Today’s articl in ‘fulchaab’ newspaper.
સદાકાળે હકીકત એ જ જોઈ,
નથી સ્વમાનની મર્યાદા કોઇ,
પછી જો માન તારું કેટલું,
જરા સત્કારથી આગળ વધી જા.
-મરીઝ
સુનીલ લેપટોપમાં ઓફિસનું બાકી રહી ગયેલું કામ કરતો હતો. કામ બહુ જ અગત્યનું અને અર્જન્ટ હોવાથી ફરજિયાતપણે ઘરે લાવવું પડેલું. આજે તો એણે જમવાનું પણ પોતાના બેડરુમમાં મંગાવીને, એક હાથે લેપટોપ પર કામ કરતા કરતા જ જેમ-તેમ કરીને પેટમાં નાંખેલું.
એકસેલના લંબચોરસ ખાનાઓમાં ગોઠવાયેલા આંકડાઓની માયાજાળમાં એ ગોળ ગોળ ફરતો હતો. કંઇક તો પ્રોબ્લેમ હતો પણ શું..? નહતું પકડાતું..!!
હવે લમણાંની નસો ખેંચાતી હતી..ફૂલતી જતી હતી. ત્યાં તો એના રુમના દરવાજે ટકોરા પડ્યાં.
‘કોણ..?”
‘દીકરા એ તો હું..’ વિભાબેન – સુનીલના મમ્મીએ અંદર પ્રવેશતા કહ્યું.
એક મિનીટ તો સુનીલને થયું કે મમ્મીને કહે કે અત્યારે મારી પાસે સમય નથી પ્લીઝ..કાલે વાત કરીએ તો..! પણ પછી થયું કે ના ના..પોતાની વિધવા મા પ્રત્યેની ફરજથી આમ હાથ થોડી ધોઈ શકાય ?
‘આવો આવો મમ્મી.’
‘આ જો ને દીકરા, આજે સવારે હાથમાં ચપ્પાની ધાર વાગી ગયેલી. એ વખતે તો હળદર દબાવી દીધેલી તો લોહી તરત બંધ થઈ ગયેલું.પણ અત્યારે પાછું ફરીથી વહેવા લાગ્યું છે. વૈશાલીને બતાવ્યું, પણ એણે કંઇ બહુ ધ્યાન ના આપ્યું. આમે ‘પારકી જણી’ જોડે હવે તો શું આશા રાખવાની ..!! પણ બહુ દુઃખે છે બેટા જરા જો ને’
સુનીલ બે મીનીટ તો બઘવાઇ ગયો. એને કંઇ સમજ ના પડી કે મમ્મીને શું કહેવું ?
ઘા સામાન્ય હતો. કંઈ ખાસ ચિંતા જેવું નહોતું. બે પળ ચૂપચાપ રહ્યાં પછી એણે ઉભા થઈને ડેટોલ લઈને ઘા સાફ કરીને એના પર રૂનું પૂમડું દબાવીને પાટો બાંધી દીધો. પોતાના દીકરાને પોતાની કેટલી બધી દરકાર છે જોઇને વિભાબેનને હૈયે ટાઢક વળી અને ‘જય શ્રી ક્રિશ્ના’ કહીનેસૂવા માટે જતા રહ્યાં.
પણ સમયકાળ દરમ્યાન સુનીલનું મગજ ખાસું છટકી ગયેલું.
આજકાલ મમ્મી નાની નાની વાતોને મોટું સ્વરુપ આપવામાં એકસપર્ટ થતા જતા હતાં. હવે આખો દિવસ વૈશાલી પણ એમનું કેટલું સાંભળે.. એના માથે ઓફિસ, ઘરના અને છોકરાઓના કામનો ઢગલો ખડકાયેલો રહેતો. એ બધાથી પરવારીને લોથપોથ વૈશાલી જોડે પોતાની સાથે વાત કરવાનો સમય પણ ક્યાં બચતો હતો..!
એણે મમ્મીને આ બધું સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ વિભાબેનને હવે લોકોની હમદર્દી ઉઘરાવવાની ટેવ પડવા લાગેલી.. એ પોતાની સમજણ પર તાળા મારીને બેસી ગયેલા. પોતે જે કરે છે એ બધું બરાબર છે. દીકરાએ, એના પરિવારે મારું ધ્યાન રાખવું જ પડે. મેં આખી જીન્દગી એમના માટે કાઢી તો હવે એમનો વારો મારું ઘડપણ સાચવવાનો. એના માટે એ રોજ રોજ જાતજાતના ત્રાગા કરતાં પણ થઈ ગયેલાં પણ આવા નાટકો કેટલા સમય સુધી ચાલી શકે? લોકો કેટલા સમય સુધી ઉલ્લુ બની શકે.
વિભાબેનના ‘અટેન્શન સીકીંગ’ના શોખના લીધે વધતા જતા ‘ઇમોશનલ ડ્રામાઓએ’ ઘરની બહાર પણ એમને અપ્રિય બનાવી મૂક્યા. એમને દૂરથી જોઇને જ લોકો વિચારતા, ‘પત્યું..આ હમણાં એમના દુઃખ દર્દના પોટલા ખોલીને રોદણાં રદવાનું ચાલુ કરી દેશે.!!” આમ ને આમ જ સગા-વ્હાલામાં એમનું મહત્વ દિનબદિન ધટવા લાગ્યું લોકોને વિભાબેન એક બોજરુપ લાગવા માંડ્યા. કોઇ પણ વાતમાં હવે કોઇ એમને પૂ્છ્તું નહોતું કે એ બોલે તો સાંભળવાની દરકાર પણ નહોતું કરતું.
આમ જ ધીરે ધીરે વિભાબેન પોતાની અણસમજ અને હમદર્દીના ઓવરડોઝ મેળવવાની લાલસાને કારણે તીવ્ર ડીપ્રેશનમાં ગરકાવ થતા ચાલ્યાં..
અનબીટેબલ :- ‘What is Poision?’
Lord buddha says : ‘everything excess in life is poison’.