ફૂલછાબ દૈનિકમાં ‘નવરાશની પળ’કોલમ
રોજ કંઇક નવું શીખવી જાય છે જીન્દગી,
કેટલા અધૂરા સમજાવી જાય છે જીન્દગી.
આર્જવ…સરસ મજાનો નવજુવાનીયો, તાકાત અને જોશથી ભરપૂર. અદ્વિતીય શારિરીક તાકાતથી છલકતો આ છોકરડો બહુ જ મહેનતુ. ઘર, બહાર હંમેશા લોકોને મદદરુપ થતો રહેતો. લોકોનો માનીતો આર્જવ. એના આ સ્વભાવને કારણે લોકો એની પ્રસંશાના પુલ પર પુલ બાંધી દેતા.
ધીમે ધીમે આ પ્રસંશાનો નશો આર્જવના મનો-મસ્તિષ્ક પર છવાવા માંડ્યો.એ એને પચાવી ના શક્યો. કોઇ પણ વસ્તુનું અતિપણુ નિર્વિવાદપણે ખરાબ જ હોય છે. એવું જ કંઇક આર્જવ જોડે પણ થયું. પસંશાના ઢગલાએ એની સાલસતાને કયારે ભરડો લઈ લીધો અને ક્યારે ઓહિઆ કરી ગઈ એનો એને ખ્યાલ જ ના રહ્યો. એના મગજમાં ગુમાનનો પવન ભરાઈ ગયો.
લોકોને એની જરુર પડે છે પણ પોતાની શારિરીક અને માનસિક તાકાત એટલી બધી છે કે એને કોઇની ક્યારેય જરુર જ નથી પડતી. પોતે એ બધાથી બે વેંત ઊંચો છે, અલગ જ છે.એના સ્વભાવમાં થોડું તોછ્ડાપણું છલકાવા લાગ્યું. વિચારોનો પડછાયો વર્તનમાં ડોકાય જ ને. લોકો લાગણીભીના આર્જવના બદલે આવા અહંકારી આર્જવને ના સ્વીકારી શક્યાં. પરિણામ તો યુગોથી જે આવ્યું છે એ જ.. લોકો ધીમે ધીમે એનાથી દૂર થતા ચાલ્યાં, આર્જવ ધીમે ધીમે એકલો પડવા લાગ્યો.
આર્જવને ઢગલો શોખ હતાં. વળી માનસિક રીતે પણ એકદમ મજબૂત. એને આમ એકલા પડવાનું બહુ અઘરું ના પડયું. ‘આઈ ડોન્ટ કેર..’ લોકો જાય તેલ પીવા.જેને જરુર હશે એ આવશે મારી જોડે પાછા.. બાકી મને ક્યાં કોઇની પડી છે. પોતાની એક અલગ દુનિયામાં પોતાની એકલતા જોડે જીવવા લાગ્યો.
‘એકસરખા દિવસો કોઇનાય જાતા નથી…’
એક દિવસ ઓફિસેથી પાછા વળતાં એના સ્કુટરને એક ટ્રકવાળાએ પાછળથી ધકકો મારી દીધો અને એ હવામાં બે ફૂટ ઊંચો ફંગોળાયો. દ્રશ્ય નિહાળનારાના શ્વાસ તાળવે ચોંટી ગયા. ધ..ડા..મ..ફૂટપાથ પર પછડાયેલ આર્જવે આંખો ખોલી તો સીધો એની નજરે હોસ્પિટલની ધોળી ધોળી દિવાલો જ પડી.પોતાનું માથું જાણે કે ધડ પર જ નહોતું એવું લાગતું હતું, હાથ હલાવવાનો પ્રયત્ન કર્યો તો એ પણ સજ્જડ પ્લાસ્ટરમાં કેદ..ડાબો હાથ થોડો હલાવી શકાયો તો ચહેરા પર હાથ ફેરવ્યો.કપાળ પર હાથ જતા જ ‘આહ..’ એક હાયકારો નીકળી ગયો. જમીન પર સીધા માથે પછડાયો હોવાથી માથાના પાછળના ભાગે સારી એવી ઇજા થતી હતી. શરીરના જમણા ભાગમાં લકવા જેવી અસર હતી એમ ડૉકટરોની વાત પરથી એ જાણી શક્યો અને એક્દમ જ તૂટી ગયો. એના જેવો હટ્ટોકટ્ટો માણસ સાવ આમ પરવશ..!!
બધું જૂનું ભૂલીને મિત્રો એને મદદ કરવા લાગ્યાં.પણ એને એ સ્વીકારતા ક્ષોભ થતો. આખી જીંદગી મેં ક્યારેય કોઇની મદદ લીધી નથી તો હવે..આમ તો મારા સ્વાભિમાનને ઠેસ લાગે…કહી પણ ના શકાય અને સહી પણ ના શકાય. મનોમન મૂંઝવણની ચક્કીમાં પીસાતો આર્જવ માનસિક રીતે હતાશ થવા માંડયો. ગર્વ તો ક્યારનોય ચૂર ચૂર થઇ ગયેલો પણ મજબૂરી..!! પોતાના કામ પોતાના હાથે નહતો જ કરી શક્તો. હવે એને પોતાનાથી શારીરિક રીતે નબળા લોકોની હાલતનો પૂરો ખ્યાલ આવવા લાગ્યો હતો. એ લોકોની મજબૂરીને સમજવા લાગ્યો હતો. એના સ્વભાવમાં હવે નમ્રતા આવવા લાગી. એની સમજણ વિકસવા લાગી.લોકોને એની પાસેથી કશું ય નહોતું મળતું એમ છતાં એ હવે મિત્રોથી ઘેરાયેલો રહેવા લાગ્યો. એના વગર કહ્યે લોકો એના કામ ખુશી ખુશીથી કરવા લાગ્યાં.
લગભગ છ એક મહિનાની દોસ્તો અને પરિવારજનોની મદદથી લકવાની અસરમાંથી બહાર નીકળેલો આર્જવ હવે પોતાના અહંકારના કુંડાળામાંથી પણ બહાર નીકળી ગયો
અનબીટેબલ :- શારિરીક તાકાત અને અહંકાર એકબીજા સાથે અપ્રત્યક્ષ રીતે જોડાયેલા હોય છે.