અભિપ્રાય


કોઇના અભિપ્રાયોના પાયા પર તમારા સંબંધોની ઇમારત ક્યારેય ના ચણશો.

કુછ અપની અક્કલ ભી દોડાઓ…

 

સ્નેહા પટેલ – અક્ષિતારક

 

જવાબદાર


માનવી એના વર્તનના દરેક પરિણામ માટે પોતે જ જવાબદાર હોય છે.

સ્નેહા પટેલ – અક્ષિતારક

સારું છે.


જીવનમાં જાત પર હસવાના પ્રસંગોની કમી નથી,

સારું છે એથી જ

લોકોના જીવનમાં ડોકાચિયા કરવાની પડી નથી…

સ્નેહા પટેલ – અક્ષિતારક


વિશ્વસનીય સેતુ


આજનો ફુલછાબ દૈનિકમાં ‘નવરાશની પળ’ કોલમનો મારો લેખ.

ચાલ જીંદગી આજે તને ફરીથી જીવું

જે ભૂલો કરી છે,એને મઠારીને જીવું…

‘મમ્મીજી, આજે મારે ઓર્ડરમાં જવાનું છે. મોટી પાર્ટી છે. સારી એવી કમાણી થશે એમ લાગે છે. આજે આપણે કોઇ એક વસ્તુ બનાવી દઈએ જમવામાં તો ના ચાલે ? મારો સમય સચવાઈ જશે, પ્લીઝ ‘

‘વહુરાણી, તમે આ કામ ચાલુ કર્યુ ત્યારે ચોખવટ થઈ જ ગયેલી કે ઘરનું કામ પહેલાં. એ છોડીને તમે બહાર જવાનું નામ નહી લો. વળી તમારા સસરાને દીવાળીના તહેવારમાં પૂરી,મઠો, કઢી, મટર-પુલાવ, બટાકાનું શાક અને એકાદ ફરસાણ જેવું કંઇક ખાવાનો મૂડ છે. તમારે તો આ ઓર્ડરનું રોજનું થયું પણ  તહેવાર તો વર્ષમાં એક જ વાર આવે છે. આમ જવાબદારીથી ભાગવાની વાતો ના કરો ‘

અને પૌરવી સ્તબ્ધ. આજ કાલ તો વળી કામવાળી પણ નહોતી આવતી. આટલી બધી રસોઇ બનાવવા બેસે તો તો પતી ગયું. એ તરત નિવેદન પાસે ગઈ.

‘નિવુ, આ મમ્મીને સમજાવ ને જરા. જો ને કેવું નાના બાળક જેવું વર્તન કરે છે.’

નિવેદને આખી વાત શાંતિથી સાંભળી અને કહ્યું ઃ

‘પૌરવી, હું તારી વાત સમજુ છું. તને કામની આળસ નથી એ વાત પણ સ્વીકાર્ય. તારે આ પાર્લરની મજૂરી પણ મારા ઓછા પગારના લીધે જ કરવી પડે છે એનો મને અફસોસ છે .પણ તને તો ખબર છે, હું મમ્મી કે પપ્પાની સામે ક્યારેય નથી બોલતો. તું તારી રીતે રસ્તો શોધી લે ને એમાંથી. મહેરબાની મને વચ્ચે ના પાડ ‘

આટલું બોલીને ટ્રાઊઝરમાં પર્સ અને રુમાલ સરકાવતો એ ઓફિસે જવા નીકળી ગયો. પાછળ છોડી ગયો પ્રેમલગ્ન કરી અને વાયદાઓના મિનારો ચણેલી સ્વપ્ન નગરીના તૂટેલા ભંગારના અવશેષો પર મજબૂરીના આંસુ સારતી પૌરવીને. બે મિનીટ રહીને પૌરવીએ મન મક્કમ કર્યુ અને ફટાફટ પૂરી, શાક બનાવી દીધા. મઠો તો ફ્રીજમાં પડેલો જ હતો. જેમ તેમ થોડું લૂઝ લૂઝ ખાઈને, પાર્લરનો સામાન પેક કરીને સાસુમાને આવજો – જય શ્રી ક્રિષ્ણા કહેતી નીકળી ઘરની બહાર નીકળી ગઈ.

સાંજે તો પૌરવીએ મકક્મતાથી નિવેદનને બહારથી ભાજીપાઊં પેક કરાવીને જ ઘરે જવાનું કહી દીધેલુ. થાકેલી પાકેલી પૌરવીએ ઘરમાં પગ મૂકતા જ ધારણા અનુસારનું વાતાવરણ જોયું. પણ બધાયની સામે આંખ આડા કાન કરીને બાથરુમમાં જઈ શાવર લઇને ફ્રેશ થઈને, જે થશે બીજા દિવસે જોયું જશે..અત્યારે તો માનસિક કે શારીરિક સહેજ પણ તાકાત નથીવાળી કરીને સીધી જ પલંગમાં આડી પડી.

એના આ વર્તનથી નિવેદને એના મમ્મી – પપ્પાનું ખાસું એવું સ્વસ્તિવચન સાંભળવું પડ્યું જે એણે ચૂપચાપ સાંભળી લીધું અને છેલ્લે બગાસા ખાતો ખાતો ઉઠીને બેડરુમમાં ભરાઈ ગયો.

બીજા દિવસે સૂરજ કાળા કિરણો સાથે જ ઉગેલો.

‘પૌરવી, આ આમારું ઘર છે. અમારા કહ્યામાં ના રહેવું હોય, આમ બેફામ વર્તન કરવું હોય તો તમે તમારું અલગ ઘર કરી લો’

પૌરવીને આ અપમાન  હાડોહાડ લાગી ગયું.

‘નિવેદન, શું આમ કાયરની માફક સાંભળ્યા કરો છો. લગ્ન કરતી વેળા તો ઘર છોડીને ભાગીને પણ મારી સાથે પરણવા તૈયાર હતાં. તો એ શૂરાતન હવે કયાં ગયું ? તમને પણ ખબર છે કે મેં કયારેય કોઇ જ જવાબદારીમાંથી હાથ નથી ખેંચ્યો. આ ફકત મારો સમય સાચવવાની વાત હતી. એક સમય આખી રસોઇ ના થઇ ઘરમાં તો કયું મોટું આભ તૂટી પડ્યું ? તું કંઇ બોલતો કેમ નથી? તું નથી બોલતો એટલે મારે બોલવું પડે છે. દીકરાનું બોલેલું મા બાપ ભૂલી જશે પણ પારકી જણેલી વહુને તો વ્યાજ સમેત પાછું માથે મારશે. થોડો તો સપોર્ટ કરો મને ‘

‘સોરી પૌરવી, તારે જે બોલવું હોય એ તને છૂટ પણ મને આ બધું નહીં ફાવે’

‘ઓ.કે. તો ચાલો આપણું અલગ ઘર કરી લઈએ’

‘ના પૌરવી,એ તો કેમ શક્ય છે ?’

‘અરે, મારી અને તમારી કમાણી થઈને આંક્ડો ૨૫,૦૦૦ પર તો પહોંચી જ જાય છે. પછી શો વાંધો છે ?’

‘ના.એ શકય નથી. તું જ કોઇ વચેટીયો રસ્તો શોધી લેજે આનો, ગુડ નાઈટ. સૂઇ જા હવે..તમારે તો ઠીક મારે કાલે ઇમ્પોર્ટન્ટ મીટીંગ છે’

સવારે નિવેદન આંખો ચોળતો ચોળતો પથારીમાથી ઉભો થયો અને રોજની ટેવ મુજ્બ સીધો બાથરુમમાં ઘૂસ્યો ત્યાં એની નજર વોશ-બેઝિન પરના કાચ પર ફરફરતા કાગળ પર પડી.

‘ગુડ મોર્નિંગ નિવેદન, હું તારા ઘરમાં અઢળક અરમાનો સાથે પ્રવેશેલી. જીવનના દરેક રસ્તે આપને એક-બીજાનો હાથ પકડીને ચાલીશું, એક બીજાની તકલીફોને પોતાની, આપણી સમજીને એનો નિવેડો લાવીશું, એકબીજામાં મૂકેલો ભરપૂર વિશ્વાસ પ્રેમથી જાળવીશું, તારુ સ્વમાન એ મારુ અને મારું એ તારું સમજીને એના રખોપા કરીશું અને જીંદગી હસી – ખુશીથી જીવીશું. તારા પર બહુ વિશ્વાસ મૂકેલો મેં. પણ તું એ બધામાં નાપાસ થયો ડીયર. ‘મારી તકલીફો સહિયારી અને તારી એ તારી’ જેવું તારું સ્વાર્થી વર્તન મને બહુ પીડા આપતું હતું. હું મારા મા બાપ, સગા સંબંધી બધાયને છોડીને તારી પાસે આવી અને તું એક તારા મા બાપને આપણી વાત પ્રેમથી સમજાવવા, ગળે ઉતારવા જેવી વાતમાં પણ સાથ ના આપી શકે એ ક્યાંનો ન્યાય ? ના તું એક સારો પતિ બની શક્યો કે ના એક જીમ્મેદાર દીકરો. મારે મારા દીકરા માટે આવો બેજવાબદાર અને વિશ્વાસ સાચવવામાં ઊણૉ ઉતરે એવો પિતા નથી જોઇતો. તું તારી જીન્દગી આરામથી જીવ મને તો મારી જાત પર પૂરો વિશ્વાસ છે. મારું હું ફોડી લઇશ. મને શોધવાની કે પાછી બોલાવવાની કોશિશ ના કરીશ. જય શ્રી ક્રિષ્ણા’

અને નિવેદન કોઇ જ સંબોધન વગર પૂરો થયેલો પત્ર લઇને પસ્તાવાથી નહાતો ઉભો રહ્યો,

‘કાશ, પોતે ઘરમાં બેય પક્ષે સંતુલન રાખવાની,  સમજના દોરાથી જોડવાની થોડી પણ દરકાર કરી હોત, બેય પક્ષ વચ્ચેનો ‘વિશ્વસનીય સેતુ’ બનવાનો પ્રયત્ન કર્યો હોત તો આજે જીવનમાં આવો સમય તો ના આવ્યો હોત ને.’

અનબીટેબલ  :- જવાબદારી જવાબદારીપૂર્વક પૂર્ણ કર્યા જેવો સંતોષ દુનિયામાં બીજો કોઈ નથી.

-સ્નેહા પટેલ – અક્ષિતારક