કીટ્ટા – બીટ્ટા…


‘ખેતીની વાત’ મેગેઝિનમાં કોલમ ‘મારી હયાતી તારી આસ-પાસ’નો નવેમ્બર માસનો મારો લેખ.

હમણાં જ મેં શ્રી હરિશચંદ્ર ભટ્ટનું સરસ કાવ્ય વાંચ્યું. કાવ્યનું નામ  હતું ‘એકો અને નાર્સિસસ’.

નાર્સિસસ અનહદ સુંદર પુરુષ હોય છે. જોકે એ જમાનામાં અરીસાની શોધ ના થઈ હોવાથી નાર્સિસસને પોતાના અપ્રતિમ સૌંદર્યની જાણ નહોતી. એ અત્યંત ઘમંડી હોય છે. એની દેદીપ્યમાન કાંતિથી આકર્ષાઈને પ્રેમથી છલોછલ એવી ‘એકો’ નામની સ્ત્રી પોતાની નાજુકાઈ અને પ્રેમનું પાત્ર લઈને એની નજીક આવવાનો પ્રયત્ન કરે છે. એ તો પોતાના વ્યક્તિત્વ – અસ્તિત્વનું વિલોપન કરીને સંપૂર્ણપણે નાર્સિસસની થઈને રહેવાની તીવ્ર ઝંખના સેવે છે. પણ એના નાજુક પ્રેમનો સામો પડઘો ના પડતા એ નાજુક પરીનું દિલ તૂટી જાય છે,  હૈયું વલોવાઇ જાય છે. છેલ્લે પ્રેમનો આર્તનાદ કરતી કરતી એ અ…નં..ત…માં ડૂબી જાય છે અને રિબાઈ રિબાઈને મરણને શરણ થઈ જાય છે.

નાર્સિસસ વન-વિહાર કરતો કરતો એક દિવસ એક ઝરણાના પાણીમાં પોતાના રૂપને જોઈને પોતાની જ જાત પર મંત્ર-મુગ્ધ થઈ જાય છે. સ્વયંના પ્રેમમાં અંધ બનેલો એ યુવાન પોતાના જ રૂપમાં પીગળતો-ઓગળતો જાય છે અને સાનંદાશ્રર્યની સ્થિતીમાં ત્યાં ઉભો ઉભો જ મૃત્યુને શરણ થઈ જાય છે. ગ્રીક દંતકથામાં એ ફૂલ બની જાય છે. જે ‘નાર્સિસસ’ના નામથી ઓળખાય છે. ફારસીમાં આને ‘નરગીસના ફૂલ’ તરીકે ઓળખવામાં આવે છે.

આ વાત એટલા માટે યાદ આવી કે તું કાયમ મને કહે છે કે, ‘તું મને દુનિયાની સૌથી વધુ વ્હાલી વ્યક્તિ છે’…સાંભળીને હું અતિશય આનંદ પણ પામું છું. પણ બીજી જ ક્ષણે મને તારા વર્તનમાં ‘મારી જાતને હું જ સૌથી વધુ પ્રિય છું’ જેવો આત્મપ્રેમ દેખાય છે. એવું સાંભળવામાં આવ્યું છે કે પુરુષો પ્રેમમાં વધુ આત્મકેન્દ્રી હોય છે. પોતે જ પોતાની જાત પરના અહોભાવથી અભિભૂત – ઓળઘોળ હોય છે. તો શું તું પણ ક્યાંક આવો જ તો નથી ને ?

કાલે જ આપણી વચ્ચે એક નાની શી વાતમાં ઉગ્ર ચર્ચા થઇ હતી. આજે એ વાતને લઈને તું કેટલો દૂર જતો રહ્યો છે. મારી લાગણી-વર્ષા બધીયે વ્યર્થ જ જાય છે , પેલી પ્રેમાળ પરી ‘એકો’ની જેમ જ સ્તો..

રેઈનકોટી સંબંધે

તું

લાગણી-વર્ષા

શીદ કરે…!!!!!

કેવો નિર્દયી છે તું. હું અહીં તારા પર આખે આખી જાત ઓવારીને બેઠી છું, દિલ નિચોવીને વરસી રહી છું ને તું..એક નાની શી વાત પર મારાથી નારાજ થઈને દિલ પર દિમાગનું મીણીયું કવચ ઓઢીને બેસી ગયો છે. મારું બધુંય વરસવું એના પરથી ટપ ટપ કરતું’ક ને નીચે સરકતું જાય છે.

‘બુંદ બુંદ નીચોવાઈ જનાર વાદળી

કાયમ

પોતે તો કોરી ને કોરી જ’

કેવો અભાગિયો જીવ !

તું સમજતો કેમ નથી કે પ્રેમ હોય ત્યાં થોડા ઘણા મતભેદ તો હોય જ. આ તો એકદમ સ્વાભાવિક વાત છે. ‘તું તારા રસ્તે હું મારા રસ્તે’વાળો માનવીય સ્વભાવ ઠેકડાં મારી જાય, પળ બે પળનો અહમ સમગ્ર ચિત્તપ્રદેશ પર છવાઈ જાય. પણ આવા ઝગડાંઓ તો મીઠા ઝગડાં કહેવાય.

‘કેટલી બદનસીબ પળ

મેં કહ્યું કીટ્ટા

અને તેં કહી દીધું

આજથી આપણે છુટ્ટા’

આવું ના કર.

તને ખબર છે આવા ‘કીટ્ટા’ના પ્રસંગો પછી પ્રિયા સાથે ‘બીટ્ટા’ કરવાની લિજ્જત જ કંઇક અલગ હોય છે. એ રિસામણા-મનામણાની જેવી આવડે તેવી, કાલી ઘેલી પ્રેમ પ્રદર્શિત કરવાની ભાષા કેટલી અદ્દભુત હોય છે !! અહાહા..તમારું દિલ તમારા દિમાગ પર હાવી થઇ ગયું હોય અને તમે કશું જ વિચાર્યા વગર મનમાં જે વાત આવે એ વાત સામેવાળાના કાનમાં પ્રેમપૂર્વક, જતનપૂર્વક રેડયા જ કરો..કાનથી દિલ સુધીનો એ રસ્તો બને એટલી ત્વરાથી પાર કરવાની લાલચ દિલમાં ધરી એને રીઝવવાના અવિરત પ્રયાસો કર્યા જ કરો. આ બધી પળોનું વર્ણન કદાચ દુનિયાની કોઇ જ ભાષામાં ના થઈ શકે. આ બધા માટે તો દુનિયાએ એક નવો શબ્દકોશ બહાર પાડવો પડે,

‘પ્રેમનો શબ્દકોશ’.

આ શબ્દકોશ દુનિયાની દરેક યુનિવર્સિટીમાં ભણાવવો ફરજીયાત હોવો જોઇએ. તો શબ્દોના સ્થાને દિલની લિપીમાં લખાયેલા આ અદભુત શબ્દકોશના એ સંકેતો ઉકેલી ઉકેલીને કેટલાય લોકોના જીવન પ્રેમથી મઘમઘી ઉઠે, નીતનવા પ્રસન્ન્તાના ઝરા ફૂટ્યા જ કરે. નફરત જેવી દાહક, ઘાતક લાગણીઓના રાવણદહન થઈ જાય અને પ્રેમની વિજયાદશમીના તહેવારો ઉજવાય.

પણ તું તો જો..કેટલો બેપરવા..મને મનાવવાને બદલે સાવ લાગણીશૂન્ય થઇને બેઠો છે. હું અહીં લળીલળીને વિનવણી કરું છું, માફી માંગુ છું, વારંવાર કહુ છું કે જે ભૂલ થઈ ગઈ એ મને કહે ! પણ છતાં તું એક હરફ નથી ઉચ્ચારતો. જબરો ભેદી…પ્રતિ-ઉત્તરમાં મોઢા પર કોઇ પણ જાતની લાગણી વગરનું કોરુંધબ, રહસ્યમય મૌન જ મૌન. તને ખબર છેને કે, ‘આ તારું મૌન મારો જીવ લઈ જશે’ એમ છતાં આવું વર્તન ! કોઈ પણ વાતે ના તો તું ‘ના’ બોલે છે કે  ના તો ‘હા’. આવું થોડું ચાલે? કંઇક બોલ તો ખબર પડે મને !

એક બાજુ આવી રહસ્યમયતા અને સામે પક્ષે એક ગભરુ, નાદાન દિલ..’બાપડું બિચ્ચારું’ જ બોલાઇ જાય એવી હાલતનું સર્જન શીદને કરે છે ? નથી સહેવાતું હવે આ બધું.

‘એક કાજળઘેરું મૌન તારું,

ઉપરથી નિર્લેપતાના લેપવાળું.

શબ્દોની ધાર ચકાસી લેવા દે,

એ જ આખરી હથિયાર મારું,

વાંચીને પણ તું જો ના પીગળે તો,

લખેલું બધું યે ધૂળ મારું…’

આવું જ કંઇક છે આજે. અત્યારે તો મારા શબ્દો જ મારી મૂડી છે. લાગણીના સાંચામાં ઢાળીને એને તારી સમક્ષ જીવ રેડીને પીરસું છું. સામે પક્ષે તું પણ તારી અહમની મમત છોડી દે. કારણ દિલના દર્દીને દિમાગથી ચાલનારા, એનું માનનારા ચાલબાજ, દુનિયાદારીનો માણસ નહીં સમજી શકે. બાકી તો,

‘જો તું તારો ’અહમ’ ના વહાવી શકતો હોય

તો મારા આ પ્રેમના ’ગંગા – વહેણ’ પણ નકામા…’

આમ સરળતાથી સતત વહેવું એ મારો સ્વભાવ છે, જે બદલવો મારા હાથમાં નથી. આ સરળપણાનું અનમોલ મોતી જે તારે હાથ લાગ્યું છે એનું મહત્વ સમજ. હીરાને કાચ સમજવા જેટલો નાદાન ના બન. મારા ગમા-અણગમા બધાંય તારા એક એક બોલને આધીન હોય છે એની તો તને ખબર છે ને.

‘આ શું થઈ ગયું ? મેં શું મેળવ્યું ?  શું ગુમાવ્યું ?’  આહ..ઓહ..આ લાગણીની લેતી દેતીમાં કેટલો નફો -કેટલી ખોટ..મારી સમક્ષ આવા પ્રશ્નોના ખડકલાં ના કર,  મહેરબાની કર. અરે, પ્રેમના પથ પર ચાલનારાથી આમ કંઇ માપ-તોલના છાબડાં લઈને થોડી બેસાય ?

‘જેને ચાહ્યો ધોધમાર વરસીને, મન મૂકીને,

એ આજે પ્રેમની સાબિતી માંગે છે.

પ્રેમના કોઈ તોલ માપ ધ્યાનમાં હોય તો કહેજો,

આ તો મારા જીવતા હોવાની સાબિતી માંગે છે !’

અહો આશ્ચર્યમ..!!

આ ‘આહ’ની અરેરાટી, ભયજનક સ્થિતીમાંથી મને બહાર કાઢ અને ‘અહા’નો એક હાશકારો ભરેલ શ્વાસ અર્પણ કર. આપણા પ્રેમની પવિત્રતાને વિશ્વાસનું થોડું તર્પણ કર. તારા દિલની સિતાર પર મારા પ્રેમને થોડો ફરકવા દે, મારે પણ તારી ખૂબ ખૂબ જરુર છે, હું પણ તને અનહદ ચાહુ છું જેવા દુનિયાના સૌથી મીઠા સૂરો આલાપવા દે. પ્રેમની લાગણીને આટલી ભારેખમ ના બનાવી દે, બધું ય ભૂલીને ફરીથી પહેલાં જેવો સરળ અને પ્રેમાળ થઈ જા અને એક્વાર ફરીથી વિશ્વાસના હિંડોળે મને બેસાડીને ઝુલાવ. એટલું ઝુલાવ એટલું ઝુલાવ કે ધરતીને અડતા પગ ઉપરનું તન છેક આભને જઈને સ્પર્શી જાય, ક્ષિતીજની રળિયામળી અલૌકીક દુનિયા મારા શ્વાસો-શ્વાસની ગરમીથી ધુંધળાઈ જાય.

તને તો અનુભવ છે ને કે પ્રેમ મળે અને જે ખુશી મળે એના કરતાં પણ પ્રેમ આપીને એક અદ્દભુત ખુશી મળે છે. એ સમયે આપણે પ્રભુની અત્યંત નજીક હોઇએ, એના લાડકવાયા સંતાન હોઈએ એવું લાગે છે. પ્રેમ એક ચમત્કાર જ છે. શ્વાસો-શ્વાસ જેટલી જ જરૂરી સરળ અને સાહજીક પ્રક્રિયા છે. તો આ ચમત્કારીક ઘટનાનો એક હિસ્સો બન, આમ એક એક પળ  ભેગી કરી કરીને રચેલો મારો લાગણીનો માળો સંવેદનોની શૂન્યતાને આધીન થઈને બર્બરતાથી પીંખી ના નાંખ. મારા અસ્તિત્વ- મારી હયાતીને આ કક્ષાની લાચારીએ ના લઈ જા.

અરે…આ કંઇક નવાઈની લાગણી ચિતોપ્રદેશમાં વિહરવા માંડી. શું નામ છે એનું વિચારવા દે જરા. ઓહોહો. આ તો વેદનાના આસવ ઘૂંટી ઘૂંટીને દિલમાં એક ખુમારીએ જન્મ લઈ લીધો છે. એ તને કહ્યા વિના રહી શકતી નથી,

‘પ્રેમ છે તો કબૂલી લે

બાકી તો

ખુમારી ભરી છે મારાંય રોમે-રોમમાં’

મને તારી દયા કે અનુકંપા કદી નહીં ખપે. વેદના જીરવાઈ જશે પણ અનુકંપા ક્યારેય નહીં. આ વાત બરાબર ધ્યાનમાં રાખજે. આવું થાય તો આપણા સંબંધોની પ્રસન્નતા, ઔદાર્ય નહીં જળવાય. પ્રેમ કરવામાં અભિમાન કે અહમ કદી વચ્ચે ના આવવો જોઇએ.

‘શું તારું કે શું મારું,

હવે તો સંધુયે આપણું સહિયારું’

આ ભાવનાને માન આપી સહિયારા સ્વમાનને પોસવાનું, સાચવવાનું એ તો પ્રેમમાં વણબોલાયેલ, વણકહેવાયેલ વચનોની વાત છે એ ખાસ ધ્યાન રાખવું ઘટે.

અરે હા..પેલી ગ્રીક પરીના પ્રેમનો પડઘો પાડવામાં અસફળ એવા નાર્સિસસને એના ફૂલને ઓળખનારું કે જોવાવાળું ભાગ્યે જ મળે છે. ‘એકો’ની નાજુક – પવિત્ર ભાવનાની ઉપેક્ષા કરનાર નરગિસનાં પુષ્પને હજારો વર્ષ પછી પણ કોઈ પારખનારું નથી મળતું. સાવ એકલું અટૂલું કોઇ એની જોડે વાત કરે એના માટે ઝૂર્યા કરે છે. થોડામાં ઘણું સમજી જાને હવે  !!

 

-સ્નેહા પટેલ – અક્ષિતારક.