કિનારાની ફેરબદલ


 ફૂલછાબમાં ‘નવરાશની પળ’નો લેખ

બીજી તરફ છે બધી વાતમાં હિસાબ-કિતાબ,

અહીં અમારા જીવનમાં કોઈ ગણિત નથી.

-મરીઝ

“આ રોજ રોજ નાહીને તારો ભીનો ટુવાલ પલંગ પર નાંખે છે, નેપકીનની જગ્યાએ ટોવેલથી હાથ લુછ્યા કરે છે- આખો દિવસ ટોવેલ થોડી ધોવા નંખાય..જે કામ માટે જે વસ્તુ હોય એનો ઉપયોગ કેમ એના માટે જ ના કરી શકાય ?  વળી જે વસ્તુ જ્યાંથી લે છે ત્યાં પાછી મૂકતો નથી, બાથરુમમાં પણ જ્યારે જોઇએ ત્યારે ભીનું ને ભીનું..નકરું ધૂળિયા પગલાંઓની છાપથી ભરેલું, છાપું વાંચતા-વાંચતા ચોકલેટો ખાઈને રેપર વળી પલંગ પર..તે આ આખો દિવસ મારે આ સાફ સફાઇનું કામ જ કર્યા કરવાનું ?  સામે તમે બાપ-દીકરા  આખો દિવસ એને ગંદુ કરવાની અવિરત પ્રક્રિયાઓ ચાલુ જ રાખો. થોડું સમજીને રહો, ઘરને ઘરની જેમ સમજો તો કેટલું સારું રહે ? ગમે તેટલી સાફસફાઈ કર્યા કરો  પણ  જ્યારે કોઇ વસ્તુની જરુર હોય ત્યારે એ હાથવગી હોય જ નહીં ને..”

ઋત્વીની તપેલી ખોપડી આજે જીભ પરનો કાબૂ ગુમાવી બેઠેલી. આજે એને થોડી શરદી અને ખાંસી જેવું હતું. રાંધવાનો જ મૂડ નહતો આવતો. એમાં આવું અસ્ત વયસ્ત ઘર. ઋત્વી ઘરની સફાઈ બાબતે બહુ જ ચોક્કસ.જોકે જ્યારે સમય ના ફાળવી શકે અને ઘર થોડું પણ વેરણ છેરણ રહે ત્યારે એ વધારે પડતી ચોકસાઇ એને આવા ડીપ્રેશનની ભેટ પણ આપી જતી.

હવે સામે પક્ષે રહેલો અભિજીત.. ઓફિસે જવાની ઉતાવળમાં મોબાઇલ, ગાડીની ચાવી, લેપટોપ,હાથરુમાલ, મોજા…બે હાથમા નકરી ઝંઝાળોની દુનિયા સમેટીને દોડાદોડ કરતો હતો અને એમાં ઋત્વીની આવી વાતો…!!

એનો પિત્તો ગયો અને એક્દમ જ એ બરાડી બેઠો,

‘અરે, કોક દિવસની વાત છે. આવું તો થઇ જાય….’

‘ના તું રોજ આમ જ બેદરકારીભર્યુ વર્તન કરે છે અભિ, ઘરને હોટલમાં કંઇક તો ફર્ક સમજ..’

‘ ઋતુ, રહેવા દે ને, હમણાં હું તારી ‘કેરલેસનેસ’ના આવા ઉદાહરણ બતાવવા બેસીશ તો તને પણ…જવા દે ને’અને બાકીના વાક્યો ધીમે ધીમે બબડાટના સ્વરુપે જ નીકળવા માંડ્યા. જેમાંથી અડધા ઋતુને સમજાયા અને અડધા ઉપરથી જ ગયા.

બે પળ માટે તો ઋત્વી એક્દમ  હતપ્રભ થઇ ગઈ.

‘અભિ, સાવ આમ કેમ વર્તે છે તુ ? મેં શું ખોટું કહ્યું? તું મને કહે કે ઘરમાં ક્યાં અસ્તવ્યસ્તતા છે?તું ખૂલીને વાત કરે તો મને કંઇક સમજ પડે ને?’

‘ઋત્વી વાત કરવાથી આગળ શું પરિણામ આવે છે એની તને પણ ખબર છે જ ને…આપણે નાની નાની વાતમાં ઝગડી પડીએ છીએ અને એકબીજાનો આખો દિવસ ખરાબ..જવા દે ને એના કરતાં.’

પણ ઋત્વીએ આજે જાણે પ્રણ લીધેલું ,

‘અભિ, તું જો વાત કરવાની તૈયારી સાથે આવે તો જ વાત થાય.’

‘મતલબ..?’

‘મતલબ એક્દમ સાફ છે. તને ઘરમાં ક્યાં શું ખૂંચે છે એ ખુલ્લા દિલે મને કહે તો મને  મારી એ ભુલ સુધારવાની સમજ પડે. બની શકે એ અસ્ત્વ્યસ્તતા પાછળ પ્રત્યક્ષપણે ના દેખાતી મારી કોઇ શારીરિક કે માનસિક મજબૂરીઓ પણ હોય. પણ જો તું  એ વાત સમજવાની તૈયારીરુપે મારી પાસે આવીશ તો જ એ તને સમજાશે. તારા મગજમાં આગળની ચર્ચાઓના પૂર્વગ્રહોના પોટલા લઈને જક્કી વલણ દાખવવાની તૈયારી સાથે આવીશ તો ‘તું તારી’ અને ‘હું મારી ‘વાત સાચીના છેડા પકડીને બેસી રહીશું.પરિણામે વાત જ્યાં હોય એના કરતા વધુ બગડીને ઉભી રહેશે.’

હવે અભિને સમજાયું કે હા..વાત આમ પણ હોઇ શકે..એની બાજુ ગયા વગર મને એની વાતનો ખ્યાલ કઈ રીતે આવે. આમ મારી રીતે એની મૂલવણી કરીને, એને  પકડીને ચાલવાનું જડ વલણ ધરાવતા માન્યતાઓના ઢગલાં ઊભા કર્યા કરવા એમાં સમજદારી તો ના જ કહેવાય.’

અને એણે હાથમાંથી બધું ય બાજુમાં મૂકીને ઋત્વીનો હાથ પકડીને  એની સમજવાના અને પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો.

વાતમાં કંઇ જ નહોતું. થોડું ઋત્વીએ તો થોડું અભિએ સામ સામે છેડે નિહાળવાનું અને એકબીજાની સ્થિતીને સમજવાનું હતું. બેય પક્ષે પૂરતો પ્રેમ હતો, સમજણ હતી, એકબીજાની સંભાળ લેવાની વૃતિ હતી,થોડું જતું કરવાની ઉદાત્ત ભાવના હતી, પછી તો ક્યાં કોઇ તકલીફ્ જ હતી..!!

અડધા કલાકમાં અભિ શાંતિના શ્વાસ સાથે અને ઋત્વી હલકા થયેલા મગજ સાથ પોત પોતાના કામે વળગ્યા.

અનબીટેબલ : –  એક બીજા પર દોષારોપણો હંમેશા સમય અને સંબંધો બગાડે છે.

સ્નેહા પટેલ