત્યાં તો ટીનેજર દીકરી રાશીનું ફરમાન છૂટ્યું,

‘મમ્મી, મારી આ ટી-શર્ટ તો જો કેવી ચૂંથાયેલ છે..જરા ઇસ્ત્રી કરી આપને. હું ત્યાં સુધી ફટાફટ નહાઈ લઊ. આજે મારે જીમમાં જલ્દી પહોંચવાનું છે અને હા, મારી પેલી ‘પર્પલ સ્ટોન’વાળી ઇયરિંગ્સ પણ કાઢી રાખજે ને પ્લીઝ.’

‘ઓ.કે. આવી દીકરા..બસ એક જ મિનીટ, તું તારે સ્નાન કરી લે શાંતિથી.’

‘અરે રીવા, મારા મોજાં ક્યાં છે, જલ્દી શોધી આપ અને હા રુમમાં આવતા આવતા ઠંડા પાણીની એક બોટલ પણ લેતી આવજે ને.’

‘હા, બસ એક મિનીટ ..’

રીવાએ ટીફીન ડાઇનિંગ ટેબલ પર મૂકયું, ટી-શર્ટ ઇસ્ત્રીના ટેબલ પર મૂકીને ઇસ્ત્રીની સ્વીચ ચાલુ કરી રાખી, જેથી એ થોડી ગરમ થતી થાય અને ફીજમાંથી પાણીની બોટલ લઇને ફટાફટ પતિદેવ રુપેશને મોજા શોધી આપવા માટે બેડરુમમાં ગઈ

અડધો કલાક પછી બધા પોતપોતાના રસ્તે. ઘરમાં એક સૂનકાર વ્યાપી ગયો.

‘હાશ..!’

રીવા એક હાથમાં છાપું અને બીજા હાથમાં ચાનો કપ લઇને એની મનપસંદ ખુરશી પર બેઠી. હજુ તો ચાનો એક ઘૂંટ જ પીધો, પહેલાં પાને નજર ઠરી ના  ઠરી ત્યાં તો ફોનની ઘંટડી વાગી,

‘મમ્મી, હું મારી બે બહેનપણીઓને લઇને આવું છું. એ લોકો લંચ આપણી સાથે લેશે. તો પ્લીઝ ..તું સમજે છે ને…!!’

રીવા બે ઘડી તો સૂનમૂન..પણ તરત જ જાત પર કાબૂ મેળવીને બોલી,

‘અરે હા બેટા..ચોક્કસ..એમના મનપસંદ પરોઠા,સબ્જી અને પુલાવ કઢી તૈયાર જ હશે.આવી જા તું તારે’

છાપુ એક બાજુ અને એ ફટાફટ નહાવા ઊપડી,

હજુ તો બાથરુમમાં પગ મૂકે એ પહેલાં તો દરવાજાની ઘંટ્ડી વાગી. જોયું તો કામવાળી બાઇ આજે વહેલી આવી ગયેલી. એને આજે ક્યાંક વહેલું પહોચવાનું હતું એટલે એ રીવાનો સમય સાચવવા (!!) વહેલી આવી ગયેલી. ઘરમાં થોડી ઝાપટ ઝૂંપટ પતાવી સરખું કરી અને રીવા નહાવા ગઇ. ગીઝરમાંથી કાઢી રાખેલ પાણી ઠંડુ થઇ ચૂકેલું જે એના આજે તો મન ભરીને ગરમ પાણીએ નહાવાના ઇરાદાને પણ ઠંડા પાણીએ નવડાવી ગયું.જેમતેમ ફટાફટ ન્હાઇને એ રસોઈએ વળગી. ખૂટતી કરતી વસ્તુઓ નીચેથી ચોકીદારને બોલાવીને ૧૫રુપિયાની રોકડી લાંચ આપીને મંગાવી લીધી.

રાશી અને એની બહેનપણીઓને જમાડીને છેલ્લે ગેસ સાફ કરતા કરતાં રીવાની નજર ઘડિયાળ તરફ ગઈ અને યાદ આવ્યું કે દીકરો રવિન હવે આવતો જ હ્શે.. એના માટે થોડું ‘લેમન જ્યુસ’ બનાવી લઊં, બિચારો થાકેલો હશે.

હાશ..બધું પતાવીને એ બેઠી. માથું થોડું ભારે લાગતું હતું: ‘કદાચ એક શ્વાસે કામ કરવામાં આવ્યું એટલે.. હશે એ તો.’

ત્યાં તો એને એની બહેનપણી રોશની જોડે થયેલી વાત યાદ આવી’

‘રીવા હવે તો તારા સંતાનો મોટા થઈ ગયા છે, તું હવે થોડું તારા માટે જીવ, તારી તબિયત માટે થોડું યોગા, જીમ જોઇન કર.કંઇક મનગમતી પ્રવ્રુતિ માટે સમય ફાળવ. તું તો ખાસી સ્માર્ટ છે. તને તો કોઇ પણ જગ્યાએ પાંચ આકડાની નોકરી આરામથી મળી જાય..!!’

અને રીવા મનોમન હસી પડી. કેવી પાગલ જેવી વાતો કરતી હતી આ રોશની. આ જો, હું ઘરમાં ના હોવું તો આ ઘરમાં એક પત્તું પણ હાલે એવી હાલત છે કે…? કોઇને પોતાના કામ જાતે કરવાની ટેવ જ ક્યાં છે? વળી એમણે શું કામ કરવા જોઈએ.મને મજા આવે છે મારા પરિવાર માટે જીવવામાં, કામ કરવામાં, એમની નાની નાની જરુરિયાતો પૂરી કરવામાં..એમના સમય સાચવવામાં. મારા લીધે કેટલી શાંતિ અને નિયમીતતા છે એમની લાઇફમાં.. આનાથી વધારે મારે શું જોઈએ વળી!’

‘ઓહ..આ માથું કેમ આટલું ભારે લાગે છે.. આ કમર પણ બહુ તૂટે છે આજકાલ. થોડું કામ કરું ને થાકી જવાય છે.’

સાંજે ફેમિલી ડોકટરને મળવા ગયેલી રીવાને ડોકટરે ‘હાઇ પ્રેશર’ના નિદાન સાથે થોડા રીપોર્ટ્સ કઢાવવાના પણ કહ્યાં. જેના પરિણામમાં રીવાને કરોડરજ્જુના છેલ્લા મણકામાં જગ્યા પડતી હોવાથી થોડા સમય માટે  ‘ટોટલ બેડરેસ્ટ’ કરવાની ફરજ પડી.

બે દિવસ તો બધું સમૂસુતરું ચાલ્યું.બહારથી સરસ મજાના ટીફીન આવી  જતાં. રીવાને ‘આઇ લવ યુ, મીસ યુ, જલ્દી સાજી થઈ જા હવે, તારા વગર તો અમે સાવ પાંગળા જ થઈ જઈએ છીએ..’જેવા મતલબી અને મીઠા મીઠા શબ્દોની ચાસણીમાં ઝબકોળવામાં આવતી. પણ પછી બધા પાછા પોતપોતાના કામમાં બીઝી.

એક રસોઈયણ રાખી લીધી જે બે સમય આવીને રસોઇ કરી જતી.પણ રીવાની જોડે બેસનારું, વાત કરનારું,’બસ, એક મિનીટ’ વાળું…’ કોઇ જ નહીં. એનાથી માંડ માંડ ઊભા થવાતું. એના જમવાના, દવાના કે બારણે વાગી ઊઠતા બેલ વખતે દરવાજો ખોલવાની દિનભરની એકસરસાઇઝમાં કોઇનો જ સાથ નહીં.

બે ચાર દિવસ તો એણે જેમ તેમ કાઢ્યાં. પણ હવે એનાથી નહોતું પહોંચી વળાતું. રાતે જમતી વખતે એણે બધા આગળ પોતાની મનઃસ્થિતી રજૂ કરી અને થોડા દિવસ વારાફરતી પોતાનો સમય સાચવી લેવાની વિનવણી કરી.બધા એકબીજાનું મોઢું તાકવા લાગ્યાં, ગલ્લાં તલ્લાં કરીને ત્યાંથી છટકવા લાગ્યાં. રીવા માટે કોઇને પોતાની રુટીન લાઇફ ડીસ્ટર્બ નહોતી કરવી. હા પ્રેમ ભરપૂર હતો પણ એના માટે સંભાળ લેવાની તકેદારી લેવાની કોઇની કંઇ ખાસ ઇચ્છા નહોતી. છેલ્લે રુપેશે પણ ઓફિસના કામકાજ આગળ ધરીને પોતાની મજબૂરી પ્રદર્શિત કરી ત્યારે એ અકળાઇ ગઈ,

‘હું આખો દિવસ ‘બસ, એક મીનીટ’ કહીને તમારા બધા માટે ઊભા પગે હાજર રહું, તમારા કામકાજ શાંતિથી, નિયમીતપણે કરી શકો એ માટે તમારા ટાઇમટેબલ પ્રમાણે મારા સમયપત્રકો બનાવી બનાવીને જીવ્યા કરું.. અને તમે લોકો મારો આટલો સમય પણ ના સાચવી શકો ?’

‘મમ્મી, તું તારી મરજીથી અમારા કામ કરતી હતી. અમે તને કોઇ ફરજ નહોતી પાડી. વળી  દુનિયાની બધી મા પોતાના સંતાનો માટે આટલું તો કરે જ ને, એમાં તમે શું નવાઇ કરી.સોરી, અમને નહી ફાવે” રવિન બોલ્યો અને રાશીએ પણ લાચાર નજરથી જ પોતાના ભણવા અને જીમના સમયપત્રકોને બગાડીને રીવા માટે સમય કાઢી ના શકવાની મજબૂરી જાહેર કરી લીધી.

અને રીવા અવાચક થઈને વિચારતી રહી કે,

‘ હા, એમણે તો મને કોઇ દિવસ કોઇ કામ માટે કહ્યું નથી. આ તો પોતે જ પોતાની જાતને એ લોકો આટે સાવ ફાજલ રાખી હતી,’ઇઝીલી અવેઇલેબલ બનાવી દીધેલી. આમ જોવા જઇએ તો વાંક તો પોતાનો જ હતો ને..!!”

અનબીટેબલ :- દુનિયામાં સરળતાથી મળતી વસ્તુનું મૂલ્ય કાયમ ઓછું હોય છે.

http://www.janmabhoominewspapers.com/Admin/Data/Epapers/11_Jan/panch_01.pdf

-સ્નેહા પટેલ