જોડાણ


શારિરીક તાકાત અને અહંકાર એકબીજા સાથે અપ્રત્યક્ષ રીતે જોડાયેલા હોય છે.

સ્નેહા.

થોડું ચલાવી લીધું હોત તો.


આજના ફૂલછાબ દૈનિકમાં ‘નવરાશની પળ’ કોલમનો મારો લેખ

हर एक बात पे कहेते हो तुम, के ‘तु क्या है ?’

तुम्ही कहो के ये अंदाझे गुफ्तगु क्या है ?

जला है जिस्म जहां दिलभी जल गया होगा

कुरेदते हो जो अब राख, जुस्तजू क्या है ?

– મિર્ઝા ગાલિબ

ઘરના બારણેથી થાકેલા પાકેલા કામકાજી ડગલાં હજુ તો ઊંબરો ઓળંગે ત્યાં તો  સાસુમાએ છ મહેમાનોના આવવાની વાત  કરતા જ પૂજાની કમાન  છટકી.

‘આમ અચાનક તો આવા પ્રોગ્રામને કેમનું પહોચી વળાય? વળી આ તો રોજનું થયું. મમ્મીજી, આવા ‘ટાઇમપાસીયા’ મહેમાનો જમવા ટાણે જ આવી પહોચે અને તમે વળી એમને ‘જમીને જજો, જમીને જજો’નો આગ્રહ કર્યા કરો.આપણે એમને ત્યાં દિવાળીમાં એક દા’ડે જઈએ તો એક કપ ચા અને થોડા નાસ્તાથી પતાવી દે છે’.

પછી મનોમન થોડું બબડી લીધું , ‘બહુ થયું આજે તો હવે. મમ્મીજીનું આવું વર્તન તો કેમનું ચલાવી લેવાય? ના..ના..આજે રવિનને આવવા દે આ બબાલનો કાયમ માટે ફેંસલો લાવી જ દેવો છે. આ શું રોજ રોજની કચ કચ ને કકળાટ’

પૂજાના સાસુ તોરલબેન પણ એમના બેડરુમમાં પતિદેવ કૃષ્ણભાઈ સમક્ષ થોડાક ફેરફાર સાથે આ જ શબ્દો ઉચ્ચારી રહેલાં, જેનો મતલબ પણ સ્પષ્ટપણે પૂજા-એમની થોડી મનસ્વી પુત્રવધૂ જોડે હવે વધુ સમય રહેવા માટેની નારાજગી બતાવતા હતાં.

છેલ્લાં દસ વર્ષથી સાથે રહેતા કુટુંબમાં આજે આ વિખવાદની ડમરીઓ જરા વધારે જોરથી ફુંકાતી હતી. એના ચકરાવામાં સમસ્ત પરિવારજનો આવી ગયા. એ ડમરીઓનું જોર બે ઘર છૂટા પડવાની વાતના તારણ પર આવીનેજ ઓસર્યું.

————–

હાશ..મારું પોતાનું ઘર. મારા ઘરની હું એકલી રાણી.કોઇની રોકટોક નહીં મારા સમયે ઊઠીશ અને મારી રીતે કામકાજથી પરવારીશ. મારા સમયે હું ઘરની બહાર પણ જઈ શકીશ. મારી અનુકૂળતાએ મહેમાનોને બોલાવી શકીશ અને ના ફાવે એમ હોય તો કોઈની રજા લીધા વગર ના પણ પાડીને પ્રોગ્રામ પોસ્ટપોન્ડ પણ કરી શકીશ. વળી એમની સાથે કેટલા અને કયા પ્રમાણમાં સંબંધ રાખવા એના વિશે  પણ હવે હું જ મારી પોતાની વ્યવહારીક બુધ્ધિથી  નિર્ણય લઇશ.

આજે સાંજે શું બનાવીશું ને કાલના લંચમાં કઈ શાકભાજીની તૈયારી કરવાની જેવી કોઇ જ જાતની પૂછપરછની બારીએ નહીં ડોકાઈ રહેવાનું..આજે કઇ ચાદર પલંગ પર પાથરવીથી માંડીને ઘરના બગીચામાં કયા પ્લાન્ટસ નંખાવવા ત્યાં સુધીની બધીજ વાતોમાં હવે કોઇ જ કચકચ નહીં. મન ફાવે એમ જીવો..અહાહા…

પૂજા અને તોરલબેન બેયના થોડા મહિના તો આવા મુક્તિના નશામાં ચકચૂર વીત્યાં.

—-

આજે તોરલબેનને થોડો તાવ આવતો હતો. રસોઈણબાઇ રાખેલી પણ એનો બાબો આજે બીમાર હતો તો એ પણ રજા પર.વળી પતિ કૃષ્ણભાઈને આંખે મોતિયો..તે અડધું પડધુ દેખાતું પણ્ નહોતું.  તોરલબેન માંડ માંડ ઊભા થયા અને જેમ-તેમ કરીને ખીચડી બનાવીને છાશ સાથે પેટમાં નાંખી.ખાસ કંઇ ખવાયું નહીં. જેમ તેમ કરીને લૂસલૂસ ખાઈ લીધું. દવાઓ ગરમ પડતી હતી તો ખાવાનું પેટમાં ટકતું નહોતું. ઊલ્ટીઓ પર ઊલ્ટીઓ ચાલુ થઈ ગઈ. છેલ્લે અશક્તિના કારણે એ બાથરુમના વોશબેઝિન આગળ જ પટકાઇ પડ્યાં ને રડી પડયાં…કાશ,એમણે વહુ,દીકરા જોડે ‘થોડું ચલાવી લેવાની’ વૃતિ રાખી હોત, થોડું નમ્યા હોત તો આજે આ દિવસ તો ના આવતને..હવે તો દીકરા -વહુને બોલાવીશું તો આવશે ને પાછા પણ જતા રહેશે..પણ રોજ  સહેજ નવરા પડતા આ ઘરને કાળું ધબ્બ અંધારુ જે ધેરી વળે છે એને નાથવાનો કોઇ કાયમી ક્યાં છે હવે..?

પૌત્રની નટખટ ટીનેજરી વાતો, મિત્રોથી અને વહુ ને દીકરાના રોજરોજના કામકાજી દિવસના ધમાલોના પ્રસંગોથી આ ઘર કેવું હર્યુ ભર્યુ હતું, પણ હવે…!!

ચેનલો ફેરવતા કૃષ્ણભાઈઃ

‘બળ્યું હવે આ ટીવી પર મનગમતા પ્રોગ્રામો જોઇ જોઇને પણ કેમના દા’ડા પસાર થાય…હવે તો કોઇ ‘આ’ નહીં ને ‘પેલી’ ચેનલ મૂકોની મગજમારી કરવાવાળું પણ ઘરમાં નથી. મનગમતા કાર્યક્રમો જોવાની પણ મજા નથી આવતી..આ બધું શું થઇ ગયું…!!’

———-

‘રવિન, આ દૂધવાળો આજે નથી આવ્યો ..જઈને જરા ડેરીએથી બે કોથળી દૂધ લઈ આવને. આ દૂધના ચકકરમાં પરીનને સ્કુલબસ છૂટી જશે ‘.

‘અરે પૂજા…પપ્પાને કહે ને કે…’  રવિને તરત જ જીભ કચડી અને ઊંઘરેટી આંખો મસળતો મસળતો ડેરીએ જવા ઉપડયો.

પરીનને સ્કુલે મોકલીને દંપતિ ચાના કપ સાથે ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા વાત કરતું હતું,

‘આ મહિને કેટલી કરકસર કરી પણ ખબર નહીં કેમ..કંઇ જ હાથમાં બચ્યું નહીં. બધું ય આ નવા ઘર, ગાડી અને ફ્રીજ, એલસીડી, વોશિંગ મશીનના હપ્તા, પરીનની સ્કુલફીમાં જ જતું રહ્યું. હજુ તો કામવાળીનો પગાર, ગેસનો બાટલો, મહિનાનું કરિયાણું તો બાકી..વળી પહેલાં દર બે-ત્રણ મહિને એકાદ નાની ટ્રીપની મજા માણી લેતા હતા, બે-ચાર નવા આવતા પિકચરો જોઇ લેતા હતા એ બધું તો હવે આવતા ૩-૪ વર્ષ સુધી તો સ્વપ્ન જ લાગે છે.  એક્દમ જીંદગીમાં જવાબદારીઓના પહાડ ખડકાઇ ગયા.

સસરા જોડે જીદ કરીને પરીનને આ મોંઘી દાટ ફીઓ ભરીને શહેરની સૌથી સારી સ્કુલમાં એડમીશન અપાવેલું..જો આમ જ બધું  ચાલતુ રહ્યું તો ક્દા્ચ એક દિવસ એને આ સ્કુલમાંથી ઊઠાડી લેવાનો વારો આવશે. આ મોંઘવારીના વધતા જતા ચકકરોમાં તો રોજ જાતને ચકકર આવી જાય છે..ક્યાં અટકશે આ બધું ?

સાથે રહેતાં હતાં તો પપ્પાની દૂરંદેશી સ્વભાવને કારણે એમણે કરેલી બચતો અને મમ્મીના ધીર શાંત સ્વભાવને કારણે આવી બધી માનસિક તકલીફોનો સામનો કરવાનો વારો ક્યારેય નથી આવ્યો.કાશ..થોડી સમજ અને ધીરજ રાખીને એમનું કચકચીયું વર્તન ‘થોડું ચલાવી લીધું ‘હોત તો.. ‘

એવામાં સામે ભીંતઘડિયાળે ૧૦ ના ડંકા વગાડ્યા અને પૂજાને યાદ આવ્યું કે હવે તો એની પાસે પોતાનું વ્હીકલ પણ નથી. ઓફિસે તો બસમાં જ જવાનું છે. જો આમ જ વાતો કરવા બેસી રહ્યાં તો તો..

અનબીટેબલ :- માનવી એના વર્તનના દરેક પરિણામ માટે પોતે જ જવાબદાર હોય છે.

સ્નેહા પટેલ – અક્ષિતારક