પંખીવછોઇ કોઇ એકલી જગાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઇ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ ?
-રમેશ પારેખ
‘મારા પ્રિન્સને તો કોઇ પણ વાતે સહન કરવાની ટેવ નથી. લગ્નજીવનના દસ વર્ષ પછી માંડ માંડ ભગવાન રીઝ્યા અને આ રતન મારી ઝોળીમાં આપેલું. ‘દેવનો દીધેલો -રીકીન’. તમને તો ખબર છે કે, અમારે ત્યાં પૈસાની રેલમછેલ છે. કોઇ જ વાતની કમી નથી.અત્યંત લાડકોડમાં ઉછરેલો છે મારો દીકરો. આમ બહુ ડાહ્યો છે. પણ એને ના ગમતી વાત હોય તો એનાથી સહન ના થાય. એ તરત જ વળતો પ્રહાર કરી બેસે છે’.
રીતુબેન પોતાની નવી-નવી બનેલી બહેનપણી ઉષ્માબેન જોડે પોતાના હીરો હીરાલાલ, કનૈયા કુંવર, પ્રિન્સ ચાર્મિંગ જેવા સુપુત્ર રીકીનના ભરપેટ વખાણ કરી રહેલા.થોડા ગર્વીલાભાવે એનું ‘સહેજ પણ સહન કરવાની ટેવ નથીનું રીકીન પુરાણ’ આલાપી રહ્યાં હતા. ઉષ્માબેન પણ આ ગાંડી ઘેલી પૈસાદાર માના દરેક વાક્યને ધ્યાનપૂર્વક સાંભળીને મનોમન થોડી હસી રહ્યાં હતાં.
એવામાં રીતુબેનને ધ્યાન ગયું કે પોતે તો દીકરાને વખાણવામાંને વખાણવામાં ઉષ્માબેનને ચા – નાસ્તાનું કંઇ પૂછ્યું જ નહોતું.
‘ઉષ્મા તું શું લઈશ, ઠંડુ કે ગરમ ?’
ઉષ્માબેનનો ચાનો સમય થઈ ગયો જ હતો. એટલે એમણે ચાની ઇચ્છા જ પ્રદર્શિત કરી.
‘રવજી, બે કપ આદુ -ફુદીના અને લીલી ચા નાંખેલી સરસ મજાની ચા બનાવજે ને. પહેલાં નાસ્તાની પ્લેટસ આપી જા તો અહીં ‘
અને રવજીભાઈ નાસ્તાની પ્લેટસ લઈને પાંચમી મિનીટે ડ્રોઈગરુમમાં હાજર.
‘અમારા રવજીભાઈ બહુ જ પંકચ્યુઅલ. સવારના નાસ્તા કે બેડટીમાં સહેજ પણ મોડું થાય તો રીકીનનો ગુસ્સો સાતમા આસમાને. એનાથી કોઈની રાહ જોવાની વાત સહેજ પણ સહન ના થાય’
અને ઉષ્માબેને ‘સહન ના થાય’ ના લિસ્ટમાં થયેલો એક ઓર વધારો ‘ સાંભળતા સાંભળતા સામેની પ્લેટમાંથી સમોસું હાથમાં લીધું.
એવામાં રીતુબેનના મોબાઈલમાં રીંગ વાગી.
સ્ક્રીન પર નજર પડતાં જ એમનું મોઢું સ્મિતથી ભરાઈ ગયું.
‘આ તો મારો પ્રિન્સનો નંબર, એક્સક્યુઝ મી’
સામે છેડેથી આવતો અવાજ સાંભળીને રીતુબેન ચોંક્યા. આ મારા રીકીનનો અવાજ નથી. આ તો બીજો કોઇ છે..કોણ હશે ? હજુ તો એમની શંકાનું સમાધાન થાય ત્યાં તો સામેના પક્ષની વાત સાંભળીને રીતુબેનના હોશકોશ ઉડી ગયા.
‘શું વાત કરો છો..આવું કંઇ રીતે બની જ શકે..તમે ખોટું બોલો છો..’
અને ધ્રાસ્કાભરેલા અવાજ સાથે કાંપતા હાથમાંથી રીતુબેનના હાથમાંથી ફોન નીચે પડી ગયો ને સોફામાં ધબ…દેતાકને બેસી પડયાં.
ઉષ્માબેન એકદમ ઉભા થઈ ગયા. ‘શું થયું રીતુ ? કેમ આમ વર્તન કરે છે સાવ ? કોનો ફોન હતો ?’
રીતુબેન સાવ ખાલી ખાલી આંખે ઉષ્માબેનની સામે જોઈ રહ્યાં. એમના મોઢામાંથી એક પણ શબ્દ ના નીકળ્યો.
ઉષ્માબેને એમનો ફોન હાથમાં લઈને કાને માંડ્યો.
‘હેલો ..કોણ ?”
‘હેલો અમે સાકરવાડા પોલીસ સ્ટેશનથી બોલીએ છીએ. આ ફોનના માલિક મિ.રીકીનનું ખૂન થયું છે. તો આપ બને એટલી ઉતાવળે પોલીસ સ્ટેશન પર આવી પહોચો’.
ઉષ્માબેને તરત રીકીનના પિતા દેવભાઈને આ મેસેજ આપી દીધો અને રીતુબેનને થોડી હામ બંધાવીને એમની સાથે પોલીસ સ્ટેશને પહોંચી.
આખા રસ્તે રીતુબેને એક જ વાક્યનું રટણ કરતાં હતાં કે, ‘મારો દીકરો તો સાવ સીધો, કોઇ જ કુટેવ પણ નહોતી તો એને વળી કોણ મારી શકે? પોલીસની ભુલ થતી લાગે છે. આ મારો રીકીન હશે જ નહીં’.
પોલીસ સ્ટેશને જઈને જે દ્રશ્ય આંખોસામે આવ્યું એ ખરેખર અરેરાટીભરેલ હ્તું. એ લાશ રીકીનની જ હતી.
રીકીન એના મિત્રો સાથે પિક્ચર જોવા ગયેલો. એની પા્છળની સીટ પર કોઇ મવાલી છોકરાઓ પિકચરમાં વારંવાર કોમેન્ટ્સ કરતાં હતાં. એમના પગ આગળની સીટ પર લટકાવતા જેનાથી રીકીનના માથે એના ગંદા જૂતા અથડાતા હતા. રીકીનથી એ બધું સહન ના થયું. એના મિત્રોએ જોયું કે એ મવાલીઓ ચાકુ અને રિવોલ્વર જેવા હથિયારોથી સુસજ્જ હતાં. એમની સાથે બાખડવામાં સહેજ પણ સમજદારી નહોતી.
‘રીકીન, જવા દે ને. ઝઘડવામાં આપણાથી સાવ એમના જેવી કક્ષાએ જઈ નહી શકાય. વળી એ બધા ચાકુ અને રિવોલ્વર લઈને ફરે છે. આપણે જ સીટ બદલી કાઢીએ ચાલ. જો આગળની થોડી સીટ્સ ખાલી છે.’
પણ રીકીન જેનું નામ..કોઇની દાદાગીરી કે પોતાને ના ગમતી વાત કેમની સહન કરાય ? ‘સહન કરવાની’ તો એને સહેજ પણ ટેવ નહોતી અને ચાલુ પિક્ચરે પેલા છોકરાઓ સાથે બાખડી પડ્યો. દાદો હોય તો એના ઘરે. મારે કેટલા ટકા અને એણે સામે પેલા મવાલી છોકરાને બે ચોપડાવી દીધી.પરિણામે એ ગેંગના સાત – આઠ જુવાન છોકરાઓએ ભેગા થઈને રીકીનને બરાબરનો મેથીપાક ચખાડ્યો. એમાં એક છોકરાનું ચપ્પું રીકીનના પેટની આંતરડીઓને ચીરતાં આરપાર નીકળી ગયું અને રીકીનના ત્યાં જ બાર વાગી ગયા.
અને નીતરતી આંખે રીતુબેન વિચારી રહ્યાં કે ,
‘કાશ એમણે રીકીનને થોડું વ્યવહારિક જ્ઞાન આપીને જીવનની કડવી સચ્ચાઈઓનો સામનો કરવાનું શીખવાડ્યું હોત, જીવનમાં બધી જગ્યાએ પૈસાનો રોબ નથી ચાલતો – અમુક જગ્યાએ મને કમને થોડું નમવું પણ પડે છે,’તેલ જુવો ને તેલની ધાર જુવો’ જેવા પાઠ સમજાવ્યા હોત, થોડું સહન કરતાં શીખવાડયું હોત તો કદાચ આજે એનો રીકીન જીવતો હોત.’
અનબીટેબલઃ- Respect the fact that patience and politeness are not a person’s weakness, but they are the reflections of the person’s inner strength.
-unknwn.
સ્નેહા પટેલ – અક્ષિતારક