તૃષ્ણા


આ મહિનાનો ‘શ્રી ખોડલધામ સ્મ્રુતિ’ મેગેઝિનમાં ‘આચમન’ કોલમનો મારો લેખ.

રાતના ૯-૦૦ વાગે “કૌન બનેગા કરોડપતિ” નામનો સરસ મજાનો પ્રોગ્રામ ચાલુ થાય છે.

અમિતાભજીનો ઘેરો, આખા ભારતને મદહોશ કરનારો અવાજ ઘરના ડ્રોઈંગરૂમના ટી.વી.માંથી રેલાય છે,

‘તમે ધારોકે અહીંથી તમારી મનપસંદ રકમ જીતી જશો, તો એ જીતની રકમનું તમે શું કરશો?’

અને લગભગ ૧૦૦માંથી ૯૦ જવાબ ‘ધરતીનો છેડો ઘર’ની આસપાસ જ ફરતો જોવા મળ્યો છે.

જેમનું પોતાનું ઘર હોય એમને લોનના હપ્તા ભરી દેવાની ઇચ્છા હોય છે. જે નાના ઘરમાં રહેતા હોય એમને મોટા ઘરમાં જવાની ઇચ્છા હોય છે. તો જેમના ઘરના  હપ્તા ઓલરેડી ચૂકવાઈ ગયા હોય એમને ઘરમાં ફર્નિચર વસાવવાની ઇચ્છાઓ હોય છે. જેમનું ઘર ફર્નિચરથી સુસજ્જ હોય એમને વળી એ તોડાવીને નવું લેટેસ્ટ સ્ટાઇલનું ફર્નિચર વસાવવાની ઇચ્છા હોય છે. વળી અમુકને બધાની શાંતિ હોય તો અમુક વહેમ કે અંધશ્રધ્ધાઓના ભૂત મગજમાં ભરાયેલા હોય કે આ ઘરમાં આવ્યા પછી અમારી ધંધામાં ચડતીના બદલે સતત પડતી જ થઈ છે, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ મકાનનુ પ્રારૂપ આ પ્રકારનુ રાખવુ જોઈએ કે આંગણ વચ્ચે હોય.

આંગણ કેવા પ્રકારનુ હોવું જોઈએ-

આ મધ્યમાં ઉંચુ અને ચારે તરફથી નીચું હોય. જો આ મધ્યમાં નીચુ અને ચારે બાજુથી ઉંચુ હશે તો એ તમારી માટે નુકશાનદાયક છે.

આવુ આંગણ હોય તો તમારી સંપત્તિ નો નાશ થઈ શકે છે. પરિવારમાં વિપદા વધશે.

વાસ્તુ મુજબ આંગણની લંબાઈ અને પહોળાઈના સરવાળાને આઠ થી ગુણીને નવથી ભાગવાથી શેષનુ નામ અને ફળ આ રીતે જાણો – પછી શેષના આંકડા આપીને તેના પરિણામો આપ્યા હોય .

આ બધા ચક્કરોના કારણે આ દિવાળીએ થોડી પૈસાની તડજોડ કરીને પણ બધું તોડીને ઘર ફરીથી વાસ્તુને અનુકૂળ બનાવી દઇએ.

કાં તો અમુક જગ્યા આગળ વધે એવી શક્યતા છે, તો એ પ્રમાણે ઘરને થોડું મોટું કરીએ તો થોડી મોકળાશની જગ્યા ઉમેરાય. આ એરિયા જ રહેવા જેવો નથી, પાડોશી સારા નથી- ઉપરવાળા જેમ તેમ કચરો નાંખ્યા કરે જે આપણા આંગણામાં પડે રાખે છે, છોકરાઓ પણ ટાઈમ કટાઇમ જોયા વગર આખો દિવસ ધમાચકડી મચાવે રાખે છે, કેટલું સમજાવ્યું પણ પથ્થર પર પાણી જ ..વળી બાથરુમ લીકેજ થાય છે એ રીપેર કરાવવા માટે પણ  તૈયાર થતા નથી આખા ઘરની દિવાલો જુવો તો ભેજ ભેજ..આવા ઘરમાં તો કેમ રહેવાય,  નીચે ધીમે ધીમે શોપિંગ સેન્ટર બનતું ગયું છે એ પણ ન્યુસન્સ જ થઇ ગયુ છે..આખો દિવસ માણસોની અવર જવર, કોલાહલ..બપોરના કે રાતના સૂવા માટે શાંતિ જ ના મળે ને.. અહીંટ્રાન્સપોટેશનની ફેસિલીટી પ્રોપર નથી, સગા સંબંધીઓના ઘર બહુ દૂર પડે છે…આવા તો ઢગલો કારણો માણસોને મળી રહે છે.

યેન કેન પ્રકારેણ.. પોતાના ઘરથી માનવીને કોઇ દિવસ સંતોષ થતો જ નથી.

દર વખતે મને એમ થાય કે આ વખતે તો પેલો ‘કન્ટેસ્ટન્ટ’ કંઇક નવી જ ઇચ્છા જાહેર કરશે પણ અફસોસ..મને એ જ જૂનો પુરાણો જવાબ  સાંભળવા મળે. હા અપવાદરુપે કોઇક વીરલો આવી જાય, પણ એ બધું બહુ ઓછા અંશે જોવા મળે.

કેમ આમ..!!!!

હમણાં જ ઘરની સામે તાજી જ વિયાયેલ કૂતરી પોતાના પાંચ ભટોળિયાને પોતાના શરીરની હૂંફ વડે ગરમાવતી નિરાંત જીવે સૂતેલી દીઠી. ચોમાસાનો સમય અને આવી હાલત. કૂતરીપોતાના શરીર વડે શક્ય એટલા ગલૂડીયાઓને ઢાંકવાનો પ્રયત્ન કરતી કરતી પાછી ઝોકે ચડી જતી.

આજકાલની ઋતુઓ હવે પહેલાં જેવી આગોતરી ભાળ મેળવી શકાય એવી સરળ નથી રહી. ભરતડકે વરસાદ પડી જાય અને વાવાઝોડાના અંધકારમાંથી અચાનક તડકો પણ રેલાઇજાય. સાવ જ અકળ. કૂતરી પોતાની તનરુપી છત્રીનું ક્ષેત્રફળ વધારવાના સતત પ્રયાસ કર્યા કરે છે. વરસાદ તો બંધ થયો.  હવે ખાવાનું શોધવા માટે જવાનું થાય તો આ બચ્ચાઓનું શું કરવું એ યક્ષ-પ્રશ્ન ! કૂતરી બાજુમાં માટી ખવરી ખવરીને થોડો ખાડો બનાવી દે છે. બચ્ચાંઓને એમાં ધકેલી દે છે અને પછી તો ઉપરવાળો બેઠો જ છે ને ચાર હાથવાળો..એમના ભરોસે મૂકીને એ ખાવાનું શોધવા ઉપડી જાય છે.

માટી, માતા, મજબૂરી, ઉપરવાળાના  ભરોસે જન્મનારાને રમતા મૂકી દેવાની અલગારીતા. આ બધા આગળ એ કૂતરીને પોતાના ઘર હોવું જોઇએ એવી કોઇ જ જરુરત નથી ઉદ્દભવતી. કેટલી ઓછી વસ્તુઓમાં પણ એનું ગુજરાન સુખેથી ચાલે  છે..!!

ઘર એટલે હૂંફનો માળો જ હોય ને. પરિવારજનોની હૂંફ, પ્રેમ, સંતોષ  હોય તો એવા ઘરને છોડીને માનવીને સ્વર્ગમાં જવાની ઇચ્છા પણ ના થાય. જરુરિયાત અને મોજ શોખ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજી શકો અને સંતોષની નદીમાં નાહી શકો તો એ પછી  અનુભવાતી તાજગી તમને  કોઇ જ જાતના સુગંધી સાબુ, માલિશ, સોના બાથ, સ્ટીમબાથ કે બ્રાન્ડેડ કપડાં થકી નહીં મેળવી શકો. કારણ, એ તાજગી પ્રભુના વરદાન સમ સ્વ્યં-સ્ફુરેલા ઝરા જેવી દિવ્ય હોય છે.

આજકાલનો માનવી વસ્તુનિષ્ઠ બનતો જાય છે. મને  આ જોઇએ, મને તેના વિના નહીં જ ચાલે. પોતાની ખુશીઓને પરાધીન બનાવી મૂકે છે. એની જાણ બહાર એના આનંદનું ગુલામીખત ભૌતિક ચીજવસ્તુઓના નામે લખાઇ જાય છે. કાયમ અસંતોષના હીંચકા પર આગળ પાછળ ઝૂલ્યા જ કરે છે. પણ એ ભૂલી જાય છે કે હીંચકો ભલે ગમે એટલો દૂર લઈ જઈ શકે પણ એણે પોતાની જગ્યાએ પાછો આવવું જ પડે છે. એ દૂરતા તો સીતાના મૃગ જેવી આભાસી હોય છે.

સંવેદનબધીર સમાજની  કરુણતા એ છે કે આપણે ભોળપણને મૂર્ખતામાં ખપાવીએ છીએ અને કપટને સ્માર્ટનેસમાં. સંવેદનાના, માનવતાના મહાન મૂલ્યોની હોળી સળગાવીને મેળવાતામાનવીના રૂપાળા, સુખ-સગવડીયા ઘરના બહારના રૂપરંગથી અંજાઈને ચકાચોંધ થઈ જતી આંખો, એ ઉજાસ પાછળ કેટલાય માનવઅશ્રુઓની નદીઓ વહેલી છે, કેટલીય જુવાનજોધ આંખોના હીર ચૂસી લેતા રાતદિનના ઉજાગરા વણાયેલા છે, કેટલાં પ્રેમાળ પરિવારો તૂટ્યાની વેદનાના ડુસ્કાંનો કોલાહલ પડઘાય છે, લોનોના હપ્તા ભરી ભરીને બેવડ થઈ ગયેલી કમર સાથે કેટલાંય ખમીરવંતોના ખમીર  ધૂળમાં રગદોળાઇને ચકનાચૂર થઈ ગયેલા છે.. આવી ઢગલો હકીકતો નિહાળી જ નથી શકતી.

કુદરતના ખોળે ઊછરવાનું, એને અનુકૂળ થઈને સરળતાથી જીવનાનું, એ બધું ભૂલીને માનવી પોતાના સુખ સગવડોના સાધનો વધારવામાં સતત પ્રકૃતિની સાથે બાથ ભીડતો જ જોવા મળે છે. પોતે શું કામ પ્રકૃતિને અનુરુપ થાય એને મારી અનુરૂપ થવું જોઇએ. હું આખી દુનિયાનેમારી બુદ્ધિ પ્રતિભાથી ઝુકાવી શકું છું, મહા સમર્થ છું , એવા ક્ષણિક વિજયના મદમાં ઝૂમતો થઈ ગયો છે.

આજકાલનો માનવી ધરતીમય, નદીમય, લીલાછમ વ્રુક્ષમયના બદલે સિમેન્ટમય,પ્લાસ્ટિકમય, સ્ટીલમય થતો ચાલ્યો છે. એ બધાના ખપ્પ્પરમાં કુદરતની મૂલ્યવાન ધરોહર જેવા જંગલો, માસૂમ પ્રાણીઓ – પક્ષીઓ  વગેરે હોમતો જાય છે.

કુદરત જેવું મહાન ફાંટાબાજ બીજું કોઇ નથી. આ બધાના બલિદાન એ નિરર્થક નથી જવાદેતી. ‘ગ્લોબલિયા વોર્મિંગ’ નામના રાક્ષસના વિકરાળ પંજામાં એ બધી ઋતુઓના સંતુલન,માનવજાતની પાણી, અનાજ જેવી મૂળભૂત જરૂરિયાતોનો હવાલો સોંપી દે છે. પરિણામે ચાંદ પર જઈને બેઠેલો, મંગળ ગ્રહ પર પણ જીવન શોધી આવનારો મહાન માનવી પોતાની ધરતી પર જ કુદરત સામે વામણો બની જાય છે.

જે ઘર માટે,  સુખસગવડો માટે એણે રાત દિન એક કરીને  ધમપછાડા કર્યા હોય છે, એ જઘર, સુખ સગવડો કુદરતની એક જ લપડાક સમા ધરતીકંપ, અતિવૃષ્ટિ – દુકાળ, સુનામી,વાવાઝોડા સામે પળવારમાં જ ચકનાચૂર થઈ જતું જુવે છે અને એ બધામાંથી જાન સલામત બચે તો દૂર ઉભા ઉભા પોતાના જીવનની આટલી દોડધામની નિરર્થકતા પર બે હાથની હથેળી પરસ્પર મસળતો ઉભો રહ્યા સિવાય કશું નથી કરી શક્તો.

સ્નેહા પટેલ – અક્ષિતારક