આજનો ફુલછાબ દૈનિકમાં ‘નવરાશની પળ’ કોલમનો મારો લેખ.
તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
-ચિનુ મોદી ‘ઇર્શાદ’
સુનીલ ધનવાન મા – બાપ નો એકનો એક દીકરો. ‘પાણી માંગે ને દૂધ હાજર’, જો કે થોડા મોડીફીકેશન સાથે કહીએ તો ‘પાણી માંગે ને પેપ્સી હાજર’ જેવી સ્થિતી. હંમેશા બ્રાન્ડેડ કપડાં અને લેટેસ્ટ ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી સજ્જ રહેવાનું અને જિન્દગીની એક એક પળનો નશો કરી લેવાનો. એમાંય હમણાં આવેલું ‘જીન્દગી ના મિલેગી દોબારા’ જોઇને આવ્યા પછી તો એના મગજમાં અખતરાઓના જાતજાતના કીડાઓ સળવળ્યા કરતા. ‘આજને ભરપૂર માણી લો કાલ કોણે દીઠી’ના ધખારામાં એ પૂરેપૂરો મોજમસ્તીમાં ડૂબવા લાગ્યો હતો. હ્રિતિકે મિત્રો સાથે ‘સ્કાય – સ્કુબા ડાયવિંગ’ કર્યું તો આપણે કેમ રહી જઇએ ! એ પણ આવા પ્રોગ્રામો ઘડીને દોસ્તારો સંગે રખડવા નીકળી પડે.મા – બાપ પણ ઉંમર છે મસ્તી કરી લેવા દોને, કાલે જવાબદારીની બેડીઓ પડશે એટલે એ ઓટોમેટીક સુધરી જશે વિચારીને એને ટોકતા નહીં.
બાપનો પૈસો સુનીલને હંમેશા દરેક વસ્તુઓના ઢગલો ‘ઓપ્શન’ પીરસતું રહેતું.
‘સ્કુલમાં હાજરી નથી આપી શકતો, બરાબર અભ્યાસમાં ધ્યાન નથી આપી શક્તો, નો પ્રોબ્લેમ..ટયુશન ક્લાસીસ કરાવી દઇશું.’
‘ટ્યુશનમાં બરાબર સમજ નથી પડતી તો નો પ્રોબ્લેમ..સ્કુલમાં થોડા પૈસા ખવડાવી લઇશું..માર્કશીટ પણ બદલાવી શકાય જ છે ને. કશુંય નહીં થાય તો છેલ્લે સ્કુલ બદલાવી કાઢીશું. ડોનેશન પર તો ભલભલી સ્કુલો એને એડમીશન આપવા નવરી જ બેઠી છે ને !!’
‘એને ટેનિસમાં રસ છે ટેનિસના કોચીંગ ક્લાસીસ કરાવી દઈએ.’
થૉડો સમય રહીને એનાથી કંટાળેલો સુનીલ પાછો ગિટાર શીખવાની વાત કરે એટલે મા બાપ એના ક્લાસીસ જોઇન કરાવી દે.
એમાં પણ એ લાબુ ટકી શકે નહીં. પેલો રોહન ડાન્સ શીખે છે તો છોકરીઓ કેવી એની આગળ પાછળ ફરે છે..અને સાહેબનું ફરમાન છુટે:
‘મારે તો ડાન્સ ક્લાસીસ જોઇન કરવા છે..’
‘ઓકે..આપણે ક્યાં કોઇ ઓપ્શનની કમી છે…તું તારે જે શીખવું હોય એ શીખી લે બેટા.’
ઓપ્શનોના આ ‘ઇઝીલી અવેલેબલ’ ઢગલાંઓએ સુનીલની વિચારશક્તિ, સમજશક્તિને થોડી ડલ પાડી દીધેલી. ‘ઓપ્શનોના ઓવરડોઝ’માં એ હંમેશા કયું ઓપ્શન સ્વીકારવું એની અવઢવમાં જ રહેતો, એક પણ ઓપ્શન પર કાયમ ના રહી શકતો. આ ઓપ્શન પરથી પેલા ઓપ્શન પર વાંદરાની જેમ ઝૂલ્યા જ કરતો. પરિણામે દરેક કાર્યમાં નિષ્ફ્ળતા. આ બધાને કારણે સુનીલનો પોતાની જાત પરનો એનો ભરોસો સાવ જ ઊઠી ગયો.’પોતે કશું જ કરી શકવાને લાયક નથી- I am a big failoure’નો ભાવ એને પીડતો રહ્યો. પરિણામે ડીપ્રેશનની ઊંડી ખાઈમાં ગર્ત થવા માંડ્યો. સમવ્યસ્ક મિત્રોને મળતા ગભરાવા લાગ્યો, રખેને કોઇ એની નિષ્ફળતાની વણઝારોની વાત કરી કરીને એને વ્યંગના તીરથી ઘા કરી જાય તો !! ૨૧ વર્ષની ભરજુવાનીએ ૬૦ વર્ષના બુઢ્ઢા જેવો માનસિક થાક અનુભવવા લાગ્યો.આ બધામાંથી બહાર આવવા સાઇકીયાટ્રીટની ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડી. જેમાંથી બહાર આવતા આવતા એને ‘નવ ના તેર થઈ ગયા’.
—————————————
સોહન..એક મધ્યમવર્ગીય ઘરનો છોકરો. ઉંમર લગભગ સુનીલ જેટલી જ. ઘરમાં કમાનાર એના પિતા એક જ અને ખાનાર એના સિવાય એની મા અને બીજી બે બેનો. હંમેશા બધી વાતોમાં સમાધાન કરવું પડે. ઓપ્શન જેવા શબ્દો તો એમની ડીક્ષનરીમાં હતા જ નહીં. રોજ સવાર પડે એક નવી ચેલેન્જ નો સામનો કરવાનું જ નસીબમાં હોય. જે હાલત સામે આવે એને ચલાવી લેવા સિવાય સોહન પાસે કોઇ ઓપ્શન જ ના રહે. ‘નો ઓપ્શન’ ની આ હાલતમાં સોહન પોતાની જાતને પૂરેપૂરી સંતુલિત રાખતો. પરિસ્થિતીઓને એક્દમ જ અનુકૂળ બની જતો. જે પણ ચેલેન્જ આવે એનો પૂરી હિંમતથી સામનો કરતો અને ‘નો ઓપ્શન’ના પથ્થરમાંથી પોતાની મરજી મુજબ પાણી કાઢી લાવતો. પોતાની આ હાલત વિશે એણે ભગવાનને કે મા – બાપને કદી કોઇ જ ફરિયાદ નહોતો કરતો. આપસૂઝથી જીંદગીમાં ખુમારીથી આગળ વધતો જ રહેતો.
એને નાનપણથી ડોકટર બનવાની મહેચ્છા હતી. પણ એની ફીના ચોપડીના પૈસા ક્યાંથી કાઢવા? મા – બાપે તો કહી દીધું ‘સોહન..ભુલી જા દીકરા આ સપના..નો ઓપ્શન’
પણ સોહન જેનું નામ. એણે પોતાના ફાજલ સમયનું ટાઈટ શિડ્યુલ બનાવીને ૪-૫ ટ્ય્શન્સ કરવાના ચાલુ કરી દીધા. એની મહેનત અને આવડતથી ખુશ થઈને બાળકોના વાલીઓ પણ એની ફી ઉપરાંત એને ડોકટરીના સપના પૂરા કરવામાં બનતી મદદ કરવા લાગ્યા.
પરિણામે એક દિવસ સોહનના હાથમાં ડોકટરી પાસ કર્યાનું સર્ટીફિકેટ ફરફરતું થઈ ગયું જેને હાથમાં પકડીને એક ચૂમી ભરીને સોહન મનોમન બોલી રહોય હતો, ‘મારી તીવ્ર ઇચ્છા અને એજ દિશામાં એક્ધારું વધવાની જીદ,મહેનત, રાતોના ઉજાગરા…તું ક્યાં જવાની હતી મારી ડોકટરની ડીગ્રી…તારે તો મારી પાસે આવવાનું જ હતું. ‘નો ઓપ્શન’ !!
અનબીટેબલ :- At the time of difficulty some people ‘break down’ while some ‘break records’..! Performers are born in adversity not in comfort zone!
– unknown
http://www.janmabhoominewspapers.com/Admin/Data/Epapers/23_Nov/panch_01.pdf
સ્નેહા પટેલ – અક્ષિતારક