અભિપ્રાય


આજનો ફૂલછાબ દૈનિકમાં ‘નવરાશની પળ’ કોલમનો મારો લેખ.

આખે આખી વ્યક્તિને એક વ્યાખ્યામાં કેદ કરી દીધો

કિનારે ઊભા રહીને દરિયાને હથેળીમાં કેદ કરી દીધો..

નવા ઘરમાં રહેવા આવ્યાને થોડો સમય થયો ત્યાં જ  ઘરમાં કથા રાખવાની લજામણીની તીવ્ર ઇચ્છાને માન આપીને અભિનવે સંબંધીઓનું લિસ્ટ બનાવવા માંડ્યું. બહુ જ કાપકૂપ પછી પણ લિમિટેડ બજેટમાં માંડ અંગત ગણી શકાય એવા પચાસેક નામ જ પોસાય એમ હતાં. એમાં વળી લજામણી નવા ઘરના આજુબાજુના પાડોશીઓના નામ ઉમેરે રાખતી હતી એટલે અભિ થોડો અકળાયો.

‘લજ્જા..બસ કર હવે. પાણી માથાથી ઉપર જાય છે’

એવામાં બારણે ટહુકો પડ્યો,

‘લજામણીબેન..કંઇ કામ કાજ હોય તો કહેજો..અને લો આ ચા પાણી કરી લો.’

સામે જ બારણે રહેતા રીતુબેન ચા અને થોડા બિસ્કીટની  ટ્રે લઈને આવ્યાં.

લજામણી તો અહોભાવના ભાર નીચે દબાઇ જ ગઇ.

‘વાહ કેટલા સરસ પાડોશી મળ્યાં છે. નસીબદારને જ આવા પાડોશી મળે.’

અને રીતુબેન પણ આરામથી સામેની ખુરશીમાં ગોઠવાઈ ગયા. વાતવાતમાં એંમણે આજુબાજુવાળા પાડોશીઓની આખે આખી હિસ્ટ્રી કહી દીધી.

લજામણી પણ એમના આ ઉપકારના બોજ હેઠળ અભીભૂત થઈ ગઈ અને પાડોશીઓને કથામાં બોલાવાના લિસ્ટમાંથી  ધરાર ‘પીન્કીબેન’ નામ કાઢી નાંખ્યું.

‘સાવ જ એકલવાઈ, લોકોથી અતડી અતડી રહેતી આ સ્ત્રી ડીવોર્સી છે. એકના એક ૧૫ વર્ષીય દીકરાને હોસ્ટેલમાં મૂકી દીધો છે અને પોતે અહીંયા એક બેંકમાં નોકરી કરવાને બહાને….છી છી…ઠીક છે,ગામ હોય ત્યાં ગંદકી તો હોય જ…આપણે દૂર રહેવાનું’

લજામણી અને અભિનવે રંગેચંગે કથાનો પ્રસંગ પતાવ્યો અને ધીમે ધીમે નવા ઘરમાં સેટ થવા લાગ્યાં.

છેલ્લાં થોડા દિવસથી લજામણીને કમરમાં સખત દુઃખાવો થતો હતો. ડોકટરને બતાવતા ‘પથરી’નું નિદાન થયું. લજામણીથી આજે તો ઉભા પણ નહોતું થવાતું. એવામાં અભિનવને પણ ટાઇફોઈડની અસર થઇ ગઈ. હવે..

અમી અને પ્રકાશ તો બહુ જ નાના હતા. એમના સગા વ્હાલા પણ બીજા શહેરમાં.

એકાદ દિવસ તો જેમતેમ કરીને કાઢ્યો પણ  હવે તો લજામણીથી સાવ જ ઉભા નહોતું થવાતું. કેટલા દિવસ છોકરાઓને બહારનું ખાવાનું ખવડાવવું ?

રીતુબેન આવીને એકાદ વાર ‘કામ હોય તો કહેજો’ની ફોર્માલીટી નિભાવી ગયા હતા પણ  એમના વોઇસ ટોન પરથી એમને કંઇ કહેવાનું મન જ ક્યા થાય એમ હતું ?

‘શું કરું ..શું કરું’ ની વિચારધારામાં ઘરના બેલે ખલેલ પાડી. અમીએ દરવાજો ખોલતાં જ લજામણીની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ. બારણે પીન્કીબેન ઉભેલા અને સાથે મેથીના થેપલા અને બટેટાના શાક અને પુલાવના ડબ્બા સાથે ચાનું થર્મોસ પણ હતું.

‘લજ્જાબેન..આ લો..ચાલો બધું ગરમ ગરમ  છે. તમે બધાંય જમી લો.’

પણ…પણ…લજામણીની આંખો અને મોઢું શરમથી ખુલી જ ના શક્યાં.

પછી તો લંચ અને ડીનર માટે નિયમીતતાથી પીન્કીબેનના ઘરેથી જ ટીફીન આવી જતું.  ૩-૪ દિવસમાં લજામણીની અન અભિનવ બેયની તબિયત સુધારા પર થતાં બેય જણ એક સરસ મજાની ગિફ્ટ પેક કરાવી આભારવિધીના ઇરાદાથી પીન્કીબેનના ઘરે બેસવા ગયા.

થોડી ફોર્મલ વાતચીત પછી પીન્કીબેનને લજામણી જોડે એક ‘કમ્ફર્ટ લેવલ’ સેટ થતું હોય એમ લાગતા આપો આપ જ દિલમાં ધરબી રાખેલો તક્લીફોનો સમુદ્ર ઉલેચાઇ ગયો.

પીન્કીબેન બેંકમાં બહુ જ ઊંચી પોસ્ટ પર હતાં. એમના ભૂતપૂર્વ પતિદેવ્ને ઓફિસની સેક્રેટરી જોડે પ્રેમ થઈ જતાં ખુલ્લે આમ એને ઘરમાં લાવીને રંગરેલિયા કરતા હતા જે પીન્કીબેનથી સહન ના થતા તેમણે ચૂપચાપ એમના રસ્તામાંથી ખસી જઈને ઘર છોડીને સ્વમાનભેર દીકરાને એકલપંડે ઉછેરવાની પસંદગી કરી હતી.

 

જોકે છૂટા પડ્યા પછી પણ એમની કસોટી પૂરી કયાં થયેલી ! લાંબી માંદગીના ખાસા એવા રિપોર્ટો કઢાવ્યાં પછી અંતિમ પરિણામ રુપે ત્રીજા સ્ટેજનો કેન્સર જેવો વિકરાળ રાક્ષસ એમની સામે જડબા ફાડીને સામે ઉભો હતો. જેની જાણ એમણે હજુ સુધી કોઇને નહોતી કરી. પોતાના દીકરાને પણ નહીં. પોતે હવે થોડા જ સમયની મહેમાન છે એવી પાકી ખાતરી થતાં જ એમણે પોતાના દીકરાને હોસ્ટેલમાં મૂકી દીધો.પોતાના મૃત્યુ પહેલા એ દીકરાને સ્વાવલંબી બનાવવા માંગતા હતાં. પણ પોતાની અતિશય મમતાનો સલામત છાયો એને કદી મોટો નહી થવા દે એવુ લાગતા દિલ પર પથ્થર મૂકીને દીકરાને પોતાનાથી થોડો દૂર કરી દીધો. આ બધી ધમાલમાં એમની દુનિયા ફક્ત એમના દીકરાની આસપાસ જ ગૂંથાયેલી રહેતી. જાતેજ પોતાની સમસ્યાઓના સમાધાન શોધતા અને એનો ઉકેલ લાવતા એના પરિણામે એમની પાસે આજુ-બાજુ કોણ રહે છે ને કોણ નહી એ જાણવા માટે સમય પણ નહતો રહેતો. પરિણામે પાડોશીઓ એમને ઘમંડી માનવા લાગેલા. પણ એમને એની દરકાર કરવાનો સમય પણ ક્યાં આપેલો ઉપરવાળાએ ! આટલું બોલતા બોલતાં તો પીન્કીબેન સાવ જ તૂટી ગયા અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.

સામે પક્ષે લજામણી તો સ્તબ્ધ જ થઈ ગઈ. પોતાની જાત પર શરમ આવવા લાગી કે  રીતુબેન અને બીજા પાડોશીઓના અભિપ્રાય સાંભળીને આમના વિશે પોતે કેવી પોકળ કલ્પનાઓ કરી લીધેલી. હીરા જેવા માણસને પોતે કાચ સમજી બેઠેલા. હવે એમને બરાબર સમજાઇ ગયું કે માણસને  આમ ઉપરછલ્લ્લો ક્દી ના ઓળખી શકાય..એને ઓળખવા તો એના તળ સુધી ડૂબકી મારવી પડે ત્યારે એના સાચા મોતી પામી શકાય.

અનબીટેબલ :- કોઇના અભિપ્રાયોના પાયા પર તમારા સંબંધોની ઇમારત ક્યારેય ના ચણશો. કુછ અપની અક્કલ ભી દોડાઓ…