ફૂલછાબ દૈનિકમાં’નવરાશની પળ’ કોલમ.
સત્ય ઘટનાઓ :
ઇલેક્ટ્રોનિક ડીવાઇસીસને Disconnect કરી દઊં,
લાવ, જિંદગીને જિંદગીથી re-connect કરી દઊં.
– અજય ઉપાધ્યાય.
અનુજ એક તેજસ્વી વિધાર્થી. હંમેશા ૮૫-૯૦ ટકાની આસપાસ માર્કસ મેળવતો. એને આજકાલ ફેસબુકનો જબરો ચસકો લાગેલો.સવારના ચા ના કપની ચુસ્કીઓની શરુઆતથી માંડીને કોમ્પ્યુટર ટેબલ પર જ જમવાની થાળી લઈને બેસી જતો. મા-બાપના સતત વિરોધ વચ્ચે પણ મિત્રો સાથે રાત -દિવસ ચેટીંગ ચાલુ ને ચાલુ જ. બારમા ધોરણ જેવું કેરિયરની પસંદગીનું મહત્વનું વર્ષ. મા બાપ ક્લાસીસ અને ટ્યુશનની કમરતોડ ફી ભરી ભરીને એને સારા શિક્ષણ આપવાના પ્રયત્નો કરે રાખતા હતાં. પણ આ ભાઈસાહેબ તો ફેસબુકની પિકચર-વીડિયો અપલોડ,લાઇક-ડીસલાઈક, કોમેન્ટ્સ કરવા અને ઉઘરાવવામાંથી નવરા પડે તો ભણે ને..એમાં ને એમાં અભ્યાસક્રમની કોઇ જ તૈયારી ના થઈ શકતાં એણે પરીક્ષા જ ના આપવાનો નિર્ણય લઈ લીધો. મા બાપે બહુ માથા પછાડ્યા પણ બધું પથ્થર પર પાણી.એક તેજસ્વી વર્ષ ફેસબુકની રામાયણમાં હોમાઈ ગયુ.
………….
સવારનો અગિયાર વાગ્યાનો સમય હતો. કોલેજના થોડાક લબરમૂછિયાઓ કોલેજ બંક કરીને મેકડોનાલ્ડમાં જઈને બેઠા.ખભેથી બેગને એક તરફ ફંગોળીને મેકડોનાલ્ડની લાલ ખુરશીમાં ફટાફટ જાતને સેટ કરી. એકાદ નજર સામેના મેનુબોર્ડ પર નાંખી અને એક ગરીબડા જેવા મિત્રને ઓર્ડર લઈ આવવાની જવાબદારી સોંપી. આ લોકો જમવા આવેલા કે શું કરવા..આટલી બધી ધાઇ ધાઈ કેમ હતી સમજાતું નહોતું..!! એટલામાં એક જણે પોતાનો આઇફોન કાઢ્યો..બીજાએ પોતાનું ટેબલેટ..ત્રીજાએ લેપટોપ..ચોથાએ કાનમાં આઇપોડના સ્પંજવાળા ઇયરપ્લગ ભરાવ્યાં. બધાં એકદમ જ બીઝી થઈ ગયા !! ‘હર એક ફ્રેન્ડ જરુરી હોતા હૈ..’ મોબાઈલવાળો ફ્રેન્ડ વળી ચેટીંગમાં એક છોકરી જોડે વાતો કરી રહેલો..પેલો આઇફોનવાળો કોઇ અંગ્રેજી ધૂન પર સાથળ પર હથેળીથી તાલ મિલાવી મિલાવીને ‘તાલ સે તાલ’ મિલા કરી રહયો હતો. બીજો એક છોકરો મોબાઈલમાં આ બધી હરકતોના ફોટા પાડીને ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરવા લાગ્યો…. ‘અત્યારે અમે મેકડોનાલ્ડમાં એન્જોય કરી રહ્યાં છીએ…I am lovin it..!!’ ત્યાં તો મોબાઇલ..લેપટોપ બધામાં નેટ પરના બીજા મિત્રોની લાઈક, કોમેન્ટ્સ આવવા લાગી. વળી એ કોમેન્ટ્સ લાઈક,વળતી કોમેન્ટ્સ ..મિત્રો જ મિત્રો..બધાંય બહુ જ નિષ્ઠાપૂર્વક પોતપોતાની ‘સોશિયલ નેટવર્કીંગ લાઇફ’ મેનેજ કરી રહેલા. ઓર્ડર લઇને આવેલો ગરીબડા છોકરા પાસે લેટેસ્ટ મોબાઈલ કે લેપટોપ કંઇ જ નહોતું એટલે એણે આજુ બાજુ નજર દોડાવતા ‘મિત્રોથી ઘેરાયેલ પણ એકલવાયો જીવ’નું દુઃખ અનુભવતા પોતાનું બરગર ખાવાનું ચાલુ કર્યું..
——————————–
હાઇ વે પર ફુલ સ્પીડમાં એક બાઇક જઈ રહ્યું હતું. એના પર એક કપલ બેઠેલું. છોકરો કાનમાં બ્લ્યુ ટુથ ભરાવીને પોતાની મિત્ર સાથે વાતો કરી રહેલો.પાછળ બેઠેલી એની ગર્લફ્રેન્ડ આ બધાથી અલિપ્ત થઈને એના ફ્રેન્ડ જોડે મોબાઈલ પર આરામથી મેસજમાં ચેટ કરી રહેલી. ત્યાં જ એક ટ્રકવાળો સામેથી ફુલસ્પીડમાં આવતાં બાઈકવાળો ગભરાઈ ગયો થોડો બેધ્યાન હોવાથી તરત બેલન્સ ગુમાવી દીધું અને પરિણામ જે આવી શકે એના કરતાં પણ વધુ કરુણ. છોકરો માથાની પાછળના ભાગે જોરદાર ચોટ લાગતા કોમામાં અને છોકરીના પગે, હાથે, પાંસળીમાં થઈને ટોટલ ૭ ફેક્ચર!!
——————————
મા-બાપ પોતાના બે સંતાનો જોડે દિવાળીમાં ૩-૪ દિવસનો પ્રોગ્રામ બનાવીને ફરવા નીકળ્યાં. માંડ માંડ તો સમય નીકળેલો આટ્લો.જેટલુ થાય એટલું એન્જોય કરી લેવું છે. પણ આ શું…ગાડીમાં એકબીજા જોડે વાત કરવાને બદલે દીકરી પોતાના મોબાઇલમાં મેસેજીસમાં બીઝી…દીકરો વીડીઓ ગેમ રમવામાં…એટલામાં પત્નીની બૂમો પડી..આ તો કંઇ રીતે ચાલે યાર…શું થયું પણ..? પતિદેવ ઉવાચ…અરે…મારા મોબાઈલમાં નેટ નથી ચાલતું.. આટલા બધા દિવસ તો નેટ..ફેસબુક..વગર કેવી રીતે ચલાવાય…તમે આનો કોઇ રસ્તો કાઢો..એવામાં પતિદેવે અચાનક બ્રેક મારવી પડી..બધાયના જીવ અધ્ધર..જોયું તો સામેથી એક છકડાવાળો ખભા અને કાનની વચ્ચે મોબાઇલનું રમકડું ભરાવીને વાતો કરતો કરતો લહેરથી છકડો ચલાવતો ચલાવતો એમની ગાડીને ઘસાઇને જ નીકળી ગયેલો અને એ વાતનું એને ધ્યાન પણ નહોતું. પતિદેવ સચેત ના હોત તો રામ નામ સત્ય જ…
—–
અનબીટેબલઃ માણસ માટે ટેકનોલોજી શોધાઈ છે કે ટેકનોલોજી માટે માણસ ઘડાયો છે એ જ નથી
સમજાતું કે કોણ કોના દિલોદિમાગ પર રાજ કરે છે..કોના બટન અને કંટ્રોલ કોના હાથમાં..!!!