‘બાય બાય -૨૦૧૧’.


આ ‘૨૦૧૧’ની સાલે કેટલું બધું આપ્યું છે મને..

અધધધ…!!

આ વર્ષને સાવ આમ જૂનું કેમનું કરી દઊં..?

કેટ-કેટલી યાદગાર ઘટનાઓ

લીલીછમ ક્ષણો

સોનેરી સંભારણા

યાદોના રુપેરી ચંદરવા

કંકુ ને અક્ષત લઇને વધાવેલી

એ નવી નવેલી ઘડીઓ

હવે એકદમ જ ઘરડી

પાનખર..!!

સાવ આમ તો

એને કેમની વિદાય આપી દઊં..!!

આ પળો

આવતા વર્ષે પાછી ગળે મળશે કે..?

મારા આંગણે ખુશીઓની રેલમછેલનું ‘રીપીટ ટેલીકાસ્ટ’ થશે કે..

પળો વચન આપી શક્તી હોત તો જોઇતું’તું જ શું..

પણ વહેતા સમયને ક્યાં કદી બાનમાં રાખી શકાયો છે..

વળી એવા માલિકીહક મને શોભે કે..

કેટ કેટલી અવઢવ..

પણ સાવ આમ જ છેડો ફાડી દેવાનો.

આ…વ…જો કહીને વિદાય જ કરી દેવાનું કે..!!

સાંભળ્યું છે કે ‘પરિવર્તન સંસારનો નિયમ છે.’

પરિવર્તનશીલ લોકો જ દુનિયાને વધુ ગમે

વધુ ડાહ્યાં લાગે..

ભૂતકાળને ભૂલો, ભવિષ્યની ચિંતા છોડો..વર્તમાનમાં જ જીવો..

૩૬૫ દિવસનો સંગાથ તો પત્યો હવે.

સારું ત્યારે…

આમે કંઇ તું મારી ‘આવજો’ની રાહ થોડી જોવાની છું..!!

એના કરતાં ‘સમય વર્તે સાવધાનવાળી’ કરી દઊં છું.

મન તો નથી થતું પણ તને આવજો કહી દઊં છું..

આવજે મારી વ્હાલુડી ‘૨૦૧૧ની સાલ’..!!

હા એક ભલામણપત્રની અરજી

મન થાય તો સહી કરજે…

આવનારી નવી-નવેલી ‘૨૦૧૨’ને

તારા અનુભવો, આશીર્વાદ વારસામાં આપતી જજે.

પછી તો હરિ ઇચ્છા બળવાન..

આમે મારો વ્હાલીડો અંતે

જે છે, જેવું છે એને ચાહતા પણ શીખવી જ દે છે..

‘બાય બાય -૨૦૧૧’.

સ્નેહા પટેલ

વિદ્વતા


જે વિદ્વતા તમારા વર્તનમાંથી છલકે એ જ ખરી, બાકી બધા તો નાહકના ઉધામા જ..

-સ્નેહા પટેલ

મૂર્ખા


સરળ માણસો આગળ પોતાની વિદ્વતા દર્શાવવાની કોશિશ કરનારા મૂર્ખા દેખાય છે.

-સ્નેહા પટેલ

ભૂલ


‘જે નિહાળી નથી એવી દુનિયાનું અસ્તિત્વ જ નથી’ આવો વિચાર એક ભૂલ છે.

–    સ્નેહા પટેલ

સહન


સાચા માણસો ખોટું વર્તન સરળતાથી સહન નથી કરી શકતા.

સ્નેહા પટેલ.

 

કિનારાની ફેરબદલ


 ફૂલછાબમાં ‘નવરાશની પળ’નો લેખ

બીજી તરફ છે બધી વાતમાં હિસાબ-કિતાબ,

અહીં અમારા જીવનમાં કોઈ ગણિત નથી.

-મરીઝ

“આ રોજ રોજ નાહીને તારો ભીનો ટુવાલ પલંગ પર નાંખે છે, નેપકીનની જગ્યાએ ટોવેલથી હાથ લુછ્યા કરે છે- આખો દિવસ ટોવેલ થોડી ધોવા નંખાય..જે કામ માટે જે વસ્તુ હોય એનો ઉપયોગ કેમ એના માટે જ ના કરી શકાય ?  વળી જે વસ્તુ જ્યાંથી લે છે ત્યાં પાછી મૂકતો નથી, બાથરુમમાં પણ જ્યારે જોઇએ ત્યારે ભીનું ને ભીનું..નકરું ધૂળિયા પગલાંઓની છાપથી ભરેલું, છાપું વાંચતા-વાંચતા ચોકલેટો ખાઈને રેપર વળી પલંગ પર..તે આ આખો દિવસ મારે આ સાફ સફાઇનું કામ જ કર્યા કરવાનું ?  સામે તમે બાપ-દીકરા  આખો દિવસ એને ગંદુ કરવાની અવિરત પ્રક્રિયાઓ ચાલુ જ રાખો. થોડું સમજીને રહો, ઘરને ઘરની જેમ સમજો તો કેટલું સારું રહે ? ગમે તેટલી સાફસફાઈ કર્યા કરો  પણ  જ્યારે કોઇ વસ્તુની જરુર હોય ત્યારે એ હાથવગી હોય જ નહીં ને..”

ઋત્વીની તપેલી ખોપડી આજે જીભ પરનો કાબૂ ગુમાવી બેઠેલી. આજે એને થોડી શરદી અને ખાંસી જેવું હતું. રાંધવાનો જ મૂડ નહતો આવતો. એમાં આવું અસ્ત વયસ્ત ઘર. ઋત્વી ઘરની સફાઈ બાબતે બહુ જ ચોક્કસ.જોકે જ્યારે સમય ના ફાળવી શકે અને ઘર થોડું પણ વેરણ છેરણ રહે ત્યારે એ વધારે પડતી ચોકસાઇ એને આવા ડીપ્રેશનની ભેટ પણ આપી જતી.

હવે સામે પક્ષે રહેલો અભિજીત.. ઓફિસે જવાની ઉતાવળમાં મોબાઇલ, ગાડીની ચાવી, લેપટોપ,હાથરુમાલ, મોજા…બે હાથમા નકરી ઝંઝાળોની દુનિયા સમેટીને દોડાદોડ કરતો હતો અને એમાં ઋત્વીની આવી વાતો…!!

એનો પિત્તો ગયો અને એક્દમ જ એ બરાડી બેઠો,

‘અરે, કોક દિવસની વાત છે. આવું તો થઇ જાય….’

‘ના તું રોજ આમ જ બેદરકારીભર્યુ વર્તન કરે છે અભિ, ઘરને હોટલમાં કંઇક તો ફર્ક સમજ..’

‘ ઋતુ, રહેવા દે ને, હમણાં હું તારી ‘કેરલેસનેસ’ના આવા ઉદાહરણ બતાવવા બેસીશ તો તને પણ…જવા દે ને’અને બાકીના વાક્યો ધીમે ધીમે બબડાટના સ્વરુપે જ નીકળવા માંડ્યા. જેમાંથી અડધા ઋતુને સમજાયા અને અડધા ઉપરથી જ ગયા.

બે પળ માટે તો ઋત્વી એક્દમ  હતપ્રભ થઇ ગઈ.

‘અભિ, સાવ આમ કેમ વર્તે છે તુ ? મેં શું ખોટું કહ્યું? તું મને કહે કે ઘરમાં ક્યાં અસ્તવ્યસ્તતા છે?તું ખૂલીને વાત કરે તો મને કંઇક સમજ પડે ને?’

‘ઋત્વી વાત કરવાથી આગળ શું પરિણામ આવે છે એની તને પણ ખબર છે જ ને…આપણે નાની નાની વાતમાં ઝગડી પડીએ છીએ અને એકબીજાનો આખો દિવસ ખરાબ..જવા દે ને એના કરતાં.’

પણ ઋત્વીએ આજે જાણે પ્રણ લીધેલું ,

‘અભિ, તું જો વાત કરવાની તૈયારી સાથે આવે તો જ વાત થાય.’

‘મતલબ..?’

‘મતલબ એક્દમ સાફ છે. તને ઘરમાં ક્યાં શું ખૂંચે છે એ ખુલ્લા દિલે મને કહે તો મને  મારી એ ભુલ સુધારવાની સમજ પડે. બની શકે એ અસ્ત્વ્યસ્તતા પાછળ પ્રત્યક્ષપણે ના દેખાતી મારી કોઇ શારીરિક કે માનસિક મજબૂરીઓ પણ હોય. પણ જો તું  એ વાત સમજવાની તૈયારીરુપે મારી પાસે આવીશ તો જ એ તને સમજાશે. તારા મગજમાં આગળની ચર્ચાઓના પૂર્વગ્રહોના પોટલા લઈને જક્કી વલણ દાખવવાની તૈયારી સાથે આવીશ તો ‘તું તારી’ અને ‘હું મારી ‘વાત સાચીના છેડા પકડીને બેસી રહીશું.પરિણામે વાત જ્યાં હોય એના કરતા વધુ બગડીને ઉભી રહેશે.’

હવે અભિને સમજાયું કે હા..વાત આમ પણ હોઇ શકે..એની બાજુ ગયા વગર મને એની વાતનો ખ્યાલ કઈ રીતે આવે. આમ મારી રીતે એની મૂલવણી કરીને, એને  પકડીને ચાલવાનું જડ વલણ ધરાવતા માન્યતાઓના ઢગલાં ઊભા કર્યા કરવા એમાં સમજદારી તો ના જ કહેવાય.’

અને એણે હાથમાંથી બધું ય બાજુમાં મૂકીને ઋત્વીનો હાથ પકડીને  એની સમજવાના અને પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો.

વાતમાં કંઇ જ નહોતું. થોડું ઋત્વીએ તો થોડું અભિએ સામ સામે છેડે નિહાળવાનું અને એકબીજાની સ્થિતીને સમજવાનું હતું. બેય પક્ષે પૂરતો પ્રેમ હતો, સમજણ હતી, એકબીજાની સંભાળ લેવાની વૃતિ હતી,થોડું જતું કરવાની ઉદાત્ત ભાવના હતી, પછી તો ક્યાં કોઇ તકલીફ્ જ હતી..!!

અડધા કલાકમાં અભિ શાંતિના શ્વાસ સાથે અને ઋત્વી હલકા થયેલા મગજ સાથ પોત પોતાના કામે વળગ્યા.

અનબીટેબલ : –  એક બીજા પર દોષારોપણો હંમેશા સમય અને સંબંધો બગાડે છે.

સ્નેહા પટેલ

પ્રાર્થના


મારી હથેળી
તારો ચહેરો
મારા હોઠ
તારુ લલાટ
બસ…
આ જ મારી પ્રાર્થના.

સ્નેહા પટેલ.

અબોલ લાગણી


તને એમ છે કે
તું આખે આખો અકબંધ
રહસ્યમય
તારી પીડા તારા સુધી જ સીમિત
પણ ખરેખર એવું નથી
શબ્દોના આવરણો
લાગણી ક્યારેય ના ઢાંકી શકે.
તારા બોલાયેલા શબ્દો પાછળના
ગુસ્સા કરતાં
તારી ના બોલી શકાયેલી

લાગણી

મને

વધારે

સ્પર્શે

છે.

-સ્નેહા પટેલ.

અશ્રુ – તર્પણ…


આંખેથી ચશ્માં ઉતાર્યા

પાંપણની કિનારીઓને
અંગૂઠા અને તર્જનીની મદદથી
નાક જોડે દબાવી
નિચોવણી-કર્મ કર્યું.
કાચ પરની ઝાકળ સાફ કરી
આહ..
મનગમતા સંબંધને
મોંઘેરું
અશ્રુ – તર્પણ…

સ્નેહા પટેલ.

સરળતા


દરેક જગ્યાએ વધારે પડતી સમજદારી દાખવવાની જરુર નથી હોતી.સરળતા બહુ બધા પ્રશ્નોનું નિરાકરણ હોય છે.
-સ્નેહા

अहम ब्रह्मास्मि:


ફૂલછાબ દૈનિકમાં ‘નવરાશની પળ’કોલમ

રોજ કંઇક નવું શીખવી જાય છે જીન્દગી,

કેટલા અધૂરા સમજાવી જાય છે જીન્દગી.

આર્જવ…સરસ મજાનો નવજુવાનીયો, તાકાત અને જોશથી ભરપૂર. અદ્વિતીય શારિરીક તાકાતથી છલકતો આ છોકરડો બહુ જ મહેનતુ. ઘર, બહાર હંમેશા લોકોને મદદરુપ થતો રહેતો. લોકોનો માનીતો આર્જવ. એના આ સ્વભાવને કારણે લોકો એની પ્રસંશાના પુલ પર પુલ બાંધી દેતા.

ધીમે ધીમે આ પ્રસંશાનો નશો આર્જવના મનો-મસ્તિષ્ક પર છવાવા માંડ્યો.એ એને પચાવી ના શક્યો. કોઇ પણ વસ્તુનું અતિપણુ નિર્વિવાદપણે ખરાબ જ હોય છે. એવું જ કંઇક આર્જવ જોડે પણ થયું. પસંશાના ઢગલાએ એની સાલસતાને કયારે ભરડો લઈ લીધો અને ક્યારે ઓહિઆ કરી ગઈ એનો એને ખ્યાલ જ ના રહ્યો. એના મગજમાં ગુમાનનો પવન ભરાઈ ગયો.

લોકોને એની જરુર પડે છે પણ પોતાની શારિરીક અને માનસિક તાકાત એટલી બધી છે કે એને કોઇની ક્યારેય જરુર જ નથી પડતી. પોતે એ બધાથી બે વેંત ઊંચો છે, અલગ જ છે.એના સ્વભાવમાં થોડું તોછ્ડાપણું છલકાવા લાગ્યું. વિચારોનો પડછાયો વર્તનમાં ડોકાય જ ને. લોકો લાગણીભીના આર્જવના બદલે આવા અહંકારી આર્જવને ના સ્વીકારી શક્યાં. પરિણામ તો યુગોથી જે આવ્યું છે એ જ.. લોકો ધીમે ધીમે એનાથી દૂર થતા ચાલ્યાં, આર્જવ ધીમે ધીમે એકલો પડવા લાગ્યો.

આર્જવને ઢગલો શોખ હતાં. વળી માનસિક રીતે પણ એકદમ મજબૂત. એને આમ એકલા પડવાનું બહુ અઘરું ના પડયું. ‘આઈ ડોન્ટ કેર..’ લોકો જાય તેલ પીવા.જેને જરુર હશે એ આવશે મારી જોડે પાછા.. બાકી મને ક્યાં કોઇની પડી છે. પોતાની એક અલગ દુનિયામાં પોતાની એકલતા જોડે જીવવા લાગ્યો.

‘એકસરખા દિવસો કોઇનાય જાતા નથી…’

એક દિવસ ઓફિસેથી પાછા વળતાં એના સ્કુટરને એક ટ્રકવાળાએ પાછળથી ધકકો મારી દીધો અને એ હવામાં બે ફૂટ ઊંચો ફંગોળાયો. દ્રશ્ય નિહાળનારાના શ્વાસ તાળવે ચોંટી ગયા. ધ..ડા..મ..ફૂટપાથ પર પછડાયેલ આર્જવે આંખો ખોલી તો સીધો એની નજરે હોસ્પિટલની ધોળી ધોળી દિવાલો જ પડી.પોતાનું માથું જાણે કે ધડ પર જ નહોતું એવું લાગતું હતું, હાથ હલાવવાનો પ્રયત્ન કર્યો તો એ પણ સજ્જડ પ્લાસ્ટરમાં કેદ..ડાબો હાથ થોડો હલાવી શકાયો તો ચહેરા પર હાથ ફેરવ્યો.કપાળ પર હાથ જતા જ ‘આહ..’ એક હાયકારો નીકળી ગયો. જમીન પર સીધા માથે પછડાયો હોવાથી માથાના પાછળના ભાગે સારી એવી ઇજા થતી હતી. શરીરના જમણા ભાગમાં લકવા જેવી અસર હતી એમ ડૉકટરોની વાત પરથી એ જાણી શક્યો અને એક્દમ જ તૂટી ગયો. એના જેવો હટ્ટોકટ્ટો માણસ સાવ  આમ પરવશ..!!

બધું જૂનું ભૂલીને મિત્રો એને મદદ કરવા લાગ્યાં.પણ એને એ સ્વીકારતા ક્ષોભ થતો. આખી જીંદગી મેં ક્યારેય કોઇની મદદ લીધી નથી તો હવે..આમ તો મારા સ્વાભિમાનને ઠેસ લાગે…કહી પણ ના શકાય અને સહી પણ ના શકાય. મનોમન મૂંઝવણની ચક્કીમાં પીસાતો આર્જવ માનસિક રીતે હતાશ થવા માંડયો. ગર્વ તો ક્યારનોય ચૂર ચૂર થઇ ગયેલો પણ મજબૂરી..!! પોતાના કામ પોતાના હાથે નહતો જ કરી શક્તો. હવે એને પોતાનાથી શારીરિક રીતે નબળા લોકોની હાલતનો પૂરો ખ્યાલ આવવા લાગ્યો હતો. એ લોકોની મજબૂરીને સમજવા લાગ્યો હતો. એના સ્વભાવમાં હવે નમ્રતા આવવા લાગી. એની સમજણ વિકસવા લાગી.લોકોને એની પાસેથી કશું ય નહોતું મળતું એમ છતાં એ હવે મિત્રોથી ઘેરાયેલો રહેવા લાગ્યો. એના વગર કહ્યે લોકો એના કામ ખુશી ખુશીથી કરવા લાગ્યાં.

લગભગ છ એક મહિનાની દોસ્તો અને પરિવારજનોની મદદથી લકવાની અસરમાંથી બહાર નીકળેલો આર્જવ હવે પોતાના અહંકારના કુંડાળામાંથી પણ બહાર નીકળી ગયો

અનબીટેબલ :- શારિરીક તાકાત અને અહંકાર એકબીજા સાથે અપ્રત્યક્ષ રીતે જોડાયેલા હોય છે.

 

કામગીરી


સમજી શકનારને માથે હંમેશા સમજવાની કામગીરી વધારે આવે છે.

સ્નેહા.

આંધળો વિશ્વાસ


જીવનમાં આપણે અમુક લોકોને બહુ ઉચ્ચ આસને બેસાડી દઈએ છીએ પછી આપણી વિચારશક્તિને તાળા મારીને એમની પર આંધળો વિશ્વાસ કરવા માંડીએ છીએ.

-સ્નેહા

સમીકરણ


પ્રેમના સમીકરણ દરેક સંબંધે બદલાય છે.

-સ્નેહા પટેલ

કોના બટન કોના હાથમાં !


ફૂલછાબ દૈનિકમાં’નવરાશની પળ’ કોલમ.

સત્ય ઘટનાઓ :

ઇલેક્ટ્રોનિક ડીવાઇસીસને Disconnect કરી દઊં,

લાવ, જિંદગીને જિંદગીથી re-connect કરી દઊં.

–          અજય ઉપાધ્યાય.

અનુજ એક તેજસ્વી વિધાર્થી. હંમેશા ૮૫-૯૦ ટકાની આસપાસ માર્કસ મેળવતો. એને આજકાલ ફેસબુકનો જબરો ચસકો લાગેલો.સવારના ચા ના કપની ચુસ્કીઓની શરુઆતથી માંડીને કોમ્પ્યુટર ટેબલ પર જ જમવાની થાળી લઈને બેસી જતો. મા-બાપના સતત વિરોધ વચ્ચે પણ મિત્રો સાથે રાત -દિવસ ચેટીંગ ચાલુ ને ચાલુ જ. બારમા ધોરણ જેવું કેરિયરની પસંદગીનું મહત્વનું વર્ષ. મા બાપ ક્લાસીસ અને ટ્યુશનની કમરતોડ ફી ભરી ભરીને એને સારા શિક્ષણ આપવાના પ્રયત્નો કરે રાખતા હતાં. પણ આ ભાઈસાહેબ તો ફેસબુકની પિકચર-વીડિયો અપલોડ,લાઇક-ડીસલાઈક, કોમેન્ટ્સ કરવા અને ઉઘરાવવામાંથી નવરા પડે તો ભણે ને..એમાં ને એમાં અભ્યાસક્રમની કોઇ જ તૈયારી ના થઈ શકતાં એણે પરીક્ષા જ ના આપવાનો નિર્ણય લઈ લીધો. મા બાપે બહુ માથા પછાડ્યા પણ બધું પથ્થર પર પાણી.એક તેજસ્વી વર્ષ ફેસબુકની રામાયણમાં હોમાઈ ગયુ.

………….

સવારનો અગિયાર વાગ્યાનો સમય હતો. કોલેજના થોડાક લબરમૂછિયાઓ કોલેજ બંક કરીને મેકડોનાલ્ડમાં જઈને બેઠા.ખભેથી બેગને એક તરફ ફંગોળીને મેકડોનાલ્ડની લાલ ખુરશીમાં ફટાફટ જાતને સેટ કરી. એકાદ નજર સામેના મેનુબોર્ડ પર નાંખી અને એક ગરીબડા જેવા મિત્રને ઓર્ડર લઈ આવવાની જવાબદારી સોંપી. આ લોકો જમવા આવેલા કે શું કરવા..આટલી બધી ધાઇ ધાઈ કેમ હતી સમજાતું નહોતું..!! એટલામાં એક જણે પોતાનો આઇફોન કાઢ્યો..બીજાએ પોતાનું ટેબલેટ..ત્રીજાએ લેપટોપ..ચોથાએ કાનમાં આઇપોડના સ્પંજવાળા ઇયરપ્લગ ભરાવ્યાં. બધાં એકદમ જ બીઝી થઈ ગયા !! ‘હર એક ફ્રેન્ડ જરુરી હોતા હૈ..’ મોબાઈલવાળો ફ્રેન્ડ વળી ચેટીંગમાં એક છોકરી જોડે વાતો કરી રહેલો..પેલો આઇફોનવાળો કોઇ અંગ્રેજી ધૂન પર સાથળ પર હથેળીથી તાલ મિલાવી મિલાવીને ‘તાલ સે તાલ’ મિલા કરી રહયો હતો. બીજો એક છોકરો મોબાઈલમાં આ બધી હરકતોના ફોટા પાડીને ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરવા લાગ્યો…. ‘અત્યારે અમે મેકડોનાલ્ડમાં એન્જોય કરી રહ્યાં છીએ…I am lovin it..!!’ ત્યાં તો મોબાઇલ..લેપટોપ બધામાં નેટ પરના બીજા મિત્રોની લાઈક, કોમેન્ટ્સ આવવા લાગી. વળી એ કોમેન્ટ્સ  લાઈક,વળતી કોમેન્ટ્સ ..મિત્રો જ મિત્રો..બધાંય બહુ જ નિષ્ઠાપૂર્વક પોતપોતાની ‘સોશિયલ નેટવર્કીંગ લાઇફ’ મેનેજ કરી રહેલા. ઓર્ડર લઇને આવેલો ગરીબડા છોકરા પાસે લેટેસ્ટ મોબાઈલ કે લેપટોપ કંઇ જ નહોતું એટલે એણે આજુ બાજુ નજર દોડાવતા ‘મિત્રોથી ઘેરાયેલ પણ એકલવાયો જીવ’નું દુઃખ અનુભવતા પોતાનું બરગર ખાવાનું ચાલુ કર્યું..

——————————–

હાઇ વે પર ફુલ સ્પીડમાં એક બાઇક જઈ રહ્યું હતું. એના પર એક કપલ બેઠેલું. છોકરો કાનમાં બ્લ્યુ ટુથ ભરાવીને પોતાની મિત્ર સાથે વાતો કરી રહેલો.પાછળ બેઠેલી એની ગર્લફ્રેન્ડ આ બધાથી અલિપ્ત થઈને એના ફ્રેન્ડ જોડે મોબાઈલ પર આરામથી મેસજમાં ચેટ કરી રહેલી. ત્યાં જ એક ટ્રકવાળો સામેથી ફુલસ્પીડમાં આવતાં બાઈકવાળો ગભરાઈ ગયો થોડો બેધ્યાન હોવાથી તરત બેલન્સ ગુમાવી દીધું અને પરિણામ જે આવી શકે એના કરતાં પણ વધુ કરુણ. છોકરો માથાની પાછળના ભાગે જોરદાર ચોટ લાગતા કોમામાં અને છોકરીના પગે, હાથે, પાંસળીમાં થઈને ટોટલ ૭ ફેક્ચર!!

——————————

મા-બાપ પોતાના બે સંતાનો જોડે દિવાળીમાં ૩-૪ દિવસનો પ્રોગ્રામ બનાવીને ફરવા નીકળ્યાં. માંડ માંડ તો સમય નીકળેલો આટ્લો.જેટલુ થાય એટલું એન્જોય કરી લેવું છે. પણ આ શું…ગાડીમાં એકબીજા જોડે વાત કરવાને બદલે દીકરી પોતાના મોબાઇલમાં મેસેજીસમાં બીઝી…દીકરો વીડીઓ ગેમ રમવામાં…એટલામાં પત્નીની બૂમો પડી..આ તો કંઇ રીતે ચાલે યાર…શું થયું પણ..? પતિદેવ ઉવાચ…અરે…મારા મોબાઈલમાં નેટ નથી ચાલતું.. આટલા બધા દિવસ તો નેટ..ફેસબુક..વગર કેવી રીતે ચલાવાય…તમે આનો કોઇ રસ્તો કાઢો..એવામાં પતિદેવે અચાનક બ્રેક મારવી પડી..બધાયના જીવ અધ્ધર..જોયું તો સામેથી એક છકડાવાળો ખભા અને કાનની વચ્ચે મોબાઇલનું રમકડું ભરાવીને વાતો કરતો કરતો લહેરથી છકડો ચલાવતો ચલાવતો એમની ગાડીને ઘસાઇને જ નીકળી ગયેલો અને એ વાતનું એને ધ્યાન પણ નહોતું. પતિદેવ સચેત ના હોત તો રામ નામ સત્ય જ…

—–

અનબીટેબલઃ માણસ માટે ટેકનોલોજી શોધાઈ છે કે ટેકનોલોજી માટે માણસ ઘડાયો છે એ જ નથી

સમજાતું કે કોણ કોના દિલોદિમાગ પર રાજ કરે છે..કોના બટન અને કંટ્રોલ કોના હાથમાં..!!!

દોષારોપણો


સમજવાના નિર્ધાર સાથે સામેવાળા જોડે વાત કરશો તો હજારો ઉપાય મળી જ રહેશે. એક બીજા પર દોષારોપણો હંમેશા સમય અને સંબંધો બગાડે છે.

-સ્નેહા પટેલ

સાવ અચાનક…


ખેતીની વાત મેગેઝિનમાં ‘મારી હયાતી તારી આસપાસ’ કોલમ.

આમ સાવ અચાનક જ મારી સામે આવી જવાનું..સાવ આવું કરવાનું ? મારા દિલની મજબૂતાઈની પરીક્ષા લે છે કે શું તું ?

પેલું પ્રખ્યાત ગીત યાદ આવી ગયું,

‘મેં તેરે ઇશ્કમેં મર ના જાઉં કહીં,

તું મુજે આજમાને કી કોશિશ ન કર’

બાકી તો ક્યાં મોબાઈલ પર ‘સેન્ટ – રીસીવ – ડીલીટ મેસેજીસ’ ની આંગળીતોડ કસરતો !! વળી એ કર્યા પછી પણ તારા રોજ-બ-રોજના ટાઈમટેબલોમાં ગોઠવાયેલા કામકાજના ઢગલાંઓના ખડકલામાંથી થોડો સમય ચોરવાનું કામ કેટલું કપરું હોય છે એ તો કોઇ મને પૂછે ! રોજ તને મળવાના સ્વપ્નિલ રેશમી તાણાવાણા ગૂંથતી, આ સમયે તું ફ્રી થઈ શકીશ, ચોકકસ તને અનુકૂળતા હશે જ અને ટાઈમટેબલોમાં આપણી મુલાકાતો ગોઠવવાની મથામણો કર્યા કરતી.

‘હા, આજે મને ફાવશે. આટલા વાગ્યે આપણે અહીં મળીશું’

‘ઓ.કે.’

દિલમાં ફૂટી નીકળેલા અઢળક સતરંગી સપનાઓ  સાથે આવનારા સમયની પ્રતિક્ષામાં આંખો બંધ કરીને થોડી પળો વીતી ના વીતી ત્યાં તો,

‘સોરી ડીયર, આજે નહીં ફાવે, અચાનક એક કામ આવી ગયું, એક મિત્ર આવી ગયો..’

કંઇ નહીં તો છેલ્લે છેલ્લે કોઇ અણધાર્યો પ્રોગામ બિલાડીના ટોપની માફક ઉગી નીકળ્યો હોય..

અને મારા પક્ષે તો કંઇ બોલવાનું બાકી રહે જ નહીં ને.

મોબાઈલમાં લખાયેલા તારા મેસેજના શબ્દોને, લાચારીની લાગણી સાથે, ભીના હૈયે હાથ પસવારી પસવારીને સ્ક્રીન પર કલ્પનામાં જ તારું મુખદર્શન કરી લઉં . સ્ક્રીન પર તારા નામને પ્રેમથી એક હળવું  ચુંબન પણ કરી લઉં . એક વાર તો મોબાઇલની સ્ક્રીન તારા કરતા પણ વધુ સંવેદનશીલ નીકળી. ચુંબનની ગરમાહટથી ભેજની જે બૂંદો ઉત્પન્ન થઈ એનાથી ‘ટ્ચ સ્ક્રીન’ પણ પીગળી ગયું. મારો લાગણીભીનો સ્પર્શ એના ઊંડાણમાં ઊતરી ગયો ને ખલ્લાસ..એ તો ત્યાં જ અટકી ગયો.

ના એની ઘડિયાળમાં સમય આગળ વધે કે ના મારી બીજા કોઇને સંપર્ક કરવા માટે નંબર કે મેસેજીસની સુવિધા ઉપલબ્ધ થાય..!! એ સમયને મનભરીને એ માણી લેવા માટે બધું ય કામકાજ – પ્રાયોરીટીઝ  ભુલીને એ લાગણીભૂખ્યું મશીન મારી સાથે એ જ પળમાં સ્થિર થઈ ગયું. મશીનોને પણ સાચી લાગણીની જરૂર પડતી હશે કે..??

‘કાં તો

મને એ પળમાં પાછી લઈ જા

કાં તો

ધડકનને સમજાવ જરા કાબૂમાં રહેતા શીખે

દિલ – દિમાગને સાવ આમ અટકાવી ના દે’

જ્યારે તું અને તારા વેર-વિખેર ટાઇમ – ટેબલો..તોબા એનાથી હવે તો… જેને દિલચીર પ્રેમ  કર્યો એના આવા વાયદાતોડ વર્તન માટે ગુસ્સો તો બહુ આવે પણ શું કરું ? આમે મારાથી શું કરી શકાવાનું હતું !

‘તને ખબર છે..

મારી અધૂરી રહી જતી કવિતાઓના કાગળના ડુચા..

અને

તને મળવાની તીવ્ર ઇચ્છા  છતાં

મિલનની આઘે ઠેલાતી પળો..

નિરર્થક કોશિશો…

હવાતિયાં જેવું જ કશુંક..

એ અધૂરી ઝંખનાઓ વચ્ચે કેટલું સામ્ય છે..!!

એ બેય કાયમ મારા હૈયે

કદી ના પૂરી શકાતો

છાતી પર સો સો મણનાં પથ્થરોનો ઢગ ખડકી દેતો,

સતત પ્રતીક્ષામાં ઝુરવાના શ્રાપ સમો,

કાળો ડિબાંગ

ખાલીપો જ ભરતો જાય છે..’

આ જાત જોડે જાતની આંતરીક મથામણોની કરુણ કહાની હું તને કયા શબ્દોમાં સમજાવી શકવાની પ્રિય..?

કો’કવાર  ચાર્લી-ચેપ્લિન જેવી નાટ્યાત્મક્તાથી, બળજબરી કરીને મોઢામાંથી થોડા શબ્દોને બહાર ધકેલી લઉં :

‘ચાલશે,  ઈટ્સ ઓકે. ફરી ક્યારે…..ક…!!!!!’

આમે, મારી પાસે કોઇ રસ્તો જ ક્યાં બાકી હોય છે આવું બોલ્યા સિવાય.

ક્યારેક મારી ડાયરીમાં તારા આપેલા અને મેં કાળજીથી સુકવીને સાચવી રાખેલા ગુલાબોની કાળી પડી ગયેલી પાંદડીઓ પર હાથ ફેરવતા ફેરવતા ગુલાબ વિશેની સાંભળેલી વાર્તા યાદ  આવી જાય છે.

‘સ્વર્ગલોકની અપ્સરા ઇવાને, સ્વર્ગલોકમાંથી પૃથ્વીલોકમાં જવાનું ફરમાન મળ્યું . પૃથ્વીલોકમાં એકલવાયું ના લાગે એટલે એણે દેવતાઓ સમક્ષ  સ્વર્ગમાંથી એની મનગમતી ચીજ સાથે લઇ જવાની ઇચ્છા પ્રદર્શિત કરી. એ મનગમતી ચીજ એટલે બીજું કંઈ નહીં પણ ‘સફેદ ગુલાબ’. કદાચ આજ કારણ હોઇ શકે કે ગુલાબ આપણને દેવતાઈ સંવેદનોની જાદુઇ અનુભૂતિ કરાવે છે.’

સાંભળ્યું છે કે સંબંધ પ્રમાણે એમાં અપાતા ગુલાબની પસંદગી કરાય છે. જેમકે દોસ્તી માટે પીળું ગુલાબ, સફેદ શાંતિ માટે, લાલ ગુલાબ પ્રેમનું પ્રતિક ગણાય છે. આ સંબંધોની જાળવણી માટે અપાતા ગુલાબમાં પણ પ્રેમના લાલ ગુલાબના ભાગે પીડાથી તરબતર થવાનો વારો આવ્યો હતો ને.

તું મારા મધુર કંઠ, અદ્વિતીય સંવેદનશીલતાને કારણે કાયમ મને ‘બુલબુલ’ના ઉપનામથી બોલાવતો આવ્યો છે. ઘણીવાર એ નામ સાથેની પીડા પણ હું ભોગવું છું. ઇવાએ પસંદ કરેલા સફેદ ગુલાબ પર બુલબુલનું લાલ લાલ રુધિર ટપકતું રહ્યું અને એટલે એ પૃથ્વીલોક સુધી આવતા આવતા તો  સફેદ ગુલાબ લાલ થઈ ગયું.

પ્રેમ સાથેની પીડાનો અતૂટ નાતો છે – જેમ એક સિક્કાની બે બાજુ. એની પ્રતીતિ કરાવતું લાલ ગુલાબ એટલે જ કદાચ પ્રેમીજનોમાં આટલું લોકપ્રિય છે.

ટાઇમટેબલોની ગડમથલો પછી પણ મુલાકાતનો સમય ના નીકળતા અકળામણની સપાટી એની માઝા મૂકીને ચરમસીમાએ પહોંચી જાય છે. પછી તો આજુ બાજુમાં જે હોય એ બિચ્ચારું તો ગયું જ..વગર વાંકે મારા ગુસ્સાના પ્રેશર કુકરની હડફેટે આવી જાય અને મને પોતાને પણ અમુક વાર ના સમજાય એવું વર્તન કરી બેસું.. પાછળ ભરપેટ પસ્તાઉં…પણ તું..

જોકે તારા કહેવા મુજબ તકલીફ તો  તને પણ થાય છે પણ તું એ દર્દ, તકલીફ તારા વર્તન કે ચહેરા પર પ્રસરવા નથી દેતો. તું તો કમળપત્ર જેવો જ..પોતાની જાતને અદ્દભુત સંયમનો માલિક ગણતો પણ મારી નજરે તો તું સાવ સંવેદનહીન,જડ જ છે. તને આવા ‘પ્રોગ્રામ કેન્સલ’ના વાવાઝોડાથી ખાસ કંઇ તકલીફ નથી થતી  પણ અહીં તો અશ્રુઓની સુનામી સર્જાઇ જાય છે. એક દિવસ આ સુનામીના પૂરમાં તણાઇ ના જાઉં એટલું ધ્યાન રાખજે. નહીંતો પછી આખી જિન્દગી પસ્તાઇશ તું.

આવા પારાવાર ‘ટાઈમટેબલીયા’ મુશ્કેલીના કાળા વાદળો ઘેરાયા કરતાં હોય અને એવામાં અનાયાસે જ તું આજે આમ મારી સામે આવી ગયો..કોઇ જ આગોતરી જાણ કર્યા વિના, કોઇ જ ટાઈમટેબલોના બંધનો વગરની એ સાવ અચાનકની મુલાકાત..મારું હ્રદય એની ગતિ, લય બધુંય વિસરી ગયું. હૈયાના ટાઈમટેબલ પણ અસ્ત વ્યસ્ત થઇ ગયા અને જોરજોરથી ધડકતું એ મારા જ કાનમાં પડઘાવા માંડ્યું. મારી આંખો જાણે પલકારો મારવાનું જ ભૂલી ગઈ. સાનંદાશ્ચર્યના દરિયામાં ગોતા લગાવતા લગાવતા મારી ખુશી પણ આજે  સુધ-બુધ ખોઈને  સ્તબ્ધ બની ગઇ. એ સ્થિતીનું વર્ણન કોઇ પણ કવિ કે લેખકની હાથબહારની વાત જ છે. શબ્દોની સીમારેખાનું અદભુત ઉદાહરણ !!

ચોમેર અથડાઇને પસાર થતી ભરચક જનમેદની, માથે કુમળા સૂરજનો રૂપેરી કિરણોથી સજ્જ તડકો, સામે પથરાયેલા હજ્જારો માનવમેદનીના પગલાંથી ભરચક રોજના આઠ રસ્તા, જે રસ્તાને પાર કરીને સામે પાર જવાનું એટલે મારા માટે માથાનો દુઃખાવો જ.

રોજ વિચારું કે, હવે આ રસ્તેથી ફરી કદી પસાર નહીં થવું. પણ બીજો રસ્તો બહુ લાંબો હોઇ ખાસો સમય ખાઈ જતો એટલે ‘મજબુરી કા નામ મહાત્મા ગાંધી’  જેવા આ અણગમતા આઠ રસ્તા, અચાનક જ આજે મને એક્દમ વ્હાલા લાગવા માંડ્યા. મારા કલ્પના જગતના રંગબેરંગી પતંગિયા  એકદમ જ મનોમસ્તિષ્કમાંથી કૂદીને એ આઠ રસ્તા પર આવી ગયા અને મારી આજુબાજુ ઉડવા માંડ્યા, પારિજાતના ફુલોની મારી મનગમતી ગંધ હવામાં વહેવા માંડી, ફૂટપાથની કોરે ઉગેલા પેલા વૃક્ષની બખોલમાં નિરાંત જીવે બેઠેલું પંખી આપણા મિલનના વધામણા આપતું ગીતો ગાવા માંડ્યું, ચારેકોરના રોજબરોજના વાહનોથી ભરચક રસ્તા પર મને કાયમથી કનડતા આવેલા બેસૂરા અને કર્કશ હોર્નના અવાજો એકદમ સૂરીલા થઇ ગયા અને મિલનરાગ ગાવા માંડયા, માથે તપતો સૂરજ અચાનક જ પ્રેમની હેલી વરસાવવા માંડ્યો, સંવેદનોના ફુવારાની રસતરબોળ છોળો ઉડવા લાગી. કાંડે બાંધેલી મોટા બેલ્ટમાં ચસોચસ બંધાયેલી ઘડિયાળની ટીક ટીક સાંભળીને એને ત્યાં જ અટકાવી દેવાની, સમયને કાંટાના બંધનોથી મુકત કરીને આ પળોને મારી ઓઢણીના છેડે બાંધી દેવાનો એક બાલિશ વિચાર પણ મનના એક ખૂણે ફરકી ગયો ને એકદમ જ મારાથી પોતાની આ નાદાનિયત પર હસી પડાયું. જ્યારે તું…

ચૂપચાપ, હવાની મંદ મંદ  લહેરખીમાં ઊડતા કાળાભમ્મર વાળ સાથે, તારી વિશાળ ભાવવાહી, પાણીદાર આંખોથી મને નિહાળી રહેલો. મન તો થયું કે,

‘કાળા ભમ્મરીયા વાળમાં લાવ હાથ ફેરવવા દે જરા,

હતાશાની આ પળોને થોડી હળવી કરી લેવા દે જરા..’

પણ આમ જાહેરમાં તો એ કેમનું શક્ય બને ?

સાવ અચાનક સામે આવીને મારી વાચા, સૂધ-બૂધ બધુંય હરી લઈને મારી હતપ્રભ સ્થિતીની મજા માણી રહેલો..અને એકદમ હળવેથી તારું મનમોહક સ્મિત રેલાવીને બોલ્યો

‘શુભ સવાર પ્રિયે.’

એક ખાનગી વાત કહું, સાવ અચાનકનું તારું આ મળવું, સરપ્રાઈઝ આપવું મને બહુ  જ ગમ્યું વ્હાલા.

‘સાવ અચાનક તું શુભ-સવાર કહી દે,

એની મજા જ કંઈક અલગ છે.

સાવ અચાનક તું પ્રેમ વરસાવી દે,

એની મજા જ કંઈક અલગ છે.’

તું બહુ ચતુર છે. રુઠેલી પ્રિયાને કેમ મનાવવી એતું બહુ સારી રીતે જાણે છે. મારું આમ પીગળી જવું તને કાયમ મારી નારાજગીથી બચાવી જાય છે.

‘મીણ જેવી લાગણી મારી

તારી આંખોમાં આંખો શું પરોવી

જાત આખી પીગળી જ ગઈ..’

જા, તારા આગળના બધા મુલાકાતી ટાઇમટેબલો, વાયદાભંગ, મજબૂરીના આલાપ…બધે બધું માફ કર્યું. ચાલ હવે આ ‘સાવ અચાનક’ની મુલાકાતની પળો મારા સ્મૃતિપટમાં કંડારી લેવા દે. તારો શું ભરોસો..હવે પછી પાછો મને ક્યારે મળીશ કોને ખબર..જોકે જેવો પણ છે દિલની બહુ નજીકનો છે તું..કારણ..

‘મારામાં રહેલી મને કાયમ જીવંત રાખે છે તું,

લાગણી-સિંચનથી કાયમ લીલીછમ્મ રાખે છે તું.’

સ્નેહા પટેલ .

waah-waah


ખાલી લાઈક અને કોમેન્ટસના આધારે લોકો કોઇ પોસ્ટની ગુણવત્તાની મૂલવણી કરે ત્યારે બહુ દુઃખ થાય છે. અહીં કેટલીયે ઉત્ત્મ લખાણની પોસ્ટ્ લેખક કે કવિઓની ફકીરી સ્વભાવના કારણે એકલ-દોકલ લાઇક કોમેન્ટ્સ સાથે નજરે ચડી જાય છે તો કેટલીયે ફાલતૂ પોસ્ટસ ખાલી વાટકીવ્યવહારના લીધે ‘વાહવાહી’ના વરસાદમાં નહાતી દેખાય છે..!!

 

ક્લીક..ક્લીક..


ક્લીક..ક્લીક..ક્લીક..
બધુંયે કચકડામાં કેદ..વાહ.
તર્જનીનું એકહથ્થું શાસન
અભિમાન
નેગેટીવ..પોઝીટીવ…
પણ આ તો જબરી મૂંઝવણ
આમાં મારા દિલની ધડકન ક્યાં
એ શોધવા કોઇ નકશો છે કે તારી પાસે..!

સ્નેહા પટેલ.

મોતીના દાણા


આજકાલ મમ્મી-પપ્પાઓને છોકરાંઓના અક્ષરની ગુણવત્તા બાબતે બહુ ચિંતા નથી થતી. કોમ્પ્યુટરમાં ટાઇપ થતાં બધાં ય અક્ષરો ‘મોતીના દાણા’ જેવા જ લાગે છે.

સ્નેહા પટેલ – અક્ષિતારક

જોડાણ


શારિરીક તાકાત અને અહંકાર એકબીજા સાથે અપ્રત્યક્ષ રીતે જોડાયેલા હોય છે.

સ્નેહા.

થોડું ચલાવી લીધું હોત તો.


આજના ફૂલછાબ દૈનિકમાં ‘નવરાશની પળ’ કોલમનો મારો લેખ

हर एक बात पे कहेते हो तुम, के ‘तु क्या है ?’

तुम्ही कहो के ये अंदाझे गुफ्तगु क्या है ?

जला है जिस्म जहां दिलभी जल गया होगा

कुरेदते हो जो अब राख, जुस्तजू क्या है ?

– મિર્ઝા ગાલિબ

ઘરના બારણેથી થાકેલા પાકેલા કામકાજી ડગલાં હજુ તો ઊંબરો ઓળંગે ત્યાં તો  સાસુમાએ છ મહેમાનોના આવવાની વાત  કરતા જ પૂજાની કમાન  છટકી.

‘આમ અચાનક તો આવા પ્રોગ્રામને કેમનું પહોચી વળાય? વળી આ તો રોજનું થયું. મમ્મીજી, આવા ‘ટાઇમપાસીયા’ મહેમાનો જમવા ટાણે જ આવી પહોચે અને તમે વળી એમને ‘જમીને જજો, જમીને જજો’નો આગ્રહ કર્યા કરો.આપણે એમને ત્યાં દિવાળીમાં એક દા’ડે જઈએ તો એક કપ ચા અને થોડા નાસ્તાથી પતાવી દે છે’.

પછી મનોમન થોડું બબડી લીધું , ‘બહુ થયું આજે તો હવે. મમ્મીજીનું આવું વર્તન તો કેમનું ચલાવી લેવાય? ના..ના..આજે રવિનને આવવા દે આ બબાલનો કાયમ માટે ફેંસલો લાવી જ દેવો છે. આ શું રોજ રોજની કચ કચ ને કકળાટ’

પૂજાના સાસુ તોરલબેન પણ એમના બેડરુમમાં પતિદેવ કૃષ્ણભાઈ સમક્ષ થોડાક ફેરફાર સાથે આ જ શબ્દો ઉચ્ચારી રહેલાં, જેનો મતલબ પણ સ્પષ્ટપણે પૂજા-એમની થોડી મનસ્વી પુત્રવધૂ જોડે હવે વધુ સમય રહેવા માટેની નારાજગી બતાવતા હતાં.

છેલ્લાં દસ વર્ષથી સાથે રહેતા કુટુંબમાં આજે આ વિખવાદની ડમરીઓ જરા વધારે જોરથી ફુંકાતી હતી. એના ચકરાવામાં સમસ્ત પરિવારજનો આવી ગયા. એ ડમરીઓનું જોર બે ઘર છૂટા પડવાની વાતના તારણ પર આવીનેજ ઓસર્યું.

————–

હાશ..મારું પોતાનું ઘર. મારા ઘરની હું એકલી રાણી.કોઇની રોકટોક નહીં મારા સમયે ઊઠીશ અને મારી રીતે કામકાજથી પરવારીશ. મારા સમયે હું ઘરની બહાર પણ જઈ શકીશ. મારી અનુકૂળતાએ મહેમાનોને બોલાવી શકીશ અને ના ફાવે એમ હોય તો કોઈની રજા લીધા વગર ના પણ પાડીને પ્રોગ્રામ પોસ્ટપોન્ડ પણ કરી શકીશ. વળી એમની સાથે કેટલા અને કયા પ્રમાણમાં સંબંધ રાખવા એના વિશે  પણ હવે હું જ મારી પોતાની વ્યવહારીક બુધ્ધિથી  નિર્ણય લઇશ.

આજે સાંજે શું બનાવીશું ને કાલના લંચમાં કઈ શાકભાજીની તૈયારી કરવાની જેવી કોઇ જ જાતની પૂછપરછની બારીએ નહીં ડોકાઈ રહેવાનું..આજે કઇ ચાદર પલંગ પર પાથરવીથી માંડીને ઘરના બગીચામાં કયા પ્લાન્ટસ નંખાવવા ત્યાં સુધીની બધીજ વાતોમાં હવે કોઇ જ કચકચ નહીં. મન ફાવે એમ જીવો..અહાહા…

પૂજા અને તોરલબેન બેયના થોડા મહિના તો આવા મુક્તિના નશામાં ચકચૂર વીત્યાં.

—-

આજે તોરલબેનને થોડો તાવ આવતો હતો. રસોઈણબાઇ રાખેલી પણ એનો બાબો આજે બીમાર હતો તો એ પણ રજા પર.વળી પતિ કૃષ્ણભાઈને આંખે મોતિયો..તે અડધું પડધુ દેખાતું પણ્ નહોતું.  તોરલબેન માંડ માંડ ઊભા થયા અને જેમ-તેમ કરીને ખીચડી બનાવીને છાશ સાથે પેટમાં નાંખી.ખાસ કંઇ ખવાયું નહીં. જેમ તેમ કરીને લૂસલૂસ ખાઈ લીધું. દવાઓ ગરમ પડતી હતી તો ખાવાનું પેટમાં ટકતું નહોતું. ઊલ્ટીઓ પર ઊલ્ટીઓ ચાલુ થઈ ગઈ. છેલ્લે અશક્તિના કારણે એ બાથરુમના વોશબેઝિન આગળ જ પટકાઇ પડ્યાં ને રડી પડયાં…કાશ,એમણે વહુ,દીકરા જોડે ‘થોડું ચલાવી લેવાની’ વૃતિ રાખી હોત, થોડું નમ્યા હોત તો આજે આ દિવસ તો ના આવતને..હવે તો દીકરા -વહુને બોલાવીશું તો આવશે ને પાછા પણ જતા રહેશે..પણ રોજ  સહેજ નવરા પડતા આ ઘરને કાળું ધબ્બ અંધારુ જે ધેરી વળે છે એને નાથવાનો કોઇ કાયમી ક્યાં છે હવે..?

પૌત્રની નટખટ ટીનેજરી વાતો, મિત્રોથી અને વહુ ને દીકરાના રોજરોજના કામકાજી દિવસના ધમાલોના પ્રસંગોથી આ ઘર કેવું હર્યુ ભર્યુ હતું, પણ હવે…!!

ચેનલો ફેરવતા કૃષ્ણભાઈઃ

‘બળ્યું હવે આ ટીવી પર મનગમતા પ્રોગ્રામો જોઇ જોઇને પણ કેમના દા’ડા પસાર થાય…હવે તો કોઇ ‘આ’ નહીં ને ‘પેલી’ ચેનલ મૂકોની મગજમારી કરવાવાળું પણ ઘરમાં નથી. મનગમતા કાર્યક્રમો જોવાની પણ મજા નથી આવતી..આ બધું શું થઇ ગયું…!!’

———-

‘રવિન, આ દૂધવાળો આજે નથી આવ્યો ..જઈને જરા ડેરીએથી બે કોથળી દૂધ લઈ આવને. આ દૂધના ચકકરમાં પરીનને સ્કુલબસ છૂટી જશે ‘.

‘અરે પૂજા…પપ્પાને કહે ને કે…’  રવિને તરત જ જીભ કચડી અને ઊંઘરેટી આંખો મસળતો મસળતો ડેરીએ જવા ઉપડયો.

પરીનને સ્કુલે મોકલીને દંપતિ ચાના કપ સાથે ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા વાત કરતું હતું,

‘આ મહિને કેટલી કરકસર કરી પણ ખબર નહીં કેમ..કંઇ જ હાથમાં બચ્યું નહીં. બધું ય આ નવા ઘર, ગાડી અને ફ્રીજ, એલસીડી, વોશિંગ મશીનના હપ્તા, પરીનની સ્કુલફીમાં જ જતું રહ્યું. હજુ તો કામવાળીનો પગાર, ગેસનો બાટલો, મહિનાનું કરિયાણું તો બાકી..વળી પહેલાં દર બે-ત્રણ મહિને એકાદ નાની ટ્રીપની મજા માણી લેતા હતા, બે-ચાર નવા આવતા પિકચરો જોઇ લેતા હતા એ બધું તો હવે આવતા ૩-૪ વર્ષ સુધી તો સ્વપ્ન જ લાગે છે.  એક્દમ જીંદગીમાં જવાબદારીઓના પહાડ ખડકાઇ ગયા.

સસરા જોડે જીદ કરીને પરીનને આ મોંઘી દાટ ફીઓ ભરીને શહેરની સૌથી સારી સ્કુલમાં એડમીશન અપાવેલું..જો આમ જ બધું  ચાલતુ રહ્યું તો ક્દા્ચ એક દિવસ એને આ સ્કુલમાંથી ઊઠાડી લેવાનો વારો આવશે. આ મોંઘવારીના વધતા જતા ચકકરોમાં તો રોજ જાતને ચકકર આવી જાય છે..ક્યાં અટકશે આ બધું ?

સાથે રહેતાં હતાં તો પપ્પાની દૂરંદેશી સ્વભાવને કારણે એમણે કરેલી બચતો અને મમ્મીના ધીર શાંત સ્વભાવને કારણે આવી બધી માનસિક તકલીફોનો સામનો કરવાનો વારો ક્યારેય નથી આવ્યો.કાશ..થોડી સમજ અને ધીરજ રાખીને એમનું કચકચીયું વર્તન ‘થોડું ચલાવી લીધું ‘હોત તો.. ‘

એવામાં સામે ભીંતઘડિયાળે ૧૦ ના ડંકા વગાડ્યા અને પૂજાને યાદ આવ્યું કે હવે તો એની પાસે પોતાનું વ્હીકલ પણ નથી. ઓફિસે તો બસમાં જ જવાનું છે. જો આમ જ વાતો કરવા બેસી રહ્યાં તો તો..

અનબીટેબલ :- માનવી એના વર્તનના દરેક પરિણામ માટે પોતે જ જવાબદાર હોય છે.

સ્નેહા પટેલ – અક્ષિતારક

smartness


તમારી smartness ને જો તમે પૈસામાં convert ના કરી શકો તો એ બધીયે ધૂળ-ધાણી. રસ્તાની પસંદગી આપણી નૈતિકતા પર આધાર રાખે છે.

સ્નેહા.

સમજણના ફાંફા


કોઇ તમારી ‘હા’ માં ‘હા’ ના મિલાવે તો એ માનવી ‘નેગેટીવ’ વર્તણૂક ધરાવે છે એમ માની લેવું સહેજ પણ યોગ્ય નથી. બની શકે આપણે પણ સમજણના ફાંફા હોય.

સ્નેહા પટેલ – અક્ષિતારક

કામ


સારું અને યોગ્ય દિશામાં થતું કામ એની જાતે જ બોલે છે.એને બહુ પુરાવાઓ આપવાની જરુર નથી પડતી.

-સ્નેહા પટેલ – અક્ષિતારક

વિદ્યાબાલન


વિદ્યા બાલન, ઇમરાન હાશમી..જ્યાં જોઇએ ત્યાં આજકાલ ટી.વી સીરિયલ કે નેટ,છાપા, મેગઝિન, ચાની કીટલી કે સીસીડી કાફે- બધીય ઓટલા પરિષદો પર ‘ડર્ટી પિક્ચર’ની જ ચર્ચા થઈ રહી છે.

સવાલ એ થાય છે કે જે વિદ્યા અત્યાર સુધી પોતાની એક્ટીંગ, ડાહી ડાહી,સિમ્પલ છોકરીની ઇમેજ દ્વારા લોકોના દિલમાં ઘર કરી ગઈ હતી, એનું આ અંગપ્રદર્શન,બંદરકૂદ જેવી ધમાલ અને જ્યાં ને ત્યાં આંખો મારી મારીને પોતાની બિન્દાસ ઇમેજ ઊભી કરતા રહેવાનો સતત પ્રયત્ન..આ બધું એને શું અપાવશે અને જે અપાવશે એનું આયુષ્ય કેટલું હશે?

વળી જો એ આ બધા માટે જ આ ઇન્ડસ્ટ્રીમાં હતી તો અત્યાર સુધી આવા બધા સીધાસાદા રોલ ભજવવા માટે આગ્રહ રાખવાનો ડોળ શું કામ કર્યો ?

 વાહ રે ફિલ્મ ઇન્ડસ્ટ્રી…રાતોરાત પરિવર્તન..!!

નરો વા કુંજરો વા…

* મારી પર્સનલ ચોઈસ ‘પરિણીતાવાળી વિદ્યાબાલન’ છે.