‘બાય બાય -૨૦૧૧’.


આ ‘૨૦૧૧’ની સાલે કેટલું બધું આપ્યું છે મને..

અધધધ…!!

આ વર્ષને સાવ આમ જૂનું કેમનું કરી દઊં..?

કેટ-કેટલી યાદગાર ઘટનાઓ

લીલીછમ ક્ષણો

સોનેરી સંભારણા

યાદોના રુપેરી ચંદરવા

કંકુ ને અક્ષત લઇને વધાવેલી

એ નવી નવેલી ઘડીઓ

હવે એકદમ જ ઘરડી

પાનખર..!!

સાવ આમ તો

એને કેમની વિદાય આપી દઊં..!!

આ પળો

આવતા વર્ષે પાછી ગળે મળશે કે..?

મારા આંગણે ખુશીઓની રેલમછેલનું ‘રીપીટ ટેલીકાસ્ટ’ થશે કે..

પળો વચન આપી શક્તી હોત તો જોઇતું’તું જ શું..

પણ વહેતા સમયને ક્યાં કદી બાનમાં રાખી શકાયો છે..

વળી એવા માલિકીહક મને શોભે કે..

કેટ કેટલી અવઢવ..

પણ સાવ આમ જ છેડો ફાડી દેવાનો.

આ…વ…જો કહીને વિદાય જ કરી દેવાનું કે..!!

સાંભળ્યું છે કે ‘પરિવર્તન સંસારનો નિયમ છે.’

પરિવર્તનશીલ લોકો જ દુનિયાને વધુ ગમે

વધુ ડાહ્યાં લાગે..

ભૂતકાળને ભૂલો, ભવિષ્યની ચિંતા છોડો..વર્તમાનમાં જ જીવો..

૩૬૫ દિવસનો સંગાથ તો પત્યો હવે.

સારું ત્યારે…

આમે કંઇ તું મારી ‘આવજો’ની રાહ થોડી જોવાની છું..!!

એના કરતાં ‘સમય વર્તે સાવધાનવાળી’ કરી દઊં છું.

મન તો નથી થતું પણ તને આવજો કહી દઊં છું..

આવજે મારી વ્હાલુડી ‘૨૦૧૧ની સાલ’..!!

હા એક ભલામણપત્રની અરજી

મન થાય તો સહી કરજે…

આવનારી નવી-નવેલી ‘૨૦૧૨’ને

તારા અનુભવો, આશીર્વાદ વારસામાં આપતી જજે.

પછી તો હરિ ઇચ્છા બળવાન..

આમે મારો વ્હાલીડો અંતે

જે છે, જેવું છે એને ચાહતા પણ શીખવી જ દે છે..

‘બાય બાય -૨૦૧૧’.

સ્નેહા પટેલ

વિદ્વતા


જે વિદ્વતા તમારા વર્તનમાંથી છલકે એ જ ખરી, બાકી બધા તો નાહકના ઉધામા જ..

-સ્નેહા પટેલ

મૂર્ખા


સરળ માણસો આગળ પોતાની વિદ્વતા દર્શાવવાની કોશિશ કરનારા મૂર્ખા દેખાય છે.

-સ્નેહા પટેલ