વિશ્વસનીય સેતુ

આજનો ફુલછાબ દૈનિકમાં ‘નવરાશની પળ’ કોલમનો મારો લેખ.

ચાલ જીંદગી આજે તને ફરીથી જીવું

જે ભૂલો કરી છે,એને મઠારીને જીવું…

‘મમ્મીજી, આજે મારે ઓર્ડરમાં જવાનું છે. મોટી પાર્ટી છે. સારી એવી કમાણી થશે એમ લાગે છે. આજે આપણે કોઇ એક વસ્તુ બનાવી દઈએ જમવામાં તો ના ચાલે ? મારો સમય સચવાઈ જશે, પ્લીઝ ‘

‘વહુરાણી, તમે આ કામ ચાલુ કર્યુ ત્યારે ચોખવટ થઈ જ ગયેલી કે ઘરનું કામ પહેલાં. એ છોડીને તમે બહાર જવાનું નામ નહી લો. વળી તમારા સસરાને દીવાળીના તહેવારમાં પૂરી,મઠો, કઢી, મટર-પુલાવ, બટાકાનું શાક અને એકાદ ફરસાણ જેવું કંઇક ખાવાનો મૂડ છે. તમારે તો આ ઓર્ડરનું રોજનું થયું પણ  તહેવાર તો વર્ષમાં એક જ વાર આવે છે. આમ જવાબદારીથી ભાગવાની વાતો ના કરો ‘

અને પૌરવી સ્તબ્ધ. આજ કાલ તો વળી કામવાળી પણ નહોતી આવતી. આટલી બધી રસોઇ બનાવવા બેસે તો તો પતી ગયું. એ તરત નિવેદન પાસે ગઈ.

‘નિવુ, આ મમ્મીને સમજાવ ને જરા. જો ને કેવું નાના બાળક જેવું વર્તન કરે છે.’

નિવેદને આખી વાત શાંતિથી સાંભળી અને કહ્યું ઃ

‘પૌરવી, હું તારી વાત સમજુ છું. તને કામની આળસ નથી એ વાત પણ સ્વીકાર્ય. તારે આ પાર્લરની મજૂરી પણ મારા ઓછા પગારના લીધે જ કરવી પડે છે એનો મને અફસોસ છે .પણ તને તો ખબર છે, હું મમ્મી કે પપ્પાની સામે ક્યારેય નથી બોલતો. તું તારી રીતે રસ્તો શોધી લે ને એમાંથી. મહેરબાની મને વચ્ચે ના પાડ ‘

આટલું બોલીને ટ્રાઊઝરમાં પર્સ અને રુમાલ સરકાવતો એ ઓફિસે જવા નીકળી ગયો. પાછળ છોડી ગયો પ્રેમલગ્ન કરી અને વાયદાઓના મિનારો ચણેલી સ્વપ્ન નગરીના તૂટેલા ભંગારના અવશેષો પર મજબૂરીના આંસુ સારતી પૌરવીને. બે મિનીટ રહીને પૌરવીએ મન મક્કમ કર્યુ અને ફટાફટ પૂરી, શાક બનાવી દીધા. મઠો તો ફ્રીજમાં પડેલો જ હતો. જેમ તેમ થોડું લૂઝ લૂઝ ખાઈને, પાર્લરનો સામાન પેક કરીને સાસુમાને આવજો – જય શ્રી ક્રિષ્ણા કહેતી નીકળી ઘરની બહાર નીકળી ગઈ.

સાંજે તો પૌરવીએ મકક્મતાથી નિવેદનને બહારથી ભાજીપાઊં પેક કરાવીને જ ઘરે જવાનું કહી દીધેલુ. થાકેલી પાકેલી પૌરવીએ ઘરમાં પગ મૂકતા જ ધારણા અનુસારનું વાતાવરણ જોયું. પણ બધાયની સામે આંખ આડા કાન કરીને બાથરુમમાં જઈ શાવર લઇને ફ્રેશ થઈને, જે થશે બીજા દિવસે જોયું જશે..અત્યારે તો માનસિક કે શારીરિક સહેજ પણ તાકાત નથીવાળી કરીને સીધી જ પલંગમાં આડી પડી.

એના આ વર્તનથી નિવેદને એના મમ્મી – પપ્પાનું ખાસું એવું સ્વસ્તિવચન સાંભળવું પડ્યું જે એણે ચૂપચાપ સાંભળી લીધું અને છેલ્લે બગાસા ખાતો ખાતો ઉઠીને બેડરુમમાં ભરાઈ ગયો.

બીજા દિવસે સૂરજ કાળા કિરણો સાથે જ ઉગેલો.

‘પૌરવી, આ આમારું ઘર છે. અમારા કહ્યામાં ના રહેવું હોય, આમ બેફામ વર્તન કરવું હોય તો તમે તમારું અલગ ઘર કરી લો’

પૌરવીને આ અપમાન  હાડોહાડ લાગી ગયું.

‘નિવેદન, શું આમ કાયરની માફક સાંભળ્યા કરો છો. લગ્ન કરતી વેળા તો ઘર છોડીને ભાગીને પણ મારી સાથે પરણવા તૈયાર હતાં. તો એ શૂરાતન હવે કયાં ગયું ? તમને પણ ખબર છે કે મેં કયારેય કોઇ જ જવાબદારીમાંથી હાથ નથી ખેંચ્યો. આ ફકત મારો સમય સાચવવાની વાત હતી. એક સમય આખી રસોઇ ના થઇ ઘરમાં તો કયું મોટું આભ તૂટી પડ્યું ? તું કંઇ બોલતો કેમ નથી? તું નથી બોલતો એટલે મારે બોલવું પડે છે. દીકરાનું બોલેલું મા બાપ ભૂલી જશે પણ પારકી જણેલી વહુને તો વ્યાજ સમેત પાછું માથે મારશે. થોડો તો સપોર્ટ કરો મને ‘

‘સોરી પૌરવી, તારે જે બોલવું હોય એ તને છૂટ પણ મને આ બધું નહીં ફાવે’

‘ઓ.કે. તો ચાલો આપણું અલગ ઘર કરી લઈએ’

‘ના પૌરવી,એ તો કેમ શક્ય છે ?’

‘અરે, મારી અને તમારી કમાણી થઈને આંક્ડો ૨૫,૦૦૦ પર તો પહોંચી જ જાય છે. પછી શો વાંધો છે ?’

‘ના.એ શકય નથી. તું જ કોઇ વચેટીયો રસ્તો શોધી લેજે આનો, ગુડ નાઈટ. સૂઇ જા હવે..તમારે તો ઠીક મારે કાલે ઇમ્પોર્ટન્ટ મીટીંગ છે’

સવારે નિવેદન આંખો ચોળતો ચોળતો પથારીમાથી ઉભો થયો અને રોજની ટેવ મુજ્બ સીધો બાથરુમમાં ઘૂસ્યો ત્યાં એની નજર વોશ-બેઝિન પરના કાચ પર ફરફરતા કાગળ પર પડી.

‘ગુડ મોર્નિંગ નિવેદન, હું તારા ઘરમાં અઢળક અરમાનો સાથે પ્રવેશેલી. જીવનના દરેક રસ્તે આપને એક-બીજાનો હાથ પકડીને ચાલીશું, એક બીજાની તકલીફોને પોતાની, આપણી સમજીને એનો નિવેડો લાવીશું, એકબીજામાં મૂકેલો ભરપૂર વિશ્વાસ પ્રેમથી જાળવીશું, તારુ સ્વમાન એ મારુ અને મારું એ તારું સમજીને એના રખોપા કરીશું અને જીંદગી હસી – ખુશીથી જીવીશું. તારા પર બહુ વિશ્વાસ મૂકેલો મેં. પણ તું એ બધામાં નાપાસ થયો ડીયર. ‘મારી તકલીફો સહિયારી અને તારી એ તારી’ જેવું તારું સ્વાર્થી વર્તન મને બહુ પીડા આપતું હતું. હું મારા મા બાપ, સગા સંબંધી બધાયને છોડીને તારી પાસે આવી અને તું એક તારા મા બાપને આપણી વાત પ્રેમથી સમજાવવા, ગળે ઉતારવા જેવી વાતમાં પણ સાથ ના આપી શકે એ ક્યાંનો ન્યાય ? ના તું એક સારો પતિ બની શક્યો કે ના એક જીમ્મેદાર દીકરો. મારે મારા દીકરા માટે આવો બેજવાબદાર અને વિશ્વાસ સાચવવામાં ઊણૉ ઉતરે એવો પિતા નથી જોઇતો. તું તારી જીન્દગી આરામથી જીવ મને તો મારી જાત પર પૂરો વિશ્વાસ છે. મારું હું ફોડી લઇશ. મને શોધવાની કે પાછી બોલાવવાની કોશિશ ના કરીશ. જય શ્રી ક્રિષ્ણા’

અને નિવેદન કોઇ જ સંબોધન વગર પૂરો થયેલો પત્ર લઇને પસ્તાવાથી નહાતો ઉભો રહ્યો,

‘કાશ, પોતે ઘરમાં બેય પક્ષે સંતુલન રાખવાની,  સમજના દોરાથી જોડવાની થોડી પણ દરકાર કરી હોત, બેય પક્ષ વચ્ચેનો ‘વિશ્વસનીય સેતુ’ બનવાનો પ્રયત્ન કર્યો હોત તો આજે જીવનમાં આવો સમય તો ના આવ્યો હોત ને.’

અનબીટેબલ  :- જવાબદારી જવાબદારીપૂર્વક પૂર્ણ કર્યા જેવો સંતોષ દુનિયામાં બીજો કોઈ નથી.

-સ્નેહા પટેલ – અક્ષિતારક

12 comments on “વિશ્વસનીય સેતુ

 1. સ્નેહાબહેન..
  ગયા બુધવારે લેખ નહોતો લખ્યો કે પછી બ્લોગ પર નહોતો મુક્યો?

  નીવેદનનું પાત્ર ઈરાદાપૂર્વક નબળું બતાવવામાં આવ્યું છે. મારી દૃષ્ટિએ પ્રેમ લગ્ન કરવાની હિંમત જે વ્યક્તિ કરે તે પોતાની પત્નિ માટે કાઈ પણ કરવા તૈયાર થાય. પાત્રાલેખન માં કશીક ખામી છે.

  Like

 2. ગયા બુધવારે રહી ગયેલો પોસ્ટ કરવાનો સોરી..એક વાત કહુ અતુલભાઈ..આજુ બાજુના ૧૦ કપલ લઈને આ વાત સાક્ષીભાવે જોજો..પછી મને આપનો મત કહેજો પ્લીઝ. દરેકના કારણો ,મજબૂરીઓ અને તકલીફો અલગ અલગ હશે પણ પરિણામ આવું જ…અત્યારે સુધી આપણે ત્યાં સ્ત્રીઓ એડજ્સ્ટ કરતી જતી હતી.પણ આજની સ્ત્રીઓ પાસે સુપરફાસ્ટ જમાનામાં ઘરનાકામ…આવા એડજ્સ્ટમેન્ટ સિવાય અર્નીંગની પણ એક અપેક્ષા જોડાઇ છે..એ હવે આ બધી સીમારેખાઓમાં પૂરાઈ રહે તો …આગળ તો તમે તમારી રીતે જ આ વાત સમજી શકો છો.આ લેખ મેં ટોટલી એક સ્ત્રીના પોઇંટ ઓફ વ્યુથી લખ્યો છે..તો બની શકે નિવેદન માટે તમને હમદર્દી થાય જ. એટલે આપના વિચારો જણાવશો તો મને ચોકકસ ગમશે જ…પ્લીજ આને એક હેલ્થી ડિસ્કશનની રીતે જ લેવું. કોઇ જ પર્સનલ કે સ્ત્રી પુરુષના મતાધિકારો જેવી વાતો વચ્ચે ના લાવવી.

  Like

 3. એક સત્યઘટના કહુ છું:

  એક કુટુંબના બે દિકરાઓ. મોટો થોડું ઓછો ભણેલો – નાનો વધારે અને હોંશીયાર ( માતા પિતાની દૃષ્ટિએ ). મોટા દિકરાએ બીજી જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કર્યાં. માતા પિતાએ શરુઆતમાં બહુ વિરોધ કર્યો. નાની નાની વાતમાં વહુના વાંક કાઢે, મેણાં ટોણા મારે. વહુ ક્યાં સુધી સહન કરે? તેણે તેના પતિને વાત કરી – તો પતિએ પત્નિનું ઉપરાણું ( સાચો પક્ષ ) લઈને માતા પિતાનો વિરોધ કરીને છુટા પડીને સ્વતંત્ર રહેવા ચાલ્યા ગયા. શરુઆતમાં તકલીફ પડી પરંતુ છોકરાના સાસુ સસરાના મોરલ અને ફીઝીકલ બંને સપોર્ટથી હવે સેટ થઈ ગયા છે.

  આ પ્રસંગના આધારે કહું છું કે પ્રેમલગ્ન કરનાર જો સાચો પ્રેમી હોય તો – પત્નિનો સાથ છોડતો નથી. કોઈ આવેશમાં આવીને પ્રેમ લગ્ન કરી બેઠો હોય તેવા કિસ્સામાં કદાચ નીવેદન જેવું યે થતુ હશે.

  Like

 4. ^ thnx a lot for sharing this ‘satya ghatna’. i wish k chuta padva karta aapna samaj ma bey pakshe balancing behviour dwara positive results vadhu male ane badha sukh shanti thi ek sathe ek chat hethal rahi shake….

  Like

 5. બધી સમસ્યાનો ઉકેલ સમજણ અને ધીરજથી આવે છે.
  કહેવત છે ને કે:
  દુ:ખનું ઓસડ દહાડા –

  Like

 6. rep. by mail..
  Dt.16-11-2011 na roj phoolchhab ni panchamrut purtima “vishvasniya setu” khoob saras lekh badal aabhar.

  Dipak
  jamnagar

  Like

 7. rep. by msg..

  સ્નેહાબેન …વચનેસું કી દરિદ્રતા?એ રાજકારણનો પાયાનો સિધ્ધાંત હોય શકે પરંતુ લાગણીના સબંધો આ નિયમ ચાલતો નથી આ વાસ્તવિકતા છે…આજના ”ફૂલછાબ”ની તમારી લઘુકથા વાંચી,એકદમ સરસ…ને સ્નેહીજનો નું માનસ ”સ્કેનીંગ”કરે છે…લાગણીના પાયા પર રચાયેલા સબંધો લાગણી ને ન્યાય સિવાય બીજી કોઈ અપેક્ષા રાખતા નથી..ખરેખર જીવન સાથે તાદાત્મ્ય સાધતી લઘુકથા..ઘણીવાર જે નજીક હોય છે એની ખોટ આપણને કેવી ને કેટલી લાગશે …એમની શું ”કિંમત”છે ? એ સમજવામાં આપણે થાપ ખાઈ જતા હોય ઘણીવાર એમાં કોઈ હેતુની ગેરહાજરી પણ હોય શકે!સાચા લોકો સ્વમાની હોય ને ફરી એને પામી શકતા નથી…ને ખરી લાગણીઓ કાચ સમાન,એને ફરી જોડી શકાતી નથી… !Anyways sis give and take is the universal principal of life!..તમે લાલબત્તી ધરી તો વાંચકોને એનો ફાયદો મળશે ને લેખક એ જ કે કોઈ જીવનના મૂલ્યોને પુનઃમૂલ્યાંકન કરાવે અથવા નવા મૂલ્યોને જન્માવે.. કિંમત ચુકવ્યા વગર કશુંયે મળતું નથી..હા! કિંમત નું ”ફોર્મેટ”જુદું હોય શકે.દરેક સબંઘ પર તેની ”એમ.આર.પી”.ટેગ હોય છે ,ઈશ્વર આપણને એ ”વાંચી”શકવાની શક્તિ આપે એજ પ્રાર્થના..!!!!!!!!!!!!!

  Like

 8. પ્રિય સ્નેહા,જયશ્રીકૃષ્ણ.આજનો તારો લેખ સંસારિક “ગુઢાર્થ”નો છે…સાન માં સમજવાની વાત છે! જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ….!!! મહદઅંશે સાચી છે..;અપવાદ બની શકે.
  કાર્તિકા .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s